# ઉત્તરાખંડના આ તીર્થ સ્થળને પૃથ્વી પરનું વૈકુંઠ કહેવાય છે
# બદ્રીનાથમાં બિરાજમાન છે ભગવાન વિષ્ણુ
# આદિ શંકરાચાર્યએ સ્થાપિત કરી છે ભગવાન વિષ્ણુની મૂર્તિ
# આ મંદિરમાં ફક્ત દ.ભારતના નંબૂદીરી બ્રહ્માણો જ કરી શકે છે ભગવાનની પૂજા અર્ચના
# અહીં આજે પણ દ.ભારતના કરેલના બ્રાહ્મણો જ પૂજા કરે તેવી પરંપરા યથાવત છે
# ઉત્તરાખંડમાં આવેલ આ મંદિરમાં ભગવાન વિષ્ણુના બદ્રીનારાયણ રૂપની પૂજા થાય છે
ચાર ધામ યાત્રા કરવી એ દરેકના જીવનની એક મહત્વની ઈચ્છામાંથી એક છે. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ચાર તીર્થ સ્થળ છે. જેમને ચારધામના નામથી ઓળખવામાં આવે છે. તેમાંથી એક બદ્રીનાથ પણ મહત્વનું યાત્રાધામ છે. જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે સંકળાયેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે.
બદ્રીનાથ શહેર સમુદ્રથી 10200 ફૂટની ઉંચાઈ પર આવેલું છે
ઉત્તરાખંડના હિમાલયના ગઢવાલ વિસ્તારમાં બદ્રીનાથ શહેર સમુદ્રથી 10200 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. મંદિરની સામે ભવ્ય નીલકંઠ ચોટી છે. બદ્રીનાથ મંદિર જોશી મઠથી અંદાજે 45 કિમીના અંતરે આવેલું છે જે એક બેઝ કેમ્પ છે.
બદ્રીનાથ ધામ જેને બદ્રીનારાયણના નામે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલય પર અલકાનંદા નદીના કિનારે આવેલ હિદું ધર્મનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહીં ભગવાન વિષ્ણુના એક રૂપ બદ્રીનારાયણની અહીં પૂજા થાય છે. આ સ્થળ ભારતના મુખ્ય ચાર ધામોમાંથી એક છે.
બદ્રીનાથની યાત્રા અંદાજે 6 મહિના સુધી ચાલે છે. મંદિરના કપાટ મે મહિનામાં અખાત્રીજના દિવસે ખુલે છે અને નવેમ્બર મહિનામાં દિવાળીના બે દિવસ પછી એટલે કે ભાઈબીજના દિવસે બંધ કરવામાં આવે છે.
બદ્રીનાથને અલગ અલગ કાળમાં અલગ અલગ નામે ઓળખવામાં આવ્યા. સ્કંદપુરાણમાં બદ્રી વિસ્તારને મુક્તિપ્રદા કહેવામાં આવી છે. આ પરથી એવું લાગે છે કે સત યુગમાં તેનું નામ મુક્તિપ્રદા હતુ. ત્રેતા યુગમાં ભગવાન નારાયણના આ વિસ્તારને યોગ સિદ્ધ કહેવામાં આવ્યો છે. દ્વાપરમાં ભગવાનના પ્રત્યક્ષ દર્શનના કારણે આ સ્થળને મણિભદ્ર કે વિશાલા તીર્થ કહેવામાં આવ્યું . જ્યારે કળયુગમાં તેને બદ્રીકાશ્રમ કે બદ્રીનાથ કહેવામાં આવ્યું છે.
મંદિર સાથે સંકળાયેલ પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર એક વખત જ્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા. ત્યારે ત્યાંથી એક જ્ઞાની સંત પસાર થાય છે. તેમની નજર અચાનક જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પર પડે છે. આ જોઈ સંત ગુસ્સે થયા કે ભગવાન વિષ્ણુ પોતે સૂતા છે અને પોતાની પત્ની પાસે કામ કરાવી રહ્યા છે. સંત દ્વારા ભગવાન વિષ્ણુની આલોચના થતા ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ ત્યાંથી ચાલ્યા ગયા અને બદ્રીનાથ જઈ તપસ્યા કરવા લાગ્યા. આ બધુ જોઈ માતા લક્ષ્મી પણ ત્યાં પહોંચ્યા અને ભગવાન વિષ્ણુની તપસ્યામાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે માતા લક્ષ્મી બોર (બદરી) વૃક્ષ, જેને બદ્રી પણ કહેવામાં આવે છે તેનું રૂપ ધારણ કરી લીધુ. આ રૂપ ધારણ કર્યા પછી માતા લક્ષ્મી સાત વૃક્ષનું રૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુની સેવામાં લાગી ગયા. જેથી ઠંડી, ગરમી કે વરસાદના કારણે ભગવાન વિષ્ણુની તપસ્યામાં કોઈ સમસ્યા કે મુશ્કેલી ઉભી ન થાય.
તપસ્યા પૂર્ણ થયા પછી જ્યારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને બોર (બદ્રી)ના વૃક્ષમાં જોયા.ત્યારે તેમણે માતા લક્ષ્મીને કહ્યું કે દેવી તમે મારાથી વધુ તપ કર્યુ છે. તેથી મારા નામ પહેલા તમારુ નામ લેવામાં આવશે. માતા લક્ષ્મી બોર (બેર) એટલે કે બદ્રીના વૃક્ષનું રૂપ ધારણ કરી પોતાના પતિ, જેને નાથ અને સ્વામી પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુને છાયા આપી રહ્યા હતા. આ જ કારણે આ મંદિરને બદ્રીનાથ કહેવામાં આવે છે. એટલે કે બદ્રી બનેલ માતા લક્ષ્મી અને તેમના નાથ ભગવાન વિષ્ણુ એટલે બદ્રીના નાથ એ જ બદ્રીનાથ.
આ સ્થળ અંગે વધુ એક લોકવાયકા એવી પણ છે કે આ સ્થાન પર ક્યારેક બોર (બેરી) એટલે કે બદ્રીના ખૂબ જ વૃક્ષો હતા. તેથી તેને બદ્રીનાથ પણ કહેવામાં આવે છે. તેને આદિ શંકરાચાર્યના સમયથી જ બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વ્યાસ મુનિનો જન્મ બદ્રીવનમાં થયો હતો . તેમજ બદ્રીવનમાં વ્યાસ મુનિનું આશ્રમ પણ હતુ. તેથી મહર્ષિ વેદ વ્યાસને બાદરાયણ પણ કહેવામાં આવે છે. તેથી આ મંદિરને બદ્રીનાથ પણ કહેવામાં આવ્યું છે.
ઉત્તરાખંડને ભારતીય સંતો અને મહાત્માઓએ દેવતાઓ અને પ્રકૃતિના મિલનનું સ્થાન માને છે. કહેવામાં આવે છે કે આદિ યુગમાં નારાયણે, ત્રેતાયુગમાં ભગવાન રામે, દ્નાપરમાં વેદવ્યાસે તથા કળયુગમાં આદિ શંકરાચાર્યએ બદ્રીનાથમાં ધર્મ અને સંસ્કૃતિના સૂત્રો રોપ્યા હોવાનો ઉલ્લેખ છે.
ઈતિહાસ અને નિર્માણ
# જ્યારે પણ આ પ્રાચીન મંદિરના ઈતિહાસની વાત આવે છે તો તે કેટલા વર્ષ જૂનું છે તે અંગે કોઈ ચોક્કસ તથ્ય મળતા નથી. ઈતિહાસના પુસ્તકો કહે છે કે મંદિર વૈદિક યુગનું છે જે અંદાજે ઈસ. પૂર્વે 1500ની આસપાસનું છે. મંદિરનો ઉલ્લેખ ઘણા વૈદિક ગ્રંથો અને પુરાણોમાં મળે છે. એવી પણ માન્યતા છે કે મંદિરનું નિર્માણ 9મી સદીમાં આદિ શંકારાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતુ. તે 814થી 820 સુધી બદ્રીનાથ મંદિરમાં રહ્યા અને તેમણે કેરલના એક નંબૂદીરી બ્રાહ્મણને અહીંનો મુખ્ય પુજારી બનવા માટે કહ્યું. જે પંરપરા આજે પણ યથાવત છે.
# મંદિરમાં બદ્રીનાથની સ્થાપના 16મી સદીના ગઢવાલના રાજાએ કરી હતી. જેણે ભગવાન બદ્રીનાથની મૂર્તિ ને આ મંદિરમાં સ્થાપિત કરી હતી.
# આ મંદિર સાથે એ માન્યતા પણ ઘણી પ્રચલિત છે કે બદ્રીનાથ ધામનું નિર્માણ 8મી સદીમાં આદિ ગુરુ શંકરાચાર્યએ કરાવ્યુ હતુ. કહેવામાં આવે છે કે આદિ ગુરુ શંકરાચાર્ય અનુસાર આ મંદિરના પૂજારી ફક્ત દ.ભારતના કેરલ રાજયના જ હોઈ શકે છે.
આ મંદિરને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેમાં મંદિરનો ગર્ભગૃહ, દર્શન મંડપ અને સભા મંડપનો સમાવેશ થાય છે. આ મંદિરમાં કુલ 15 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. જેમાંથી એક મૂર્તિ ભગવાન વિષ્ણુની શાલિગ્રામની કાળી પ્રતિમા છે. બદ્રીનાથને પૃથ્વી પરનું વૈકુંઠ કહેવામાં આવે છે.
વિષ્ણુ ભગવાનની 8 સ્વંય પ્રગટેલી મૂર્તિઓમાંથી એક
અહીં ભગવાન વિષ્ણુની મૂર્તિ 1 મીટર (3.3 ફૂટ) લાંબી છે. આ મૂર્તિ અંગે માન્યતા છે કે આ મૂર્તિ વિષ્ણુ ભગવાનની 8 સ્વંય પ્રગટેલી મૂર્તિઓમાંથી એક હોવાનું માનવામાં આવે છે. આ મૂર્તિની પાસે માતા લક્ષ્મી અને નારદજીની મૂર્તિ પણ છે.
આ મંદિરની સૌથી ઉપર સુવર્ણ કળશ છે. મંદિરના મુખ્ય દ્વારને સિંહ દ્વાર કહેવામાં આવે છે. મંદિરની સુંદરતા અને ભવ્યતા જોવા જેવી છે. મુખ્ય મંદિરમાં પ્રથમ ભાગમાં ગરુડ , હનમાનજી અને માતા લક્ષ્મીનું મંદિર આવેલું છે જે પ્રાંગણમાં ચારેબાજુ ફેલાયેલ છે. બીજા ભગામાં શ્રી બદ્રી નારાયણ દાસ ભગવાન વિષ્ણુની કાળા પત્થરની બનેલ મૂર્તિ બિરાજમાન છે. આ પ્રતિમા ચર્તૂભૂજ છે. એક હાથમાં શંખ અને બીજા હાથમાં ચક્ર છે. જ્યારે અન્ય બંન્ને હાથ યોગાસન મુદ્રામાં છે.
મંદિરની સ્થાપત્ય શૈલી
બદ્રીનાથ મંદિર સ્થાપત્ય કલા ઉત્તર ભારતીય શૈલીમાં બનેલું છે. મંદિરનું બાંધકામ પથ્થરોથી કરવામાં આવ્યું છે. જેમાં ઘણી કોતરણીવાળી દિવાલો ,ઝરોખા અને સ્તંભ આવેલા છે. આ મંદિર અલકાનંદ નદીથી અંદાજે 50મીટર ઉંચાઈ પર આવેલું છે. તેનું મુખ્ય પ્રવેશ દ્વાર લાંબા ધુનષાકારનું છે. તેનું મુખ અલકાનંદા નદી તરફ છે. જેમાં પ્રેવશ કરતા જ સભા મંડપ( એ હોલ જ્યાં દર્શનાર્થીઓ એકત્ર થાય છે) આવે છે. જે દર્શન મંડપ (એ સ્થળ જ્યાં મૂર્તિની પૂજા કરવામાં આવે છે) અને છેલ્લે ગર્ભગૃહ તરફ જાય છે. ગર્ભગૃહની છત 15 મીટરની ઉંચાઈ પર એક શંકુ આકાર શિખરના રૂપમાં છે. જેની ટોચ પર સોનાનું પાણી ચઢાવેલું કળશ છે.
બદ્રીનાથમાં ઉજવવામાં આવતા તહેવારો
બદ્રીનાથ મંદિરમાં કેટલાક મેળાઓનું આયોજન થાય છે. જેમાંથી મુખ્ય મેળા અંગેની માહિતી અહીં આપેલી છે જે આ મુજબ છે.
માતા મૂર્તિનો મેળો
બદ્રીનાથમાં ઓયજીત થનાર આ સૌથી મહત્વપૂર્ણ મેળો છે. એવી માન્યતા છે કે આ તહેવાર પૃથ્વી પર ગંગા નદીના અવતરણના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બદ્રીનાથી માતાએ પૃથ્વીના કલ્યાણ માટે ગંગા નદીને 12 વહેણમાં વિભાજીત કરી હતી. જે સ્થળે ગંગા નદી વહેતી હતી તે પવિત્ર બદ્રીનાથ મંદિર બની ગયુ.

માતા મૂર્તિનો મેળો
બદ્રી-કેદાર ઉત્સવ
બદ્રી – કેદાર ઉત્સવ જૂન મહિનામાં બદ્રીનાથ અને કેદારનાથ બંન્ને ધામોમાં મનાવામાં આવતો તહેવાર છે. આઠ દિવસ ચાલનાર આ તહેવારમાં દેશ વિદેશથી કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે આવે છે. અનુષ્ઠાન દરમ્યાન વૈદિક શાસ્ત્રો જેવા કે અષ્ટોત્રમ અને વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન કરવું જરુરી માનવામાં આવે છે.

અખંડ જ્યોત
અખંડ જ્યોત
અખંડ જ્યોતિના નામથી ઓળખવામાં આવતો એક ઘીનો દિવો છે. જે મંદિરના ગર્ભગૃહમાં પ્રગટાવવામાં આવે છે. જે છ મહિના સુધી પ્રજવલિત રહે છે. છ મહિના પછી એપ્રિલ દરમ્યાન વસંત પંચમે ફરથી ભક્તો માટે ખોલવામાં આવે છે. એ દિવસે ભક્ત ગણ અખંડ જયોતના દર્શન કરવા આવે છે.
દર્શનનો સમય
ભગવાન વિષ્ણુનં આ મંદિર સાતે દિવસ ભક્તો માટે ખુલ્લુ રહે છે.જેમાં દર્શન કરવાનો સમય નિયમિત રૂપે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીનો છે.
કઈ ઋતુમાં જવું જોઈએ
બદ્રીનાથમાં સમગ્ર વરસ દરમ્યાન વાતાવરણ ઠંડુ રહે છે. અહીં જવાની પીક સીઝન મે અને જૂન અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરની વચ્ચેની માનવામાં આવે છે. ચોમાસામાં ભારે વરસાદ અને તપામાનમાં ઘટાડો જોવા મળે છે. વધુ પડતી બરફ વર્ષાના કરાણે અહીં ઠંડીમાં ખૂબ જ ઠંડી હોય છે. મોટાભાગે ઠંડીમાં તાપમાન માઈનસ ડિગ્રીમાં પહોંચી જાય છે. તેથી ઉનાળો યાત્રા માટે યોગ્ય સમય છે.
કઈ રીતે જવું
બદ્રીનાથ જવા માટે પણ હવાઈ, રેલ અને સડક એમ ત્રણેય ઉપલબ્ધ છે.
હવાઈ માર્ગઃ જોલી ગ્રાંટ એરપોર્ટ બદ્રીનાથથી નજીકનું એરપોર્ટ છે. જે તેનાથી 314 કિમીના અંતરે આવેલું છે. ત્યાંથી ફલાઈટ સરળતાથી મળી રહે છે. આ એરપોર્ટ દિલ્લી સાથે સારી રીતે જોડાયેલ છે.
રેલ માર્ગઃ બદ્રીનાથની નજીકનું રેલ્વે સ્ટેશન ઋષિકેશ છે. બદ્રીનાથથી ઋષિકેશ રેલ્વે સ્ટેશ 295 કિમીના અંતરે આવેલું છે. જે સમગ્ર ભારતા સાથે રેલ માર્ગથી સારી રીતે સંકળાયેલું છે.
સડક માર્ગઃ બદ્રીનાથ ઉત્તરાખંડના મુખ્ય સ્થળોમાંથી એક હોવાની સાથે તે સડક માર્ગે સારી એવી બસ સેવાઓ સાથે સંકળાયેલ છે. ઉત્તરાખંડના મુખ્ય બસ મથક અને મુખ્ય શહેરોથી સરળતાથી બદ્રીનાથ માટેની બસો મળી રહે છે. તે ઉપરાંત ત્યાં ટેક્સી સેવા પણ સરળતાથી મળી રહે છે. બદ્રીનાથ નેશનલ હાઈવે 58 દ્વારા ગાઝિયાબાદ સાથે જોડાયેલ છે.
- મોનાલી ગજ્જર
Char Dham Yatra : Yamunotri : Gangotri : Kedarnath : Badrinath વાંચો...