# શું છે ગંગાનો ઈતિહાસ?
# કઈ રીતે થયુ ગંગાનું પૃથ્વી પર અવતરણ?
# ગંગાને શા માટે પૃથ્વી પર લાવવા માંગતા હતા ચક્રવર્તી રાજા ભગીરથ?
# શા માટે અહીં રહેલ ચલ મૂર્તિઓનું ચોક્કસ ઋતુમાં સ્થળાંતર કરવામાં આવે છે?
# ગંગા શા માટે ઓળખાય છે ભાગીરથી તરીકે ?
આપણે બધા જ ગંગા નદી વિશે જાણીએ જ છીએ. આપણા હિન્દુ શાસ્ત્રોમાં તેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.ત્યારે ચારધામ યાત્રા દરમ્યાન ગંગોત્રી પણ એક મહત્વનું યાત્રાધામ છે. જ્યાં શ્રદ્ધાળુઓ દર્શને જઈ ધન્યતા અનુભવે છે. આજે આ લેખમાં જાણીશું ગંગા નદીનો ઈતિહાસ અને અન્ય જાણવા જેવી વાતો.
ગોમુખ ભાગીરથી નદીનું ઉદગમ સ્થળ છે. તે એ પવિત્ર સ્થળ છે જ્યાં ભાગીરથી નદીનું અવતરણ થયુ હતુ. ગંગોત્રી ધામ હિમાલયનો એવો આંતિરક વિસ્તાર છે જ્યાં પવિત્ર ગંગા નદી પહેલી વાર પૃથ્વી પર અવતરી હતી. હિંદુ ધર્મના પુરાણો અને ગ્રંથો અનુસાર દેવી ગંગાને કઠોર તપ પછી એક નદીનું રૂપ મળ્યુ અને મહારાજા ભગીરથના પૂર્વજોને તેમના પાપોમાંથી મુક્ત કર્યા હતા.
શા માટે ગંગા ઓળખાય છે ભાગીરથી તરીકે
ગંગાને ભાગીરથી નામે પણ ઓળખવામાં આવે છે. તે અંગે એવું માનવામાં આવે છે કે રઘુકુળના ચક્રવતી રાજા ભગીરથની કઠોર તપસ્યાથી ગંગા નદી પૃથ્વી પર અવતરી છે. જેના કારણે ગંગાને ભગીરથી તરીકે પણ ઓળખવામાં આવે છે.
કયાં આવેલું છે ગંગોત્રી
ગંગોત્રી ધામ ભારતના ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે. ત્યાંથી તે 100 કિમી ના અંતરે આવેલુ છે. આ ધામને ગંગોત્રી તીર્થ નામથી પણ ઓળખવામાં આવે છે. જેને ગંગાનું ઉદ્ગમન સ્થાન માનવામાં આવે છે. ચારધામ યાત્રાનો આ બીજો પડાવ છે. જ્યારે ચાર ધામ યાત્રાનો પ્રથમ પડાવ યમુનોત્રી છે. ગંગોત્રી ધામ ભાગીરથ નદીના કિનારે આવેલું છે જે સમુદ્રની સપાટીથી 3100 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જે ગ્રેટર હિમાલય રેંજમાં આવે છે. ગંગાનું ઉદ્ગમ સ્થાન આ સ્થળેથી 24 કિમીના અંતરે આવેલું છે. જેને ગંગોત્રી ગ્લેશિયર કહેવામાં આવે છે. અંદાજે તે 4225 મીટરની ઉંચાઈ પર આવેલ છે. ગંગા ગંગોત્રી શહેરથી અંદાજે 18 કિમી દૂર ગૌમુખમાં ગંગોત્રી ગ્લેશિયરથી નીકળે છે.
ઇતિહાસ
પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામચંદ્રના પૂર્વજ રઘુકુળના રાજા ભગીરથએ પોતાના પૂર્વજોને તેમના દ્વારા કરવામાં આવેલ પાપોમાંથી મુક્તિ અપાવા માટે એક પવિત્ર શિલાખંડ પર ધ્યાનમુદ્રામાં બેસી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. લોકવાયકાઓ અનુસાર રઘુકુળના રાજા સગરએ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યુ હતુ.. રાજા સગર જે ઘોડા દ્વારા યાત્રા કરવાની હતી તેને પોતાની સાથે લઈને રાજા સગરના 60 હજાર પુત્રો અને તેમની રાણી કેસાનીના પુત્ર અસમાજા પૃથ્વીની ચારે તરફ નિર્વિધન યાત્રા કરી રહ્યા હતા. તે સમયે ઈંદ્ર દેવને એવું લાગ્યું કે જો રાજા સગરનો યજ્ઞ સફળ થઈ જશે તો તે પોતાનું સિંહાસન ગુમાવી બેસશે.તેથી તેમણે તેમનો યજ્ઞ અટકાવવા ઘોડાને ચોરી લીધો. તેમજ ચોરેલા ઘોડાને મહર્ષિ કપિલના આશ્રમમાં બાંધી દીધો. તે સમયે મહર્ષિ કપિલ ધ્યાનમાં હતા. જ્યારે તેમના પુત્રોએ ઘોડાને તેમના આશ્રમાં જોયો તો તેમણે આશ્રમ પર આક્રમણ કર્યુ. જેના કારણે મહર્ષિ કપિલની આંખો ખુલી જતા તેમની તપસ્યા ભંગ થઈ ગઈ.
તપસ્યા ભંગના કારણે ક્રોધિત કપિલ ઋષિએ રાજા સગરના 60 હજાર પુત્રોને નષ્ટ થવાનો શ્રાપ આપ્યો.તેમના શ્રાપના કારણે રાજા સગરના 60 હજાર પુત્રો ત્યાં જ મૃત્યુ પામ્યા. કહેવાય છે કે રાજા સગરના પૌત્ર મહારાજા ભગીરથે પોતાના આ જ પૂર્વજોને તેમના પાપમાંથી મુક્ત કરી મોક્ષ અપાવા માટે દેવી ગંગાને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી . તેમની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ ભગવાન શિવ તેમનાથી ઘણા પ્રસન્ન થયા અને તેમણે તેમના પૂર્વજોને પાપમાંથી મુક્ત કરવા માટે ગંગા માતાને પૃથ્વી પર અવતરણનો આદેશ આપ્યો. ગંગાની તીવ્ર અને પ્રચંડ ધારાઓને નિયંત્રિત કરવા માટે ભગવાન શિવે તેમને પોતાની જટામાં ગ્રહણ કર્યા અને ત્યાર બાદ તે પૃથ્વી પર અવતર્યા.
ગંગોત્રી મંદિરનું મહત્વ
આ સ્થળ શ્રધ્ધાળુઓ માટે મહત્વનું સ્થળ છે. કહેવાય છે કે જીવનમાં એક વખત આ તીર્થ સ્થળોની મુલાકાત લેવી જોઈએ. ગંગોત્રી મંદિર પાસે એકત્રિત થતા ગંગાના પાણીને અમૃત સમાન માનવામાં આવે છે . તે ઉપરાંત શ્રધ્ધાળુઓ તેને પોતાના ઘરે પણ લઈ જાય છે. માન્યતા છે કે આ ગંગોત્રી ધામમાં મહાભારત યુદ્ધ દરમ્યાન પાંડવોએ પોતાના હાથે પોતાના પૂર્વજો અને સંબંધીઓની હત્યાનું પાશ્ચાતાપ કરવા માટે દેવ યજ્ઞ કર્યો, ત્યારે તેમને પાપમાંથી મુક્તિ મળી હતી.
સદીઓથી ગંગોત્રી મંદિરની પાછળ શિવલિંગમ જેવી એક સંરચના જોવા મળે છે. લોકોનું માનવું છે કે તે અભય સ્થળ છે. જ્યાં ભગવાન શિવે ગંગા માતાને પોતાની જટામાં સંકુચિત કરી પૃથ્વી પર ઉતાર્યા હતા.
મંદિરનું નિર્માણ
હાલના સમયમાં ગંગોત્રી મંદિરનું નવીનીકરણ જયપુરના રાજપરિવાર દ્વાર કરવામાં આવ્યુ હતુ. જ્યારે આ મંદિરનું નિર્માણ ગોરખા કમાન્ડર અમર સિંહ થાપા દ્વારા 18મી સદી દરદમ્યાન કરવામાં આવ્યુ હતુ.
મંદિરની વાસ્તુકલા
આ મંદિર જોવામાં ખૂબ જ ભવ્ય છે. જેમાં 20 ફૂટના પાંચ નાના શિખર છે. તે ઉપરાંત આ મંદિનું મૂખ પૂર્વની તરફ છે. મંદિરની વાસ્તુકલા કત્યૂરી શૈલી સાથે મેળ ખાય છે .જે ઘણી સરળ છે.
વિવિધ જોવા લાયક સ્થળ
ગંગોત્રી ધામમાં અલગ અલગ પ્રકારના દર્શનીય સ્થળ આવેલા છે જ્યાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે પૂજા અર્ચના કરે છે. આ ધામમાં ઘણા કુંડ પણ બનાવામાં આવ્યા છે.
ગંગા મંદિર
ગંગા મંદિર ગંગોત્રી ધામમાં રહેલ પૂજનીય સ્થળોમાં સૌથી મુખ્ય છે. આ સ્થળ પર દેવી ગંગાની મૂર્તિ બિરાજમાન છે કહેવામાં આવે છે કે તે મૂર્તિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.
તે ઉપરાંત આ મંદિરમાં શંકરાચાર્ય, યમુના , સરસ્વતી અને મહારાજ ભગીરથની મૂર્તિઓ પણ છે. મંદિરની નજીક ભૈરવ મંદિર પણ છે. અહીં 3 કુંડ પણ આવેલા છે. જેમના નામ સૂર્ય કુંડ, વિષ્ણુ કુંડ, બ્રહ્મ કુંડ છે.
ભાગીરથ શિલા
ગંગા મંદિરની પાસે એક શિલા પણ જોઈ શકાય છે. જેને ભાગીરથ શિલા કહેવામાં આવે છે. અને લોકો તેની પૂજા કરે છે. કહેવાય છે કે ચક્રવર્તી મહારાજા ભગીરથે ગંગા માતાને પ્રસન્ન કરવા માટે આ શીલા પર બેસી તેમની તપસ્યા કરી હતી.
માર્કંડેય ક્ષેત્ર
દર વર્ષે ઠંડીના કારણે ગંગોત્રી ધામ બરફથી છવાયેલું રહે છે. જેના કારણે શ્રધ્ધાળુઓને દર્શન કરવામાં અને પૂજા અર્ચના કરવામાં મુશ્કેલીઓ થાય છે. તેથી અહીં રહેલ બધી ચલ મૂર્તિઓને ઠંડીની ઋતુમાં થોડા સમય માટે માર્કંડેય ક્ષેત્રમાં લઈ જવામાં આવે છે. કહેવાય છે કે આ વિસ્તાર માર્કંડેય ઋષિનો વિસ્તાર હતો.
ગોમુખ અને ગ્લેશિયર
આ એ સ્થળ છે જ્યાંથી ગંગા માતાનો ઉદ્ભવ થયો હતો. ગોમુખની પાસે રહેલ ગ્લેશિયરની નીચેથી ગંગામાતાનોં ઉદ્ભવ થયો હોવાનું મનાય છે.
સંધ્યા આરતી
સાંજે ગંગોત્રી મંદિરને ખૂબ જ ભવ્ય શણગાર કરવામાં આવે છે. ગંગા નદીના કિનારે ગંગા આરતી કરવામાં આવે છે. ગગાં આરતી સમયે નાના નાની નૌકાઓમાં જુદા જુદા પ્રકારના ફળ, ફૂલ અને દીપક ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે.
કઈ રીતે જવું
જો તેમ ગંગોત્રી જવા માંગતા હોવ તો તે માટે રેલ , હવાઈ અને ટ્રેન એમ ત્રણેય સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત લોકો પોતાનું પ્રાઈવેટ વાહન લઈને પણ જઈ શકે છે.
હવાઈ માર્ગઃ
ગંગોત્રીથી સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જોલી ગ્રાંટ એરપોર્ટ છે. તે ગંગોત્રીથી અંદાજે 265 કિમીના અંતરે આવેલું છે.ત્યાંથી તમે બસ કે પ્રાઈવેટ વાહન કરી પહોંચી શકો છો.
ટ્રેન સેવા
જાણકારી માટે કે ગંગોત્રીની નજીકનું રેલ્વે સ્ટેશન દહેરાદૂન છે. તે ગંગોત્રીથી 240 કિમી ના અંતરે આવેલું છે. આ ઉપરાંત તમે ગંગોત્રી જવા માટે હરિદ્વાર કે ઋષિકેશ પણ જઈ શકો છો. ત્યાંથી ગંગોત્રી જવું વધુ સરલ રહેશે.
બસ સેવાઃ
બસ દ્વારા જવા માંગતા હોવ તો હરિદ્વાર માટેની બસ સહેલાઈથી મળી રહે છે. હરિદ્વારથી ગંગોત્રી વધુ નજીક છે. તેમજ હરિદ્વારથી ગંગોત્રી માટે ડાયરેક્ટ બસની સુવિધા પણ છે.
- મોનાલી ગજ્જર
Char Dham Yatra : Yamunotri : Gangotri : Kedarnath : Badrinath વાંચો...