શું ગ્રેટ બ્રિટનના ભાગલા પડી રહ્યા છે? લોકો કેમ કહી રહ્યા છે જૈસી કરની વૈસી ભરની...!!?

અખંડ ભારતના ભાગલા પાડનારું બ્રિટન હવે ખુદ ભાગલાની પીડાથી ખળભળી ઊઠ્યું છે. મહંમદ અલી ઝીણા ભારત-પાકિસ્તાનના ભાગલા માટે પેદા કર્યો હતો એવો જ મહંમદ અલી ઝીણા હવે `હમઝા યુસુફ"ના નામે પેદા થઈ ચૂક્યો હોય તેવું લાગે છે. વાંચો...!?

    ૧૭-એપ્રિલ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Partition of UK in gujarati
 
 
હમણાં થોડા સમયથી સ્કોટલેન્ડને બ્રિટનથી જુદુ પાડવાની માંગણી બુલંદ બની છે. તેના મૂળમાં સ્કોટલેન્ટના નવા વડાપ્રધાન હમઝા યુસુફ છે. અખંડ ભારતના ભાગલા પાડનારું બ્રિટન હવે ખુદ ભાગલાની પીડાથી ખળભળી ઊઠ્યું છે. તેમણે જેવો મહંમદ અલી ઝીણા ભારત-પાકિસ્તાનના ભાગલા માટે પેદા કર્યો હતો એવો જ મહંમદ અલી ઝીણા હવે `હમઝા યુસુફ'ના નામે પેદા થઈ ચૂક્યો હોય તેવું લાગે છે. હમણાં બ્રિટનના બે ટુકડા કરવા માટેની માંગણી તે બુલંદ કરી રહ્યો છે અને યુનાઇટેડ કિગ્ડમ્માં હાહાકાર છે. આવો જાણીએ કે સ્કોટલેન્ડ શા માટે બ્રિટનથી જુદું પડવા માંગે છે અને ખરેખર હમઝા બીજાે ઝીણા બનશે કે કેમ ?
 
૧૮ જુલાઈ, વર્ષ ૧૯૪૭ની તવારીખ પર એક નજર કરીએ, બ્રિટિશ સંસદમાં ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ખરડો પસાર કરવામાં આવ્યો, જેના કારણે વિભાજનના દર્દ સાથે ભારતના ભાગલા થયા અને ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર દેશો તરીકે અસ્તિત્વમાં આવ્યા. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને પોતાના સામ્રાજ્યનો સૂરજ તપતો રાખનારા બ્રિટનના પણ આજે એ જ હાલ થઈ રહ્યા છે. ઇતિહાસે કરવટ લીધી છે અને બ્રિટનના ભાગલા પડવા જઈ રહ્યા છે. બ્રિટનના ભાગલા પર હવે સમગ્ર વિશ્વમાં ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. વાત જાણે એમ છે કે, સ્કૉટલેન્ડમાં પહેલી વાર કોઈ મુસ્લિમ નેતા પ્રથમ પદે ચૂંટાઈ આવ્યા છે. નિકોલા સ્ટર્જનના સ્થાને ચૂંટાઈ આવેલા પાકિસ્તાની મૂળના મુસ્લિમ હમઝા યુસુફ સ્કૉટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર એટલે કે પ્રથમ વડાપ્રધાન બન્યા છે. સ્કૉટલેન્ડમાં સર્વોચ્ચ નેતા તરીકે ત્યાંના વડાપ્રધાન એટલે કે ફર્સ્ટ મિનિસ્ટરના હાથમાં તમામ કાયદાકીય અને કારોબારી સત્તાઓ હોય છે. હમઝા યુસુફની વડાપ્રધાન તરીકે વરણી થયા બાદ એકવાર ફરી સ્કૉટલેન્ડની આઝાદીની ચર્ચાએ વેગ પકડ્યો છે. જોકે, સ્કૉટલેન્ડની આઝાદીની માંગણી એ કંઈ હાલની કે પહેલીવારની નથી.
સ્કૉટલેન્ડની બ્રિટન પાસેથી વર્ષોથી સ્વતંત્ર અસ્તિતવની માંગણી કરી રહ્યું છે. એવામાં ચૂંટણીપ્રચાર દરમિયાન હમઝા યુસુફે જનતાની નાડ પારખીને આઝાદીના મુદ્દા પર લોકમત માંગ્યા અને બાંહેધરી આપી કે, જો પોતે વડાપ્રધાન બનશે તો સ્કૉટલેન્ડને બ્રિટનથી વિભાજિત કરી સ્વતંત્ર દેશ બનાવવાની દિશામાં નક્કર પગલાં ઉઠાવશે. હકીકતમાં ત્યાંની સ્કૉટિશ નેશનલ પાર્ટીએ પણ વર્ષોથી બ્રિટનથી અલગ સ્વતંત્ર ઓળખની માંગણી સાથેનો રાજકીય એજન્ડા અપનાવ્યો છે.
 
હાલ વિવાદનો મધપૂડો કેમ છંછેડાયો ?
 
સત્તા સંભાળતાં જ સ્કૉટિશ નેશનલ પાર્ટીના પ્રમુખ રૂપે હમઝા યુસુફે દેશની પ્રજાને સંબોધન કરતાં પોતાના પ્રથમ ભાષણમાં સ્કૉટલેન્ડની આઝાદી અંગેનો ઉલ્લેખ કર્યો હતો. ન્યૂઝ એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ યુસુફે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, `સ્કૉટલેન્ડના લોકો યુનાઇટેડ કિંગ્ડમથી આઝાદી ઝંખે છે અને અમે તેમને સ્વતંત્રતા અપાવવા માટે પૂરતા પ્રયાસો કરીશું.' આ જ પ્રયત્નના ભાગરૂપે યુસુફ દ્વારા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે ટેલિફોનના માધ્યમથી વાતચીત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સુનકે તેનો આકરો જવાબ આપતાં તે કૉલનો અસ્વીકાર કરી આવા કોઈપણ પ્રયાસને સ્પષ્ટપણે નકારી કાઢ્યો. આ સમગ્ર ઘટનાક્રમમાં રસપ્રદ વાત એ છે કે, એક તરફ બ્રિટનને અખંડ રાખવા અને ભાગલાને રોકવા માટે વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના સુનક પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાની મૂળના હમઝા યુસુફ સ્કૉટલેન્ડને બ્રિટનથી વિભાજિત કરી સ્વતંત્ર કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આ આખી આંતરરાષ્ટ્રીય ચહલપહલ વિશે જાણીને, સ્કૉટલેન્ડ શા માટે બ્રિટનથી આઝાદ થવા માંગે છે તેવો સ્વાભાવિક જ પ્રશ્ન થાય.
 
હકીકતમાં, સ્કૉટલેન્ડની આઝાદીની આ માંગણીને સમજવા માટે બ્રિટનની બનાવટને ઊંડાણથી સમજવી પડશે. વિશ્વના નકશા તરફ એક નજર કરીએ તો યુરોપીય ખંડના ઉત્તર- પશ્ચિમ કિનારે બ્રિટન વસેલું છે અને તેનું આખું નામ `યુનાઇટેડ કિંગડમ ઑફ ગ્રેટ બ્રિટેન એન્ડ નૉર્ધન આઇલેન્ડ' છે. ચાર પ્રાંતો સાથે બનેલા આ સમૂહમાં ઇંગ્લેન્ડ, વેલ્સ, નૉર્ધન આયરલેન્ડ અને સ્કૉટલેન્ડનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૨૨માં અલગ થનાર સદર્ન આયરલેન્ડ પણ ગ્રેટ બ્રિટનનો હિસ્સો ગણાતું હતું.
ઇંગ્લેન્ડ, વેલ્સ, નોર્ધન આયરલેન્ડ અને સ્કૉટલેન્ડ આ ચાર દેશોનાં મૂળિયાં અને ઓળખ ભલે યુકે સાથે જોડાયેલાં હોય પરંતુ ચારેય પ્રાંત પોતાની આગવી ઓળખ ધરાવે છે. આખા યુનાઇટેડ કિંગડમની સત્તાવાર ભાષા અંગ્રેજી છે પરંતુ વેલ્સમાં વેલ્શની ભાષા બોલાય, જ્યારે સ્કૉટલેન્ડમાં સ્કૉટિશ ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે. આમ, ભાષાકીય વૈવિધ્યતા સહિત અનેક ક્ષેત્રે આ ચાર પ્રાંત પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.
 
કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું બ્રિટન ?
 
બ્રિટનમાં વિલીનીકરણ પહેલાં સ્કૉટલેન્ડ એક સ્વતંત્ર દેશ હતો. પરંતુ વર્ષ ૧૬૦૩માં બ્રિટનની રાણી ક્વિન એલિઝાબેથના મૃત્યુ બાદ તેમના કોઈ વારસ નહીં હોવાને કારણે ઇંગ્લેન્ડનો તાજ સ્કૉટલેન્ડના રાજા જેમ્સ ષષ્ઠમને પહેરાવવામાં આવ્યો અને સ્કૉટલેન્ડનું ઇંગ્લેન્ડમાં વિલીનીકરણ કરવાનાં બીજ રોપાયાં. વેલ્સ અને સ્કૉટલેન્ડ સાથે મળીને નવો દેશ બનાવવા સંમત થયા. આમ, ૧ મે ૧૭૦૭માં રાજનીતિક કરાર હેઠળ સ્કૉટલેન્ડ ઇંગ્લેન્ડમાં જોડાયું અને આ નવા દેશનું નામ યુનાઇટેડ કિંગ્ડમ ઑફ ગ્રેટ બ્રિટન રાખવામાં આવ્યું. જોકે, સ્કૉટલેન્ડના રાષ્ટ્રવાદીઓએ તેમના દેશની ઓળખને બ્રિટન સાથે જોડવા અંગે વિરોધ નોંધાવ્યો હતો પણ સ્કૉટલેન્ડની સંસદમાં સંઘના સમર્થકો વધુ હોવાને કારણે આ વિરોધ લાંબો ટકી શક્યો નહીં.
આવો જ કંઈક ઇતિહાસ આયરલેન્ડનો પણ છે. સન ૧૮૦૦માં આયરલેન્ડે પણ ઇંગ્લેન્ડમાં વિલીન થવાનો નિર્ણય લીધો. રાજા અને ભદ્રસમાજ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય વિરુદ્ધ લોકજુવાળ ઊભો થયો અને તેણે હિંસક આંદોલનનું સ્વરૂપ લીધું. વર્ષ ૧૯૨૨માં આયરલેન્ડના ૨૬ પ્રાંતોના સમૂહએ અલગ દેશ સ્વરૂપે આકાર લીધો, જેનું નામ હતું રિપબ્લિકન ઑફ આયરલેન્ડ. જ્યારે આ જ દેશનો એક હિસ્સો એટલે નૉર્થ આયરલેન્ડ એ બ્રિટનની સાથે જ જોડાયેલો રહ્યો.
 
 
યુનાઇટેડ બ્રિટનમાં હવે કયા દેશો સામેલ છે
 
 
અત્યારે સ્કૉટલેન્ડ, બ્રિટન અને આયરલેન્ડ આ સંઘ સાથે જોડાયેલા છે. જોકે, સ્કૉટલેન્ડ ૩૦૦ વર્ષ પુરાણો આ સંબંધ તોડીને અલગ દેશ તરીકે સ્વતંત્ર થવા માંગે છે. વર્ષ ૧૯૯૭માં સ્કૉટલેન્ડમાં અલગ સંસદની માંગણીને લઈને જનમત મેળવવામાં આવ્યો, જેમાં જીત મળતાં સ્કોટલેન્ડને પોતાની સરકાર બનાવવાની સત્તા મળી. વર્ષ ૧૯૯૯માં બ્રિટને સ્કોટલેન્ડને આરોગ્ય, શિક્ષણ, કૃષિ ઉપર અલગ કાયદો બનાવવા માટેના અધિકાર આપ્યા. પરંતુ વિદેશ નીતિ, સંરક્ષણ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર બ્રિટને આધિપત્ય જાળવી રાખ્યું. આજે પણ અનેક મહત્ત્વના મુદ્દાઓ અંગેના નિર્ણયો બ્રિટિશ સંસદમાં લેવાય છે.
 
સ્કૉટલેન્ડ બ્રિટનથી અલગ થવા કેમ માગે છે
 
સ્કૉટલેન્ડની વસતી અંદાજે ૫૫ લાખ છે. જોવા જઈએ તો બ્રિટનની કુલ વસ્તીના માત્ર ૮ ટકા લોકો અહીં વસે છે. સ્કૉટિશ લોકોના મતે, બ્રિટનના નિર્ણયોમાં સ્કૉટલેન્ડના હિતને ધ્યાનમાં લેવાતું નથી. સ્કૉટલેન્ડમાં ઉત્પાદન થતાં ૬૦ ટકા માલ-સામાનનું વેચાણ ઇંગ્લેન્ડમાં થતું હોવા છતાં પણ તેને અનેક લાભોથી વંચિત રાખવામાં આવે છે. વર્ષ ૨૦૧૧માં સ્કૉટિશ નેશનલ પાર્ટીએ બહુમત મેળવતાંની સાથે તેણે સ્વતંત્ર દેશના મુદ્દાને ચગાવ્યો અને ત્યારથી આ માંગણીએ જોર પકડ્યું. હાલ આ જ પક્ષના ૩૭ વર્ષીય નેતા હમઝા યુસુફે વડાપ્રધાનનું પદ સંભાળતાંની સાથે તેમાં સૂર પુરાવ્યો છે અને માગણીને બુલંદ કરી છે.
 

Partition of UK in gujarati 
 
 
કોણ છે હમઝા યુસુફ ?
 
૩૭ વર્ષીય હમઝા યુસુફ પશ્ચિમી યુરોપના કોઈ એક દેશનું નેતૃત્વ કરનારા પહેલા મુસ્લિમ નેતા બન્યા છે. તેમના પિતાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. જ્યારે તેમની માતા કેન્યામાં વસવાટ કરતા પંજાબી મૂળના પરિવારમાં જન્મ્યાં હતાં. ૧૯૬૦ના દાયકામાં યુસુફના પિતાએ પરિવાર સાથે સ્કૉટલેન્ડ આવીને વસવાટ કર્યો હતો. યુસુફ વર્ષ ૨૦૧૧માં ગ્લાસગો ક્ષેત્રના વધારાના સભ્ય તરીકે સ્કૉટિશ સાંસદ રૂપે ચૂંટાયા. જીત બાદ તેમણે અંગ્રેજી અને ઉર્દૂમાં શપથ લીધા. સ્કૉટિશ કેબિનેટ મંડળમાં વિવિધ પદ પર કાર્યભાર સંભાળ્યો.
 
ફર્સ્ટ મિનિસ્ટર તરીકે ચૂંટાયેલા હમઝા યુસુફની વરણીએ માત્ર બ્રિટન માટે જ નહીં પરંતુ સમગ્ર યુરોપીય ખંડ માટે ઐતિહાસિક ક્ષણ બની રહી. ઇતિહાસમાં પ્રથમવાર બ્રિટનના સર્વોચ્ચ પદ પર કોઈ હિંદુ નેતા વડાપ્રધાન તરીકે તો સ્કૉટલેન્ડના વડાપ્રધાન પદ પર કોઈ મુસ્લિમ નેતા હોય તેવું બન્યું છે.
 
ઉલ્લેખનીય છે કે હમઝા જ્યારે વડાપ્રધાનની રેસમાં હતા ત્યારથી જ જનતાએ તેમનો ભયંકર વિરોધ શરૂ કરી દીધો હતો. કારણ કે હમઝાની પ્રકૃતિ ભાગલાવાદી અને અરાજક છે. તેઓ હિન્દુ અને શ્વેત લોકોના કટ્ટર વિરોધી છે. તેમના ચાવવા અને બતાવવાના દાંત જુદા છે. આજે હવે તેઓ સ્કોટલેન્ડના વડાપ્રધાન બની બેઠા છે ત્યારે સમગ્ર બ્રિટન માટે માથાનો દુખાવો બની ગયા છે. તેઓ લોકોને ઉશ્કેરીને ફરીવાર બ્રિટનમાંથી સ્કોટલેન્ડ જુદું કરવાની માંગણી બુલંદ બનાવી રહ્યા છે. ભવિષ્યમાં પરિણામ જે આવે તે સમય કહેશે.. પણ વર્તમાન સમય એ જ બતાવી રહ્યો છે કે બ્રિટનને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે. ભારતમાંથી પાકિસ્તાન જુદું પાડવા તેમણે જે મહંમદ અલી ઝીણાને પેદા કર્યો હતો એવો જ ઝીણા હવે બ્રિટનના ભાગલા પાડવા માટે `હમઝા યુસુફ'ના નામે પેદા થઈ ગયો છે. આ સમયનું ચક્ર છે. ઇતિહાસ કરવટ લે જ છે. સ્કોટલેન્ડનો આ ઝીણા શું બ્રિટનના ભાગલા પાડીને રહેશે?
 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.