તમે જો ‘દરિયા શી મોજ’ને માણી શકતા હોવ તો માધવપુરનો દરિયો તમને ‘બેસ્ટ કંપની ‘ પૂરી પાડશે

અસીમ દરિયાનો સંગ, પ્રકૃત્તિ સાથે સહવાસ અને નયનરમ્ય નજારાની દેણ પૂરું પાડતો દરિયો એટલે ગુજરાતમા આવેલ માધવપુર(ઘેડ)નો દરિયો | | Madhavpur Beach

    ૧૯-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |
 
madhavpur beach ghed  in gujarati
 તસવીર સૌજન્ય । Google
 
# પૌરાણિક આસ્થા,પ્રકૃત્તિ અને શાંત જગ્યાનું સરનામું એટલે માધવપુર | Madhavpur
 
# માધવપુર : પુરાણ અને પ્રકૃતિનું મિલનસ્થળ । જ્યાં સાગર ખુદ માધવરાયના પગ પંપાળે છે 
 
# કાચ જેવું ચોખ્ખું પાણી ધરાવતો દરિયો, અફાટ દરિયા સામે મુગ્ધમને જોઇ રહેલ આકાશ અને નિર્મળ અને લીસી રેતી, - ધ્રુવભટ્ટની રચનાની જેમ તમે જો ‘દરિયા શી મોજ’ને માણી શકતા હોવ તો માધવપુરનો દરિયો તમને ‘બેસ્ટ કંપની ‘ પૂરી પાડશે
 
# એક તરફ અફાટ દરિયો, ભગવાન શ્રીકૃષ્ણ- રુકમણી માતાનું પૌરાણિક મંદિર, ઓશો કેન્દ્રની હરિયાળીથી સભર શાંત જગ્યા તેમજ પથ્થરોની શિલ્પ કૃતિઓ જાણે ઇતિહાસ બોલતો હોય તેવો આભાસ – કુદરતે છુટ્ટા હાથે જાણે અણમોલ રત્નો વેર્યા હોય તેવી અનુભૂતિ મેળવવા માટે માધવપુરની મુલાકાત ચોક્કસ લેવી પડે
 
# ગુજરાત દેશમાં સૌથી લાંબો 1,600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે. મૉલદીવ્સ, મોરેશિયસ સહિતના દેશોમાં દરિયાની મજા માણવા જતા ગુજરાતીઓ પાસે ઘરઆંગણે પણ દ્વારકાની પાસે આવેલું શિવરાજપુર, પોરબંદર પાસેનું માધવપુર, કચ્છમાં માંડવી જેવા અનેક સી- બીચનો વૈભવ છે. અસીમ દરિયાનો સંગ, પ્રકૃત્તિ સાથે સહવાસ અને નયનરમ્ય નજારાની દેણ પૂરું પાડતો દરિયો એટલે માધવપુર(ઘેડ)નો દરિયો.
 
 

madhavpur beach ghed  in gujaratiતસવીર સૌજન્ય । Google 
 

માધવપુરનો દરિયો | Madhavpur Beach

 
પોરબંદરથી માત્ર 58 કિલોમીટરના અંતરે આવેલા આ ઘેડ ગામમાં આવેલા માધવપુરના દરિયાને જોતાં લાગે કે કુદરતે તેના અણમોલ રતન છુટથી વેર્યા હોય. કાચ જેવું ચોખ્ખું પાણી ધરાવતો દરિયો, અફાટ દરિયા સામે મુગ્ધમને જોઇ રહેલ આકાશ અને નિર્મળ અને લીસી રેતી, સાથે નાળિયેરીના વૃક્ષો – ધ્રુવભટ્ટની રચનાની જેમ તમે જો ‘દરિયા શી મોજ’ને માણી શકતા હોવ તો માધવપુરનો દરિયો તમને ‘બેસ્ટ કંપની ‘ પૂરી પાડશે. તેમાં પણ ઘૂઘવતા અને હિલોળા લેતા પાણીમાં નહાવાનો આનંદ પ્રવાસીઓને બેવડી મોજ કરાવે છે.
 
જો તમે કાર ડ્રાઇવ કરીને આ રૃટ પસંદ કરશો તો, એક તરફ ખુલ્લો દરિયો અને આગળ જતો રસ્તો, તમને હોલિવૂડ ફિલ્મના લોકેશનની યાદ અપાવશે. માધવપુરનો દરિયો તેની આ જ વિશેષતાને કારણે ફિલ્મના શૂટિંગ, ફોટોગ્રાફી માટે હોટ ફેવરિટ બનતો જાય છે.
 

આકર્ષણો કયા છે? Madhavpur Places to Visit

 
ભાદર, ઓઝર અને મધુવંતી નામની ત્રણેય નદીઓનું સંગમસ્થાન ધરાવતા માધવપુરના દરિયાકાંઠે કોઇપણ પ્રકારનો એન્ટ્રી ચાર્જ પણ ચૂકવવો પડતો નથી. ઊંટ સવારી, ઘોડે સવારી તેમજ સી બાઇક જેવા આકર્ષણો પ્રવાસીઓને રોમાંચક યાદોની સોગાદ આપે છે.
 

madhavpur beach ghed  in gujarati તસવીર સૌજન્ય । Google
 
ભાઇ બીજમાં લોકો કેમ ખાસ ન્હાવા આવે છે? | Glimpse of Bhaibij
 
આ દરિયાને લઇ સ્થાનિકોમાં માન્યતા છે કે, માધવપુરનો દરિયો દર ભાઇબીજના દિવસે પોતાની બહેનને મળવા જાય છે, આથી તે દિવસે દરિયો શાંત રહે છે. આ માન્યતાને કારણે અહીં ભાઇબીજના તહેવારમાં દરિયામાં નહાવા માટે સ્થાનિકો અને સહેલાણીઓની ખાસ ભીડ જોવા મળે છે.
 
માધવપુર નામ કેવી રીતે પડ્યું ?
 
કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના રુક્ષ્મણી સાથેના વિવાહ માધવપુર(ઘેડ) ખાતે થયા હતા. આથી જ માધવના નામથી માધવ+ પુર (શહેર) = માધવપુર નામ પડ્યું.
 

આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસિદ્ધ માધવપુરનો મેળો | Madhavapur Fair

 
દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણી વિવાહ પ્રસંગની યાદમાં આ મેળો યોજાય છે. લોકવાયકા છે કે રુકમણીજી ઉત્તર ભારતના હતા. આથી ઉત્તર- પૂર્વ રાજ્યોમાંથી ભક્તો અહીં રુકમણી માતાના કન્યાદાન વિધિમાં ભાગ લેવા ખાસ આવે છે. આમ ભગવાનના લગ્નમાં ભાગ લેવા આવેલા ભક્તોની ભીડ અહીં મેળાનું સ્વરૃપ ધારણ કરે છે.
 
 

madhavpur beach ghed  in gujarati તસવીર સૌજન્ય । Google
 
મેળા પાછળ શું કહે છે ઇતિહાસ |  Madhavapur Fair History
 
“માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન;
પરણે તે રાણી રુક્મિણી, વર વાંછિત શ્રી ભગવાન.”
 
હિંદુ ધર્મમાં પ્રચલિત દંતકથા પ્રમાણે, રુકમણીના ભાઇ રુકમી તેમના વિવાહ જરાસંઘના પુત્ર શિશુપાલ સાથે કરાવવા માગતા હતા. આથી રુકમણીએ પત્ર લખી શ્રીકૃષ્ણ પાસે મદદ માગી. શ્રીકૃષ્ણએ પોતાના ભાઇ બલરામની મદદથી યુદ્ધમાં રુકમિને પરાજય આપ્યો હતો. રૃકમણીજીની પ્રાર્થનાને વશ થઇ શ્રીકૃષ્ણએ રુકમિને જીવતદાન આપ્યું અને રુકમણીજીની વિનંતીને માન આપી, તેમનું હરણ કરી દ્વારકા લાવ્યા હતા. ત્યારબાદ માધવપુર ખાતે બંનેના વિવાહ થયા હતા. આથી જ તેમની યાદમાં અહીં દર વર્ષે ભવ્ય - ભાતિગળ મેળાનું આયોજન કરવામાં આવે છે.
 
ક્યારે યોજાય છે આ મેળો
 
દરિયાના ઘૂઘવાટા સિવાય શાંત રહેતો આ વિસ્તાર દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી ઉત્સવ- ઉલ્લાસ અને ભક્તિના માહોલમાં પલટાઇ જાય છે. કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં અહીં લગ્નના જ તમામ પ્રસંગો જેમ કે ગણેશ સ્થાપના, મંડપ વિધિ, ફુલેકું, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે વિધિવત રીતે ઊજવાય છે.
 

માધવરાય અને રુકમણી મંદિર | Madhavarai Temple

 
ભક્તોનું માનવું છે કે, ભગવાન શ્રી કૃષ્ણ અરબી સમુદ્રના કાંઠે માધવરાયજીરૃપે મંદિરમાં બિરાજે છે અને સાગર અહર્નિશ એમના પગ પંપાળે છે. અહીં પ્રાચીન અને નવું એમ બંને મંદિર આવેલા છે. માધવરાયનું પ્રાચીન મંદિર ગર્ભગૃહ, અંતરાલ અને આવૃત્ત મંડપ એમ ત્રણ ભાગમાં વિભાજિત છે. સ્થાપત્યની શૈલીને જોતા આ મંદિર 12મી સદીનું હોવાનું મનાય છે. મંદિરના ગર્ભગૃહ અને મંડપની કોતરણી મનોહર છે. આ મંદિર ગર્ભગૃહના દરવાજાના ઘાટડા પર વિષ્ણુના દશાવતારની કોતરણી જોવા મળે છે. મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળની કેટેગરીમાં મૂકાયું છે. ભક્તો અહીં નજીકમાં આવેલા નવા મંદિરમાં માધવરાયના તેમજ નજીકમાં રુકમણી મંદિરમાં દર્શન કરે છે.
 
 

madhavpur beach ghed  in gujarati તસવીર સૌજન્ય । Google
 

ઓશો કેન્દ્ર : પરમ તત્વ સાથે તાદામ્ય કેળવવાનું સ્થળ  | Madhavpur Osho Ashram

 
આ તો વાત થઇ ધાર્મિક આસ્થાની પણ જો તમે પ્રકૃત્તિના ખોળે બેસી, પરમ તત્વ સાથે તાદાત્મય કેળવવા માટે કોઇ સ્થળની શોધમાં હોવ તો ઓશો કેન્દ્રએ તમારા માટે પરફેક્ટ જગ્યા છે. લીલીછમ હરિયાળીથી આચ્છાદિત ઓશો કેન્દ્રમાં બુદ્ધ હોલ, સમુદ્રમંથનની પ્રતિકૃતિ, ઊંચી ટેકરી પર મા અંબાનું મંદિર જેવા અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. ટેકરી પર જવા માટે પગપાળા જવા માટેનો ઝૂલતો પુલ એ થોડીક ક્ષણ માટે રોમાંચ ઊભો કરે છે. તો બીજી તરફ અહીં આવેલા કિલ્લા, ગુફા અને શ્રીકૃષ્ણ, મોરપીંછ, રથની જેવી શિલ્પકૃતિઓ જાણે ઇતિહાસને દ્રશ્યરૃપે જોતા હોઇએ અને પથ્થરો બોલતા હોય તેવો અનુભવ કરાવે છે.
કાચબા સંવર્ધન કેન્દ્ર
લુપ્ત થઇ રહેલ કાચબાની પ્રજાતિ ગ્રીન સી ટર્ટલ ઇંડા મૂકવા માટેના સ્થળ તરીકે માધવપુર બીચને વધુ માત્રામાં પસંદ કરે છે. અહીં રમણીય બીચ, દરિયાઇ કાંઠાની ભૌગોલિક સ્થિતિ, ખડકીય છાજલી અને દરિયાઇ વિસ્તારમાં ભરપુરમાત્રામાં ખોરાકની ઉપલબ્ધિ હોવાથી કાચબાને ઇંડા મૂકવા માટે આ સ્થળ વધુ અનુકુળ આવે છે. જેના કારણે દર વર્ષે માધવપુર નજીકના દરિયા કિનારે અસંખ્ય કાચબાઓ ઇંડા મૂકવા માટે આવી પહોંચે છે. દર વર્ષે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમ્યાન ગ્રીન સી ટર્ટલ ઇંડા મૂકે છે.
 
કેવી રીતે પહોંચશો? | How to Reach?
 
 
અમદાવાદથી માધવપુરનું અંતર 405 કિલોમીટર (સમય- 8થી 9 કલાક), રાજકોટથી માધવપુર 187 કિલોમીટર (સમય ચારથી પાંચ કલાક ), પોરબંદરથી 58 કિલોમીટર (સમય- 50 મિનિટથી એક કલાક) સોમનાથથી 73 કિલોમીટર (સમય- 1 થી 1.30થી કલાક) અંતર દૂર છે.
 
ટ્રેન – અહીંથી ટ્રેનની સીધી કોઇ વ્યવસ્થા નથી. પોરબંદરથી વાહન કે બસ દ્વારા અહીં પહોંચી શકાશે.
 
હવાઇ માર્ગ – માધવપુરથી નજીકનું એરપોર્ટ પોરબંદર છે, જે 65 કિલોમીટર દૂર છે.
 
 
- જ્યોતિ દવે