
ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજી ( Ambaji temple ) નું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે, તેઓનાં ઝૂંપડાં દેખાય છે. યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે. અંબાજીના મંદિરમાં શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલાં બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિભવ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યારે તો મંદિરની ઉપરનો કળશ અને શિખર સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ રાખવા જેવી એ છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર હશે કે, માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતનાં દર્શન થાય છે અને વર્ષોથી તેની પાસે ઘીના બે અખંડ દીવા બળે છે.
માતાજીનાં દર્શન
માતાજીનાં દર્શન સવારે અંદરનું બારણું ઊઘડતાં થાય છે. બેઉ વખતે આરતી વખતે પણ દર્શન થાય છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળાં પાનાં પતરાં મઢેલાં બારણાં છે, તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબું છે અને તેના ઉપર ત્રણ શિખર છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.
51 શક્તિપીઠોમાંથી એક છે
કહેવાય છે કે જગત જનની મા અંબાનું આ મંદિર 51 શક્તિ પીઠોમાંથી એક છે. શક્તિ પીઠ એટલે એ સ્થળ જ્યાં સતીના દેહના અંગો પડ્યા હતા. સતીના દહન પછી શક્તિના દેહના 51 ટુકડા પૃથ્વી પર અલગ અલગ સ્થળે પડ્યા જે શક્તિ પીઠો કહેવાયા. તેથી અંબાજીમાં પણ સતીના શરીરનો એક ટુકડો પડ્યો હોવાથી તેને શક્તિરપીઠ કહે છે. કહેવાય છે કે સતીના શરીરનું હ્દય અહીં પડ્યુ હતુ. તેથી આ મંદિરનો સમાવેશ 51 શક્તિપીઠોમાં થાય છે.
પૌરાણિક કથા
મંદિર સાથે સંકળાયેલી અનેક પૌરાણિક કથાઓ છે તેમાંથી એક કથા ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલી છે. કહેવાય છે કે આ સ્થળે ભગવાન કૃષ્ણનું મુંડન સંસ્કાર થયો હતો. જ્યારે બીજી તરફ ભગવાન શ્રી રામ શક્તિ ઉપાસના માટે અહીં રોકાયા હતા. કહેવાય છે કે જ્યારે રાવણે સીતાનું હરણ કર્યુ ત્યારે ભગવાન રામ માતા સીતાની ખોજમાં અંબાજી અને આબુના જંગલોમાં આવ્યા હતા. ત્યારે ઋષિ શૃંગીએ તેમને મા અંબાની પૂજા અર્ચના કરવાનું કહ્યુ હતુ. કહેવાય છે કે માતાએ તેમને એક અજય તીર આપ્યુ હતુ. જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો.
આ ઉપરાંત એક અન્ય કથા પાંડવો સાથે પણ સંકળાયેલી છે. કહેવાય છે કે પાંડવાઓ પોતાના વનવાસ દરમ્યાન મા અંબાની પૂજા કરી હતી. તેથી માતાએ ભીમસેનને અજયમાલા આપી. જેનાથી યુદ્ધમાં પાંડવોનો વિજય થયો. શ્રીકૃષ્ણની પત્ની રુક્ક્ષમણીએ પોતાના પતિ ભગવાન શ્રી કૃષ્ણને મેળવવા માટે માં અંબાની પૂજા કરી હતી. માતાની શક્તિ અધર્મ પર ધર્મને વિજય અપાવનારી છે. કહેવાય છે કે આ મંદિર માતાના હ્દયનું પ્રતીક છે.
મંદિર નિર્માણ
અંબાજી મંદિરના નિર્માણ અંગે અનેક દંતકથાઓ પ્રચલિત છે. પરંતુ અંબાજી મંદિરનું નિર્માણ 1584 થી 1594ની આસપાસ કરવામાં આવ્યું છે. આ મંદિર નિર્માણ માટે અમદાવાદના નાગર ભક્ત શ્રી તપિશંકરનું નામ લેવામાં આવે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે વલભીના શાસક અરુણ સેન કે જે સૂર્યવંશી હતા તેમણે ચોથી સદીમાં મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ.
સીતાજીની શોધમાં….
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું, રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું, જેનાથી રામે રાવણનો નાશ કર્યો. દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.
મંદિરની બનાવટ । શિલ્પ સ્થાપત્ય
મંદિર સફેદ આરસપહાણના પથ્થરોથી બનેલું છે. મંદિરના શિખર સોનાથી મઢેલા છે. પ્રવેશ માટે એક મુખ્ય દ્વાર અને બાજુમાં એક નાનો દરવાજો છે. મંદિરના ગર્ભગૃહને ચાંદીના દરવાજાથી મઢવામાં આવ્યા છે. ખંડની એક દિવાલમાં ગોખલો છે . જેમાં પૂજા માટે વીસા શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે.
નથી મંદિરમાં મૂર્તિ કે છબી
અંબાજી મંદિરની વાત કરીએ તો મંદિરના ગર્ભગૃહમાં ન તો મૂર્તિ છે ન તો છબી છે. તે જાણીને આશ્ચર્ય થશે કે મંદિરમાં માતાજીની કોઈ જ મૂર્તિ કે છબી નથી. પરંતુ વીસા શ્રીયંત્રની પૂજા થાય છે. મહત્વની વાત એ છે કે ગોખમાં રહેલ શ્રીયંત્રનો શણગાર પૂજારી દ્વારા એવી રીતે કરવામાં આવે છે કે કોઈને પણ તે જોતા તે માતાની મૂર્તિ લાગે છે.
શ્રીયંત્રની પૂજા
ગોખમાં રહેલ શ્રીયંત્રમાં 51 પવિત્ર બીજ અક્ષર અંકિત કરેલ છે. તેની પૂજા ખૂબ જ સાવચેતીથી કરવામાં આવે છે. ગોખમાં રહેલ આ શ્રીયંત્રની ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. એટલું જ નહિ પરંતુ શ્રીયંત્રની પૂજા કરતી વખતે પૂજારી પણ આંખે સફેદ પટ્ટી બાંધી ને પૂજા કરે છે.
મંદિરની વાસ્તુકલા
મંદિરમાં આગણ શક્તિ, દ્વાર શક્તિ , ગર્ભગૃહ અ નિજ મંદિર છે. તે આપણી હિંદુ સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરે છે. મંદિરની ટોચ પર 103 ફૂટની ઉંચાઈ પર રાજસી કળશ જેનું વજન 3 ટન છે. આરસપહાણથી બનેલું છે. તે શિખરને શુદ્ધ સોનાથી મઢવામાં આવ્યું છે. તેની સાથે જ માતાનો પવિત્ર ધ્વજ અને ત્રિશુલ પણ છે. બીજી તરફ ગર્ભગૃહમાં માતાજીનું પવિત્ર ગોખ અને મુખ્ય મંદિરનું એક વિશાળ મંડપ આવેલ છે. મંડપની સામે વિશાળ ચાચર ચોક છે. જેમાં માતાની પૂજા કરવામાં આવે છે.
માનસરોવર કુંડ
મંદિરથી થોડે દૂર એક વિશાળ કુંડ છે. જેને માનસરોવરના નામે ઓળખવામાં આવે છે. આ કુંડમાં ડુબકી લગાવવી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
મંદિરમાં નવરાત્રિ મહોત્સવ
નવરાત્રિ સમયે અંબાજી મંદિરમાં ભવ્ય સમારોહ આયોજીત કરવામાં આવે છે. મંદિર પરિસરમાં ગુજરાતના લોકપ્રિય એવા ગરબા અને લોક નૃત્યોની રજૂઆત કરવામાં આવે છે. આ નવ દિવસો દરમ્યાન રાતે નાયક અને ભોજક સમુદાયના લોકો દ્વારા ભવાઈનું આયોજન કરવામાં આવે છે.
આસપાસના મંદિરો
અંબાજી મંદિરની આસપાસ વારાહી માતાનું મંદિર, અંબિકેશ્વર મહાદેવ મંદિર, ગણપતિ મંદિર જેવા ઘણા મંદિર આવેલા છે.
ભાદરવી પૂનમનો મેળો
અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના દિવસે મેળો ભરાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભાદરવી પૂનમના દિવસે અંદાજે 15 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જેમાં હિન્દુ ઉપરાંત પારસી અને જૈનો પણ દર્શન માટે આવે છે.
કઈ રીતે જવું
રેલ માર્ગ- ટ્રેન દ્વારા જો તમે અંબાજી મંદિર જવા માંગો છો તો તેની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પાલનપુર છે. પાલનપુર અંદાજે 41 કિમી ના અંતરે આવેલું છે.
સડક માર્ગ – જો તમે બસ દ્વારા મંદિરે જવા માંગો છો તો ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા અનેક બસો આ રૂટ પર દોડે છે. તેમજ ખાનગી વાહનો પણ જાય છે. બંન્ને રીતે પહોંચવામાં સરળતા રહે છે.
હવાઈ માર્ગ- જો તમે હવાઈ માર્ગે જવા માંગો છો તો તેની નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. જે મંદિરથી 187 કિમીના અંતરે આવેલું છે.
- મોનાલી ગજ્જર