આદિવાસીઓનો આર્તનાદ : `ડી-લિસ્ટીંગ' ….આદિવાસીઓની વિરાટ આક્રોશ રેલી યોજાશે અમદાવાદના રીવરફ્રન્ટ પર યોજાવાની છે ત્યારે સમજો આ વિષયને વિગતે...

આગામી ૨૭મી મે, ૨૦૨૩ના રોજ ૧,૦૦,૦૦૦ની વિશાળ સંખ્યામાં જનજાતિ ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિવાળી સિંહગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી હુંકાર ભરવા જઈ રહી છે.

    ૨૬-મે-૨૦૨૩   
કુલ દૃશ્યો |

adivasi delisting  
 
 
# આદિવાસી સમાજ દેશભરમાં વિશાળ રેલીઓ દ્વારા શેની માંગ કરી રહ્યો છે!
 
# ડી-લિસ્ટીંગ એટલે શું ? સમજો બધુ જ સરળ ભાષામાં એક જ લેખમાં…
 
# જ્યારે.. `SC' જેવો કાયદો `ST' માટે નહીં હોવાથી..કન્વર્ટ થયેલાં ક્રિશ્ચિયનો-મુસ્લિમો, આદિવાસી તરીકેનો મોટા ભાગનો લાભ ઉઠાવી રહ્યાં છે...અને તેથી દિવસે દિવસે મૂળ આદિવાસીઓની હાલત બદથીય બદતર બની રહી છે..
 
# ત્યારે.. મૂળ આદિવાસી પોતાનો હક્ક માંગી રહ્યા છે કે, કન્વર્ટેડ ક્રિશ્ચિયનોને અનુસૂચિત જનજાતિ (ST)માંથી બહાર કાઢી દેવામાં આવે. એટલે કે, જનજાતિ (ST)ના લિસ્ટમાંથી બહાર (ડી-લિસ્ટીંગ) કરી દેવામાં આવે..
 
ગુજરાતમાં ૨૭મી મે, ૨૦૨૩ના રોજ રણશિંગું
 
૨૦૦૬થી `જનજાતિ સુરક્ષા મંચ' દ્વારા ડી-લિસ્ટીંગ માટેના આંદોલનનો પ્રારંભ થયેલો. દેશના ૭૩૫ જનજાતિ- સમુદાયો તેમાં સામેલ છે. વર્તમાનમાં આ આંદોલન રાષ્ટવ્યાપી મહાઆંદોલન બનવા જઈ રહ્યું છે. જુદાં જુદાં રાજ્યોમાં આયોજિત પ્રત્યેક સ્થાને ૪૦,૦૦૦થી લઈને ૧,૦૦,૦૦૦ની વિશાળ સંખ્યામાં જનજાતિ ભાઈઓ-બહેનોની વિશાળ રેલીઓ રૌદ્રરૂપે ડી-લિસ્ટીંગની માંગણી બુલંદ કરી રહી છે. સંઘર્ષનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. આજ ક્રમમાં ગુજરાતના અમદાવાદમાં પણ આગામી ૨૭મી મે, ૨૦૨૩ના રોજ ૧,૦૦,૦૦૦ની વિશાળ સંખ્યામાં જનજાતિ ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિવાળી સિંહગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી હુંકાર ભરવા જઈ રહી છે.
 
ડી-લિસ્ટીંગના આ હુંકારની પાછળ..
 
 
- એક દર્દનાક પોકાર છે..
- સામાજિક તાણાવાણાની તારાજીનો ચિત્કાર છે..
- વર્ષો જૂની વેદના છે..
- જેનો સમૂળ છેદ ઊડી રહ્યો છે તે સાંસ્કૃતિક સંવેદના છે..
- વનોની વિરાસતના વિનાશની વિભીષિકા છે..
 
 
બાકી વિશ્વની જનજાતિઓ કેમ નામશેષ?
 
અરણ્યોનું આ અસહાય આક્રંદ આથમી જાય તે પહેલાં ભારતનું જાગવું જરૂરી છે. જુઓને વિશ્વની માયા, ઇન્કા, માવરી જેવી અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની અનેક જનજાતિઓ વિધર્મી ષડયંત્રોનો ભોગ બની, તે તમામ જનજાતિઓ આજે નામશેષ બની ગઈ છે. ભારતના જનજાતિ વારસાના અસ્તિત્વની સામે પ્રશ્નાર્થ ખડો થયો છે, ત્યારે મૂળ આદિવાસીઓને સંગઠિત બનીને પોતાના છીનવાતા હક માટે આંદોલન કરવું પડી રહ્યું છે.
 

adivasi delisting  
 
ડી-લિસ્ટીંગની ડિમાન્ડ કેમ?
 
જનજાતિનાં જે લોકો કન્વર્ઝનથી ખ્રિસ્તી કે મુસ્લિમ બની ગયાં છે, જે આદિવાસીઓનાં આરાધ્ય દેવી-દેવતાઓને નથી માનતાં, જે આદિવાસી સંસ્કૃતિ અને રૂઢિપરંપરાઓને નથી માનતાં, તેમને જનજાતિના લિસ્ટમાં રહેવાનો નૈતિક અધિકાર ખરો કે? જે કારણોસર આદિવાસીઓ આદિવાસી છે, તે કારણોની જ જ્યારે બાદબાકી થઈ ગઈ હોય, શું તે પછી પણ આ કન્વર્ટેડ લોકો, આદિવાસી રહી શકે કે? અને માટે જ અનૈતિકતાને સંવૈધાનિક માર્ગે દૂર કરવાની પ્રચંડ માંગણી `જનજાતિ સુરક્ષા મંચે' ઉઠાવી છે. સંવિધાનના આર્ટિકલ ૩૪૨માં સંશોધનનો કરવાનો મુદ્દો પ્રબળ બન્યો છે.
 
શું આ મુદ્દો એકાએક ઊભો થયો છે?
 
જનજાતિ નેતા સ્વર્ગીય કાર્તિક ઉરાંવજીએ જ્યારે જોયું કે, સરકારી નોકરીના ૯૫% લાભો માત્ર જનજાતિના જ કન્વર્ટેડ લોકો ભોગવી રહ્યા છે અને દેશની તમામ અખિલ ભારતીય સેવાઓમાં ૯૦ ટકા સ્થાનો કન્વર્ટેડ જનજાતિના અધિકારીઓના કબજામાં છે, ત્યારે તેઓ હચમચી ગયેલા. અને તેથી વર્ષ ૧૯૬૭માં અને વર્ષ ૧૯૭૦માં, એમ બે વખત સંસદમાં ન્યાય માંગતો મુદ્દો ઉઠાવેલો. ૩૫૨ સાંસદોએ આ સત્ય મુદ્દે ત્વરિત ન્યાય આપવામાં આવે તેવી માંગણી ઉપર પોતાના હસ્તાક્ષર પણ કરેલા. ૧૯૬૭માં કોંગ્રેસ પક્ષની તત્કાલિન કેન્દ્ર સરકારે સંયુક્ત સંસદીય સમિતિ નીમેલી. આ સમિતિએ પણ `ડી-લિસ્ટીંગ'ની માંગણી કરેલી.
 
અત્યાર સુધીના `ડી-લિસ્ટીંગ'ના પ્રયત્નો
 
૨૦૦૯માં દેશના અઠ્ઠાવીસ લાખ લોકોના હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર તત્કાલીન મહામહિમ રાષ્ટપતિશ્રીને આપવામાં આવેલું. પુન: ૨૦૨૦માં મહામહિમ રાષ્ટપતિશ્રી અને આદરણીય વડાપ્રધાનશ્રીના નામે તથા દેશના ૧૪ રાજ્યના મા. રાજ્યપાલશ્રીઓને, ૭ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને તથા ૨૮૮ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓને આવેદનો દ્વારા આદિવાસીઓનો આર્તનાદ સત્તા સુધી પહોંચે તેવો પ્રયત્ન થયેલો. ૨૦૨૨માં દેશભરમાં જિલ્લા સંમેલનો યોજીને, ૪૫૨ સાંસદોને આવેદનપત્રો આપીને મૂળ આદિવાસીઓએ પોતાનો જન્મસિદ્ધ અધિકાર દોહરાવેલો.
 
આ મુદ્દો માત્ર જનજાતિને નહીં, સૌને સ્પર્શે છે
 
દેશના સૌ પ્રામાણિક કરદાતાઓના મહેનતની કમાણીમાંથી દેશની તિજોરીમાં ટેક્સરૂપે ફંડ જમા થાય છે, અને આ ફંડમાંથી જ સામાજિક રીતે પછાત હોવાના કારણે જનજાતિઓના સામાજિક ઉત્થાન માટે ખર્ચ કરવામાં આવે છે. જનજાતિ કાયદા વિશેષજ્ઞ શ્રી પ્રકાશ ઉઈકેજી સામાજિક ઉત્થાન માટે ખર્ચ કરવાના ફંડ અંગે કહે છે કે, ... ...
 
મુસ્લિમો/ક્રિશ્ચિયનોમાં તો ST જેવું કશું છે જ નહીં તો પણ લાભ?
 
ક્રિશ્ચિયનોમાં તો જાતિના ભેદભાવને કોઈ સ્થાન જ નથી, ક્રિશ્ચિયનોમાં તો સામાજિક રૂપે કોઈ પછાત છે જ નહીં, તો પછી કોઈ ક્રિશ્ચિયનને તે કોઈક જાતિનો/પછાત જાતિનો હોવાનું કેવી રીતે ગણી જ શકાય? આમ કન્વર્ટેડ ક્રિશ્ચિયનોને કોઈ જ જાતિના કે જનજાતિના ન માની શકાય, અને તેથી જનજાતિના લાભો તેમને ક્યારેય પણ ન મળી શકે. જેમ આર્ટિકલ ૩૪૧ મુજબ અનુસૂચિત જાતિ (શિડ્યુલ કાસ્ટ)ના કોઈ વ્યક્તિનું કન્વર્ઝન થઈને તે મુસ્લિમ કે ક્રિશ્ચિયન બની જાય તે જ ક્ષણેથી તેને શિડ્યુલ કાસ્ટના લાભો મળતા બંધ થઈ જાય છે. આ પ્રમાણેની જોગવાઈ અનુસૂચિત જનજાતિ (શિડ્યુલ ટ્રાઈબ)ને પણ લાગુ થવી જોઈતી હતી, પરંતુ કમનસીબે તે વખતે સંવિધાન સભામાં જનજાતિઓનું પ્રતિનિધિત્વ કરનાર જયપાલસિંહ મુંડા પોતે જ કન્વર્ટેડ ક્રિશ્ચિયન હતા. આ જોગવાઈના અભાવે કન્વર્ઝનને વેગ મળ્યો છે. જો કે અનુસૂચિત જાતિ માટે કરેલી છે તેવી જોગવાઈ કરવામાં ન આવી હોય તેટલા માત્રથી કંઈ કન્વર્ટેડ લોકોને એસટી (ST) તરીકેના લાભ મળવાપાત્ર ઠરતા નથી, કારણ કે એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે, સંવિધાનની રચના થઈ ત્યારથી તેમાં, ક્રિશ્ચિયનોમાંથી અને મુસ્લિમોમાંથી કોઈને અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) તરીકે અલગ હિસ્સો ગણવાની વાત જ નથી.
 
આ બાબતે ના. સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ
 
૧. કેરલ રાજ્ય વિરુદ્ધ ચંદ્રમોહનના કેસમાં તે અવધારિત કરાયું છે કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ-૧૯૮૯નો લાભ કન્વર્ટેડ જનજાતિનો વ્યક્તિ મેળવી શકે નહીં.
 
૨. એવાન લાંકેઈ રિમ્બાઈ વિરૂદ્ધ જયંતિયા હિલ્સ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ વગેરેના કેસમાં નિર્ધારિત કરવામાં આવ્યું છે કે, કન્વર્ટેડ જનજાતિનો વ્યક્તિ ૬ શેડ્યુલ ક્ષેત્રોની ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની ચૂંટણી લડવા માટે અપાત્ર છે, કેમ કે કન્વર્ટેડ વ્યક્તિ જનજાતિઓના ધાર્મિક રીતિ-રિવાજ અને પૂજાપદ્ધતિ પ્રમાણે થવાવાળાં કાર્યો કરી શકતો નથી.
આમ છતાં કન્વર્ટેડ લોકો બેફામ લાભો લઈ રહ્યા છે.
 
૭૫ વર્ષોની કાળી અંધારી રાત
 
સ્વ. શ્રી કાર્તિક ઉરાંવજીએ જનજાતિના વિષય ઉપર લખેલ પુસ્તક.. ` 'નો સાર એટલો જ છે કે, હવે આદિવાસીઓ પાસે પોતાની અંધકારમય અવસ્થામાંથી બહાર નીકળવાનો એક માત્ર માર્ગ બચ્યો છે, તે માર્ગ એટલે.. `ડી-લિસ્ટીંગ'. કોંગ્રેસ સરકારમાં સાંસદ રહેલા શ્રી કાર્તિકજીના પ્રયાસોથી ગઠિત `જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી' દ્વારા સંસદમાં આ આશય લઈને બિલ પ્રસ્તુત કરવામાં આવેલું, જેમાં જણાવવામાં આવ્યું કે, આર્ટિકલ ૩૪૨ના ખંડ `બે'ના રૂપમાં આ આશયનું પ્રાવધાન કરવામાં આવે કે, જનજાતિઓની જે વ્યક્તિઓ ઈસાઈ કે મુસ્લિમ બની જાય તો તેમને આર્ટિકલ ૩૪૨ હેઠળના આરક્ષણનો લાભ મળવાનો બંધ થઈ જાય. પરંતુ એક બાજુ ઈસાઈ જનપ્રતિનિધિઓનું દબાણ હતું તો બીજી બાજુ ૨૭મી ડિસેમ્બર, ૧૯૭૦ના રોજ લોકસભા ભંગ થઈ ગઈ તેના કારણે આ બિલ સંસદમાં પસાર થઈ શક્યું નહીં, જે આજ સુધી વિલંબિત છે.
 
સત્યમેવ જયતે... 
 
સત્ય લાંબો સમય સંતાડેલું ન રહી શકે. સત્ય બહાર આવીને જ રહે છે. સવાલ માત્ર સમયનો હોય છે. સમય પાકી ગયો છે. જનજાતિઓની આ લડત તેમને ચોક્કસ ન્યાય અપાવશે જ.
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.