Image Source - Google
# આદિગુરુ શંકરાચાર્ય દ્વારા ઉત્તરાખંડમાં અહીં કરવામાં આવી હતી પંચ બદરીની સ્થાપના
# ચોમાલીમાં પાંચ અલગ અલગ સ્થળે અલગ અલગ નામે પૂજાય છે ભગવાન વિષ્ણુ
# ભગવાન વિષ્ણુના પાંચ મંદિરોનો સમૂહ એટલે પંચ બદરી
# અહીં વૃદ્ધ બદરી સ્વરૂપે બિરાજમાન છે ભગવાન વિષ્ણુ
ઉત્તરાખંડને દેવ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને તેને શિવ ભૂમિના તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ અહીં વિષ્ણુ ઉપાસકોની પણ એક મહત્વની ઓળખ છે. તે જ કારણ છે કે વિષ્ણુ ભક્તો માટે ઉત્તરાખંડની પૂણ્ય ભૂમિ પર આદિગુરુ શંકરાચાર્ય દ્વારા પંચ બદરીની સ્થાપના કરવામાં આવી છે. પંચ બદરી કે જેને પંચ બદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળનો સંબંધ ભગવાન વિષ્ણુના મુખ્ય ધામ એવા બદરીનાથ સાથે પણ છે. માન્યતા અનુસાર આદિકાળમાં બદરીનાથ કરતા વધુ મહત્વ આ પંચ બદરી મંદિરોનું રહ્યુ હશે...! પરંતુ કળયુગ આવતા વિષ્ણુની પૂજા બદરીધામમાં થવા લાગી .આજે આપણે જાણીશું કે શું છે આ પંચ બદરી મંદિરો અને તેમનું મહત્વ .
બદ્રી વિસ્તાર
બદ્રીનાથથી અંદાજે 24 કિમી ઉપર સતોપંથથી આ વિસ્તારની શરૂઆત થાય છે. જે દક્ષિણમાં નંદપ્રયાગ સુધી વિસ્તરેલો છે. ભગવાન બદ્રીનાથની પૂજા પાંચ અલગ અલગ સ્થળે અલગ અલગ નામે કરવામાં આવે છે. બદ્રીનાથધામની જેમ જ અન્ય મંદિરોના પણ પટ ખુલવા અને બંધ થવાની પરંપરા છે.

Image Source - Google
પંચ બદરી | Panch Badris
ઉત્તરાખંડમાં બદરી વિસ્તારમાં રહેલ પાંચ વિષ્ણુ મંદિરોના સંયોજનને સામૂહિક રીતે પંચ બદ્રી તરીકે ઓળખવામાં આવે છે. પંચ બદરી ઉત્તરાખંડમાં આવેલ મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. જે બદ્રીનાથ ધામ સિવાય આવે છે. મહત્વની વાત એ છે કે આ પંચ બંદરી મંદિરોની સ્થાપના ખાસ કરીને ચમોલી જિલ્લામાં કરવામાં આવી છે. ભગવાન વિષ્ણુના આ પંચ બદરી મંદિરના નામ આ મુજબ છે. – (1) બદરીનાથ (2) યોગ- ધ્યાનબદ્રી (3) ભવિષ્ય બદ્રી (4) વૃદ્ધ બદ્રી અને (5) આદિબદ્રી
આ મંદિરોનું નિર્માણ આદિગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતુ. આ મંદિરોમાં કાત્યુઆરી શૈલી જોવા મળે છે. શંકરાચાર્ય દ્વારા જ્યારે ભારતની ચારે દિશામાં ચાર ધામોની સ્થાપના કરવામાં આવી તો તેમણે ન ફક્ત 12 જ્યોર્તિલિંગની સ્થાપના કરી. પરંતુ વિષ્ણુના પરમધામોની પણ સ્થાપના કરી. શંકરાચાર્યની ઉત્તરાખંડ યાત્રા દરમ્યાન અહીં કાત્યૂરી વંશનું શાસન હતુ. જેના શાસનકાળને ઉત્તરાખંડનો સુવર્ણ યુગ પણ કહે છે. તે સમયે કાત્યૂરી શાસકોનો વિવિધ ભગવાનોમાં રસ હોવાના કારણે આ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યુ. લોકોનું માનવું છે કે આ પંચ બદ્રી મંદિરોના દર્શનથી મનુષ્યનું કલ્યાણ નક્કી છે.

Image Source - Google
#૧ બદરીનાથ | Badrinath Temple (Vishal Badri)
બદરીનાથ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું સૌથી પવિત્ર મંદિરોમાંથી એક છે. કહેવાય છે કે અહીં ભગવાન વિષ્ણુએ નર અને નારાયણ પર્વતોની વચ્ચે 3133 મીટરની ઉંચાઈ પર અહીં નર અને નારાયણના અવતારમાં તપસ્યા કરી હતી. આ મંદિરનું નિર્માણ આઠમી સદીમાં આદિગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ મળે છે. ભૂકંપના કારણે આ મંદિર ઘણી વખત ક્ષતવિક્ષત થયું છે. જેના કારણે તેનું વારંવાર જીણોધ્ધાર કરવામાં આવ્યું છે. બદરીનાથ મંદિરની વાસ્તુકલા મુગલ શૈલી સાથે પણ મેળ ખાય છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આસ્થા સાથે આવે છે. બદરીનાથને વિષ્ણુના વૈકુંઠ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની 4 ભુજા વાળી મૂર્તિ સ્થાપિત છે જે શાલિગ્રામ શિલામાંથી બનેલ છે.

Image Source - Google
#૨ યોગ-ધ્યાન બદરી | Yogadhyan Badri
ઉત્તરાખંડના પાંડુકેશ્વર જોશીમઠથી 24 કિમીના અંતરે આવેલ યોગ ધ્યાન બદ્રી ભગવાન બદ્રીનાથ મંદિરનું સમકાલીન હોવાનું કહેવાય છે. આ મંદિરનું નિર્માણ કઠુઆ પથ્થરોમાંથી કાત્યુરૂ શૈલીમાં થયુ છે. અહીં ભગવાન વિષ્ણુની શાલીગ્રામ શિલામાંથી નિર્મિત સ્વયંભૂ મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
યોગધ્યાન બદરી સમુદ્ર સપાટીથી 1920 મીટરની ઉંચાઈએ આવેલ છે. આ મંદિર પંડુકેશ્વર ગોવિંદ ઘાટની નજીક અલકનંદા નદીના કિનારે સ્થિત છે. આ સ્થળ અંગે માન્યતા છે કે અહીં પાંડવોનો જન્મ થયો હતો. તેમજ પાંડુ રાજાએ અહીં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી હતી. પૌરાણિક કથા અનુસાર એક વખત રાજા પાંડુ શિકાર પર હતા. ત્યારે તેમણે કોઈ પ્રાણી સમજી પોતાના બાણથી એક બ્રાહ્મણની હત્યા કરી હતી. ત્યારે બ્રાહ્મણે પાંડુ રાજાને શ્રાપ આપ્યો હતો. શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પાંડુ રાજાએ અહીં ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા કરી હતી. એવું પણ કહેવાય છે કે અહીં દ્રોપદીના પુત્રોનો પણ જન્મ થયો હતો. તેથી આ સ્થળને પંડુકેશ્વર પણ કહેવામાં આવે છે.

Image Source - Google
#૩ વૃદ્ધ બદ્રી | Vridha Badri
પંચ બદરી મંદિરોમાં ભગવાન વિષ્ણુના વૃદ્ધ રૂપનો પણ ઉલ્લેખ આવે છે. વૃદ્ધ બદ્રી મંદિર બદ્રીનાથ ધામથી 8 કિમીના અંતરે આવેલું છે. આ મંદિર પૂર્વ દિશામાં 1380 મીટરની ઉંચાઈ પર છે. સમગ્ર વર્ષ દરમ્યાન આ મંદિર ખુલ્લુ રહે છે. અહીં નારદજીની તપસ્યાથી ખુશ થઈને ભગવાન વિષ્ણુએ તેમને એક વૃદ્ધ વ્યક્તિના રૂપમાં દર્શન આપ્યા હતા.

Image Source - Google
#૪ ભવિષ્ય બદ્રી | Bhavishya Badri
ભવિષ્ય બદ્રી જોશીમઠના સુભાન ગામમાં 2744 મીટરની ઉંચાઈએ આવેલું છે. મંદિર તપોવન જંગલની વચ્ચે છે જ્યાં વિષ્ણુ ભગવાનના નરસિંહ અવતારની પૂજા કરવામાં આવે છે. આ મંદિરના કપાટ પણ બદ્રીનાથ મંદિરના કપાટ ખુલ્લે ત્યારે જ ખોલવામાં અને બંધ કરવામાં આવે છે. અહીં જન્માષ્ટમીનો મેળો લાગે છે. આ ઉપરાંત અહીં દર 3 વર્ષે અન્ય એક મેળો લાગે છે. જેને સ્થાનિક લોકો જાખ મેળાના નામે ઓળખે છે.
આ મંદિર અંગે એવી માન્યતા છે કે જ્યારે કળયુગનો અંત શરુ થશે ત્યારે જોશીમઠમાં ઉપસ્થિત ભગવાન નરસિંહની મૂર્તિનો હાથ તૂટી જશે અને વિષ્ણુ પ્રયાગ પાસેના જય અને વિજય પર્વતો પણ પડી જશે. ત્યારે ભગવાન બદ્રીનાથ ધામનો રસ્તો વધુ મુશ્કેલ થઈ જશે. જેના કારણે ભવિષ્ય બદ્રીમાં ફરી ભગવાન બદ્રીનાથની પૂજા અર્ચના થશે.

Image Source - Google
#૫ આદિ બદ્રી | Adi Badri
ઉત્તરાખંડના ચમોલીમાં કર્ણપ્રયાગથી 17 કિમીના અંતરે ભગવાન વિષ્ણુનું આદિબદ્રી મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના કાળા પથ્થરમાંથી બનેલી 1 મીટર ઉંચી મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર ભગવાન બદ્રીનાથ મંદિરની જેમ જ પવિત્ર હોવાનું કહેવાય છે. આ મંદિરમાં 16 નાના મંદિરોનો સમૂહ છે.
મે –જૂન અને ઓગસ્ટ - સ્પટેમ્બર મહિનો આ મંદિરોની મુલાકાત લેવાનો સારો સમય છે. હિમાલાયના દૂરના સ્થળોની મુલાકાત લેવા માટે વર્ષાઋતુમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. અહીં જવા માટે સડક માર્ગે સારી એવી સુવિધા છે. પંચ બદરી જવા માટે દિલ્હી, કોટદ્વાર, ઋષિકેશ અને દહેરાદૂનથી બસ મળી રહે છે. જ્યારે હવાઈ માર્ગે દહેરાદૂનનું જોલી ગ્રાંટ નજીકનું એરપોર્ટ છે. ટ્રેન દ્વારા આ મંદિરોની મુલાકાત લેવા માંગતા હોવ તો અહી પહોંચવા માટે દિલ્હીથી કોટદ્વાર કે હરિદ્વાર સુધી ટ્રેનમાં જઈ શકાય છે. ત્યાંથી આગળ પંચબદ્રી જવા માટે જોશીમઠ સુધીની સીધી બસો મળી રહે છે.
- મોનાલી ગજ્જર