જટાયુ નેચર પાર્ક | જ્યાં રાવણે પક્ષીરાજ જટાયુંની કાપી હતી પાંખો । વિશ્વની સૌથી મોટી પક્ષીરાજની મૂર્તિ

જટાયુની પ્રતિમા 200 ફૂટ લાંબી, 150ફીટ પહોળી અને 70 ફૂટ ઉંચી છે.આ પ્રતિમા ભારતની સૌથી મોટી પ્રતિમાઓમાંથી એક છે. ૧૦૦ કરોડ રૂપિયા કરતા વધારે થયો છે ખર્ચ...!

    ૧૫-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

jatayu

 
# વિશ્વની સૌથી મોટી પક્ષી પ્રતિમા છે જટાયુ અર્થ સેન્ટર
 
# મહિલા સમ્માન ને સમર્પિત છે જટાયુ અર્થ સેન્ટર
 
# કેરળમાં આવેલી છે પક્ષીરાજ જટાયુની સૌથી મોટી પ્રતિમા
 
કેરળ પોતાના વિવિધ પ્રવાસન સ્થળો માટે ખૂબ જાણીતું છે. પોતાના શાંત સમુદ્રીય કિનારા માટે પ્રસિદ્ધ આ રાજ્ય કે જે ‘ઈશ્વરનો પોતાનો દેશ’ એટલે કે ‘ગૉડસ ઓફ કંટ્રી ‘તરીકે ઓળખાય છે. ત્યાં હવે વધુ કે સ્થાન જોડાવા જઈ રહ્યું છે. તે છે જટાયુ અર્થ સેન્ટર. અહીં પક્ષીરાજ જટાયુની વિશ્વમાં સૌથી મોટી પક્ષી પ્રતિમા આવેલી છે. આ મૂર્તિને લઈને લોકોમાં ભારે આકર્ષણ જોવા મળે છે. મૂર્તિ બનાવવામાં જ એ રીતે આવી છે...
 
જટાયુ વિશે કહેવાની જરૂર નથી છતાં થોડું જાણી લઈએ…!!
 
રામાયણમાં જટાયુનો ઉલ્લેખ જોવા મળે છે. તે અરુણાના નાના ભાઈ અને અર્ધદેવ સ્વરૂપ હતા. જટાયુ પક્ષીરાજ ગરુડનો અવતાર હતા. તે સાથે જ જટાયુ ભગવાન રામના પિતા દશરથના ખાસ મિત્ર હોવાનો પણ રામાયણમાં ઉલ્લેખ જોવા મળે છે. માતા સીતાને રાવણથી બચાવવા તેમણે રાવણ સાથે યુદ્ધ કર્ય હતું અને આ યુદ્ધના જટાયુંનું મૃત્યુ થયું હતું...
 
65 એકરમાં ફેલાયેલ છે જટાયુ નેચર પાર્ક
 
જટાયુ નેચર પાર્ક કેરળના કોલ્લમ જિલ્લાના ચંદયામંગલમ ગામમાં આવેલ છે. જે 65 એકરમાં ફેલાયેલ છે. જટાયુની પ્રતિમા 200 ફૂટ લાંબી, 150ફીટ પહોળી અને 70 ફૂટ ઉંચી છે.આ પ્રતિમા ભારતની સૌથી મોટી પ્રતિમાઓમાંથી એક છે. આ સેન્ટર જમીનથી 400 ફૂટની ઉંચાઈએ બનાવામાં આવ્યું છે. આ પ્રતિમા બનાવવામાં અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે.
 

jatayu  
 
જટાયુ નેચર પાર્કમાં રહેલ આ પ્રતિમા ડિઝાઈનર અને ફિલ્મ ડાયરેક્ટર રાજીવ આંચલ દ્વારા બનાવામાં આવી છે. અહીં જટાયુ સ્કલ્પચરની સાથે 6D થિયેટર અને ડિઝિટલ મ્યૂઝિયમ પણ આકર્ષણનું કેન્દ્ર છે. સેન્ટરમાં રહેલ મ્યુઝિયમમાં પ્રવાસીઓને રામાયણના વિવિધ પ્રસંગોની ઝાંખી જોવા મળે છે. આ પાર્ક જોવામાં ખૂબ જ સુંદર અને મનોહર છે. આ પાર્ક કુલ 30 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલો છો. અહીં આવતા પ્રવાસીઓ પ્રતિમાની અંદરથી સમુદ્રતળેથી 1000 ફૂટની ઊંચાઈથી અદભૂત નજારાનો અનુભવ લઈ શકે છે.
 
શા માટે અહીં કરવામાં આવ્યું મૂર્તિનું નિર્માણ
 
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે પક્ષીરાજ જટાયુને રાવણ દ્વારા માર્યા બાદ તે ચાંદયામંગલમના એક પર્વતના શિખર પર પડ્યા હતા. તેમણે માતા સીતાને બચાવવા માટે રાવણ સાથે વીરતાથી યુદ્ધ કર્યુ હતુ. પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે તેઓ રાવણ સામે હાર્યા અને તેમનો રાવણ દ્વારા વધ કરવામાં આવ્યો. કહેવાય છે કે આ એજ સ્થળ છે જ્યાં રાવણ સાથેના યુદ્ધ દરમ્યાન જટાયુની પાંખ કપાઈને પડી હતી, તે સ્થળ આજે જટાયુપુર કહેવાય છે. તેમણે ભગવાન શ્રીરામને સીતા માતાના અપહરણ અંગે માહિતી આપ્યા બાદ પોતાના પ્રાણ ત્યજ્યા હતા . અહીં જટાયુએ અંતિમ શ્વાસ લીધા હોવાથી જટાયુ અર્થ સેન્ટરની રચના કરવામા આવી. આ સેન્ટરમાં જ્ટાયુની વાર્તા પર આધારિત 10 મિનિટની ફિલ્મ પણ દર્શકોને દેખાવાડવામાં આવે છે.
આ પ્રતિમાના નિર્માણમાં અંદાજે સાત વર્ષનો સમય લાગ્યો છે. કોંક્રિટના સ્કલ્પચરને સ્ટોન ફિનિશ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને બનાવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે બધી સામગ્રીને ટોચ પર લઈ જવી ખૂબ મુશ્કેલી હતી.
 

jatayu  
 
જટાયુ અને રામને લગતા ચિહ્નો
 
તે ઉપરાંત લોકો દ્વારા મળતી માહિતી અનુસાર અહીં નજીકમાં એક તળાવ આવેલું છે. જેનું નિર્માણ જટાયુના ચાંચના પ્રહારથી થયુ હોવાનું કહેવાય છે. લોકોનું કહેવું છે કે આ તળાવ ક્યારેય સૂકાતુ નથી. જે એક આશ્ચર્યની વાત છે.
અહીં ભગવાન રામના પગની છાપની સાથે રામ મંદિર પણ આવેલુ છે. એવું લોકોનું કહેવું છે.
 
એડવેન્ચર ઝોન અને ગેમ્સ
 
જટાયુ નેચર પાર્કમાં એક એડવેન્ચર સેક્શન પણ છે. પેંટ બોલ, લેઝર ટેગ, તીરંદાજી, રાઈફલ શૂટિંગ , રૉક ક્લાઈમ્બિંગ, બોલ્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ માટે અહીં ઘણા વિકલ્પ છે. પાર્કમાં આયુર્વેદિક ગુફા રિસોર્ટ પણ છે. અહીં તમને રોમાંચ અને આરામ બધુ જ મળી રહે છે.
 
એલિફન્ટ રોક હિલ
 
એલિફન્ટ રોક હિલમાં પ્રવાસીઓ માટે રાત્રિ રોકાણ માટે ટેન્ટ કેમ્પ છે. જેમાં 250 મીટર લાંબી ઝિપ લાઈન ઝોન અને સ્કાય સાઈકલિંગ છે. આ ઉપરાંત પ્રવાસીઓ અહીં કેમ્પ ફાયર, મૂન લાઈટ ડિનર, લાઈવ મ્યુઝિક જેવી વસ્તુઓનો આનંદ લઈ શકે છે.
 
દક્ષિણ ભારતની પ્રથમ અત્યાધુનિક કેબલ કાર
 
જટાયુ અર્થ સેન્ટરમાં રોપવેની પણ સુવિધા છે. રોપવે પર ધીમે ધીમે 1000 ફૂટની ચઢાઈ એક રોમાંચક અનુભવ છે. અહીંથી મંત્રમુગ્ધ કરી દે તેવો નજારો જોવા મળે છે. દ. ભારતની પ્રથમ અત્યાધુનિક કેબલ કાર જટાયુ અર્થ સેન્ટરમાં છે.
 

jatayu  
 
એક જ પાંખ વાળી પ્રતિમા
 
આપણે બધા જ જાણીએ છીએ કે રામાયણમાં રાવણ દ્વારા જટાયુની એક પાંખ કાપી નાખવામાં આવી હતી. તેવી જ રીતે અહીં પણ પ્રતિમાની એક પાંખ બનાવામાં આવી નથી. એટલે કે આ પ્રતિમામાં બે પાંખની જગ્યાએ એક જ પાંખ છે જે પ્રતિમાની વિશેષતા દર્શાવે છે. જટાયુ અર્થ સેન્ટરને ‘મહિલા સમ્માન’ અને ‘મહિલા સુરક્ષા’ને સમર્પિત કરવામાં આવ્યું છે. જેના કારણે પાર્કની વિશેષતા વધી જાય છે.
 
આ સેન્ટર પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલું હોવાથી અહીં પ્રવાસીઓની સંખ્યા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. જટાયુ અર્થ સેન્ટરની મુલાકાત લેવા માટેનો સમય સવારે 9.30 થી સાંજના 5.30 સુધીનો છે.
 
એન્ટ્રી ફી
 
જટાયુ અર્થ સેન્ટરની એન્ટ્રી ફી વ્યક્તિ દીઠ -400 રૂપિયા છે. જટાયુ અર્થ સેન્ટરમાં વિવિધ પ્રવૃત્તિઓ માટે વિવિધ ચાર્જ લેવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓ આખા દિવસની પ્રવૃત્તિઓ કરવા ઈચ્છુક હોય તો તે માટેનો ટોટલ ખર્ચ 3500 થી 4000 સુધીનો થાય છે. એડવેન્ચર થ્રીલના શોખીનો માટે આ એક અનોખુ અને રમણીય સ્થળ છે. જ્યાં તેઓ એડવેન્ચર થ્રીલની સાથે સાથે ઈતિહાસ સાથે પણ જોડાઈ શકશે.
 
અહીં જવા માટે રેલ માર્ગ , સડક માર્ગ અને હવાઈ માર્ગની સારી એવી સુવિધા છે. આ સ્થળ વાહનવ્યવહારની દ્રષ્ટિએ અન્ય રાજ્યો સાથે સારી રીતે જોડાયેલું છે. કેરળ જવાનું થાય તો આ સ્થળની મુલાકાત લેવા જેવી છે...
 
- મોનાલી ગજ્જર