આ છે ગાઢ જંગલ વચ્ચે દરિયાઈ સપાટીથી 2500 ફૂટની ઊંચાઈએ આવેલું ગુજરાતનું 'વિલ્સન હીલ'!

હિલ સ્ટેશન પરથી સમુદ્રનો નજારો માણવો છે! ગુજરાતનું આ સ્થળ બેસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે!! ઉનાળાની ગરમીમાં રખડપટ્ટીનો ‘આનંદ’ લેવો છે, ગુજરાતના આ હિલ સ્ટેશને એક લટાર મારી આવો

    ૦૬-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |
 
wilson hills gujarat
 
 
# ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આ ગિરિ મથક શાંતિ અને શીતળતાનો અહેસાસ કરાવશે. સાથે આ સિઝનમાં કેરી રસિયાઓ માટે અહીંની સ્થાનિક કેરીનો સ્વાદ પણ સફરના આનંદને બમણો કરશે.
 
#  વિલ્સન હિલ, ગુજરાતમાં સ્થળનું નામ અંગ્રેજી નામ સાંભળતા અચરજ ચોક્કસથી થાય પરંતુ તેના ઇતિહાસ પાછળ મિત્રતાની રસપ્રદ કહાણી છે
 
હિલ સ્ટેશન – આ નામ સાંભળતા વાદળ સાથે વાતો કરતા પહાડ, ખડકાળ પથ્થરોમાંથી નદીને મળવા અધીરા થઇને વહેતા ઝરણાં અને કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યુ હોય તેવો નજારો સામે આવે. આવો જ નજારો જો ગુજરાતમાં માણવો હોય તો વલસાડના ધરમપુર તાલુકામાં આવેલ વિલ્સન હીલની મુલાકાત લેવા પહોંચી જાઓ.
 
ભારતમાં જૂજ જ એવા હિલસ્ટેશન હશે જ્યાંથી સમુદ્રનો નજારો માણી શકાતો હોય. સહ્યાદ્રિ પર્વતમાળાના ખોળામાં વસેલું વિલ્સન ગિરિ મથક પણ આવા જ સ્થળની ગજર સારે છે. વિલ્સન ગિરિમથક એ પર્વતની ટોચ પર, સમુદ્રની સપાટીથી લગભગ 2500 ફૂટની ઊંચાઇ પર પંગારબારી ગામે સ્થિત છે.
 

વિલ્સન- અંગ્રેજી નામ કેવી રીતે પડ્યું? | Wilson Hills

 
વિલ્સન હિલ નામ કેવી રીતે પડ્યું એ પાછળનો ઇતિહાસ રસપ્રદ છે. ધરમપુરના છેલ્લા રાજા વિજયદેવજી અને બોમ્બેના તત્કાલીન ગવર્નર લોર્ડ વિલ્સન વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. ધરમપુરમાં ફરતા ફરતા બંને મિત્રો આ સ્થળે પહોંચી ગયા. બંને મિત્રોને આ સ્થળ ખૂબ જ પસંદ આવ્યું અને તેમણે આ સ્થળને શ્રેષ્ઠ પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો સંકલ્પ કર્યો. પણ તે શક્ય બન્યું નહીં. જો કે, મિત્ર વિલ્સનની યાદમાં રાજા વિજયદેવજીએ આ સ્થળને વિલ્સન હિલ નામ આપવાનું નક્કી કર્યું.
 
લેડી વિલ્સન મ્યુઝિયમ – Wilson Museum
 
વિલ્સન હિલ્સ મ્યુઝિયમને લેડી વિલ્સન મ્યુઝિયમના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં ઇતિહાસ સંબંધિત હાઉસિંગ કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓ વિશે માહિતી મળી રહેશે. ધરમપુરના રાજાના પૌત્ર મહારાણા મોહનદેવજીએ તેમના શાસનના 25મા વર્ષની સ્મૃતિમાં ઇન્ડો- સાસેનિક શૈલીમાં એક સુંદર સિલ્વર જ્યુબિલી હોલ બનાવ્યો હતો. તે સમયે મુંબઇના તત્કાલીન ગવર્નર સર લેસ્લી ધરમપુરની મુલાકાતે આવ્યા ત્યારે મહારાણા વિજયદેવજીએ પોતાના મિત્રના માનમાં આ હોલને મ્યુઝિયમમાં પરિવર્તિત કર્યો, આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન લેડી વિલ્સન દ્વારા ઇ.સ. 1928માં કરવામાં આવ્યું.
 
ફિલાટેલિક અને આર્મ્સ વિભાગ – અહીં આવેલા પ્રદર્શનમાં 30 કરતા વધુ દેશોની પોસ્ટલ સ્ટેમ્પ – સ્ટેશનરી તેમજ કવર પ્રદર્શિત કરવામાં આવી છે. આ સાથે શાહી શસ્ત્રોને પણ અહીં પ્રદર્શન હેતુથી મૂકવામાં આવ્યો છે.
 
ઉપરાંત અહીં મિનિએચર પેઇન્ટિંગ ગેલરી, નેચરલ હિસ્ટરી ગેલરી, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ગેલેરી, એન્થ્રોપોલોજી ગેલરી પણ જોવાલાયક છે.
 

wilson hills gujarat 
 
માર્બલ છત્રી પોઇન્ટ | Marble Chhatri Point
 
વિલ્સન હિલની તળેટી પર માર્બલ છત્રી પોઇન્ટ પોતાનો ઇતિહાસ ધરાવે છે. ઐતિહાસિક અભિલેખો અનુસાર, માર્બલની છત્રી બોમ્બેના તત્કાલીન ગવર્નર લોર્ડ વિલ્સનની યાદમાં બનાવવામાં આવી છે.
 

wilson hills gujarat 
 
શંકર ઝરણું  | Shankar Dhodh
 
વિલ્સન પોઇન્ટથી આ ઝરણું લગભગ 6 કિલોમીટરના અંતરે આવેલું છે. હરિયાળીથી ઘેરાયેલો આ પોઇન્ટ પ્રકૃતિપ્રેમીઓ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની રહેશે. વાઘવળ ગામે આવેલ શંકર ધોધ ઉપરાંત વાઘવળનું દત્ત મંદિર, વરસાદી દેવ સહિતના દેવસ્થાનો ઉપરાંત અંગ્રેજોના સમયકાળ દરમિયાન કેદીઓને સજા આપવા માટે બનાવવામાં આવેલો વધ સ્તંભ એ ધાર્મિક સ્થળ સાથે ઇતિહાસના સમયની પણ સફર કરાવે છે.
 
પંગારબારી અભ્યારણ્ય
 
વિલ્સન પોઇન્ટની નજીકમાં ગીચ જંગલો વચ્ચે વન્યજીવન અભ્યારણ્ય આવેલું છે. અહીં અનેક વન્યજીવોને જોવાનો લહાવો મળી રહેશે. જો તમે શાંતિ અને શીતળતાનો અહેસાસ કરવા માગતા હોવ તો આ સ્થળ માટે વધુ સમય ફાળવજો. અહીં પક્ષીઓનો મધુર કિલકિલાટ, વન્યજીવોની અલમસ્ત છટા અને હરિયાળીથી સમૃદ્ધ જંગલો તમને તરોતાજા કરી દેશે.
 

wilson hills gujarat 
 
ઓઝોન ઘાટી | Ozone Valley
 
વિલ્સન હિલના કેન્દ્રથી લગભગ અડધા કિલોમીટરના અંતરે આવેલ આ સ્થળ હરિયાળીથી સમૃદ્ધ છે, આ ઘાટી પર તમે તમારા મિત્રો અને પરિવાર સાથે કેમ્પિંગનો લુત્ફ પણ ઉઠાવી શકો છો.
 
બિલપુડી જોડિયા ધોધ | Bilpudi Waterfall
 
ધરમપુર શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર સ્થિત, બિલપુડી ગામમાં આવેલા ધોધને માવલી માતા ઝરણાંના નામથી પણ ઓળખવામાં આવે છે. 20થી 30 ફૂટની ઊંચાઇએથી વહેતા ધોધ એ અહીં સહેલાણીઓમાં આકર્ષણ જન્માવે છે. ટ્રેકિંગ પ્રેમી લોકોમાં પણ આ સ્થળ ખાસ્સું લોકપ્રિય છે.
 

wilson hills gujarat 
બરુમલ શિવમંદિર
 
વિલ્સન હિલ્સ અને ધરમપુરને જોડતા રસ્તા પર આવેલું આ મંદિર 800 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે. અહીં સ્થિત શિવલિંગની લંબાઇ લગભગ 6 થી 8 ફૂટ છે.
 
સનરાઇઝ અને સનસેટ પોઇન્ટ
 
હિલ સ્ટેશન પર પહોંચીએ અને ઉગતા સૂર્યની કેસરી રંગની આભામાં ઓગળ્યા વગર પાછા આવીએ તો કેમ ચાલે! આ પોઇન્ટથી ઉગતા સૂરજ અને આથમતા સૂરજનો નજારો માણવાલાયક હોય છે.
 

wilson hills gujarat 
 
પરનેરા હિલ્સ
 
પરનેરા હિલ્સ એ વિલ્સન હીલથી લગભગ 42 કિલોમીટર દૂર જ્યારે વલસાડ શહેરથી લગભગ 6 કિલોમીટરના અંતરે આવેલ છે. અહીંનું ચઢાણ કપરું છે, ચઢાણ ચડતી વખતે અહીંથી જોવા મળતું ગીચ જંગલ તમારા સફરને ખાસ બનાવી દેશે. 500 જેટલી સીડીઓ ચઢીને આ પોઇન્ટ પર પહોંચી શકાય છે. અહીં અમુક જૂના- પુરાણાં મંદિરો અને કિલ્લો આવેલા છે.
 
મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
 
અહીં આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય છે. ઉનાળાની ઋતુમાં અહીંનું હવામાન ઠંડુ અને ભેજયુક્ત રહેતું હોવાથી અહીંની મુલાકાત લઇ શકાય છે. જ્યારે ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળો કળાએ ખીલતી હોય છે, ત્યારે આ ઋતુમાં પણ અહીંની મુલાકાત પ્રકૃતિપ્રેમીઓને રિચાર્જ કરી દેશે.
 
કેવી રીતે પહોંચવું
 
વિલ્સન હિલ પહોંચવા માટે સૌથી નજીકનું શહેર વલસાડ છે. વલસાડ સુરતથી 94 કિલોમીટર, અમદાવાદથી 128 કિલોમીટર અને મુંબઇથી 194 કિલોમીટરના અંતરે આવેલું છે.
 
હવાઇ માર્ગ – જો ફ્લાઇટથી અહીં પહોંચવા માગતા હોવ તો નજીકનું એરપોર્ટ સુરત 99 કિલોમીટરના અંતરે આવેલું છે. સુરતથી તમે ટેક્સી દ્વારા વિલ્સન હિલ પહોંચી શકો છો.
 
ટ્રેન – અહીં પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન વલસાડ છે, જ્યારે સૌથી મોટું રેલવે સ્ટેશન સુરત છે. વલસાડથી તમે ખાનગી બસ ક ટેક્સી દ્વારા વિલ્સન હિલ પહોંચી શકો છો.
 
રોડ માર્ગ – આ સ્થળે પહોંચવા માટે ટેક્સી કે પોતાના વાહન દ્વારા પ્રવાસ કરવો પ્રમાણમાં વધુ અનુકૂળ રહેશે. અહીં પહોંચવા માટે ગુજરાત રાજ્ય ધોરીમાર્ગ 181 પર આવવું પડશે.
 
 
- જ્યોતિ દવે