કર્ણાટક ચૂંટણી । આગામી કર્ણાટક ચૂંટણીનું પરિદ્રશ્ય

08 Apr 2023 16:01:39

karnataka election 2023 gujarati 
 
 

કર્ણાટક ચૂંટણી । અહીંના મતદારો કોની સરકાર બનાવી રહ્યા છે?

કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ, આંધ્રપ્રદેશ અને તેલંગણાની સીમા સાથે જાેડાયેલા એક માત્ર ભાજપ શાસિત દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં ૧૦મી મેએ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી કોંગ્રેસની અગ્નિપરીક્ષા અને ભાજપ માટે ફરી સત્તામાં આવવા માટેનો પડકાર છે. ૩૮ વર્ષોના ઇતિહાસમાં કર્ણાટકમાં સત્તાધારી પક્ષની સત્તામાં બીજી વાર વાપસી નથી થઈ, એ ભાજપ માટે પડકાર છે. આ વખતે એ રેકોર્ડ તૂટવાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. આ વાતાવરણનાં કારણો અનેક છે. કેન્દ્રીય ચૂંટણી આયોગના વિશ્લેષણ મુજબ જ્યારે વોટિગ ૬૫ ટકા સુધી જ, અર્થાત ઓછું થયું છે ત્યારે ભાજપને ફાયદો થયો છે. ભાજપ મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈના નેતૃત્વમાં ચૂંટણીમેદાનમાં છે. માજી મુખ્યમંત્રી યેદિયુરપ્પા ચૂંટણી નથી લડવાના, પણ ચૂંટણી જિતાડવા માટે કમાન સંભાળી રહ્યા છે.
 
કર્ણાટકમાં ૧૬ ટકા મુસ્લિમો છે. રાજ્ય પ્રધાનમંડળે મુસલમાનોને ઓબીસી ક્વોટામાં મળતું ૪ ટકા અનામત રદ કર્યુ છે. મુસ્લિમોએ હવે આર્થિક રીતે નબળા વર્ગના ૧૦ ટકા અનામતમાં પોતાનો હક લેવાનો રહેશે. બે મુખ્ય જાતિઓ લિંગાયત અને વોક્કાલિંગામાં આ અનામતની બે - બે ટકા વહેંચણી કરી છે. આ નિર્ણયને કારણે યેદિયુરપ્પા સામે નારાજગી છે, પરંતુ યેદિયુરપ્પાને પ્રભાવી લિંગાયત સમુદાયનું સમર્થન છે. તેઓના અનુભવ અને પ્રભાવનું પરિણામ મતોમાં પરિવર્તિત થાય અને બોમ્માઈ પણ લિંગાયત સમુદાયમાંથી આવતા હોવાનો લાભ મળશે.
 
૧૯૮૯માં માત્ર ચાર સીટોથી ૨૦૧૮માં ૧૦૪ સીટો સુધીની ભાજપની ઉત્તરોત્તર પ્રગતિ જાેતાં આ વિધાનસભા તેની જીત માટે સૂચક બની રહેશે. ગત ચૂંટણીમાં યેદિયુરપ્પા સ્પષ્ટ બહુમતી સાબિત ના કરી શકતાં જેડીએસ અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી હતી, પણ ૨૦૧૯માં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો પાર્ટીથી કંટાળીને ભાજપમાં આવી જતાં ફરી ભાજપની સરકાર આવી.
 
આ ચૂંટણીમાં વિવાદોની ય અસર દેખાશે. વરસો જૂનો બેલાગાવી અને મહારાષ્ટ્ર સીમાવિવાદ, ભ્રષ્ટાચાર, બીટકોઈન કૌભાંડ, સાઉથ કર્ણાટકમાં દુષ્કાળ, મુસ્લિમ આરક્ષણ સમાપ્તિ અને દલિતોના આરક્ષણને બે ભાગમાં વહેંચણીથી વણઝારા સમુદાયની નારાજગી સાથે અજાનથી લઈને હલાલ મીટ, ટીપુ સુલતાન, સાવરકર, મંદિર, હિઝાબ વિવાદ અને કોંગ્રેસ દ્વારા વરસોથી થતાં લઘુમતિઓનાં તુષ્ટીકરણ જેવા સાંપ્રદાયિક મુદ્દાઓ આ વખતે છવાયેલા છે. ઝાન એટલું ચોક્કસ કહે છે કે જનતા જૂની ઘરેડ, મજહબને નામે થતાં દબાણો વગ્ોરેથી બહાર આવીને સર્વસમાવેશક પાર્ટી તરફ ઝૂકી રહી છે.
 
કર્ણાટક વિધાનસભા છ ભાગોમાં વહેંચાયેલી છે. જેમાંથી ત્રણ ૫૨ ભાજપનું, બે ૫૨ કોંગ્રેસનું અને એક ૫૨ જેડીએસનું પ્રભુત્વ છે. ભાજપે છએ છ ભાગો માટે ચૂંટણીલક્ષી નીતિઓ અખત્યાર કરી છે. છેલ્લા ત્રણ જ માસમાં વડાપ્રધાન મોદીની છ વખત કર્ણાટક મુલાકાત, ૧૬ હજાર કરોડનાં વિકાસ કાર્યોનો પ્રારંભ અને ચાર વિજય સંકલ્પ રેલી ભાજપની વિજય તરફની આગેકૂચ દર્શાવે છે.
 
પાછલી ચૂંટણીમાં અહીંની જ કોલાર બેઠક પરથી પ્રચાર કરતી વખતે રાહુલ ગાંધીએ `મોદી' જ્ઞાતિ વિશે કરેલી અણછાજતી ટિપ્પણીથી તેમનું સાંસદ પદ છીનવાયું, તેના કારણે કોંગ્રેસ કોલાર બેઠકને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દેશે. કર્ણાટક રાજ્ય સ્થપાયું ત્યારથી આ બેઠક પર થયેલી ૧૪ વિધાનસભા ચૂંટણીમાં માત્ર પાંચ વાર ત્યાં કોંગ્રેસની જીત થઈ છે. આ બેઠક પર કોંગ્રેસનું કોઈ પ્રભુત્વ નથી પણ વિપક્ષો એક થઈને લડે અને રાહુલ ગાંધી પ્રત્યેની સહાનુભૂતિનો લાભ કદાચ કોંગ્રેસને મળે તે માટે તેઓ પ્રયત્નો કરી રહ્યા છે.
 
હાલ વિપક્ષો એક થયા છે પણ ચૂંટણીઓ સુધી એ પોતાની `એકતા' અને `જનૂન' ટકાવી શકશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જનતા દળ (એસ) જેવા કેટલાક વિપક્ષો ચૂંટણી સુધી છૂટા પડી જાય તેવું લાગે છે. એટલે વિપક્ષી એકતાના પડકારનો ય અહીં છેદ ઊડી જાય છે. નિષ્કર્ષ એ જ કે જનતાદળ (એસ) મક્કમ, કોંગ્રેસ નબળું અને ભાજપ મજબૂતીથી વિજય તરફ આગેકૂચ કરતું દેખાઈ રહ્યું છે. રાજ્યનો અવાજ ભાજપ તરફી સંભળાઈ રહ્યો છે.
 
 
 
Powered By Sangraha 9.0