# ભારત વિશ્વગુરૂ હતું હતું તેનું પ્રમાણ આપનારો રહસ્યમય સ્તંભ । બાણસ્તંભ
# બાણસ્તંભ જેનું રહસ્ય આજદિન સુધી કોઈ જાણી શક્યું નથી..!!
ઇતિહાસ એ ભ્રમ નિર્માણ કરનારો વિષય છે. ઇતિહાસનો પીછો કરતાં કરતાં આપણે એક એવા સ્થાન પર આવીને ઊભા રહી જઈએ છીએ કે ત્યાં પહોંચતાં મન આશ્ચર્યચકિત થઈ જાય છે. શું આવું પણ શક્ય છે ખરું? એ બાબતે મનમાં ખળભળાટ મચી જાય છે. દોઢ હજાર વર્ષ પહેલાં આટલું પ્રગત જ્ઞાન આપણા પૂર્વજો પાસે હતું એ વાત પર વિશ્વાસ જ બેસતો નથી.
ગુજરાતના સોમનાથ મંદિરે પહોંચ્યા પછી આપણી આવી જ સ્થિતિ થાય છે. સોમનાથ મંદિરનો ઇતિહાસ જ આગવો. દ્વાદશ (બાર) જ્યોતિર્લિંગ પૈકીનું આ એક સુંદર વૈભવશાળી, મનમોહક શિવધામ એટલું બધું વૈભવશાળી અને સમૃદ્ધિથી ભરેલું હતું કે ઉત્તર-પશ્ચિમ તરફથી ભારતમાં આવનારા આક્રાંતાઓનું ધ્યાન સોમનાથ તરફ આકર્ષાયા વગર ન રહ્યું. અને તેથી જ સોમનાથ એક કરતાં વધુ વખત લૂંટાયું. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, રત્નો જેવી અમૂલ્ય સંપત્તિ લૂંટી લેવામાં આવી. આટલાં બધાં આક્રમણો અને લૂંટ પછી પણ દર વખત સોમનાથનું શિવાલય ફરીથી પોતાનો વૈભવ અને અનર્ગળ ઐશ્વર્ય પ્રાપ્ત કરી અડીખમ ઊભું છે.
વારંવાર વિદેશી આક્રમણકારોને હાથે લૂંટાયા પછી ફરીથી વૈભવ પ્રાપ્ત કરનારા મંદિર પૂરતું જ એનું મહત્ત્વ સીમિત નથી. સોમનાથનું મંદિર ભારતના પશ્ચિમ કિનારે ઊભું છે. સુદૂર ફેલાએલો અરબી સમુદ્ર પ્રતિદિન તેના પગ પખાળે છે. ગત હજારો વર્ષનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ક્યારેય પણ સાગરે સોમનાથને અપમાનિત કર્યા નથી. ચક્રવાત કે વાવાઝોડાએ આ ગૌરવશાળી મંદિરને કદી પણ ઊધ્વસ્ત કર્યું નથી.
આવાં ગૌરવમય સોમનાથ મંદિરના પરિસરમાં એક સ્તંભ છે.....બાણસ્તંભ
આ થાંભલો બાણસ્તંભ તરીકે ઓળખાય છે. આ સ્તંભ કેટલાં વર્ષથી અહીં છે તે કહેવું મુશ્કેલ છે. ઇતિહાસના ગર્ભમાં ડોકિયું કરીને શોધખોળ કરતાં કરતાં આપણે છઠ્ઠી સદીની પાસે પહોંચીએ છીએ. ત્યાં આ બાણસ્તંભનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પરંતુ એનાથી એ વાત સિદ્ધ થતી નથી કે તેનું નિર્માણ છઠ્ઠી સદીમાં થયું છે. આ સ્તંભ કેટલો જૂનો છે તે અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.
આ બાણસ્તંભ દિશાદર્શક સ્તંભ છે. તેની ઉપર એક બાણ(તીર) મૂકવામાં આવ્યું છે. તેની નીચે લખાણ છે :
`આસમુદ્રાન્ત દક્ષિણ ધ્રુવપર્યંત અબાધિત જ્યોતિમાર્ગ'
એનો અર્થ છે અહીંથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી સીધી લીટીમાં એક પણ અવરોધ નથી. અર્થાત્ આ માર્ગમાં ક્યાંય જમીનનો ટુકડો પણ નથી.
પહેલી વાર જ્યારે મેં આ સ્તંભ જોયો, તેના પરનો શિલાલેખ વાંચ્યો ત્યારે તે વાંચતાંની સાથે જ જે અર્થ મારા મગજમાં વ્યાપી ગયો તેનાથી મારું આખું અસ્તિત્વ હચમચી ઊઠ્યું રોમાંચિત થઈ ગયું. આવું જ્ઞાન આટલાં વર્ષ પહેલાં આપણે ત્યાં હતું ? એ કઈ રીતે શક્ય છે ? અને જો એ સત્ય હોય તો કેટલાં સમૃદ્ધ જ્ઞાનનો વૈશ્વિક વારસો આપણને મળ્યો છે....!
સંસ્કૃતમાં કંડારાયેલી આ એક પંક્તિમાં અનેક ગૂઢ અર્થ સમાયેલા છે. આ વાક્યનો શબ્દાર્થ આ પ્રમાણે થાય; સોમનાથ મંદિરના આ છેડેથી, બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી (એટલે કે એન્ટાર્કટિકા સુધી) એક સીધી રેખા દોરવામાં આવે તો વચ્ચે એક પણ ભૂખંડ આવતો નથી.
હવે આ વાત સાચી છે એમ કેવી રીતે કહી શકાય ? વર્તમાન તંત્રજ્ઞાનની મદદથી એ શોધવું સરળ બને, પરંતુ આપણને લાગે છે તેટલું એ સ૨ળ નથી. ગૂગલ મેપ ૫૨થી ઉપરછલ્લું જોતાં કોઇ ભૂખંડ દેખાતો નથી. આ થઇ મોટા ભૂખંડની વાત! પરંતુ નાનો ભૂખંડ શોધવો હોય તો તે સંપૂર્ણ માર્ગને એન્લાર્જ કરતાં કરતાં આગળ વધવું પડે. આમ જોઈએ તો આ કામ ચીવટ અને ચોકસાઈવાળું અને સમય માગી લેનારું છે. અત્યંત સંયમપૂર્વક ધ્યાનથી જોતા જઈએ તો માર્ગમાં એક પણ મોટો ભૂખંડ એટલે કે ૧૦ કિ.મી X ૧૦ કી.મી.નો ભૂખંડ જોવા મળતો નથી. તેનાથી નાના ભૂખંડને વિશેષ તંત્રજ્ઞાનની મદદથી શોધવો પડે. ટૂંકમાં એ સંસ્કૃત શ્લોક સાચો છે એવું સ્વીકારી લેવું પડે.
આવું જ્ઞાન પૂર્વજોને કેવી રીતે મળ્યું?
પણ મૂળ પ્રશ્ન વણઉકલ્યો રહી જાય છે. ઈ. સ. ૬૦૦માં આ બાણસ્તંભ અહીં મૂકવામાં આવ્યો એમ સ્વીકારીને ચાલીએ તો પણ પ્રશ્ન નિર્માણ થાય કે તે સમયે પૃથ્વીને દક્ષિણ ગોળાર્ધ છે એવું જ્ઞાન પૂર્વજોને કેવી રીતે મળ્યું ? ધારો કે આપણે એ વાત પણ સ્વીકારી લઈએ કે દક્ષિણ ગોળાર્ધ વિશે પૂર્વજોને જાણકારી હતી, પરંતુ સોમનાથ મંદિરથી દક્ષિણ ધ્રુવ સુધી એક સીધી રેખા દોરવામાં આવે તો એક પણ ભૂખંડ નથી એવું મેપિંગ કોણે કર્યું ? ખરેખર બધું જ અદભુત, માની ન શકાય તેવું કલ્પનાતીત....!
ભારતીયોને એ વાતનું જ્ઞાન હતું કે પૃથ્વી ગોળ છે.
એનો જ અર્થ એ છે કે બાણસ્તંભ જ્યારે સોમનાથ મંદિરના પરિસરમાં સ્થાપિત ક૨વામાં આવ્યો ત્યારે ભારતીયોને એ વાતનું જ્ઞાન હતું કે પૃથ્વી ગોળ છે. ફક્ત એટલું જ નહીં તો આ પૃથ્વીને દક્ષિણ ધ્રુવ છે (એટલે કે ઉત્તર ધ્રુવ પણ છે) એનું પણ જ્ઞાન હતું. તેઓ આ ભૌગોલિક માહિતી જાણતા હતા. આ કેવી રીતે શક્ય બન્યું ? પૃથ્વીનો એરિયલ ન્યૂ માપવાનું કોઈ સાધન ઉપલબ્ધ હતું ખરું ? જો એવું સાધન ન હોય તો પૃથ્વીનો નકશો તે કાળે અસ્તિત્વમાં હતો ? નકશાશાસ્ત્ર (અંગ્રેજીમાં કારટોગ્રાફી, ફ્રેન્ચ ભાષામાંથી ઊતરી આવેલો શબ્દ ) અત્યંત પ્રાચીન શાસ્ત્ર છે. ઇ. સ. પૂર્વે છથી આઠ હજાર વર્ષ પહેલાંની ગુફાઓમાં કંડારાએલા આકાશસ્થિત તારાઓના નકશા પ્રાપ્ત થયા છે. સૌથી પહેલાં પૃથ્વીનો નકશો કોણે બનાવ્યો તેમાં મતાંતર છે.
ભારતીય જ્ઞાનના પુરાવાઓ પ્રાપ્ત ન હોવાથી એનેકઝીટેંડર નામના ગ્રીક વૈજ્ઞાનિકને આ સન્માન પ્રાપ્ત થયેલું છે. ઇ. સ. પૂર્વે ૬૧૧થી ૫૪૬એ તેમનો કાર્યકાળ છે. એમણે દોરેલો નકશો ઘણો સ્પષ્ટ છે, પરંતુ તે સમયમાં પૃથ્વી પર જ્યાં માનવવસ્તી હોવાનું જ્ઞાન હતું એટલો જ ભાગ આ નકશામાં બતાવવામાં આવ્યો છે. આ નકશામાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જોવા મળતા નથી.
આજના વાસ્તવિક વિશ્વની નજીક લઈ જનારો પૃથ્વીનો નકશો હેનરિકસ માટેલસે લગભગ ઈ.સ. ૧૪૯૦ની આસપાસ બનાવેલો જોવા મળે છે. એમ કહેવામાં આવે છે કે કોલંબસ આ જ નકશાનો આધાર લઈ ભારત આવવા નીકળ્યો હતો.
પૃથ્વી ગોળ છે એવું પ્રતિપાદન યુરોપમાં આ કેટલાક વૈજ્ઞાનિકોએ ઈ. સ. પૂર્વેના કાળમાં કર્યું હતું. એનેકઝી મેંન્ડરે ઇ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ પહેલાં પૃથ્વીનો આકાર સિલિન્ડર' જેવો બતાવ્યો હતો. એરિસ્ટોટલે પણ પૃથ્વી ગોળ છે એમ કહ્યું છે.
સોળસો વર્ષ પહેલાં આર્યભટ્ટને આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું?
ભારત પાસે આ જ્ઞાન ઘણાં વર્ષ પહેલાંથી હતું એ અંગેના અનેક પુરાવાઓ અને સંકેતો પ્રાપ્ત થયા છે. આ જ નકશાની મદદથી ઈ. સ. પ૦૦ની આસપાસ આર્યભટ્ટે પૃથ્વી ગોળ છે એવું પ્રતિપાદન કર્યું. તેણે ફક્ત એટલું જ નથી કહ્યું તો એથી આગળ વધીને તેઓ ભારપૂર્વક કહે છે કે પૃથ્વીનો વ્યાસ ૪૯૬૭ યોજન છે. (નવા માપદંડ પ્રમાણે પૃથ્વીનો વ્યાસ ૩૯,૯૬૮ કિ.મી છે.) આજે બધા જ પ્રકારનાં અત્યાધુનિક તંત્રજ્ઞાનની સહાયથી પૃથ્વીના વ્યાસનું માપ ૪૦,૦૭૫ કિ.મી. થાય છે. અર્થાત્ આર્યભટ્ટના આકલનમાં ક્ષતિ માત્ર ૦.૨૬ ટકા છે. સોળસો વર્ષ પહેલાં આર્યભટ્ટને આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? કોના દ્વારા મળ્યું હશે?
જર્મન ઇતિહાસકાર જોસેફ સ્વાર્ટઝબર્ગે સિદ્ધ કર્યું કે ઈ. સ. પૂર્વે બેથી અઢી હજા૨ વર્ષ પહેલાંના કાળમાં ભારતમાં નકશાશાસ્ત્રનું જ્ઞાન અત્યંત વિકસિત થએલું હતું. નગરરચનાના નકશા તે સમયે પ્રાપ્ત હતા જ, એટલું જ નહીં તો નૌકાનયન માટે જરૂરી નકશાઓ પણ ચોકસાઈપૂર્વક દોરેલા ઉપલબ્ધ હતા, જે અંગેના પુરાવા પણ મળી આવ્યા છે.
ભારત અને નૌકાનયનશાસ્ત્ર
ભારતમાં નૌકાનયનશાસ્ત્ર અનેક સદીઓ પહેલાં વિકસિત થયું હતું. સંપૂર્ણ દક્ષિણ એશિયા ખંડના વિવિધ દેશોમાં જે રીતે હિંદુ સંસ્કૃતિનાં પદચિહ્નો જોવા મળે છે તે અનુસાર ભારતનાં જહાજો છેક પૂર્વે આવેલાં જાવા, સુમાત્રા, યવદ્વીપ ઓળંગીને જાપાન સુધી દરિયામાં ખેડાણ કરતાં હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. ઇ. સ. ૧૯૫૫માં હાથ ધરાયેલા ઉત્ખનનમાં ગુજરાતનાં લોથલમાં અઢી હજાર વર્ષ પહેલાંના અવશેષો મળી આવ્યા છે જે ભારતમાં તત્કાલીન નૌકાનયન અંગે સાક્ષી પૂરે છે.
જ્યોતિમાર્ગનો કોઈ ગૂઢ અર્થ જે આપણને સમજાયો પણ ન હોય !
સોમનાથ મંદિરનું બાંધકામ જ્યારે ચાલતું હશે ત્યારે દક્ષિણ ધ્રુવ સુધીના દિશાદર્શનનું જ્ઞાન તત્કાલીન લોકોને હશે જ એ વાત નિશ્ચિત છે. બીજો એક વિચાર એ પણ આવે છે કે દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં જમીનનો ટુકડો નથી અને માત્ર સમુદ્ર જ છે એ પણ પાછળથી શોધી કાઢવામાં આવ્યું હોય. દક્ષિણ ધ્રુવથી લઈને જમીન ન હોય એવી સીધી લીટી દોરવામાં આવે તો તેનો અંત ભારતમાં જ્યાં થાય છે ત્યાં સોમનાથનું જ્યોતિર્લિંગ સ્થાપવામાં આવ્યું હોય ? એ બાણસ્તંભ પરની પંક્તિમાં જેનો ઉલ્લેખ થયેલો છે (આસમુદ્રાન્ત દક્ષિણ ધ્રુવપર્યંત અબાધિત જ્યોતિમાર્ગ) તે જ્યોતિમાર્ગ એટલે ખરેખર શું ? જ્યોતિમાર્ગનો કોઈ ગૂઢ અર્થ જે આપણને સમજાયો પણ ન હોય !
હાલના તબક્કામાં તો એ વણઉકેલ્યૂં રહસ્ય જ છે.
લેખક - પ્રશાંત પોળ