જાણો બેટ દ્વારકામાં સમુદ્રની વચ્ચે બિરાજમાન દાંડીવાળા હનુમાજીનો ઇતિહાસ તથા તેમના પુત્ર મકરધ્વજની કથા

આ મંદિર અંગે એવી માન્યતા પણ પ્રસરેલી છે કે આ મંદિરમાં દર્શન કરવાથી પિતા-પુત્રમાં રહેલ મતભેદ દૂર થાય છે. જે પિતા – પુત્ર વચ્ચે અણબનાવ કે મતભેદ હોય તે અહીં દર્શન કરવા આવે છે. જેનાથી તેમની વચ્ચે સ્નેહ અને સદ્ભભાવના વધે છે.

    ૦૫-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

hanuman dandi bet dwarka gujarati
 
#  અહીં મકરધ્વજ સાથે બિરાજમાન છે હનુમાનદાદા
#  આ મંદિર છે પિતા પુત્રના મિલનનું સાક્ષ્ય
#  અહીં પહેલી વાર હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજને મળ્યા હતા
#  અહીં દર્શન માત્રથી દૂર થાય છે પિતા- પુત્રની વચ્ચેનો અણબનાવ
#  જૂના રોગ દૂર કરવા માટે મંદિરમાંથી આપવામાં આવે છે સોપારી
 
શનિવાર એટલે હનુમાન દાદાનો દિવસ. દેશમાં દાદાના અનેક મંદિરો આવેલા છે. ઘણા મંદિરોમાં તો દાદાના ભક્તોની હજારોની સંખ્યામાં શનિવાર સિવાયના દિવસોમાં પણ ભીડ જોવા મળે છે. હનુમાનદાદાના ઘણા મંદિર એવા છે કે ક્યાંય દાદા સૂતેલા, બેઠા, તો ક્યાંય દાદાની ઊંચાઈ વાળી પ્રતિમા છે. પરંતુ ગુજરાતના દ્વારકામાં હનુમાનજીનું એક અનોખુ જ મંદિર આવેલું છે. આ મંદિર અંગે જાણીને લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે. અહીં આપણે દાદાના આ અનોખા મંદિર વિશે વાત કરીશું. તેમજ જાણીશું કે શું છે દાદાના આ મંદિરની વિશેષતા ?
 
કયાં આવેલું છે
 
દ્વારકાથી ચાર મીલના અંતરે બેટદ્વારકામાં દાંડીમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ એ જ સ્થળ છે જ્યાં હનમાનજી પોતાના પુત્રને પહેલીવાર મળ્યા હતા. આ સ્થળે પોતાના પુત્ર મકરધ્વજની સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. લોકોનું કહેવું છે કે અહીં રહેલ મકરધ્વજની મૂર્તિ પહેલા નાની હતી પરંતુ હવે બંન્ને મૂર્તિઓની ઉંચાઈ એક સમાન છે. આ મંદિર દાંડી હનુમાન મંદિર તરીકે પ્રસિદ્ધ છે.
 
500 વર્ષ જૂનું છે મંદિર | Lord Hanuman with his son Makardhwaj
 
આ મંદિર અંદાજે 500 વર્ષ જૂનું છે. ભારતનું આ પ્રથમ મંદિર છે જ્યાં હનુમાનજી અને મકરધ્વજનું મિલન જોવા મળે છે. મંદિરમાં પ્રવેશતા જ સામે મકરધ્વજ અને તેમની પાસે જ હનુમાનજીની મૂર્તિ છે. બંન્ને મૂર્તિઓ આનંદમય મુદ્રામાં બિરાજમાન છે. એક મહત્વની વાત એ છે કે આ બંન્ને મૂર્તિઓના હાથમાં કોઈ શસ્ત્ર નથી.
  
મંદિર અને તે અંગેની માન્યતાઓ
 
આ મંદિરમાં શ્રીગણેશ અને કાળ ભૈરવ પણ બિરાજમાન છે. મંદિર અંગે વાત કરીએ તો અહીં દર વર્ષે દશેરા દરમ્યાન ભગવાન શ્રી રામના શણગારમાં શ્રીકૃષ્ણ પાલખીમાં બેસી દાંડી હનુમાન મંદિરની મુલાકાત લે છે. મંદિરમાં ચારે બાજુ તૃયોદશરી મંત્ર લખેલો જોઈ શકાય છે.
 
મકરધ્વજ અને હનુમાનજી વચ્ચે યુદ્ધ | Lord Hanuman with his son Makardhwaj
 
હિંદુ પૌરાણિક કથા અનુસાર હનુમાનજીના પુત્રને મકરધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં બે એવા મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજા તેમના પુત્ર મકરધ્વજ સાથે કરવામાં આવે છે. જ્યારે હનુમાનજી શ્રીરામ-લક્ષ્મણ ને લેવા માટે પાતાળ લોક પહોંચે છે ત્યારે તેમની મુલાત મકરધ્વજ સાથે થાય છે. ત્યાર બાદ મકરધ્વજ અને હનમાનજી વચ્ચે ભયંકર યુદ્ધ થયા છે.અંતે હનુમાનજી તેને હરાવી દે છે. તેમજ તેને પોતાની પૂંછડીથી બાંધી દે છે. હનુમાનજીએ અહિરાવણનો વધ કરી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવે છે.ત્યાર પછી શ્રીરામે મકરધ્વજને પાતાળ લોકોના અધિપતિ નિમ્યા અને તેને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી. તેની યાદમાં આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
 

hanuman dandi bet dwarka gujarati 
 
મકરધ્વજના જન્મની કથા | Makardhwaj katha
 
ધર્મશાસ્ત્રો અનુસાર જે સમયે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા પહોંચે છે. આ દરમ્યાન મઘેનાદ દ્વારા તેમને બંદી બનાવ્યા પછી રાવણના દરબારમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારે રાવણે તેમની પૂંછડીમાં આગ લગાવતા હનુમાનજીએ સળગતી પૂછડીથી આખી લંકા સળગાવી દીધી હતી. સળગતી પૂંછડીના લીધે હનુમાનજીને પણ સખ્ત વેદના થતા, વેદનાને શાંત કરવા પાણીમાં પોતાની પૂંછડી નાખે છે. કહેવાય છે કે આ દરમ્યાન તેમના પરસેવાનું એક ટીપુ સમુદ્રના પાણીમાં પડે છે. એ ટીપાને એક માછલી પી લે છે. જેનાથી તે ગર્ભવતી થાય છે. તેનાથી એક પુત્રનો જન્મ થયો. જેનું નામ મકરધ્વજ પાડવામાં આવ્યું. મકરધ્વજ પણ પિતા હનુમાનની જેમ જ મહાન પરાક્રમી અને તેજસ્વી હતા. મકરધ્વજને અહિરાવણ દ્વારા પાતાળ લોકના દ્વારપાલ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
 
આપવામાં આવે છે સોપારીની પ્રસાદ
 
કહેવાય છે કે અહીં જૂના રોગથી પીડિત લોકોને મંદિર તરફથી સોપારી આપવામાં આવે છે. મંદિર તરફથી આપવામાં આવતી સોપારીને હાથમાં રાખી તૃયોદશરી મંત્રનો જાપ કરવાનો હોય છે. જ્યારે આ મંત્રનો જાપ કર્યા પછી રોગ મટી જાય છે તો મંદિર તરફથી આપવામાં આવેલ સોપારી મંદિરને પાછી સોંપવાની હોય છે.
 

hanuman dandi bet dwarka gujarati 
પિતા પુત્ર વચ્ચેનો મતભેદ દૂર થાય છે
 
આ મંદિર અંગે એવી માન્યતા પણ પ્રસરેલી છે કે આ મંદિરમાં દર્શન કરવાથી પિતા-પુત્રમાં રહેલ મતભેદ દૂર થાય છે. જે પિતા – પુત્ર વચ્ચે અણબનાવ કે મતભેદ હોય તે અહીં દર્શન કરવા આવે છે. જેનાથી તેમની વચ્ચે સ્નેહ અને સદ્ભભાવના વધે છે.
 
 
કઈ રીતે જવું । How to Reach
 
દ્વારકાના બેટ દ્વારકામાં આવેલ દાંડી હનુમાન મંદિરે જવા માટે રેલ માર્ગ, સડક માર્ગ અને હવાઈ માર્ગએ પહોંચી શકાય છે.
 
સડક માર્ગઃ દાંડી હનમાન બેટ દ્વારકામાં આવેલું હોવાથી ત્યાં પહોંચવા માટે પહેલા દ્વારકા જવું પડે ત્યાર પછી ત્યાંથી હોડીમાં બેસી બેટ દ્વારકા જઈ શકાય. તો આ માટે ગુજરાત રાજ્ય પરિવહનની દ્વારકા માટેની અનેક બસો છે. તે ઉપરાંત ખાનગી વાહન કરીને પણ દ્વારકા જઈ શકાય છે.
 
રેલ માર્ગઃ રેલ માર્ગ દ્વારા જવા માંગતા હોવ તો નજીકનું રેલ્વે સ્ટેશન ઓખા છે. ત્યાંથી દ્વારકા અને દ્વારકાથી બેટ દ્વારકા હોડીમાં બેસી પહોંચી શકાય.
 
હવાઈ માર્ગ: હવાઈ માર્ગે જવા માંગતા હોવ તો જામનગર એરપોર્ટ દ્વારકાની નજીકનું એરપોર્ટ છે. તે દ્વારકાથી 95કિમીના અંતરે આવેલું છે. દ્વારકાથી બેટ દ્વારકા હોડી દ્વારા પહોંચી શકાય છે.
 
 
- મોનાલી ગજ્જર