‘ધ કેરળ સ્ટૉરી’ : ક્યાં સુધી કડવી સચ્ચાઈ સામે આંખ મિંચામણા કરીશું?

સેક્યુલરોની આજ દિન સુધી પ્રતિક્રિયા: લવ જિહાદ જેવું કંઈ છે જ નહીં. બે અલગ પંથના લોકો વચ્ચે પ્રેમ હોઈ શકે છે. તેમાં વાંધો શું છે? આવું હિન્દુ બુદ્ધુજીવીઓ પણ કહેતા હોય છે.

    ૧૦-મે-૨૦૨૩   
કુલ દૃશ્યો |

the kerala story in gujarati

 

‘ધ કેરળ સ્ટૉરી’ ( The kerala story )  અને લવ જિ-હાદને આ ૭ વાસ્તવિકતા અને પ્રતિક્રિયાથી સમજો

 
કેરળના ઉચ્ચ ન્યાયાલયે ૨૦૦૯માં લવ જિહાદ અંગે રાજ્યને કાયદો બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી આ ખેલ ચાલી રહ્યો છે. કેરળના સામ્યવાદી અને કૉંગ્રેસ – એમ બંને મુખ્ય પ્રધાનો આ અંગે આંકડા સાથે બોલી ચૂક્યા છે, પરંતુ આજે એ જ કૉંગ્રેસ, સામ્યવાદીઓ, બુદ્ધુજીવીઓ લવ જિહાદ અને ‘ધ કેરળ સ્ટૉરી’ને નકારી રહ્યા છે.
 
વાસ્તવિકતા ૧.
 
વર્ષ ૨૦૦૯. કેરળના ઉચ્ચ ન્યાયાલયે ૯ ડિસેમ્બર ૨૦૦૯ના દિને કહ્યું કે રાજ્યમાં ‘લવ’ના નામે ‘બળજબરીપૂર્વક પંથાંતરણ’નો ભયંકર ખેલ ચાલી રહ્યો છે. આવી છેતરપિંડી દ્વારા થતા અપરાધોને અટકાવવા રાજ્ય કાયદો ઘડે. કોઈને એમ લાગે કે ‘લવ જિહાદ’ શબ્દ તો ઇસ્લામ પ્રત્યે ઘૃણા કરતા હિન્દુ સંગઠનોએ ઉપજાવી કાઢ્યો હશે, તો તે ખોટી વાત છે. કેરળ ઉચ્ચ ન્યાયાલયે ‘લવ જિહાદ’ કેસોની ડાયરી જોઈ અને તે પછી આ કેસમાં જે બે મુસ્લિમ યુવકો મુસ્લિમેત્તર પંથની યુવતીઓને મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરી તેમને પંથાંતરિત કરવાના અપરાધમાં લાગેલા હતા તેમને જામીન આપવા નકાર્યું હતું. ન્યાયાલયે કહ્યું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી છોકરીઓને મુસ્લિમ બનાવવા માટે વ્યવસ્થિત આયોજનપૂર્વકના પ્રયાસો ચાલી રહ્યા છે. ન્યાયાલયે આંકડાઓને ટાંકીને કહ્યું કે છેલ્લાં ચાર વર્ષમાં (એટલે કે ૨૦૦૫-૨૦૦૯ સમયગાળામાં) ૩,૦૦૦-૪,૦૦૦ છોકરીઓને પ્રેમમાં પાડીને તેમનાં પંથાંતરણ કરાવાયાં છે. સારા ઘરની અને ઉચ્ચ જ્ઞાતિની હિન્દુ અને ખ્રિસ્તી છોકરીઓને ફસાવીને તેમને મુસ્લિમ બનાવવાની યોજના છે. ન્યાયાલયે કહ્યું કે લવ જિહાદનું ષડયંત્ર તો છેક ૧૯૯૬થી કેટલાંક મુસ્લિમ સંગઠનોના આશીર્વાદથી ચાલુ થયું છે.
 
સેક્યુલરોની આજ દિન સુધી પ્રતિક્રિયા: લવ જિહાદ જેવું કંઈ છે જ નહીં. બે અલગ પંથના લોકો વચ્ચે પ્રેમ હોઈ શકે છે. તેમાં વાંધો શું છે? આવું હિન્દુ બુદ્ધુજીવીઓ પણ કહેતા હોય છે.
 
વાસ્તવિકતા ૨:
 
વર્ષ ૨૦૧૦. આજથી ૧૩ વર્ષ પહેલાં. કેરળના પૂર્વ મુખ્ય પ્રધાન અને સીપીએમ નેતા વી. એસ. અચ્યુતાનંદને ઈ. સ. ૨૦૧૦માં તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પૉપ્યૂલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા નાણાં અને લગ્ન દ્વારા આવનારાં વીસ વર્ષમાં કેરળને મુસ્લિમ બહુમતી રાજ્ય બનાવી દેવા માગે છે. મુસ્લિમ કટ્ટરવાદીઓ પંથાંતરણને પ્રોત્સાહન દ્વારા પોતાનો પ્રભાવ વધારવા માગે છે. કેરળમાં મુસ્લિમ અને ખ્રિસ્તી સાંપ્રદાયિકતા (કોમવાદ) વધી રહી છે.
 
કૉંગ્રેસ સહિત સેક્યુલરોની પ્રતિક્રિયા: આ તો હિન્દુઓ અને ખ્રિસ્તી સમુદાયની કોરી કલ્પના છે.
 
વાસ્તવિકતા ૩:
 
વર્ષ ૨૦૧૨. હવે કૉંગ્રેસ સત્તામાં છે ત્યારે ખેલ કેવા બદલાય છે તે જુઓ. મુખ્ય પ્રધાન ઓમેન ચંડી ૨૫ જૂન ૨૦૧૨ના દિને વિધાનસભામાં (વિધાનસભામાં શબ્દ બે વાર વાંચવો, કારણકે વિધાનસભા કે સંસદમાં ખોટું બોલી શકાતું નથી) જાહેર કરે છે કે વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૨ સુધીમાં કેરળની ૨,૬૬૭ યુવતીઓનું ઇસ્લામમાં પંથાંતરણ કરવામાં આવ્યું છે. તેમણે આ ઉત્તર સીપીએમનાં ધારાસભ્ય કે. કે. લતિકાના પ્રશ્ન માટે આપ્યો હતો. તેમણે આમાં કહ્યું હતું કે આ ૨,૬૬૭ પૈકી ૨,૧૯૫ હિન્દુ અને ૪૯૫ ખ્રિસ્તી યુવતીઓ હતી. જોકે તેમણે આ પંથાંતરણ બળજબરીપૂર્વક થયાનું અને લવજિહાદ જેવું કંઈ હોવાનું નકાર્યું હતું.
 
સેક્યુલરોની પ્રતિક્રિયા:આ વખતે ખાસ ઉહાપોહ થયો નહીં, કારણકે કૉંગ્રેસના મુખ્ય પ્રધાન હતા.
 
 
વાસ્તવકિતા ૪.
 
વર્ષ ૨૦૧૨. ૨૭ જૂન ૨૦૧૨ના દિને કેરળ ઉચ્ચ ન્યાયાલયે કૉઝિકૉડ પોલીસ કમિશનરને એક ‘લવ જિહાદ’ના કેસની તપાસ કરવા કહ્યું હતું. તેમાં ૨૦ વર્ષની હિન્દુ યુવતી, તેનાં માતાપિતાએ કૉર્ટમાં હેબિયસ કૉર્પ્સ યાચિકા દાખલ કરી તે પછી કોચીની હૉસ્પિટલમાં મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઈ હતી. ૧૯ જુલાઈએ ૩૧ વર્ષની ખ્રિસ્તી ગૃહિણી દીપા ચેરિયન મુસ્લિમ બની ગઈ. તેની ધરપકડ જેલમાં એક આતંકવાદીને સિમ કાર્ડ આપવા માટે કરાઈ હતી.
 
સેક્યુલરોની પ્રતિક્રિયા: લવ જિહાદ જેવું કંઈ હોતું નથી. ઇસ્લામ પંથને જ આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી તો પછી લવ જિહાદ, પંથાંતરણ અને તેને આતંકવાદ સાથે સંબંધ સાવ ઉપજાવી કાઢેલી વાત છે.
 
વાસ્તવિકતા ૫.
 
વર્ષ ૨૦૦૯. ગ્લૉબલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન ક્રિશ્ચિયન્સે કહ્યું કે “કેરળમાં લવ જિહાદ એ વૈશ્વિક ઇસ્લામીકરણના પ્રૉજેક્ટના ભાગરૂપે છે.” અહીં સાડી સત્તરસો વાર નોંધવું રહ્યું કે લવ જિહાદ શબ્દ ખ્રિસ્તીઓના સંગઠને વાપર્યો છે. તેઓ તો હિન્દુવાદી વિરુદ્ધ હોય છે. સંઘ પરિવાર અને ભાજપ વિરુદ્ધ હોય છે. તો તેઓ પણ કેમ સંઘ પરિવારની ભાષા બોલવા લાગ્યા? એવું નથી. ખ્રિસ્તીઓ પણ એટલા જ ભુક્તભોગી છે. વર્ષ ૨૦૦૯માં કેરળ કેથોલિક બિશપ કાઉન્સિલ (કેસીબીસી)એ કહ્યું કે વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૦૯ સુધીમાં ૨,૬૦૦થી વધુ ખ્રિસ્તી યુવતીઓનું પંથાંતરણ કરવામાં આવ્યું છે.
 
સેક્યુલરોની પ્રતિક્રિયા: મૌન. દેશભરના મિડિયામાં આ સમાચાર જ ન આવ્યા. કોઈ ચર્ચા જ નહીં.
 
વાસ્તવિકતા ૬.
 
વર્ષ ૨૦૨૧. સાઇરો મલબાર ચર્ચે ‘લવ જિહાદ’ સામે ૧૩૦ પાનાંની પુસ્તિકા બહાર પાડી. આ પુસ્તિકા દસમાથી બારમા ધોરણની યુવતીઓ માટે હતી. ચર્ચમાં યુવાન કેથોલિક લોકોમાં તેને વહેંચવામાં આવી. આ પુસ્તિકામાં આ જિહાદીઓ કઈ રીતે લવ જિહાદ કરે છે તે સમજાવતા છ બિન્દુઓ હતા. ૧. પહેલાં તો તેઓ શિકાર નક્કી કરે છે. શિકાર યુવતી અને તેના પરિવાર વિશે બધી માહિતી એકઠી કરે છે. તે પછી યુવતીનો જન્મદિવસ જાણી તેને બર્થ ડે ગિફ્ટ આપી તેને લલચાવાય છે. ૨. જિહાદીઓ યુવતી સાથે ફૉન અને સૉશિયલ મિડિયા દ્વારા નિયમિત સંપર્ક રાખે છે. (તેરા પીછા ના છોડૂંગા સોનિયે, ભેજ દે ચાહે જેલ મેંની જેમ) આ વાતચીતમાં યુવતીઓ પોતાની અંગત માહિતી આપી દે છે જેનો પછી દુરુપયોગ કરવામાં આવે છે. ૩. ત્રીજા તબક્કામાં જિહાદીઓ યુવતીઓને પોતાના ઘરે બોલાવે છે. તેમની સાથે અલબત્ત, મુસ્લિમ બહેનપણીઓ પણ હોય છે જેથી જિહાદીઓના આશય પર કોઈને શંકા ન જાય. તેઓ તેમના મનમાં ઠસાવે છે કે જુઓ, તમારા ઘર/પરિવાર કરતાં અમારો ઘર/પરિવાર કેટલો પ્રેમાળ છે. યુવતીઓને રમઝાનમાં ઇફ્તાર પાર્ટીઓમાં બોલાવવામાં આવે છે. ૪. તે પછી એટલી નિકટતા તો આવી ગઈ હોય છે કે જિહાદીઓ હિન્દુ કે ખ્રિસ્તી યુવતીઓના નખ, વાળની લટ કે રૂમાલ લઈ શકે. તે પછી જિહાદીઓ તેના પર ‘ઓથી કેટ્ટલ’ (એક પ્રકારનો કાળો જાદુ) કરે છે. તેથી આ યુવતીઓ તેમનાથી વશીભૂત થઈ જાય છે. ૫. હવે છોકરીઓ સંપૂર્ણપણે જિહાદીઓના વશમાં હોય છે. તેથી તેઓ તેમની સાથે શારીરિક સંબંધ બનાવે છે. (વશીકરણ ન કર્યું હોય તો પણ હિન્દુ-ખ્રિસ્તીના ઘરમાં ટીવી, ફિલ્મ, વેબસીરિઝ, છાપાં, મેગેઝિન વગેરે ઉત્તેજિત કરનારી સામગ્રી હોય છે તેથી છોકરી શારીરિક સંબંધ તરફ આકર્ષાતી હોય છે). તે પછી તેમને બ્લેકમેઇલ કરાય છે. ૬. છેલ્લા તબક્કામાં છોકરીને તેમનાં માબાપથી સંપૂર્ણ દૂર કરી, તેમની સાથે લગ્ન કરી, તેમનું ઇસ્લામમાં પંથાંતરણ કરાવી, તેને બે-ત્રણ છોકરા થઈ જાય પછી તેને આઈએસઆઈએસની ત્રાસવાદી બનવા અથવા તે ત્રાસવાદીઓની વાસના મિટાવવા અખાતના દેશોમાં મોકલી દેવામાં આવે છે.
 
સેક્યુલરોની પ્રતિક્રિયા: રાષ્ટ્રીય સ્તરે મિડિયામાં તો આ સમાચાર એટલા આવ્યા જ નહીં, ગુજરાત જેવી પ્રાદેશિક કક્ષાએ પણ ‘સાધના’ અને આ લેખક જેવા ગણ્યાગાંઠ્યા લોકોએ લખ્યું. પરંતુ ‘ધ ક્વિન્ટ’ અને શેખર ગુપ્તના ‘ધ પ્રિન્ટ’ જેવાં પૉર્ટલે એકાદ-બે ખ્રિસ્તી યુવતી અને ઍડ્વૉકેટની પ્રતિક્રિયા લઈ છાપ્યું કે ચર્ચ ખ્રિસ્તી યુવતીઓને એકલી પાડી દેવા માગે છે અને આવું કંઈ હોય જ નહીં.
 
વાસ્તવિકતા ૭.
 
વર્ષ ૨૦૨૩. પાંચ મે ૨૦૨૩ના દિને ગુજરાતી ભડવીર નિર્દેશક વિપુલ અમૃતલાલ શાહની ‘ધ કેરળ સ્ટૉરી’ ફિલ્મ રજૂ થઈ. આ ફિલ્મનું ટ્રેલર એપ્રિલ ૨૦૨૩ના અંતિમ સપ્તાહમાં બહાર પડ્યું. લોકોના ધ્યાનમાં આવી ગયું અને લોકો ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ગુજરાતમાં આણંદની રાજશિવાલય ટૉકિઝે ૧૧ મેના દિને ૧૮થી ૩૦ વર્ષની દીકરીઓને આ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું આયોજન કર્યું. તો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અક્કલકોટના સાધુ મગર નામના એક રિક્ષાચાલકે જે લોકો ‘ધ કેરળ સ્ટૉરી’ જોવા જતા હશે તેમને આ પોતાની રિક્ષામાં મફત સવારી કરવા જાહેરાત કરી.
 
સેક્યુલરોની પ્રતિક્રિયા: કેરળના કૉંગ્રેસ નેતા શશી થરૂરે આવું કંઈ કેરળમાં થતું હોવાનું નકારી કાઢ્યું. કેરળ કૉંગ્રેસના નેતા એમ. એમ. હસને આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માગણી કરી. કેરળના કોચીમાં યુવા કૉંગ્રેસે આ ફિલ્મની રજૂઆત સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ સાથે તેની અથડામણ થઈ. વિવિધ રાજ્યોની ભાજપ સરકારોના પ્રધાનો ‘પઠાણ’ જેવી કોઈ ફિલ્મના બહિષ્કારની વાત કરે તો, બસ, આ જ કામ કરે છે, તેવું કહી તેમની ટીકા થાય છે, પરંતુ કેરળમાં સંસ્કૃતિ પ્રધાન સાજી ચેરિયને ‘ધ કેરળ સ્ટૉરી’નો બહિષ્કાર કરવા અપીલ કરી. કૉંગ્રેસના સાથી પક્ષ અને ભારતના ભાગલા માટે જવાબદાર ઇન્ડિયન મુસ્લિમ લીગે આને ‘પ્રૉપેગેન્ડા’ ફિલ્મ ગણાવી. સીપીએમની યુવા પાંખ – ડીવાયએફઆઈએ આ ફિલ્મ સામે કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરી. જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય (જેએનયુ)માં આ ફિલ્મના પ્રદર્શન સામે ડાબેરી વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એસએફઆઈ)એ વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રકારની ફિલ્મોમાં ભવિષ્યમાં કોઈ કલાકાર કામ ન કરે તે માટે ફિલ્મની અભિનેત્રી અદા શર્મા પર ઑનલાઇન (શાબ્દિક) હુમલો કરવામાં આવ્યો. એક મુસ્લિમ સૈયદ આમીરે તો એવી ધમકી આપી કે “મુસ્લિમો યાદ રાખો, ભવિષ્યમાં જ્યારે અદા શર્મા માલદિવ્સ, યુએઇ વગેરે મુસ્લિમ દેશોમાં આવે ત્યારે ત્યાંની સત્તાને રિપૉર્ટ કરજો.” જે સીપીએમના મુખ્ય પ્રધાન વી. એસ. અચ્યુતાનંદને લવ જિહાદનો સ્વીકાર કર્યો હતો અને તે વખતે તેમની ટીકા થઈ તો પિનરાઈ વિજયને તેમનો બચાવ કર્યો હતો, તે પિનરાઈ વિજયન હવે મુખ્ય પ્રધાન તરીકે કહે છે કે ‘ધ કેરળ સ્ટૉરી’ સાંપ્રદાયિક ધ્રૂવીકરણ સમાન છે. ટૂંકમાં, આ સત્ય હોવા છતાં સેક્યુલરોને આંખ મિચામણા કરી જિહાદીઓને છાવરવા છે. ખરેખર તો, તેમનું જ જબરદસ્ત બ્રેઇનવૉશ થયેલું કહેવાય.
 
સરકાર ઉનકી, સિસ્ટમ હમારી! સેન્સર બૉર્ડે મહત્ત્વનાં દૃશ્યો કાપી નાખ્યાં
 
 
સેન્સર બૉર્ડે ફિલ્મમાં દસ જેટલાં મહત્ત્વનાં દૃશ્યો કાપી નાખ્યાં. કેરળના તત્કાલીન મુખ્ય પ્રધાન (એમ મનાય છે કે તેઓ વી. એસ. અચ્યુતાનંદન છે)નો ઇન્ટરવ્યૂ કાપી નાખ્યો છે, ‘ભારતીય સામ્યવાદીઓ સૌથી મોટા દંભી છે’ આ સંવાદમાં ‘ભારતીય’ શબ્દ કાઢી નાખ્યો. ફિલ્મના અંતમાં રમીઝ અને અબ્દુલ વિશે માહિતી આપવામાં આવી હતી જેને સુધારવા સેન્સર બૉર્ડે ફરજ પાડી છે. એક સંવાદમાં કહેવાયું છે કે સામ્યવાદીઓ પૂજા કરતા નથી. આ સંવાદ કાઢી નાખવા ફરજ પડાઈ છે. આનો અર્થ એ થયો કે સેન્સર બૉર્ડને ભારતના સામ્યવાદીઓ વિરુદ્ધ એક શબ્દ બોલાય તે પસંદ નથી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કહેવાય છે તેમ, સરકાર ઉનકી હૈ, લેકિન સિસ્ટમ હમારી (વામપંથીઓ કી) હૈ.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…