પંચ કેદાર । ભગવાન શિવને સમર્પિત પાંચ પવિત્ર સ્થળો । ઉત્તરાખંડમાં આવેલા છે પંચ કેદારનાથ મંદિર, જાણો | Panch Kedar

31 May 2023 12:12:11
 
Panch Kedar vishe mahiti
 
 
# ઉત્તરાખંડના ગઢવાલમાં આવેલા છે પંચકેદાર
# શિવ ભક્તો માટે શિવ વિવિધ સ્વરૂપે બિરાજમાન છે
# પાંડવાનો સ્વર્ગારોહણની ઘટના સાથે સંકળાયેલ છે પંચકેદાર
# તુંગનાથ વિશ્વનું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું શિવ મંદિર
 
કૈલાશ નિવાસી શિવ જે હિમાલય અને હિમાલયમાંથી નીકળનારી અસંખ્ય જળ ધારાઓના સ્વામી છે. તે ઉત્તરાખંડના વર્ષોથી આરાધ્ય રહ્યા છે. તે જ કારણ છે કે ઉત્તરાખંડનું અસ્તિત્વ અને ઓળખ તેમના થકી છે. હિમાલયનો આ ભૂ ભાગ આદિકાળથી જ કેદારખંડ તરીકે ઓળખાય છે. આજે પણ આ ભૂમિને કેદારેશ્વરના નામે જ ઓળખવામાં આવે છે. અહીં પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ છે. અહીં લોકો શિવની શોધમાં વધુ આવે છે. ઉત્તરાખંડના ઘણા સિદ્ધ પીઠ તેમજ ભગવાન શિવના પાંચ અંગોથી નિર્મિત પંચ કેદારના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. હિંદુ ધર્મ ગ્રંથ અનુસાર એકવાર પંચ કેદારના દર્શન માત્રથી કુળ અને પૂર્વજોનું તારણ થઈ જાય છે. સવાલ એ છે કે શું છે પંચ કેદાર અને તે પાછળની વાર્તા.
 
પંચ કેદારનો ઇતિહાસ | Panch Kedar
 
પંચ કેદાર વિશે તમે સાંભળ્યુ હશે! શું તમે જાણો છો કે પંચ કેદારનો ઈતિહાસ શું છે? હકીકતમાં પંચ કેદારની સમગ્ર ઘટના પાંડવોના સ્વર્ગારોહણ અને તેમના કેદારખંડમાં શિવના દર્શન સાથે જોડાયેલી છે. આ પંચ કેદરાનો ઉદ્ભવ જ તે ઘટનાનું પરિણામ છે.
 
પૌરાણિક કથા અનુસાર મહાભારત યુદ્ધમાં પાંડવોનો વિજય થયા છે. તે પછી તેમના પર વંશ હત્યાનું પાપ લાગ્યુ હતુ. આ પાપથી મુક્તિ મેળવવા ભગવાન કૃષ્ણએ તેમને ભગવાન શિવના દર્શન કરવાનું કહ્યું. સ્વર્ગારોહણ દરમ્યાન પાંડવો અલકનંદાના કિનારે કિનારે પસાર થઈ જ્યારે આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમણે અલગ અલગ સ્થળે ભગવાન શિવની સ્તુતિ કરી. પરંતુ ભગવાન શિવ તો ત્રિનેત્રી હતા. તે પાંડવોની યોજના જાણતા હતા. કેદરાખંડ અનુસાર તેમણે મહિષ (ભેંસ)નું રૂપ ધારણ કર્યુ. આ રૂપ ધારણ કરી તે પ્રાણીઓના ઝૂંડમાં સમાવિષ્ટ થઈ ગયા. જેમ જેમ પાંડવો સ્વર્ગારોહણ માટે આગળ વધતા ગયા. તેમ તેઓ અલગ અલગ સ્થળોએ શિવનું ધ્યાન ધરતા. પરંતુ શિવ તેમની આસપાસ હોવા છતાં તેમની પાસે ન હતા. આ વાતની જાણ પાંડવોને ત્યારે લાગી જ્યારે તે ફરીને ગુપ્તકાશી નજીક પહોંચ્યા અને તેમણે પ્રાણીઓના ઝૂંડમાં મહિષને જોયા. ત્યારે બળશાળી ભીમે બે શિલાઓની વચ્ચે પગ ફેલાવી દીધા અને અન્ય પાંડવોએ પ્રાણીઓને બીજી તરફ મોકલ્યા. પ્રાણીઓનુ બાકી ઝૂંડ તો નીચેથી નીકળી ગયુ પરંતુ શિવ ધરતીમાં સમાઈ ગયા. આ જોઈ ભીમે મહિષની પીઠ પકડી લીધી અને તેમને જતા રોકી લીધા. શિવ અંતર્ધ્યાન થઈ ગયા. તેમના શરીરના પાંચ ભાગ નેપાળ સહિત ઉત્તરાખંડના પાંચ ભાગોમાં પ્રગટ થયા.
 
 
પંચ કેદાર | Panch Kedar
 
એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવ મહિષના અવતારમાં અતર્ધ્યાન થયા ત્યારે તેમના ધડનો ઉપરનો ભાગ કાઠમંડૂમાં પ્રગટ થયો. જ્યાં પશુપતિનાથનું મંદિર છે. ત્યાં જ તેમના અન્ય ભાગ ગઢવાલના અન્ય ભાગમાં પ્રગટ થયા જેમાં કેદારનાથ, મદ્મહેશ્વર, રુદ્રનાથ, તુંગનાથ અને કલ્પેશ્વરનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાં રહેલ આ સ્થળ પંચ કેદાર તરીકે ઓળખાય છે.
 

Panch Kedar vishe mahiti  
 
(1) કેદારનાથ મંદિર | Kedarnath Temple
 
સમુદ્રની સપાટીથી અંદાજે સાડા 12 હજાર ફૂટની ઉંચાઈ પર કેદારનાથ મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલ છે. 12 જ્યોર્તિલિંગોમાં કેદરનાથ ધામ સર્વોચ્ચ સ્થાને છે. સાથે જ તે પંચ કેદારમાંથી એક છે. કેદારનાથ ધામમાં ભગવાન શિવના પૃષ્ઠ ભાગના દર્શન થાય છે. ત્રિકોણાકાર સ્વરૂપે અહીં ભગવાન બિરાજમાન છે. કેદારનો અર્થ કાદવ અવો થાય. કાત્યૂરી શૈલીમાં બનેલ આ મંદિર અંગે કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતુ. જ્યારે આદિ શંકરાચાર્યએ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો હતો. મંદિરના કપાટ એપ્રિલથી નવેમ્બર મહિનાની મધ્યમાં જ દર્શન માટે ખુલે છે.
 

Panch Kedar vishe mahiti  
 
(2) મદ્મહેશ્વરમંદિર | Madhyamaheshwar Temple
 
મદ્મહેશ્વર મંદિર 12 હજાર ફૂટની ઉંચાઈ પર ચૌખંભા શિખરની તળેટીમાં આવેલું છે. મદ્મહેશ્વર દ્વિતીય કેદાર છે.તે 3497 મીટરની ઉંચાઈ પર આવેલ છે. અહીં ભગવાન શિવના મધ્યભાગ એટલે કે નાભિના દર્શન થાય છે. દ.ભારતના શૈવ પૂજારી કેદારનાથની જેમ અહીં પણ પૂજા કરે છે. મંદિરના ગર્ભગૃહમાં નાભિના આકારનું શિવલિંગ છે. માન્યતા છે કે અહીંનું પાણી પવિત્ર છે. તેનું એક ટીપું પણ મોક્ષ માટે પર્યાપ્ત છે. શીતકાળમાં છ મહિના અહીં પણ કપાટ બંધ રહે છે. કપાટ ખુલતા અહીં પૂજા અર્ચના થાય છે.
 
આ મંદિર કેદારનાથ, ચૌખમ્બા અને નીલકંઠના નયન રમ્ય નજારાઓથી ઘેરોયેલું છે. ઉખીમઠથી અંદાજે 18 કિમીનું ટ્રેકિંગ કરી તમે સહેલાથી અહીં પહોંચી શકો છે. મંદિર લીલાછમ ઘાસના મેદાનમાં વચ્ચે સ્થિત છે. જ્યાંથી ચૌખમ્બાની ટોચ જોવાનું ખૂજ સુંદર અનુભવ થાય છે. આ મંદિરના દર્શન માટે એપ્રિલથી ઓકટોબર મહિનાનો સમયગાળો સારો ગણાય છે. પગપાળા જનારા શ્રદ્ધાળુઓ માટે સ્થાનિક લોકો દ્વારા ઘોડા, ખચ્ચર જેવા પ્રાણીઓની મદદ લઈ શકો છો.
 

Panch Kedar vishe mahiti  
 
(3) તુંગનાથ મંદિર | Tungnath Temple
 
તુંગનાથ ભારતનું સૌથી ઉંચાઈ પર સ્થિત મંદિર છે. તૃતીય કેદાર તરીકે પ્રસિદ્ધ તુંગનાથ મંદિર સમુદ્ર સપાટીથી 3680 મીટરની ઉંચાઈ પર છે. અહીં ભગવાન શિવની ભૂજાના રૂપમાં આરાધના થાય છે. ચંદ્રશિલા ચોટીની નીચે કાળા પથ્થરોથી બનેલ આ મંદિર ખૂબ જ રમણીય સ્થળ પર છે. કથા અનુસાર ભગાવન શિવને પ્રસન્ન કરવા માટે પાંડવોએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ. આ મંદિરને 1000 વર્ષ કરતા પણ જૂનું માનવામાં આવે છે. મક્કૂમઠમાં મૈઠણી બ્રાહ્મણ અહીં પૂજા કરે છે. શીતકાળમાં આ મંદિર પણ છ માસ બંધ રહે છે. શીતકાળ દરમ્યાન મક્કૂમઠમાં ભગવાન તૂંગનાથની પૂજા થાય છે.
 
તુંગનાથ જવા ઋષિકેશથી ગોપેશ્વર થઈ ચોપાત સુધી સડક માર્ગે પહોંચી ત્યાંથી 4 કિમીનું ટ્રેકિંગ કર્યાપછી તુંગનાથ પહોંચી શકાય છે. ગોપેશ્વરથી ઋષિકેશનું અંતર 212 કિમી છે. જ્યારે ઋષિકેશથી ગોપાત 40 કિમીનું અંતર છે.
 

Panch Kedar vishe mahiti  
 
(4) રુદ્રનાથ મંદિર | Rudranath temple
 
ચોથા કેદાર તરીકે ભગવાન રુદ્રનાથ બિરાજમાન છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 2286 મીટરની ઉંચાઈ પર એક ગુફામાં આવેલ છે. ગુફામાં બિરાજમાન રુદ્રનાથમાં ભગવાન શિવના મુખના દર્શન થાય છે. ભારતનું આ એક માત્ર સ્થળ છે જ્યાં શિવના મુખની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં શિવની પૂજા નીલકંઠ સ્વરૂપે કરવામાં આ છે.
 
રુદ્રનાથ માટેનો એક માર્ગ ઉર્ગમ ઘાટીના દમુક ગામથી પસાર થાય છે. પરંતુ ખૂબ જ મુશ્કેલ હોવાના કારણે શ્રદ્ધાળુઓને અહીં પહોંચતા બે દિવસ જેટલો સમય લાગે છે. તેથી મોટાભાગના શ્રધ્ધાળુઓ ગોપેશ્વરથી નજીક સાગર ગામથી રુદ્રનાથ મંદિર માટે પ્રસ્થાન કરે છે. શીતકાળમાં રુદ્રનાથ મંદિરના કપાટ પણ બંધ રહે છે. આ દરમ્યાન ગોપેશ્વરમાં ભગવાન રુદ્રનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે. મંદિરથી શ્રદ્ધાળુઓને નંદા દેવી, નાડા ઘુંટી અને ત્રિશૂલ ચોટીનો અદ્ભૂત નજારો જેવા મળે છે.
 

Panch Kedar vishe mahiti  
 
(5) ક્લ્પેશ્વર | Kalpeshwar Temple
 
છેલ્લા અને પાંચમા કેદાર તરીકે કલ્પેશ્વર મંદિર પ્રસિદ્ધ છે. તેને કલ્પનાથ નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં ભગવાન શિવની જટાના દર્શન થાય છે. અહીં શિવને જટાધર કે જટેશ્વરના રૂપમાં પૂજવામાંઆવે છે. તે સાથે આ મંદિર બારે મહિના શિવ દર્શન માટે ખુલ્લુ રહે છે. કહેવાય છે કે આ સ્થળે ઋષિ દુર્વાસાએ કલ્પ વૃક્ષ નીચે કઠોર તપસ્યા કરી હતી. ત્યારથી આ સ્થળ ક્લ્પેશ્વર કે કલ્પનાથ થી ઓળખાય છે. બીજી એક કથા અનસાર દેવતાઓ અસુરોના અત્યાચારોથી ત્રસ્ત થઈ કલ્પ સ્થળમાં નારાયણસ્તુતિ કરી અને ભગવાન શિવના દર્શન કરી અભયન વરદાન મેળવ્યુ હતુ. 2134 મીટરની ઉંચાઈ પર આવેલ આ મંદિર સુધી પહોંચવા માટે 10 કિમી પદયાત્રા કરવી પડે છે. અહીં શ્રદ્ધાળુ ભગવાન શિવની જટા જેવી પ્રતિત થઈ શિલા સુધી પહોંચે છે. ગર્ભગૃહનો રસ્તો ગુફાથી જાય છે. કલ્પેશ્વર મંદિરના કપાટ પણ સમગ્ર વરસ દરમ્યાન શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહે છે.
 
મંદિરની નજીકમાં કલેવરકુંડ નામે એક પ્રસિદ્ધ ચોખ્ખા પાણીનો કુંડ છે. કહેવાય છે કે આ કુંડનું પાણી બારે મહિના હમેંશા સ્વચ્છ જ રહે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓનું માનવું છે કે કુંડમાં સ્નાન કરવાથી અને કુંડનું પાણી ગ્રહણ કરવાથી વ્યકિત બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે.
  
 
પંચ કેદાર હિમાલયના પ્રકૃતિક સૌદર્યથી ઘેરાયેલું છે. અહીં ભકતોને શિવ સાધનાની સાથે ટ્રેકિંગ કરવાનો લ્હાવો પણ મળે છે. અહીં પહોંચવા માટે સડક માર્ગે અને રેલ માર્ગે બંન્ને રીતે દિલ્હીથી હરિદ્વાર અને ઋષિકેશ પહોંચવું પડે છે. ઋષિકેશ કે હરિદ્વારથી આગળ યાત્રા શરૂ કરવા માટે બસ કે પ્રાઈવેટ વાહનનો ઉપયોગ કરી તમે પંચ કેદારની યાત્રા કરી શકો છો. પંચ કેદારના દરેક મંદિરે થોડો ઘણો ટ્રેકિંગ કે પગપાળા માર્ગ આવે છે. જે કુદરતી સૌંદર્યથી ઘેરાયેલ હોવાના કારણે એક અલગ રોમાંચનો અનુભવ કરાવે છે.
 
 
-  મોનાલી ગજ્જર 
 
 
Powered By Sangraha 9.0