એન્ટિ ગ્રેવિટી રોડ, ગાઢ જંગલ અને પૌરાણિક માહાત્મય ધરાવતું મંદિર એટલે તુલસી શ્યામ

ગરમીની રજાઓમાં ફરવાનું જવાનું વિચારતા હોવ અને એમાં ધાર્મિક સ્થળની મુલાકાત સાથે પ્રકૃતિના ખોળે વિહરવાનો આનંદ માણવો હોય, તો ઉનાની નજીક આવેલ તુલસીશ્યામ મંદિર અને નજીક આવેલા સ્થળો તમારી સફરને યાદગાર બનાવી દેશે.

    ૧૫-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

tulsi shyam vishe
 
 
# દેશમાં એકમાત્ર તુલસીમાતા અને શામળાજી અહીં પ્રતિમા રૂપે બિરાજે છે.
 
# ગાઢ જંગલની વચ્ચે આવેલ આ મંદિરના દર્શન સાથે પ્રકૃતિના ખોળામાં વિહરવાનો અને વન્યજીવસૃષ્ટિને જોવાનો લહાવો માણી શકાય છે
 
# તુલસીશ્યામ મંદિમાં તુલસીમાતા અને શામળાજીની પ્રતિમા 3 હજાર વર્ષો જૂની હોવાની માન્યતા છે
 
# અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે, જ્યાં બારેમાસ ગરમ પાણી જોવા મળે છે
 
# એન્ટિ ગ્રેવિટી રોડ, જ્યાં ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ વાહન ચાલતું હોવાનો ભાસ થાય છે
 
તુલસી શ્યામ મંદિર, જૂનાગઢ શહેરથી લગભગ 123 કિલોમીટર તેમજ ઉનાથી માત્ર 29 કિલોમીટર અંતરે આવેલું છે. અહીં આવેલ જંગલમાં સિંહ, દીપડાં, હરણ, વિવિધ જાતના પક્ષીઓ સહિત વન્યજીવસૃષ્ટિ જોવા મળશે. ઉપરાંત અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે. આ કુંડમાં સ્નાન કરવાનો પણ મહિમા છે. તો આ સ્થળ વિશેની વધુ માહિતી આ લેખમાં જાણીએ
 
તુલસી શ્યામ મંદિર વિશે
 
ગીરના મધ્યમાં ગાઢ જંગલ વચ્ચે આવેલ શામળિયાનું આ મંદિર તેના પૌરાણિક માહાત્મય ધરાવે છે, જેને કારણે ભક્તો આ સ્થળ પ્રત્યે વિશેષ આસ્થા ધરાવે છે. આ દેશનું એકમાત્ર મંદિર છે, જ્યાં વિષ્ણુ અને તુલસીમાતાની પ્રતિમા એકસાથે બિરાજમાન હોય.
 

tulsi shyam vishe  
 
તુલસી શ્યામ મંદિરનો ઇતિહાસ । તુલસી શ્યામ નામ કેમ પડ્યું?
 
આ મંદિરની પ્રતિમા 3 હજાર વર્ષો જૂની હોવાની માન્યતા છે. દંતકથા પ્રમાણે, કૃષ્ણે તુલ નામના દૈત્યને અહીં માર્યો હતો. તેથી આ સ્થળનું નામ તુલ – સી – શ્યામ પડ્યું હોવાનું મનાય છે. પૌરાણિક કથા પ્રમાણે, જાલંધર મહા બળવાન અસુર હતો. અને તેની પત્ની વૃંદા મહાસતી હતી. વૃંદાના પ્રતાપે જાલંધરને ત્રણે લોકમાં કોઇ જીતી શકતું ન હતું. જાલંધરના ત્રાસથી ત્રસ્ત દેવો વિષ્ણુ ભગવાનને શરણે ગયા. વિષ્ણુ ભગવાને દેવોની આજીજી સ્વીકારી અને જાલંધરનું રૃપ લઇ વૃંદા પાસે ગયા. વૃંદાના પતિવ્રતનો ભંગ થયો. જાલંધર બહારથી ઘરે આવતા વિષ્ણુનું છળ પકડાઇ ગયું અને વિષ્ણુને વૃંદાએ પથ્થર જઇ જવાનો શાપ આપ્યો. વૃંદાને પસ્તાવો થતા તેમણે ચિતામાં પોતાને હોમી દીધા અને તે સ્થળે છોડ ઉગ્યો. જે તુલસીના નામે ઓળખાયો. વિષ્ણુ ભગવાને પોતાની ભૂલ પર પસ્તાવો થયો અને સ્નેહવશ થઇ તેમણે આવતા ભવમાં વૃંદાને પરણવાનું વચન આપ્યું. આમ વૃંદાનો રુકમણી તરીકે જન્મ થયો અને તે વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને પરણ્યા. કાર્તિક શુક્લપક્ષની એકાદશીના દિવસે તુલસી ભગવાનના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે.
 

tulsi shyam vishe  
 
રૂકમણી મંદિર
 
મુખ્ય મંદિરથી નજીક આવેલ આ મંદિર 700 વર્ષ જૂનું મંદિર હોવાની માન્યતા છે. ડુંગર પર આવેલ આ મંદિર પર દર્શન કરવા માટે અંદાજે 200થી વધુ પગથિયા ચડી જવું પડે છે.
 
ગરમ પાણીના કુંડ
 
અહીં આવેલા ગરમ પાણીના કુંડમાં કોઇપણ ઋતુમાં પાણી ગરમ જ રહે છે. પુરાણોમાં ‘તપ્તોદક’ તરીકે તેનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં આવેલા પાણીમાં સ્નાન કરવાથી ચર્મ રોગો દૂર થાય છે તેવી માન્યતા છે. જો કે, આ ગરમ પાણીના કુંડ પાછળના વૈજ્ઞાનિક કારણ જોઇએ તો, અહીં પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ વધુ હોય છે અને સલ્ફર તત્વની સક્રિયતાને લીધે અહીંના ઝરામાં પાણી ગરમ રહે છે.
 

tulsi shyam vishe  
 
એન્ટિ ગ્રેવિટી રોડ
 
તુલસીશ્યામ પર પર્વત પરની જગ્યા એન્ટી ગ્રેવિટી ધરાવે છે. સાદી ભાષામાં આને સમજીએ તો અહીં ગુરુત્વાકર્ષણ બળ કામ કરતું નથી. અહીં ગાડી બંધ રાખીએ તો તે સ્થિર રહેવાની જગ્યાએ, એથી ઊલટું તેની ઊંધી દિશામાં ચાલે છે. આ સ્થળ પ્રવાસીઓમાં કુતુહુલતા સાથે રોમાંચ ઊભું કરે છે....
 

tulsi shyam vishe  
 
ભીમચાસ- કુંતી માતાનું મંદિર
 
તુલસીશ્યામથી 4 કિલોમીટરના અંતરે ભીમચાસ નામનું સ્થળ છે. અહીં ઊંડી ખીણમાં ઝમરી નદી ધોધ રૃપે પડે છે. દંતકથા પ્રમાણે કુંતીને ખૂબ જ તરસ લાગી હતી. પરંતુ નજીકમાં કોઇ જળાશય ન હતું. આથી ભીમે માતાની તરસ છીપાવવા આ સ્થળ પર લાત મારીને ખાડો પાડ્યો અને અહીં જળાશય બની ગયું. આમ, આ સ્થળે કુંતી માતાની તરસ છીપાઇ હોવાની માન્યતા સાથે અહીં કુંતી માતાનું મંદિર પણ છે.
 
ક્યારે જવું શ્રેષ્ઠ
 
ગાઢ જંગલમાં આવેલ તુલસી શ્યામ મંદિર સહિતના સ્થળોની મુલાકાત આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે લઇ શકાય છે. જો કે, અહીં જંગલમાં ફરવા માટે વનવિભાગની પરવાનગી લેવી આવશ્યક છે. જો કે, આ ગાઢ જંગલ સિંહ સહિતના પ્રાણીઓનું નિવાસસ્થાન હોવાથી અહીં સાંજ પછી જવા પર મનાઇ છે. અહીં રાતવાસો કરવા માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે.
 
કેવી રીતે પહોંચવું
 
અમદાવાદથી તુલસીશ્યામ લગભગ 329 કિલોમીટર દૂર છે. જ્યારે ઊનાથી આશરે 29 કિલોમીટરના અંતરે આવેલું છે. જો જૂનાગઢ થઇને તુલસીશ્યામ આવવું હોય તો 116 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે. અહીંથી નજીકનું એરપોર્ટ દીવ છે. જ્યારે નજીકનું રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉના છે.
 
- જ્યોતિ દવે