# ચાર ધામ યાત્રા | યમુનોત્રી વિશેની સંપૂર્ણ માહિતી એક લેખમાં
# ચાર ધામ યાત્રાનો પ્રથમ પડાવ છે યમુનોત્રી
# યમુનામાં સ્નાન માત્રથી બચી શકાય છે અકાળ મૃત્યુથી
# Char Dham Yatra Yamunotri gujarati
ઉત્તરાખંડના ચાર ધામની યાત્રા વિશે તો આપણે જાણીએ જ છીએ. આ ચાર ધામમાં યમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. આ યાત્રાધામોની યાત્રા કરી લોકો ધન્યતા અનુભવે છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આજે આપણે આ લેખમાં ચાર ધામ યાત્રામાંથી એક એવા યમુનોત્રી ધામની વાત કરશું.
યમુનોત્રી મંદિર ઉત્તર કાશી જિલ્લાના ગઢવાલમાં હિમાલયની પશ્ચિમમાં સમુદ્ર સપાટીથી 3235 મીટરની ઉંચાઈ પર આવેલ છે. આ મંદિરેથી જ ચારધામ યાત્રાની શરૂઆત થાય છે.યમનોત્રી ચાર ધામ યાત્રાનો પ્રથમ પડાવ છે.
યમુનોત્રીનો ઉદ્ભવ
યમુનોત્રીનો વાસ્તવિક સ્ત્રોત જામેલા બરફનું એક સરોવર અને હિમનંદ (ચંપાસર ગ્લેશિયર) છે. જે સમુદ્રની સપાટીથી 4421 મીટરની ઉંચાઈ પર કાલિંદ પર્વત પર આવેલ છે.આ પર્વતમાંથી યમુના નીકળતી હોવાથી તેને કાલિંદી પણ કહેવામાં આવે છે.
કોણ છે દેવી યમુના ?
ચારધામ યાત્રાનો પહેલો પડાવ એટલે યમુનોત્રી. યમુનોત્રી એ સ્થળ છે જ્યાંથી યમુના નદી ઉદભવે છે. પરંતુ શું તમે જાણો છો કોણ છે યમુના? .યમુનોત્રી ધામની વાત કરીએ છીએ તો વાત છે દેવી યમુનાની કે જે સૂર્ય પુત્રી છે. જ્યારે મૃત્યુના દેવતા યમની તે બહેન છે.
વેદો અને પુરાણોમાં ઉલ્લેખ
આ ધામનો ઉલ્લેખ આપણા વેદ - પુરાણોમાં પણ જોવા મળે છે. જેમ કે કૂર્મપુરાણ, કેદારખંડ,ઋગ્વેદ, બ્રહ્માંડપુરાણ વગેરેમાં તેનો ઉલ્લેખ છે. યમુનોત્રીને યુમના પ્રભવ તીર્થ પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર યુમના જ્યારે પૃથ્વી પર ઉતરી ત્યારે પોતાના ભાઈને છાયા ના અભિશાપથી મુક્ત કરાવા માટે કઠોર તપસ્યા કરી અને યમને અભિશાપમાંથી મુક્ત કરાવ્યા. યમુનાની તપસ્યા જોઈ યમ ખૂબ જ પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું. યમુનાએ પોતાના ભાઈ પાસે પૃથ્વી પર સ્વચ્છ નદી માંગી. જેથી પૃથ્વી પર કોઈ ને પણ પાણી પીવામાં મુશ્કેલી ન આવે. પાણીથી લોકોને લાભ થાય. એવું કહેવાય છે કે યમુના નદીમાં સ્નાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે જ ચારધામ યાત્રમાં તેનું મહત્વ છે.
મહાભારતમાં યમુનોત્રીનો ઉલ્લેખ | Char Dham Yatra Yamunotri
મહાભારતમાં પણ યમુનોત્રીનો ઉલ્લેખ જોઈ શકાય છે. તે મુજબ પાંડવો ઉત્તરાખંડની તીર્થ યાત્રા પર આવ્યા હતા. ત્યારે તેઓ યમુનોત્રી, ગંગોત્રી અને ત્યાર પછી કેદારનાથ-બદ્રીનાથ તરફ આગળ વધ્યા હતા. ત્યારથી જ અહીં ચાર ધામ યાત્રા કરવામાં આવે છે.
મંદિરનુ પુનઃ નિર્માણ
યમુનોત્રી મંદિર ટિહરી ગઢવાલના રાજા પ્રતાપશાહ દ્વારા ઈ.સ. 1919માં કરવામાં આવ્યું હતુ. ઐતિહાસિક દ્રષ્ટિએ પણ યમુનોત્રી ધામનું આગવું મહત્વ છે. મંદિર પ્રાકૃતિક આપદાઓના કારણે નુકશાગ્રસ્ત થયુ હોવાથી મંદિરનું પુનઃ નિર્માણ પણ કરવામાં આવ્યુ હતુ. મંદિરનું પુનઃ નિર્માણ 19મી સદીમાં જયપુરની પ્રસિદ્ધ મહારાણી ગુલેરિયાએ કરાવ્યું હતુ. જ્યાં પહેલા અસિત મુનિનું નિવાસ સ્થાન હતુ. આ મંદિર બધા મંદિરો કરતા ખાસ છે. આ મંદિરનું નિર્માણ આજુબાજુના પર્વતોમાંથી લાવામાં આવેલ ગ્રેનાઈટ પથ્થરથી કરવામાં આવ્યું છે. પ્રાંગણથી મંદિર સુધી જવા માટે પહોળી સીડિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
યમુનોત્રી મંદિર
યમુનોત્રી મંદિરના પ્રાંગણમાં એક વિશાળ સ્તંભ સ્થાપિત છે. જેને દિવ્યશિલા કહેવામાં આવે છે. યમુનોત્રી ધામ પહોંચવા માટે શ્રદ્ધાળુઓ જાનકી ચટ્ટી સુધી વાહનથી પહોંચી શકે છે. ત્યાર પછી મંદિર સુધી પગપાળા જવું પડે છે. મંદિરના મુખ્ય કર્વ ગૃહમાં મા યમુનાની કાળા આસરપહાણની મૂર્તિ વિરાજમાન છે. આ મંદિરમાં યમુનોત્રીજીની પૂજા સમગ્ર વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. યુમનોત્રી ધામમાં પિંડ દાનનું વિશેષ મહત્વ છે. શ્રદ્ધાળુ આ મંદિરના પરિસરમાં પોતાના પૂર્વજોનું પિંડદાન કરે છે.
અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓની માન્યતા છે કે ભાઈબીજના દિવસે જે પણ વ્યક્તિ યમુનામાં સ્નાન કરે છે. તેને યમ ત્રાસથી મુક્તિ મળે છે. આ મંદિરમાં યમની પૂજા પણ પૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ દેવીને પ્રસાદ ચઢાવા માટે કાપડની પોટલીમાં ચોખા અને બટાકા બાંધી સૂર્ય કુંડના ગરમ જળમાં પકવે છે. દેવીને પ્રસાદ ચઢાવ્યા પછી તે પકવેલા ચોખાને પ્રસાદ તરીકે ઘરે લઈ જાય છે.
યમુનોત્રી ધામ ઊંચાઈ પર આવ્યુ હોવા કારણે ઠંડીમાં દેવી યમુનાની મૂર્તિને ઉત્તરકાશીના કરસાલી ગામમાં સ્થાપિત કરવામા આવે છે. જ્યાં છ મહિના સુધી દેવીની પૂજા થાય છે.
કપાટ બંધ થવાનો સમય
મંદિરના કપાટ દિવાળીના દિવસે બંધ થાય છે. જ્યારે અખાત્રીજના દિવસે મંદિરના કપાટ ખુલે છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. દર્શન કરી પોતે ધન્યતા અનુભવે છે.
કઈ રીતે પહોંચવું
જો તમે યમુનોત્રી ધામની યાત્રા કરવા માંગો છો તો તે માટે રેલમાર્ગ, હવાઈ માર્ગ અને સડક માર્ગ એમ ત્રણેય રીતે જઈ શકાય છે.તે માટેની માહિતી નીચે મુજબ છે.
હવાઈ માર્ગ
યમુનોત્રી ધામનુ નજીકનુ એરપોર્ટ જોલી ગ્રાંટ છે. તે યમુનોત્રીતી 196 કિમી ના અંતરે આવેલું છે. જ્યારે ઋષિકેશથી તે 20 કિમી ના અંતરે આવેલું છે. અહીં ઉતર્યા પછી કેબ કે બસમાં યમુનોત્રી જઈ શકાય છે.
સડક માર્ગ
સડક માર્ગે યમુનોત્રી સારી રીતે જોડાયેલું છે. યમુનોત્રી ધામ માટે દિલ્હીથી સારી એવી સુવિધા છે. દિલ્હીથી દહેરાદૂનની બસમાં બેસી તમને યમુનોત્રી પહોંચી શકો છો. યમુનોત્રી દહેરાદૂનથી 171 કિમીના અંતરે આવેલું છે. તે ઉપરાંત સડક માર્ગે પ્રાઈવેટ વાહન દ્વારા પણ જઈ શકાય છે.
રેલ માર્ગ
યમુનોત્રી ધામનું નજીકનું રેલ્વે સ્ટેશન ઋષિકેશ છે. અહીં થી યમુનોત્રી ધામ 211 કિમીના અંતરે આવેલું છે. ત્યાંથી પ્રાઈવેટ કેબ કે બસ દ્વારા યુમનોત્રી ધામ સરળતાથી પહોંચી શકાય છે.
- મોનાલી ગજ્જર