કેદારનાથ | જાણો ઉદ્ભવ, મહત્વ, કથા... અહીં રહેલ જયોર્તિલિંગ ત્રિકોણાકારમાં છે । Kedarnath | Char Dham Yatra

22 Apr 2023 13:41:47

kedaranath
 
 
# 12 જ્યોર્તિલિંગમાંથી એક એવું કેદારનાથ સૌથી ઉંચાઈ પર આવેલ છે
# અહીં રહેલ જયોર્તિલિંગ ત્રિકોણાકારમાં છે
# મંદિર નિર્માણમાં ઈન્ટરલોકિંગ ટેકનીકનો ઉપયોગ
# આ મંદિરમા નંદી પીંડ તરીકે પૂજાય છે
 
 
દેશના બાર જ્યોર્તિલિંગોમાંથી એક કેદારનાથ સૌથી વધુ ઉંચાઈ પર આવેલુ છે. આ ધામ મંદાકિની નંદિના કિનારે 3581 મીટરની ઉંચાઈ પર આવેલ છે. કેદારનાથનુ આ શિવ મંદિર ઉત્તરાખંડનું સૌથી મોટું મંદિર છે. જેને કટવા પથ્થરોના શિલાખંડોને જોડીને બનાવામાં આવ્યું છે. આ પથ્થરો ભૂરા રંગના છે. આ મંદિર 6 ફૂટ ઉંચાઈના ચબૂતરા પર બનેલ છે. તેનો ગર્ભગૃહ પ્રાચીન છે. અહીં સ્થાપિત જ્યોર્તિલિંગ ત્રિકોણાકારનું છે.
 
કેદારનાથ મંદિરની ત્રણેય બાજુ ઊંચા પહાડો છે. મંદિરની એક બાજુએ અંદાજે 22 ફૂટ ઉંચુ કેદારનાથ, બીજી બાજુ 21 હજાર 600 ફૂટ ઉંચુ ખર્ચકુંડ અને ત્રીજી બાજુ 22 હજાર 700 ફૂટ ઉંચુ ભરતકુંડ આવેલું છે. બાબા કેદારનું આ ધામ કાત્યુહારી શૈલીમાં બનેલું છે. તેના નિર્માણમાં ભૂરા રંગના મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની છત લાકડાની બનેલી છે, જ્યારે શિખર પર સોનાનુ કળશ છે.
 

kedaranath 
મંદિરના વિસ્તારની વાત કરીએ તો તે 85 ફૂટ ઉંચુ, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળુ છે. આ મંદિરની દિવાલો 12 ફૂટ ઊંચી અને ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવામાં આવી છે. મંદિર 6 ફૂટ ઉંચા ચબૂતરા પર બનાવાયું છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા વર્ષો પહેલા આટલા ભારેખમ પથ્થરોને આટલી ઉંચાઈ પર લાવીને કઈ રીતે મંદિરનું રૂપ આપવામાં આવ્યું હશે ? મહત્વની વાત એ છે કે આ વિશાળકાય છત કઈ રીતે સ્તંભો પર મૂકવામાં આવી હશે..! પથ્થરોને એક બીજા સાથે જોડવા માટે ઈન્ટરલોકિંગ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મજબૂતાઈ અને ટેકનીક જ મંદિરને નદીની વચ્ચે ઉભા રાખવામાં સફળ રહ્યું છે.
 
મંદિરનો ઈતિહાસ
 
કેદારનાથ મંદિરના ઈતિહાસ માટે કેટલીક લોકવાયકાઓ કે માન્યતાઓ પ્રચલિત છે. પુરાણ કથા અનુસાર હિમાલયના કેદાર શૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. તેમની આરાધનાથી ખુશ થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને તેમની પ્રાર્થનાનુસાર જ્યોતિર્લિંગના રૂપમાં સદા વસવાનું વરદાન આપ્યું. આ સ્થળ પર્વતરાજ હિમાલયના કેદાર નામની શૃંખલા પર આવેલ છે.
 
આ મંદિર સાથે પાંડવોની વાત પણ જોડાયેલ છે. લોકવાયકાઓ પ્રમાણે મહાભારતના યુદ્ધમાં વિજયી થયા પછી પાંડવોને એ વાતનું દુઃખ થવા લાગ્યું કે તેમણે પોતાના જ સ્વજનોનો વધ કર્યો. આ વાતને લઈને તેઓ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા. આ બધા પાપમાંથી મુક્તિ માટે પાંડવો ભગવાન શિવના દર્શન માટે કાશી પહોંચ્યા.પરંતુ આ વાતની જાણ જ્યારે ભગવાન શિવને થઈ તો તે ગુસ્સે થઈ ત્યાંથી કેદારનાથ ચાલ્યા ગયા. તેમની શોધમાં પાંડવો પણ કેદારનાથ પહોંચ્યા. આથી ભગાવન શિવ નંદિનું રૂપ ધારણ કરી બળદના ઝૂંડમાં સમાઈ ગયા. શિવજી ન મળતા પાંડવોએ પ્રાર્થના કરી. પાંડવોની ભક્તિ જોઈ શિવ ખૂબ પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા. ત્યાર પછી અહીં પાંડવો દ્વારા કેદારનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જેમાં આજે પણ નંદીની પીઠની આકૃતિ –પીંડના રૂપમાં પૂજવામાં આવે છે. પાંડવો પછી આ મંદિર આદિ શંકરાચાર્ય દ્વારા ફરી બનાવવામાં આવ્યું. અહીં મંદિરની પાછાળ જ તેમણે સમાધિ લીધી હતી. આ પછી તો ઘણા રાજાઓએ આ મંદિરનો જીણોદ્વાર કરાવ્યો હતો એવું નોંધાયું છે. એવું પણ કહેવાય છે કે એકે સમય એવો પણ હતો કે ૪૦૦ વર્ષ સુધી આ મંદિર બરફથી ઢંકાયેલું પણ રહ્યું છે. મંદિરની દિવાલો પણ આ સંદર્ભના અનકે પુરાવાઓ પણ મળી આવે છે.
 

kedaranath 
 
રાહુલ સાંકૃત્યાયન અનુસાર આ મંદિર 12-13મી સદીનું છે. પરંતુ ઈતિહાસકાર ડૉ.શિવ પ્રસાદ ડબરાલની માન્યતા છે કે શૈવપંથી લોકો આદિશંકરાચાર્ય પહેલાથી જ કેદારનાથ જતા હતા, ત્યારે પણ આ મંદિર ઉપસ્થિત હતુ. એવું માનવામાં આવે છે કે એક હજાર વર્ષોથી કેદારનાથની તીર્થયાત્રા ચાલુ છે. કહેવાય છે કે કેદારેશ્વર જ્યોર્તિલિંગના પ્રાચીન મંદિરનું નિર્માણ પાંડવોએ કરાવ્યુ હતુ. પાછળથી અભિમન્યુના પૌત્રએ તેનો જીર્ણોઁદ્ધાર કરાવ્યો હતો.
 

kedaranath 
કેદારનાથ ધામ દર્શન માટે ફક્ત 6 મહિના જ ખુલ્લુ રહે છે અને 6 મહિના બંધ રહે છે. શિયાળામાં અહીં ભારે હિમવર્ષા થાય છે. અહીં સુધી પહોંચવું અશક્ય બને છે. માટે આ દરમિયાન મંદિર બંધ રહે છે. મંદિર એપ્રિલ મહિના પછી ખોલાવામાં આવે છે અને દિવાળી પછી બેસતા વર્ષે બંધ કરવામાં આવે છે. જ્યારે 6 મહિનાનો સમય પૂર્ણ થાય છે ત્યારે મંદિરના પૂજારી આ મંદિરમાં એક દીવો પ્રગટાવે છે. જેને અખંડ જ્યોત કહેવાય છે. મંદિર ખુલ્લુ હોય ત્યાં સુધી આ અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે.
 
ભીમશિલા
 
૨૦૧૩નું વર્ષ ઉત્તરાખંડ અને કેદારનાથ માટે કુદરતી આપત્તિઓથી ભરેલું રહ્યું. ૨૦૧૩માં અહીં અતિવૃષ્ટિના કારણે પૂર આવ્યું. ભયંકર ગાજવીજ સાથે વરસાદ પડ્યો. આ સમયે અનેક શ્રદ્ધાળું ફસાયા અને અનેકના મૃત્યુ પણ થયા. આ કપરો સમય હતો. ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિર ત્રણ બાજુએ ઊંચા પર્વત છે. પુરના કારણે અહીંથી કાટમાળ તણાઈને મંદિર તરફ આવી રહ્યો હતો. કાટમાળમાં ઊંચા પર્વતોના ભારે ભરખમ પથ્થરો પણ હતા. આ પુરમાં મંદિરની પાછળ આદિ શંકરાચાર્યજીની સમાધિ હતી તે ધોવાઈ ગઈ હતી. પ્રવાહ એટલો હતો કે મંદિરને નુકસાન થઈ શકે એવું હતું. આવામાં ચમતકાર થયો. પુરનું પાણી મંદિર સુધી પહોંચે તે પહેલા જ પુર સાથે પર્વત પરથી એક વિશાળ પથ્થર મંદિર તરફ તણાઈ આવ્યો અને મંદિરની રક્ષા કરાતો હોય તેમ મંદિરની પાછળની બાજુએ સ્થિર થઈ ગયો. આ પથ્થરને કારણે મંદિર તણાતું રહી ગયું. આ પથ્થર આજે પણ ત્યાં જ છે. જેને ભીમશીલા તરીકે પૂજવામાં આવે છે. લોકોને વિશ્વાસ છે કે મંદિરની રક્ષા માટે મહાદેવે સ્વયં આ ભીમશિલા મોકલી છે.
 
 

kedaranath 
કઈ રીતે જવું
 
કેદારનાથ જવા માટે હવાઈ માર્ગ, સડક માર્ગ અને રેલ માર્ગ ત્રણેય ઉપલબ્ધ છે.
 
 

kedaranath route

હવાઈ માર્ગઃ હવાઈ માર્ગે કેદારનાથ જવા દેહરાદૂનનું જોલી ગ્રેટ એરપોર્ટ તેની નજીકનુ એરપોર્ટ છે.આ એરપોર્ટ કેદારનાથથી 239 કિમીના અંતરે આવેલું છે.
 
આ ઉપરાંત કેદરનાથ જવા માટે હેલીકોપ્ટર સેવા પણ છે. જેમાં અંદાજે વ્યક્તિ દીઠ 50,000નો ખર્ચ આવે છે.
કેદારનાથ માટે હેલીકોપ્ટરની શટલ સેવા પણ ઉપલ્બધ છે. જે માટે ફાટાથી હેલીકોપ્ટર મળી રહેશે. આ શટલ સેવામાં એક તરફનુ ભાડુ 2500 છે , જ્યારે સમગ્ર ટ્રીપનું ભાડુ વ્યક્તિ દીઠ 5000 છે.
 
સડક માર્ગઃ રાજ્ય પરિવહનની અનેક બસોની સુવિધા કેદારનાથ માટે મળી રહે છે. સડક માર્ગે ઋષિકેશ અને ત્યાંથી ગૌરી કુંડ થઈ કેદારનાથની જઈ શકાય છે. ઋષિકેશ કેદારનાથથી 230 કિમીના અંતરે આવેલું છે. આ ઉપરાંત ગૌરીકુંડ માટેની બસો પણ મળી રહે છે. ગૌરી કુંડ કેદારનાથથી નજીકનું સ્થળ છે. પોતાનું વાહન કરીને પણ ગૌરી કુંડ સુધી જઈ શકાય છે.
 
રેલ માર્ગઃ જો તમે ટ્રેન દ્વારા કેદારનાથ જવા માંગતા હોવા તો તે માટે દિલ્હી થી હરિદ્વારની ટ્રેન ઉપલબ્ધ છે. ત્યાંથી સડક કે હવાઈ માર્ગે કેદારનાથ જઈ શકાય છે.
 
- મોનાલી ગજ્જર 
 
 
Char Dham Yatra : Yamunotri : Gangotri : Kedarnath : Badrinath વાંચો...
 
યમુનોત્રી - જ્યાંથી ચારધામ યાત્રાની શરૂઆત થાય છે 
ગંગોત્રી | જાણો ઉદ્ભવ, મહત્વ, કથા... 
 
 
 
 
 
Powered By Sangraha 9.0