સૌરાષ્ટ્ર - તમિલ સંગમમ | ભાષાની એકતા… એકતાની ભાષા... સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયનો રોચક ઇતિહાસ

આજે ૧૦૦૦ વર્ષ પછી આ સમુદાયને કોઈ પૂરા સન્માન અને ઈતિહાસબોધ સાથે પોતાના પૂર્વજોની ભૂમિ પર આમંત્રણ આપી રહ્યું હોય ત્યારે તેમનામાં આનંદ અને ઉત્સાહ ન હોય તો જ નવાઈ ! સૌરાષ્ટ્ર- તમિલ સંગમમ એ કોઈ એક કાર્યક્રમ માત્ર નથી. આ સંગમ ભાષાઓ અને આશાઓનો ઉત્સવ છે. આ ઉત્સવ એ ઉજવણી છે સદીઓના સંબંધોની.

    ૨૬-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Saurashtra Tamil Sangamam 
 
 
 
કવિ ખબરદાર વર્ષો પૂર્વે કહી ગયા હતા જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કવિ આર્ષદ્રષ્ટા હોય છે. તે મનીષી છે. અમથું અમથું જ કોઈએ નહિ કહ્યું હોય કે જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોચે કવિ. કવિ ખબરદારે આ કવિતામાં અદભુત શબ્દો પ્રયોજ્યા છે. આ શબ્દોથી આજે વાતનો ઉઘાડ અને ઉપાડ કરવો છે. સદાકાળ ગુજરાતમાં કવિ લખે છે કે;
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !
 
 
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
 
 
આ કવિતામાં કવિ ગુર્જરીની મહોલાત શબ્દ વાપરે છે. જે પૂર્વે ગુજરાતી કવિતામાં બહુ વપરાયો નથી. ગુજરાતી મહોલાત એટલે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર એવી ગુર્જર અસ્મિતા. આપણી ભાષા અને ગુર્જર અસ્મિતાને સંરક્ષિત કરી દક્ષિણમાં આપણા વારસાને વ્હાલથી સાચવી રહ્યા છે તેવા સૌરાષ્ટ્રીયન તમિલોની વાત કરવાનો આજે ઉપક્રમ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમિલનાડુમાં સૌરાષ્ટ્રીયન ક્યાંથી? પણ તમિલનાડુમાં સૌરાષ્ટ્રીયન-તમિલ તેવો આખો સમુદાય છે. તમિલનાડુમાં વસતા ગુજરાતી મૂળના લોકોની વસ્તી આશરે ૨૫ લાખથી પણ વધુ છે. તેમાંય આ સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયની વસ્તી જ ૧૨ લાખ લોકોની છે. વર્ષોથી આપણી અસ્મિતાને દક્ષિણમાં સાચવીને બેઠેલા આ સૌરાષ્ટ્રીયન તમિલો મૂળ ગુજરાતમાંથી સ્થળાંતર કરી તમિલનાડુ સ્થાયી થયા છે તેની કહાની રોચક છે. તેમની ભાષાને સૌરાષ્ટી- સુરાષ્ટી ભાષા કહેવામાં આવે છે. આ ભાષા ગુજરાતી, મરાઠી અને તમિલનું મિશ્રણ છે. આ ભાષાની લિપિ પણ તમિલ કરતા જુદી છે. આ ભાષામાં આજે પણ અનેક ગુજરાતી શબ્દોની સુગંધ અકબંધ છે.
 
તમિલનાડુમાં વસતા આ સૌરાષ્ટ્રીયન સમુદાયના ઈતિહાસ પર હજુ જેટલું સંશોધન કાર્ય થવું જોઈએ તેટલું થયું નથી. વિદ્વાન સંશોધક ડૉ. નોરીહિકો એ આ અંગે ઘણું કામ કર્યું છે. તેમના મત અનુસાર સૌરાષ્ટ્ર શબ્દમાં સૌરા શબ્દ સમાયેલો છે. જે પ્રાકૃત શબ્દ છે, તેનો અર્થ સૂર્ય તેવો થાય છે. તેથી આ પ્રદેશ એ સૂર્ય પૂજકોનો પ્રદેશ છે તેમ તેઓ કહે છે. આ પ્રદેશને સૂર્યપૂજાનો પ્રદેશ કહેતા તેઓ સોમનાથના સૂર્ય મંદિરનો ઉલ્લેખ પણ કરે છે. આ સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિર એ અત્યંત સમૃદ્ધ મંદિર ઉપરાંત લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર હતું. ઇ.સ. ૧૦૨૪થી આ સોમનાથ મંદિર પર વિધર્મીઓએ આક્રમણ કર્યા. તેમાં મહમ્મદ ગઝનીના આક્રમણે વિનાશ વેર્યો. લાખો લોકો એ સોમનાથની સખાતે બલિદાનો આપ્યા. સોમનાથ પર એક પછી એક આક્રમણો થતા રહ્યા. આ સમયે સૌરાષ્ટ્રના અનેક લોકો હિજરત કરી ખંભાત બંદરે થઇ સુરત આવ્યા. મધ્યપ્રદેશમાં આવેલ મંદસૌરના અભિલેખ અનુસાર સૌરાષ્ટ્રથી હિજરત કરીને આવેલ બ્રાહ્મણો અને સુરતથી આવેલ વણાટકામના ઉત્તમ કારીગરોએ ત્યાં તાપી નદી પર જરી ઉદ્યોગ અને વણાટઉદ્યોગ, રેશમી વણાટના પાયા નાખ્યા. ત્યાંથી લાટ પ્રદેશ થઇ દેવગિરી પ્રાંતમાં આવ્યા. દેવગિરીમાં યાદવોનું સામ્રાજ્ય હતું. ૧૪મી સદીમાં યાદવ સામ્રાજ્યનું પતન થયું અને મુઘલ સામ્રાજ્યનો કાળો ઓછાયો વર્તાવા લાગ્યો. ૧૪મી સદીમાં યાદવોના પતન પછી તેઓ વિજયનગર સામ્રાજ્યમાં ગયા, તેની રાજધાની હાલના કર્ણાટકના હમ્પીમાં ગયા અને ત્યાંના રાજાના આમંત્રણથી ત્યાં રોકાયા. વિજયનગર સામ્રાજ્યના વિસ્તરણથી ૧૪મી સદીમાં સૌરાષ્ટ્રીયનો દક્ષિણ ભારતમાં આવ્યા, કારણ કે તેઓ ઉત્તમ રેશમી વસ્ત્રોના ઉચ્ચ કુશળ ઉત્પાદકો હતા. સૌરાષ્ટ્રીયનોને રાજાઓ અને તેમના પરિવારો દ્વારા તેમને આશ્રય આપવામાં આવતો હતો. તેથી હવે કોઈ ભય ન હતો. અહીં તેમની કળા સોળે કળાએ ખીલી હતી. વિજયનગર સામ્રાજ્યના પતન પછી ૧૬મી સદીના મધ્યમાં તંજાવુરના નાયક રાજાઓ અને ૧૭મી સદી દરમિયાન મદુરાઈના નાયક દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને તિરુમલાઈ નાયક્કર પેલેસ પાસે સ્થાયી થવાની મંજૂરી આપવામાં આવી હતી. દક્ષિણના તમામ શાસકોએ સૌરાષ્ટ્રીયન લોકોની વણાટકલા- કારીગરી જોઈ તેમને આશરો આપ્યો. દક્ષિણભારતના તે સમયના દીર્ઘદ્રષ્ટા નાયકોની કલ્પના એવી હતી કે સૌરાષ્ટ્રના આ લોકોની કલા-કારીગરીથી અમારા રાજ્યનો વ્યાપાર- વાણિજ્ય વધશે અને બિલકુલ તેવું જ થયું. કવિ ખબરદાર કહે છે તેમ;
 
ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
 
ગુજરાતના આ કારીગરોએ પોતાના અદ્વિતીય કસબથી મદુરાઈને વણાટ ઉદ્યોગનું હબ બનાવી દીધું. કર્ણાટકના હૈદરઅલીએ મદુરાઈનો વિકાસ જોઇને સૌરાષ્ટ્રીયન વણકરોને પોતાના રાજ્યમાં સ્થાયી થવા માટે આમંત્રણ આપેલું. આ સાથે આંધ્ર, કેરાલા અને હાલના કેરાલામાં પણ સૌરાષ્ટ્રીયન સમુદાયને આશરો મળ્યો હતો. સૌરાષ્ટ્રના લોકોની આ હિજરત એ કોઈ સામાન્ય નાનીસુની ઘટના નહોતી. આતતાયીઓના ત્રાસથી લાખો લોકોએ એક સાથે કરેલું સ્થળાંતર એ વિશ્વ ઇતિહાસની ખૂબ મોટી ઘટના હતી. છતાંય સામુદાયિક હિજરતની વિશ્વ વિખ્યાત ઘટનાઓમાં આ સ્થળાંતરની નોંધ જોઈએ તેટલી લેવાઈ નથી. આ રીતે આશરે ૧૦૦૦ હજાર વર્ષથી ગુજરાતથી વિખૂટા પડેલા સૌરાષ્ટ્રીયન સમુદાયના લોકોના મનમાં આજે પણ આ ગુર્જર ભૂમિ માટે અનહદ લાગણી અને પ્રેમ છે. ૧૦૦૦ વર્ષોના વાણા વાઈ ગયા હોવા છતાંય તેમના તાણાવાણા ગુજરાત સાથે આજે પણ હદયના તારથી જોડાયેલા છે. તેથી જ તેમણે સૌરાષ્ટ્રીયન ભાષાને જાળવી રાખી છે. વણાટકામ કરનારા પટલૂનકર અને ખત્રી લોકોની બોલીમાં આજે પણ ગુર્જરી સુવાસ મહેકે છે.
 
સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયની હાલની સ્થિતિની વાત કરીએ તો માત્ર મદુરાઈમાં જ ત્રણ લાખ જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકો રહે છે. આ સિવાય સાલેમ, તાંજોર, કુંભકોણમ અને પરમાકુડી જિલ્લામાં પણ સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયની મોટી વસ્તી છે. એક હજાર વર્ષ દક્ષિણ ભારતમાં રહ્યાં એટલે તામિલ સંસ્કાર અને રીતભાત તો સ્વાભાવિક પણે તેમનામાં હોય જ, પણ તેઓ મોટાભાગે શાકાહારી છે, અને જન્મથી મૃત્યુ સુધીના વિધિવિધાન ગુજરાત-સૌરાષ્ટ્રના જાળવી રાખ્યા છે. સૌરાષ્ટ્રીયનો પરંપરાગત રીતે રૂઢિચુસ્ત અને નજીકથી જોડાયેલા અને સમૂહમાં રહેવા ટેવાયેલ સમુદાય છે. તેઓ તેમના રિવાજો, રીતભાત અને સામાજિક માળખામાં ઉત્તર ભારતીયપણું કે ગુજરાતીપણું દેખાય છે. પરંપરાગત રીતે, સંયુક્ત કુટુંબ તેમના માટે સામાજિક અને આર્થિક એકમ હતું. તદુપરાંત, સંયુક્ત કુટુંબની પરંપરાએ તેમને તેમની પરંપરાગત સંસ્કૃતિને યુવા પેઢી સુધી પહોંચાડવામાં મદદ કરી. શિવ, વૈષ્ણવ, સૂર્ય અને રામને પૂજતી આ કોમ આયંગર કે તેલુગુ બ્રાહ્મણ જેવો પહેરવેશ ધારણ કરે છે. સૌરાષ્ટ્રીયન મહિલાઓ તમિલ મહિલાઓ કરતાં અલગ રીતે સાડી પહેરે છે. હા, વર્ષોના તમિલ પરિવેશને કારણે તેમના નામો દક્ષિણ ભારતીય જ છે. આજે પણ તમિલનાડુમાં રહેતા સૌરાષ્ટ્રીયન સમુદાયના આ લોકો સૌરાષ્ટ્રના હોવાનું ગૌરવ અનુભવે છે. તેમની નવી પેઢીને એ બરાબર ખબર છે કે અમારું મૂળ અને કૂળ કયું છે. તેથી જ વાર- તહેવારે આ સમુદાય ભગવાન સોમનાથના ચરણે આવી શીશ નમાવવાનું ચૂકતો નથી. સૌરાષ્ટ્રીયન સમુદાયે તમિલનાડુના વિકાસમાં અનન્ય પ્રદાન કર્યું છે. મદુરાઈમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ છે. સૌરાષ્ટ્ર સોસાયટી પણ છે. સૌરાષ્ટ્ર કોલેજ અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી દ્વારા શિક્ષણ ક્ષેત્રે પણ આ સમુદાયનો ફાળો રહેલો છે.
 
આજે ૧૦૦૦ વર્ષ પછી આ સમુદાયને કોઈ પૂરા સન્માન અને ઈતિહાસબોધ સાથે પોતાના પૂર્વજોની ભૂમિ પર આમંત્રણ આપી રહ્યું હોય ત્યારે તેમનામાં આનંદ અને ઉત્સાહ ન હોય તો જ નવાઈ ! સૌરાષ્ટ્ર- તમિલ સંગમમ એ કોઈ એક કાર્યક્રમ માત્ર નથી. આ સંગમ ભાષાઓ અને આશાઓનો ઉત્સવ છે. આ ઉત્સવ એ ઉજવણી છે સદીઓના સંબંધોની. લોહપુરુષ સરદારની પ્રેરણાથી ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ જે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના વિચારનું સ્વપ્ન જોયું છે તેને સાકાર કરતો આ એકતાનો અવાજ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ એ અન્ય વિશેષ પહેલ છે જેનો હેતુ વિવિધ પ્રદેશોના લોકો અને તેમની જીવનશૈલી વચ્ચે ઉન્નત અને સતત સમન્વય સાધવાનો છે. ઉપરાંત, સૌરાષ્ટ્રના તમિલો તમિલનાડુની પરંપરાઓ સાથે એક થઈને સૌરાષ્ટી ભાષા અને પરંપરાઓનું જતન કરી રહ્યા છે તે વિશ્વ માટે ભારતની એકતાનની અનોખી મિશાલ હશે. સૌરાષ્ટ્રના તમિલોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તમિલનાડુના કલા, વાણિજ્ય અને ઉદ્યોગમાં યોગદાન આપ્યું હતું. આજે ભારત જયારે આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યું છે ત્યારે આ અમૃતકાળમાં આપણા વિસરાયેલા વારસાની વંદના કરી વર્તમાનને વ્હાલ કરવાનો આ દિવ્ય અવસર છે.
 
તારીખ ૧૭ એપ્રિલથી સતત દસ દિવસ સુધી ચાલનાર આ સંગમમાં તમિલનાડુથી ૩૦૦૦ જેટલા પ્રતિભાગીઓ સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે ગુજરાત આવી પહોચશે. રામેશ્વરમ અને સોમનાથનો સેતુબંધ રચાશે. ગુજરાતી અને તમિલ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ સંગમમાં જોડાવા માટે તમિલનાડુના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાહિત્યકારો (લેખકો, કવિઓ, પ્રકાશકો), સાંસ્કૃતિક નિષ્ણાતો, પુરાતત્વવિદો, વ્યાવસાયિક કલાકારો, વ્યાવસાયિકો (એલોપેથી, યોગ, ડૉક્ટરો અને આયુર્વેદ અને ભારતીય દવાઓના પ્રેક્ટિશનરો, વકીલો, ઉદ્યોગસાહસિકો જેવા વિશિષ્ટ ગ્રુપ ગુજરાતની મુલાકાત લેશે અને સાંસ્કૃતિક વૈવિધ્ય અને સાંસ્કૃતિક સામ્યતા વિશે જાણકારી મેળવનાર છે. ભારત જેવો વૈવિધ્યસભર, બહુભાષી અને બહુ- સાંસ્કૃતિક દેશ કોઈ નથી. આ દેશ સહિયારી પરંપરાઓ , રિવાજો અને મૂલ્યોના પ્રાચીન બંધનોથી બંધાયેલો છે. વિવિધ પ્રદેશો અને જીવનશૈલીના લોકો વચ્ચે સાંસ્કૃતિક સમન્વય દ્વારા આવા બંધનને મજબૂત બનાવવું જોઈએ, જેનાથી પરસ્પરતાને પ્રોત્સાહન મળી રહે અને આપણને સૌને એક જીતા જાગતા રાષ્ટ્રપુરુષ જીવંત રાષ્ટ્રની અનુભૂતિ થઇ શકે. તમિલનાડુના આ સૌરાષ્ટ્રીયન તમિલો જયારે ગુજરાત આવશે ત્યારે સાંસ્કૃતિક કુંભનું દર્શન થશે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તાજેતરમાં જ સાહિત્ય પ્રયાગ નામથી ભારતની વિવિધ ભાષાઓના સારસ્વતોનું સંમેલન યોજ્યું હતું. આ રીતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ સંસ્કૃતિ પ્રયાગ છે. આ પ્રયાગમાં ભરતનાટ્યમ અને ગરબા એકમેકમાં ભળશે ત્યારે જે રાગ ગવાશે તે ભારતીય એકતાનો રાગ હશે, સંવાદિતાનો રાગ હશે અને સમન્વયનો રાગ હશે. આંખે પીળા ચશ્માં પહેરેલા કેટલાક કહેવાતા વિદ્વાનો સમન્વયની આ સાંસ્કૃતિક ઘટનાને રાજકીય દૃષ્ટિકોણથી જુએ છે. તેમને આપણે એટલું જ કહીએ કે આજે પણ સૌરાષ્ટ્રીયન તમિલ ભાષામાં દૂધને દૂધ અને પાણીને પાણી જ કહેવાય છે!! અંતે કવિ ઉમાશંકર જોશીની પંક્તિઓ સાથે વિરામ લઉં...
 
હું ગુર્જર ભારતવાસી.
ઝંખુ પલ-પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી.
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી . હું
ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થ નિવાસી.
હું ગુર્જર ભારતવાસી.
 
- ડૉ. જયેન્દ્રસિંહ જાદવ (મહાપાત્ર – ગુજરાત સાહિત્ય અકાદમી)