માર્ક્સના જુઠ્ઠા સિદ્ધાંતોના લીધે દિશાહીન ડાબેરીઓ | આ પ્રશ્નોના ઉત્તરો અગત્યના છે

વિજ્ઞાન-શોધોની એવી તો કેવી તાકાત કે જેણે ક્રૂર કમ્યુનિઝમને કોડીનો કરી મૂક્યો? ક્યાંથી, કેવા ઉછીના વિચારો લઈને કાર્લ માર્ક્સે વિદ્વૈષ અને સંઘર્ષનાં બીજ વાવ્યાં?

    ૦૮-એપ્રિલ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

communist agenda in india
 
 

આ પ્રશ્નોના ઉત્તરો અગત્યના છે

 
* વિજ્ઞાન-શોધોની એવી તો કેવી તાકાત કે જેણે ક્રૂર કમ્યુનિઝમને કોડીનો કરી મૂક્યો?
* ક્યાંથી, કેવા ઉછીના વિચારો લઈને કાર્લ માર્ક્સે વિદ્વૈષ અને સંઘર્ષનાં બીજ વાવ્યાં?
 
જેમ ભારતે વિશ્વને છ (૬) દર્શન આપ્યાં તેમ કાર્લ માર્ક્સને પણ `કમ્યુનિઝમ' નામનું એક `દર્શન' આપવાની ઇચ્છા થઈ. એક `દર્શન' તરીકેની કસોટીએ ખરા ઉતરવા માટેના પાયાના ત્રણ પ્રશ્નોના સચોટ સૈદ્ધાંતિક ઉત્તર તેમની પાસે હોવાનું જણાવીને તેઓએ `કમ્યુનિઝમ' નામનું કથિત `દર્શન' ઉભું કર્યું.
 
ક્યા છે આ પાયાના ત્રણ પ્રશ્નો ?
 
પ્રશ્ન-૧ : જેને આપણે સૃષ્ટિ કહીએ, અનંત કોટી બ્રહ્માંડ કહીએ આ બધું મળીને જે સંપૂર્ણ અસ્તિત્વ છે તે ક્યાંથી શરૂ થયું?
 
પ્રશ્ન-૨ : આ અસ્તિત્વ ક્યાં પહોંચવા જઈ રહ્યું છે?
 
પ્રશ્ન-૩ : તે જ્યાંથી નીકળ્યું અને તેને જ્યાં પહોંચવું છે, તે માટેનો માર્ગ કયો છે ?
 

માર્ક્સે સૈદ્ધાંતિક ઉત્તરો તો આપ્યા.. પણ કોપી-પેસ્ટ કરીને...

 
કાર્લ માર્ક્સે પણ ઉપરોક્ત ત્રણેય પ્રશ્નોના સૈદ્ધાંતિક ઉત્તરો જુદા જુદા ત્રણ વ્યક્તિઓ- ન્યૂટન, ડાર્વિન અને હેગલ પાસેથી ઉછીના લઈને રજૂ કર્યા.
 
ઉત્તર-૧.
 
પ્રથમ પ્રશ્નના ઉત્તર માટે તેઓએ તે વખતના ભૌતિક વૈજ્ઞાનિક ન્યુટનના સિદ્ધાંતનો સહારો લીધો. ન્યુટને તે વખતે ભૌતિક વિજ્ઞાનમાં એવો સિદ્ધાંત રજૂ કરેલો કે, આ જે કાંઈ બધું છે તે ભૌતિક દ્રવ્ય-પદાર્થમાંથી નીકળ્યું છે, એ જ મૌલિક છે, મૂળભૂત (Basic) છે. તે વખતે પશ્ચિમી દેશોમાં એક જબરજસ્ત વૈચારિક સંઘર્ષ ચાલતો હતો કે, મૌલિક વસ્તુ કઈ છે, ભૌતિક પદાર્થ (Matters) કે મન (Mind)? વર્તમાનપત્રોમાં, પત્રિકાઓમાં કે જાહેર મંચ ઉપર બસ આવી જ ચર્ચા કેન્દ્રસ્થાને હતી. આ બધાંથી સામાન્ય વાચક વર્ગ એટલો તો બધો કંટાળી ગયો, તે કહેવા લાગ્યો કે, આ વૈજ્ઞાનિકોનો ઝઘડો છે, એની સાથે અમારે તે વળી શું લેવાદેવા? આ મુદ્દે ચેસ્ટરટને એક અંતર્વિરોધ (Paradox) રજૂ કર્યો, તેમણે કહ્યું કે, What is mind, does not matter; and what is matter need not mind.
 
ન્યુટને સિદ્ધ કર્યું કે, ભૌતિક પદાર્થ જ બધું છે અને મન તેની ઉપરની વિશેષ રચના (Super Structure) છે. મનનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. ભૌતિક વિજ્ઞાનમાં ન્યુટને જે નિયમ આપ્યો તેને માર્ક્સે ત્યાંથી ઉપાડીને પોતાના દાર્શનિક સિદ્ધાંત તરીકે મૂક્યો અને કહ્યું કે, આ જે અસ્તિત્વ છે તે જડમાંથી નીકળ્યું છે.
  
ઉત્તર-૨.
 
બીજા પ્રશ્નના ઉત્તર માટે તેઓએ તે વખતના જીવ વિજ્ઞાનના વૈજ્ઞાનિક ડાર્વિનનો સહારો લીધો. ડાર્વિને તે સમયે એવો સિદ્ધાંત આપેલો કે, આ સંપૂર્ણ અસ્તિત્વ ઉત્ક્રાંતિ (Evolution) તરફ જઈ રહ્યું છે. જીવવિજ્ઞાનમાં ડાર્વિને જે નિયમ આપ્યો તેને માર્ક્સે ત્યાંથી ઉપાડીને પોતાના દાર્શનિક સિદ્ધાંત તરીકે લાગુ કર્યો અને કહ્યું કે, આ ભૌતિક પદાર્થની ગતિ ઉર્ધ્વગામી છે (This is upward movement of matter).
 
ઉત્તર-૩.
 
ત્રીજા પ્રશ્નના ઉત્તર માટે તેઓએ તત્ત્વજ્ઞાની હેગલનો સહારો લીધો. હેગલે વૈચારિક ક્ષેત્રમાં તદ્દન નવી જ શબ્દાવલિમાં એક `વિરોધ વિકાસવાદ (Dilecticism)'ની કલ્પના રજૂ કરેલી. તેને માર્ક્સે ત્યાંથી ઉપાડીને તેનો સમાવેશ પોતાના દાર્શનિક સિદ્ધાંત કર્યો અને કહ્યું કે, આ `વિરોધ વિકાસવાદ' અનુસાર જ ભૌતિક પદાર્થનો વિકાસ થાય છે. કાર્લ માર્ક્સના કમ્યુનિઝમમાં `વિરોધ વિકાસવાદ'નું ઘણું જ મહત્વ છે. `વિરોધ વિકાસવાદ'એ એક પ્રક્રિયા છે, જેની અંતર્ગત ગમે તે કોઈ એક અવસ્થા લો તે અવસ્થાને ક્રિયા (Thesis) કહેવામાં આવે છે. આ અવસ્થાવાળા Thesisમાં તેની વિરોધી શક્તિઓ નિર્માણ થાય છે. તે વધતી જ જાય છે, જેને પ્રતિક્રિયા (Anti-Thesis) કહેવામાં આવે છે. Thesis અને Anti-Thesis વચ્ચે સંઘર્ષ થાય છે અને તેમાંથી Thesis નાશ પામે છે અને ત્રીજી વસ્તુ નિર્માણ થાય છે, જેને સંશ્લેષણ (Synthesis) કહેવામાં આવે છે. આ Synthesis આગળ ચાલીને Thesis બને છે, જેની અંદર પુનઃ Anti-Thesisનું નિર્માણ થાય છે.
 
દાખલા તરીકે મરઘીનું ઈંડું છે તે Thesis છે, હવે તેના શરીરમાં જીવશક્તિ નિર્માણ થાય છે તે Anti-Thesis છે. બંને વચ્ચે સંઘર્ષ થાય છે, અંતે Thesis ઈંડું ફૂટી જાય છે અને તેમાંથી Synthesis રૂપે ત્રીજી વસ્તુ તરીકે બચ્ચું નીકળે છે, જે આગળ જતાં સ્વયં Thesis બને છે. પછી તેના પેટમાં Anti-Thesis ઉત્પન્ન થાય છે. પુન Thesis અને Anti-Thesisના સંઘર્ષથી ત્રીજી વસ્તુ નીકળે છે, અર્થાત આ ક્રમ ચાલતો જ રહે છે. આજ રીતે ઝાડનું બીજ Thesis, તેની અંદરની જીવશક્તિ Anti-Thesis છે. બંનેના સંઘર્ષથી Synthesis રૂપે અંકુર પેદા થાય છે, જે પુનઃ Thesis બને છે. બસ આ રીતે `વિરોધ વિકાસવાદ'ની આ સતત સંઘર્ષની પ્રક્રિયા સતત ચાલતી રહે છે.
 
તે સમયે પાશ્ચિમાત્ય જ્ઞાન-વિજ્ઞાનની જે કક્ષા હતી તેમાં કાર્લ માર્ક્સના ઉપરોક્ત ત્રણેય ઉત્તર મોટા-મોટા પ્રમાણમાં બેસી ગયા હતા.
 
પરંતુ જ્યારે આ સિદ્ધાંતોનું સુરસુરિયું થઈ ગયું...
 
આગળ જતાં પાશ્ચિમાત્ય જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતિજો જેમ જેમ ખૂલતી ગઈ, વિસ્તરતી ગઈ, કાર્લ માર્ક્સના કહેવાતા દાર્શનિક સિદ્ધાંત નર્યા કપોળકલ્પિત તુક્કા પુરવાર થયા.
 

ઉત્તર-૧ વાળો કમ્યુનિસ્ટ સિદ્ધાંત કેવી રીતે ખોટો સાબિત થયો ?

 
ભૌતિકશાસ્ત્રનો ન્યુટનનો સિદ્ધાંત ત્યારે ખોટો પુરવાર થયો જ્યારે આઈન્સ્ટાઈને સાબિત કર્યું કે, ભૌતિક પદાર્થને મૂળભૂત કે આદ્ય તત્ત્વ ન કહી શકાય, કારણ કે ભૌતિક પદાર્થને શક્તિ (Energy)માં ફેરવી શકાય છે અને શક્તિને પદાર્થ (Matter)માં બદલી શકાય છે. બંને એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. (Energy and matter are interconvertible). આથી કોઈ પદાર્થ મૌલિક કે મૂળભૂત ચીજ ન હોઈ શકે. આમ જ્યારે બંને એકબીજામાં ફેરવી શકાય છે તેવું સિદ્ધ થઈ ગયું, તેથી મૌલિક કે મૂળભૂત દેખાતું જે કંઈ તેનું સ્વરૂપ હતું તે ખતમ થયું. અને આ રીતે `સંપૂર્ણ અસ્તિત્વ ભૌતિક પદાર્થમાંથી નીકળેલું છે' તેવી ન્યૂટનની વાત ખોટી સાબિત થઈ. માર્ક્સના `દર્શન'ને આ પહેલો ફટકો આઈન્સ્ટાઈનની શોધના કારણે પડ્યો.
 
ઉત્તર-૨ વાળો કમ્યુનિસ્ટ સિદ્ધાંત કેવી રીતે ખોટો સાબિત થયો ?
 
જે ડાર્વિનની થીયરી ઉપર ભરોસો રાખીને કાર્લ માર્ક્સે પોતાનો સિદ્ધાંત ઘોષિત કર્યો, તે ડાર્વિનને જ પોતાની થીયરી પર શંકા ગઈ કે, શું ખરેખર આ બધું ઉત્ક્રાંતિ તરફ અનિવાર્ય રીતે જઈ રહ્યું છે? સમય જતાં જીવવિજ્ઞાને વધુ પ્રગતિ કરી અને એ નક્કી થયું કે, ઉત્ક્રાંતિ (Evolution) પણ થાય છે અને સાથે સાથે અપક્રાંતિ (Involution) પણ થાય છે. બંને ક્રિયાઓ સાથે સાથે થાય છે અને નિરંતર ચાલ્યા કરે છે. આ દ્રષ્ટિએ આ બધું ફક્ત ઉત્ક્રાંતિ તરફ જઈ રહ્યું છે એ સિદ્ધાંત ખોટો છે. જીવ વિજ્ઞાનના પરિણામે માર્ક્સના આ કથિત `દર્શન'નો બીજો આધાર સ્તંભ તૂટી પડ્યો.
 
ઉત્તર-૩ વાળો કમ્યુનિસ્ટ સિદ્ધાંત કેવી રીતે ખોટો સાબિત થયો ?
 
હકીકતે તો આ સિદ્ધાંત જ્યારે રજૂ કરાયો ત્યારે જ કેટલાક વિચારકોએ શંકા પ્રગટ કરેલી. તેઓનું કહેવું હતું કે, કમ્યુનિઝમે વર્ણવેલી પ્રક્રિયા મુજબ મૂડીવાદ Thesis છે. તેના અંદરના ભાગમાં ઉપભોક્તા અને મજૂરોનો અસંતોષ Anti-Thesis છે આ બંનેના સંઘર્ષમાં મૂડીવાદના સ્વરૂપમાં જે Thesis છે તે નાશ પામે છે અને સામ્યવાદ Synthesisના રૂપે ઉત્પન્ન થાય છે. સામ્યવાદનું Synthesisમાં રૂપાંતર થયા પછી તે Thesis બની જશે અને તેના અંદરના ભાગમાં પણ Anti-Thesisનું નિર્માણ થશે. આ બંનેના સંઘર્ષના કારણે સામ્યવાદ જ ખતમ થશે. વળી વિજ્ઞાનક્ષેત્રે પણ સ્થાપિત થયેલા નવા નિયમે એવું પ્રતિપાદિત કર્યું કે, કોઈપણ વસ્તુ ક્યારેય નાશ પામતી જ નથી, માત્ર તેનું રૂપાંતરણ થાય છે, જેમ કે પાણીનું બરફ અથવા વરાળમાં રૂપાંતરણ થાય છે, આમ પાણી ક્યારેય નાશ પામતું નથી. આગળ જતાં પદાર્થ શક્તિમાં અને શક્તિ પદાર્થમાં રૂપાંતરિત થાય છે તેવું પણ સાબિત થયું. આમ પદાર્થનો મૂળભૂત રીતે નાશ થતો જ નથી એટલે કે દુનિયાની કોઈ પણ ચીજ નાશ પામતી નથી, માત્ર તેનું રૂપાંતરણ જ થાય છે. જેના પરિણામે માર્ક્સનો સિદ્ધાંત ખોટો પડ્યો. વિજ્ઞાનનો આ નિયમ આપણી ભારતીય વિચારધારા સાથે પૂર્ણત સુસંગત છે. ભગવદ્‌ ગીતામાં આ આધારભૂત નિયમની બાબતમાં કહેવામાં આવેલું છે કે, , : અનસ્તિત્વથી અસ્તિત્વ આવતું નથી અને અસ્તિત્વ પોતે પોતાની મેળે અનસ્તિત્વમાં પરિવર્તન થતું નથી. Out of non-existence existence cannot emerge, and existence cannot columinate itself into non-existence.
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.