ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના ઓછા જાણીતા બીચ તમારી રાહ જુએ છે!

ગુજરાત પાસે તોફાની લહેરો ધરાવતો પરંતુ નીરવ શાંતિ આપતો દરિયો પણ છે, તો ક્યાંક દરિયામાં નહાવાની અને કુદરત સાથે તાદાત્મય કેળવી શકાય તેવો શાંત દરિયો છે, તો ક્યાંક વોટર સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટીઝ ધરાવતા ગોવા જેવા ભરચક દરિયા પણ છે. તો ક્યાંક દરિયાઇ જીવસૃષ્ટિને નરી આંખે જોઇ શકાય તેવો દરિયો પણ છે.

    ૩૧-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

Beaches in Gujarat

દરિયાની મોજ માણવી હોય તો, ગુજરાતના આ 7 રમણીય બીચની મુલાકાત લેવા જેવી છે | Beaches in Gujarat

#  ગુજરાત પાસે 1,600 કિલોમીટર લાંબો દરિયો છે
 
# ચોપાટી બીચ, ચોરવાડ, દાંડી સહિત ગુજરાત પાસે અનેક બીચ છે
 
# ક્યાંક દરિયામાં નહાવાની અને કુદરત સાથે તાદાત્મય કેળવી શકાય તેવા શાંત દરિયા કાંઠા છે, તો ક્યાંક વોટર સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટીઝ ધરાવતા ગોવા જેવો ભરચક દરિયો પણ છે.
 
# ક્યાંક દરિયાઇ જીવસૃષ્ટિને નરી આંખે જોઇ શકાય તેવો દરિયો પણ છે.
 
# બાલાછડી બીચ, પૂર્ણિમાની રાતે દરિયાના પાણી પર સફેદ ચાંદનીની ઝાંય નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે
 
# બાલાછડી બીચના ઇતિહાસ સાથે બીજા વિશ્વયુદ્ધ અને પોલેન્ડ સાથેનો સંબંધ જોડાયેલો છે
 
નજર ઠરે ત્યાં દૂર - દૂર સુધી ચારેતરફ વાદળી રંગનું પાણી, પાણી પાછળ ઉગતો સૂર્ય અને ઉગતા સૂર્યની લાલિમાને પોતાના આગોશમાં ઓગાળીને મૂક સાક્ષી બની બેઠેલા દરિયાના અદ્ભુત દ્રશ્યો ગુજરાતમાં અનેક સ્થળે જોવા મળશે. કારણ કે ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો લગભગ 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે. ગુજરાત પાસે તોફાની લહેરો ધરાવતો પરંતુ નીરવ શાંતિ આપતો દરિયો પણ છે, તો ક્યાંક દરિયામાં નહાવાની અને કુદરત સાથે તાદાત્મય કેળવી શકાય તેવો શાંત દરિયો છે, તો ક્યાંક વોટર સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટીઝ ધરાવતા ગોવા જેવા ભરચક દરિયા પણ છે. તો ક્યાંક દરિયાઇ જીવસૃષ્ટિને નરી આંખે જોઇ શકાય તેવો દરિયો પણ છે. ગુજરાતના મનમોહક દરિયાકાંઠા વિશેની વધુ માહિતી લેખના બીજા અંકમાં જાણીએ
 

Beaches in Gujarat 
#1 ચોપાટી બીચ, પોરબંદર | Chowpaty Beach
 
પોરબંદર જિલ્લામાં મિયાણીથી લઇ માધવપુર જેવા બીચ આવેલા છે. જેમાં ચોપાટી ખાતેનો દરિયો સ્થાનિક અને સહેલાણીઓ બંનેમાં લોકપ્રિય છે. આ દરિયો તરણ માટે સાનુકૂળ હોવાને કારણે અહીં રાજ્યકક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા યોજાય છે.
 

Beaches in Gujarat
 
 
અહીંથી નજીકના અંતરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ આવેલું છે. આ સ્થળને મ્યુઝિયમમાં રૃપાંતરિત કરવામાં આવ્યું છે, જે કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે. ઉપરાંત જોવાલાયક સ્થળમાં અહીં સુદામા મંદિર, સાંદીપની મંદિર, જાંબુવન ગુફાનો (પોરબંદર શહેરથી 15 કિલોમીટર દૂર) સમાવેશ થાય છે.
 

Beaches in Gujarat 
#2 ચોરવાડનો દરિયો | Chorwad Beach
 
સોમનાથથી અંદાજે 37 કિલોમીટર દૂર ચોરવાડનો દરિયો ભલે નહાવા અને તરવા માટે જોખમી ગણાય, પરંતુ આ દરિયાકાંઠે બેઠા- બેઠા ઘૂઘવતા સાગરનો લયબદ્ધ અવાજ તમને મેડિટેશન ઝોનમાં લઇ જવા પૂરતો છે. જો તમે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના દર્શને આવ્યા હોવ અને નિરાંતની પળ વિતાવવા માગતા હોવ તો આ દરિયાકાંઠે અમુક કલાક રોકાણ કરી શકો છો. અહીં રહેવા માટેની કોઇ વ્યવસ્થા નથી. દરિયાકાંઠે જુનાગઢના નવાબનો મહેલ છે. અહીં નૌકાવિહારો આનંદ માણી શકાય છે.
 

Beaches in Gujarat 
 
#3 દાંડી બીચ, પોરબંદર | Dandi Beach
 
ચોખ્ખી રેત, વાદળી રંગનુ પાણી અને વાદળી આકાશ - દાંડીનો દરિયો તમને આહ્લાદક દ્રશ્ય પૂરું પાડશે. દાંડી બીચ ભારતના સ્વચ્છ બીચમાંનો એક ગણાય છે. બ્રિટિશરોને ભારત છોડવા માટેનો સ્પષ્ટ સંદેશ મહાત્માગાંધીએ અહીંથી આપ્યો. ભારતને આઝાદી અપાવવા માટે ગાંધીજીએ અહીંથી દાંડી સત્યાગ્રહ કરી અંગ્રેજોને મજબૂત અને મક્કમ લડત આપી હતી. જેની સ્મૃતિમાં અહીં દરિયાકાંઠે બે સ્મારક બનાવવામાં આવ્યા છે. જેમાં મીઠાના કરને નાબૂદ કરવા માટે મહાત્માજીને મળેલી સફળતાના પ્રતીક સમો ઇંડિયાગેટ જેવો મોટો ગેટ તેમ જ મીઠું પકડીને ઊભેલા મહાત્મા ગાંધીની પ્રતિમા આઝાદીની પૂર્વેની લડતની યાદ અપાવે છે.
 

Beaches in Gujarat 
 
#4 બાલાછડી બીચ, જામનગર | Balachadi Beach
 
જામનગર શહેરથી લગભગ 28 કિલોમીટર દૂર બાલાછડી બીચ એ સ્વચ્છ અને શાંત દરિયો ધરાવે છે. જો તમે જામનગર શહેરની મુલાકાત લેવાના હોવ તો તમારા બકેટ લિસ્ટમાં આ બીચનો સમાવેશ કરી શકો છો. તેમાં પણ પૂર્ણિમાની રાતે, દરિયાના વાદળી રંગના પાણી પર ચંદ્રની પડતી સફેદ ઝાંય અદ્ભુત નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે.
 

Beaches in Gujarat
 
 
આ બીચ સાથે ઇતિહાસની જોડાયેલો એક પ્રસંગ પણ જાણવા જેવો છે. બીજા વિશ્વયુદ્ધ સમયે ઇ.સ. 1942માં પોલેન્ડના 1 હજાર બાળકો અને 40 મહિલાઓ સાથેનું જહાજ આશરો મેળવવા નીકળ્યું હતું. સ્કોટલેન્ડ અને આફ્રિકામાંથી જાકારો મળ્યા બાદ મુંબઇ આવ્યું પણ તત્કાલીન બ્રિટિશ શાસકોએ પણ શરણાર્થીઓને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ત્યારે મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજાએ બાલાચડીમાં શરણાર્થીઓને આશરો આપ્યો. હાલ આ જગ્યા પર રાષ્ટ્રીય સૈનિક સ્કૂલ આવેલી છે. મહારાજાએ તેમના ખાન-પાન, આશરાથી લઇ તેમની ભાષા શીખવા અને કેથોલિક ધર્મપ્રથાઓ શીખવા માટે શિક્ષકોની પણ વ્યવસ્થા કરી આપી. સમય જતા, 7 વર્ષના સમયગાળામાં કુલ 20,000 શરણાર્થીઓને આશરો આપ્યો. મહારાજાના આ યોગદાનને કારણે પોલેન્ડની રાજધાની વોર્સોમાં તેમનાનામ પરથી એક ચોકનું નામ આપવામાં આવ્યું. આ ચોકને ‘ગુડ મહારાજા સ્કેવર’ તરીકે ઓળખવામાં આવે છે.
 

Beaches in Gujarat 
 
#5 દ્વારકા બીચ | Dwarka Beach
 
ગુજરાતનું દ્વારકા શહેર આખા દેશમાં ધર્મ અને આસ્થાનું કેન્દ્ર મનાય છે. લોકો અહીં દૂર- દૂરથી દ્વારકાધીશના દર્શન માટે આવે છે. દ્વારકામાં જગત મંદિર, રુકમણી મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોર્તિલિંગ, પ્રખ્યાત દીવાદાંડી, નિષ્પાપ કુંડ, ગીતા મંદિર સહિત અનેક જોવાલાયક સ્થળ છે. પરંતુ તે સાથે અહીંનો દરિયાકાંઠો પણ મનમોહક છે. અહીંના દરિયાના પાણીમાં તમને ઘણી જગ્યાએ દરિયાઇ જીવસૃષ્ટિ જોવા મળશે.
 

Beaches in Gujarat 
 
#6 નારગોલ બીચ, વલસાડ | Nargol Beach
 
આ બીચ વલસાડ શહેરથી 62 કિલોમીટર, જ્યારે ઉમરગામ મુખ્યમથકથી 16 કિલોમીટરના અંતરે આવેલો છે. ચારે તરફ વૃક્ષોથી ઘેરાયેલો હરિયાળો વિસ્તાર હોય અને દરિયાકાંઠે બેઠા- બેઠા ઘૂઘવતા દરિયાનો સંગીતમય અવાજ સાંભળવો હોય તો નારગોલ બીચ બેસ્ટ રહેશે. અહીં લોકોની ઓછી અવરજવરને કારણે આ બીચનો ઘણો વિસ્તાર વણખેડાયેલો છે. અહીં આવેલા સરૃના ઝાડના જંગલો આ બીચની સુંદરતાને વધુ દીપાવે છે. તેમાં પણ સૂર્યાસ્તના સમયે દરિયો જાણે સૂરજની સ્વર્ણિમ આભાને ઓઢી લેવા ઉછાળા મારતું હોય તેવું રમણીય દ્રશ્ય અહીં સર્જાય છે. નારગોલ બીચની આસપાસ ફરવાલાયક સ્થળોમાં ચંદ્રિકા માતા મંદિર, સમુદ્ર નારાયણ દેવનું મંદિર તેમજ નારગોલના માછીમારોમાં શ્રદ્ધાના કેન્દ્ર સમું રાધેશ્યામ મંદિર આવેલા છે. ઉપરાંત અહીં પારસી ધર્મની જાણીતી અગિયારી આવેલી છે. સરૃના ઝાડના જંગલ અને દરિયાના અદ્ભુત સમન્વયને કારણે આ સ્થળ પ્રી વેડિંગ ફોટો શુટ માટે લોકપ્રિય બની રહ્યું છે. ફિલ્મો અને એડના શૂટિંગ માટે પણ આ આદર્શ સ્થળ છે.
 

Beaches in Gujarat 
 
#7 ગોપનાથ બીચ | Gopnath Beach
 
ભાવનગરના તળાજા તાલુકાથી 22 કિલોમીટરના અંતરે તેમજ ભાવનગર શહેરથી 75 કિલોમીટરના અંતરે આ દરિયાકાંઠો આવેલો છે. ખંભાતના અખાતના કિનારે આવેલો આ ગોપનાથના દરિયા પાસે ચૂનાના પથ્થરોના ખડક અને હરિયાળો વિસ્તાર આ કાંઠાની શોભા વધારે છે. ગોહિલવાડના રાજા ગોપનાથનો કિલ્લો અહીં આવેલો છે. અહીં જોવાલાયક સ્થળોમાં ગોપનાથ મહાદેવ, તળાજા જૈન મંદિર, અલંગ બંદરનો સમાવેશ થાય છે. ભક્તકવિ નરસિંહ મહેતાએ ગૃહત્યાગ કર્યા પછી અહીં શિવ આરાધના કરીને કૃષ્ણના દર્શન કર્યા હતા તેવી દંતકથા છે. અહીં દરિયામાં ઊંચા મોજા ઉછળતા હોવાથી દરિયામાં નહાવું કે તરવું હિતાવહ નથી.
 
- જ્યોતિ દવે 
 

Beaches in Gujarat