બૌદ્ધ પ્રવાસન ગુજરાત । ગુજરાતની હેરિટેજ બુદ્ધિસ્ટ સર્કિટ વિશ્વના પ્રવાસીઓ માટે અમૂલ્ય ભંડાર

મધ્ય ગુજરાતમાં આવેલા બૌદ્ધ મઠો કે પછી સૌરાષ્ટ્રમાં આવેલી ગુફાઓ કે પછી મહેસાણા જિલ્લાના વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો ગુજરાત પાસે ન માત્ર ગુજરાત કે ભારત, સાથે-સાથે સમગ્ર વિશ્વને આકર્ષિત કરે એવા બૌદ્ધ પ્રવાસન સ્થળો ઉપલબ્ધ છે. વાત આવા જ ગુજરાતના કેટલાંક ઐતિહાસિક બૌદ્ધ પ્રવાસન સ્થળોની...

    ૦૭-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Buddhist Circuit in gujarati
 
 
મધ્ય ગુજરાતમાં આવેલા બૌદ્ધ મઠો કે પછી સૌરાષ્ટ્રમાં આવેલી ગુફાઓ કે પછી મહેસાણા જિલ્લાના વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો ગુજરાત પાસે ન માત્ર ગુજરાત કે ભારત, સાથે-સાથે સમગ્ર વિશ્વને આકર્ષિત કરે એવા બૌદ્ધ પ્રવાસન સ્થળો ઉપલબ્ધ છે. 
 
 

Buddhist Circuit in gujarati 
બૌદ્ધ ગુફાઓ – ખંભાલીડા | Khambhalida Buddhist Caves
 
ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અહીં આવેલી બૌદ્ધ ગુફાઓને કારણે નાનું એવું ખંભાલીડા ગામ પુરાતત્ત્વવિદો અને પ્રકૃતિપ્રેમીઓ માટે મહત્વનું બની ગયું છે. ૧૯૫૭-૫૯માં સંશોધન દરમિયાન ખંભાલીડાના પાદરમાં આવેલ ટેકરીઓની ઓથમાં ક્ષત્રપ અને ગુપ્તકાળના સંધી સમયની આ અલભ્ય બૌદ્ધ ગુફાઓ મળી આવી હતી. અહીં ૧૭૦૦થી ૧૮૦૦ વર્ષ પહેલાના સમયની બૌદ્ધ ગુફાઓમાં વિહાર, સભામંડપો અને ચૈત્યગૃહો આવેલાં છે. ગુફાના પૂર્વદ્વારની બન્ને બાજુએ ઊંચા કદની ખંડિત હાલતમાં બોધિસત્ત્વ પદ્મપાણિ અવલોકિતેશ્વર અને વજ્રપાણિની પ્રતિમાઓ કોતરેલી જોવા મળે છે. અહીં પહોંચવા ગોંડલ જવું પડે છે. ત્યાંથી માત્ર ૨૦ કિ.મી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે.
 

Buddhist Circuit in gujarati 
 
 
બૌદ્ધ મઠ વડનગર | Buddhist Monastery, Vadnagar
 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વડનગરમાંથી મળી આવેલા ઐતિહાસિક બૌદ્ધ મઠોને બૌદ્ધ પ્રવાસન તરીકે વિકસાવવામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. ૨૦૧૦માં વડનગરની આ ઐતિહાસિક બૌદ્ધિસ્ટ સાઈટની સૌ પ્રથમ બૌદ્ધગુરુ દલાઈ લામાએ મુલાકાત લીધી હતી, ત્યાર બાદ વિશ્વબૌદ્ધ સમુદાયની વડનગરને લઈ એકાએક ઉત્સુકતા વધી ગઈ છે. ૨૦૦૭માં વડનગરની દક્ષિણી દીવાલની બહાર રાજ્ય પુરાતત્ત્વ ખાતાએ કરેલા ખોદકામ દરમિયાન અનેક એવા અવશેષો મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે, આ નગરમાં એક સમયે બૌદ્ધ ધર્મની બોલબાલા રહી હશે. છેક પ્રથમ સદીના આ અવશેષોમાં બૌદ્ધ વિહારનો ૧૮+૧૮ મીટરના બાંધકામવાળો ભાગ મળી આવ્યો છે, જેમાં બૌદ્ધ સાધુઓને રહેવા માટે ૧૨ નાના નાના ઓરડા છે. અહીંથી બૌદ્ધ સ્તૂપો પણ મળી આવ્યા છે. ચીની યાત્રી હ્યુએન ત્સંગે પણ પોતાની યાત્રાપોથીમાં લખ્યું છે કે આ નગરમાં લગભગ ૧૦ સંઘારામ હતાં જેમાં એક હજાર જેટલા બૌદ્ધ સાધુઓ રહેતા હતા. વર્તમાન ઉત્ખનનમાંથી મળી આવેલ બૌદ્ધ વિહાર અને સ્તૂપના અવશેષોને કારણે વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ સાથે સાથે સામાન્ય પ્રવાસીઓને પણ વડનગરમાં રસ જાગી રહ્યો છે.
 
 
 
Buddhist Circuit in gujarati
 
બૌદ્ધ ગુફાઓ-તળાજા | Talaja Hills
 
ભાવનગરની દક્ષિણે આશરે ૫૦ કિ.મી. દૂર આવેલું તળાજા તાલુકા મથક છે. તાલદેત્ય નામના અસુરના નામ પરથી પડેલ આ નામનું ગામ નરસિંહ મહેતાના જન્મસ્થાનની સાથે સાથે અહીંની બૌદ્ધ ગુફાઓના કારણે પણ જાણીતું છે. ગુફાઓમાં આવેલ એભલમંડપ ખૂબ જ કલાત્મક છે અને આજે પણ અકબંધ ગુફાની અંદરની બાજુએ ટેકાના થાંભલા ઊભા કરેલા છે.
 

Buddhist Circuit in gujarati 
 
સિયોત શૈલ ગુફાઓ : કચ્છ | Siyot Caves Kutch
 
સિયોત શૈલ ગુફાઓ કટેશ્વર બૌદ્ધ ગુફા તરીકે પણ ઓળખાય છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે આવેલી આ પાંચ શૈલ ગુફાઓ પણ પ્રવાસીઓને નવો અનુભવ કરાવી શકવા જેટલી સક્ષમ અને કલાત્મક છે. મુખ્ય ગુફામાં પૂર્વાભિમુખ ગર્ભગૃહ, પ્રદક્ષિણા પથ અને પરસાળ છે. આ ગુફા પ્રથમ કે બીજી સદીનું શૈવમંદિર હોવાનું પણ કહેવાય છે, જેને પાછળથી બૌદ્ધ તપસ્વીઓ દ્વારા વાપરવાની ચાલુ કરાઈ હશે. અહીંથી મળી આવેલ બ્રાહ્મી લિપિનાં લખાણો અને બૌદ્ધ મુદ્રાઓ પરથી આ વાત જાણી શકાઈ છે. અહીં ચીનના મહાન પ્રવાસી હ્યુ-એન ત્સંગના સાતમી સદીના પ્રવાસનું પણ વર્ણન અને નિર્દેશ છે.
 

Buddhist Circuit in gujarati 
 
જોગીડાની ગુફાઓ : તારંગા હિલ | Taranga Caves Mehsana
 
અમદાવાદથી ૧૩૦ કિ.મી. એટલે કે અઢીથી ત્રણ કલાકના અંતરે આવેલ તારંગા જૈન અને બુદ્ધદર્શનનો અનોખો સમન્વય ધરાવે છે. અહીં આવેલી જોગીડાની ગુફાઓ ફરવા માટેનું ઉત્તમ સ્થળ છે, જેમાં હજારો વર્ષ પૂર્વે કોતરાયેલી દુર્લભ જૈન પ્રતિમાઓ સાચવી રાખવામાં આવી છે. આ ઉપરાંત અહીં બૌદ્ધ ધર્મમાં ઉલ્લેખિત તારાણ માતા અને ધારાણ માતાનાં બે મંદિરો પણ આવેલાં છે, જેમના નામ પરથી જ આ જગ્યાનું નામ તારંગા પડ્યું છે. આ ઉપરાંત ભગવાન બુદ્ધની અતિપ્રાચીન એવી ચાર પ્રતિમાઓ પણ અહીં જોવા મળે છે.
 

Buddhist Circuit in gujarati 
 
કાડિયા ડુંગરની ગુફા | Kadia Dungar Buddhist Cave
 
ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો તેનાં પ્રાચીન સ્થાપત્યોને લીધે સમૃદ્ધ છે. ઝઘડિયા જવાના રસ્તે ૩૫ કિ.મી. દૂર આવેલ કાર્ડિયા ડુંગરની ગુફા એક જોવા લાયક સ્થળ છે. અહીં ઝાઝપોર ગામની બાજુમાં આવેલ કાડિયા ડુંગરના ખડકમાંથી કોતરી બનાવાયેલ ૭ જેટલી બૌદ્ધ ગુફાઓ પુરાતન સ્થાપત્યમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ બૌદ્ધ ગુફાઓ ઈ.સ.ની પહેલી કે બીજી સદીમાં બંધાયેલી હોવાનું મનાય છે. એક માન્યતા મુજબ અહીં પાંડવોએ પોતાના અજ્ઞાતવાસનો કેટલોક સમય વિતાવ્યો હતો અને અજ્ઞાતવાસ દરમ્યાન દ્રૌપદીએ અહીં આશરો લીધો હતો અને તેઓ આ જ ગુફાઓમાં રહેતાં હતાં. ડુંગર પર ભીમનાં પગલાંનાં નિશાન પણ જોવા મળે છે, સાથે જ હિડમ્બા સાથે ભીમે આ જ સ્થળે લગ્ન કર્યાં હોવાની લોકવાયકા છે.
 

Buddhist Circuit in gujarati 
બાવા પ્યારા ગુફાઓ | Baba Pyare Caves Junagadh
 
બાબા પ્યારેની ગુફાઓ અતિ પ્રાચીન અને માનવસર્જિત છે. જે જુનાગઢમાં આવેલી છે અને જુનાગઢ બુદ્ધ ગુફાઓનો એક ભાગ છે. આ ગુફા જૈન ધર્મ સાથે પણ જોડાયેલી છે. પહેલા આ ગુફાઓઅ બૌદ્ધ સાધુઓ માટે બનાવવામાં આવી હતી અને પાછળથી જૈન તપસ્વીઓએ પણ આ ગુફામાં તપ કર્યુ હતું. આ ગુફા કેટલા વર્ષ જૂની છે તેનો કોઇ અંદાજ લાગાવી શકાયો નથી. આ ગુફાઓમાંથી જૈન ધર્મના વિશેષ ચિન્હો અહીંથી મળી આવ્યા છે એટલે આ ગુફાઓને પ્રાચીન ગણી શકાય છે.
 
ગુજરાત સરકારે બુદ્ધિસ્ટ પીલ્ગ્રીમેજ સરકીટને વિકસાવી છે. જેના કારણે આ ગુફાઓની મુલાકાતે હજ્જારો દેશ - વિદેશના પ્રવાસીઓ અહીં આવે છે. બૌદ્ધ ધર્મને જાણવા- સમજવા પણ અહીં લોકો આવે છે. અહીંના ભગવાન બુદ્ધના વિવિધ સ્મારકો, પ્રદર્શનો, સ્તુપો પરથી બૌદ્ધ ધર્મ પર સંશોધન કરનારા જાણકારોને પણ રસ પડ્યો છે. ગુજરાતમાં બૌદ્ધ સરકીટ વિકસી ગઈ છે એક વાર જરૂર અહીં જવું જોઇએ...