ઉત્તમ બાળક માટે ગર્ભસંસ્કારનું આ ગીત ગાવું રહ્યું | Garbh Sanskar

19 Jun 2023 12:21:04

Garbh sanskar in gujarati
 
 
# એવું કહેવાય છે કે માતાના ઉદરમાં જ ઉંમર વધે છે અને જન્મ બાદ તો ઘટતી જાય છે.
# પોઝિટીવ થિન્કિંગ જ તમને શ્રેષ્ઠતા સુધી લઇ જશે. 
# પ્રહલાદ અને અષ્ટાવક્ર પણ ૧૬ સંસ્કારનું ઉત્તમ પરિણામ છે. 
# ગર્ભવતીની પ્રાર્થના ઈશ્વર તરત સાંભળે છે કારણ કે એ બે જીવે કરેલી પ્રાર્થના છે. 
# નવ મહિનાની સંભાળ બાળકનું નવ વર્ષ સુધી રક્ષણ કરે છે.  
 
 
મધ્યકાલીન સમય ધર્મપ્રધાન હતો. એટલે દરેક પ્રણાલીને ધર્મ સાથે જોડી છે. ભરબજારમાં પાણીપુરી ખાય એના પેટે `સરદાર ન અવતરે'. કમનસીબે આ વાક્યનો અર્થ લક્ષણામાં લેવાના બદલે અભિધામાં લેવા લાગ્યા. ગર્ભાવસ્થા દરમ્યાન બહારનું ન ખાઈને, હાયજેનિક ફૂડને પ્રથમ અને પ્રખર મહત્વ આપવું જોઈએ. પ્રથમ પુંજથી પ્રસવ સુધીની નવ મહિનાની નિશાળમાં સાત્વિક ખોરાકનું ખૂબ મહત્વ છે. કેટલાક ઉત્સુક બાળકોને દુનિયા જોવાની તીવ્રતા ખૂબ હશે એટલે જ પ્રિમેચ્યોર ડિલીવરી થતી હશે. સમય પહેલાં જન્મેલાં ઘણીવાર સમયથી આગળ ચાલતાં હોય છે. એક બહેને ગર્ભાવસ્થા દરમ્યાન જૂડવા ફિલ્મ જોઈ તો એને જોડિયા બાળકો જન્મ્યાં એટલે બીજા બહેન અલીબાબા ઔર ચાલીસ ચોર વાંચતા હતા તો એ પુસ્તક તેમણે ડરીને અધૂરું છોડી દીધું હતું. એટલે જ સંતો ગર્ભાવસ્થા દરમ્યાન રામાયણનું અધ્યયન કરવા કહે છે. લોનજાઇનસે ઉન્નત ઉદ્દાત વિચારોનું મહિમા ગાન કર્યું છે. પોઝિટીવ થિન્કિંગ જ તમને શ્રેષ્ઠતા સુધી લઇ જશે.
 
પ્રથમ બાળક વખતે જગતની માતા પિતાની યાદીમાં તમે તમારું નામ લખી નાખો છો. આ એકસ્ટસી વખતે રમકડાંની આખી દુકાન ખરીદવાનું મન થઇ જાય છે. પેટમાંથી મારેલી એક કિક ગોલ માટે કરેલી કિક જેટલી જ થ્રીલ આપે છે. વોમીટને ઓમિટ ન કરી શકાતી ક્ષણમાં પરિવારમાં એક નવા સભ્યના આગમનનો આનંદ અદકેરો છે. માણસની ઉંમરની ગણતરી કરીએ ત્યારે ગર્ભગૃહના નવ મહિના પણ ગણાવા જોઈએ. એવું કહેવાય છે કે માતાના ઉદરમાં જ ઉંમર વધે છે અને જન્મ બાદ તો ઘટતી જાય છે. આમ તો માતૃ-પિતૃઋણમાંથી ક્યારેય મુક્ત થઇ શકાતું નથી પણ બાળકના જન્મ સાથે થોડા મુક્ત થવાય છે. દરેકને પ્રખર બુદ્ધિશાળી બાળક જોઈએ પણ એની પૂર્વતૈયારી કશી કરવી નથી. મહાન બાળક માટે મહાન તૈયારી કરવી પડે છે.
 
આદિવાસીની એક જાતિના Educating the unbornના વિચારોને વિચારશીલ યુગલે વધાવી લેવા જેવો ખરો. બાળક માટેનું પ્લાનિંગ કરે ત્યારે યુગલ ગામની બહાર આવેલા વૃક્ષ નીચે જઈ ગોઠડી કરી નક્કી કરે કે બાળક કેવું જોઈએ. એ જ સુંદર સપનાં અને કલ્પનાને ઉજાગર કરતું એક ગીત પણ રચે. ઘરે પાછા ફરી નવ મહિના એ જ ગીતનું સતત રટણ કરી ગર્ભમાં રહેલા બાળકને સંભળાવે. જન્મ્યા પછી એ જ ગીત હાલરડાં રૂપે સાંભળતાં બાળક તુરંત પ્રતિભાવ આપે. ગર્ભમાં સતત માનો અવાજ સાંભળતું હોવાથી જ બાળક જન્મ પછી માનો અવાજ ઓળખીને હરખાય છે. અભિમન્યુ પણ સાત કોઠાનું યુદ્ધ ગર્ભમાં જ શીખ્યો હતો. મહર્ષિ વ્યાસના દૈદીપ્યમાન તેજથી અંજાઈને અંબિકા આંખો મીંચી ગઈ એટલે એના પેટે અંધ ધ્રુતરાષ્ટ્રનો જન્મ થયો. પ્રહલાદ અને અષ્ટાવક્ર પણ ૧૬ સંસ્કારનું ઉત્તમ પરિણામ છે. `પેટમાં પોઢી સાંભળે રે, શિવો રામ-લખમણની વાત...' ગર્ભાધાન દરમ્યાન જીજાબાઇએ શૌર્યની વાતો સંભળાવી હતી એથી વીર શિવાજીનો જન્મ થયો હતો. નવ મહિનાની સંભાળ બાળકનું નવ વર્ષ સુધી રક્ષણ કરે છે. ગર્ભવતીની પ્રાર્થના ઈશ્વર તરત સાંભળે છે કારણ કે એ બે જીવે કરેલી પ્રાર્થના છે. છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખે છે પણ ગર્ભાધાનના છઠ્ઠા દિવસથી માતા બાળકનું ભવિષ્ય લખે છે. ગર્ભસંસ્કાર ઘડતરની કેટલીક સંસ્થાઓ પણ કાર્યરત છે અને વ્યક્તિગત રીતે પણ કરી શકાય છે. પહેલાંના જમાનામાં આઠ દસ સંતાનો થતાં. પછી ચાર પાંચ સંતાનો અને છેલ્લે અમે બે, અમારા બેનું સૂત્ર આવ્યું. પણ હવે તો `એકે હજારા'ની ટેગલાઈન ચાલે છે. આજની મોંઘવારીની માંગ છે અને આજનું ઈન્ટેલીજન્ટ ચાઈલ્ડ કોહલીને ક્રિકેટ શીખવે એવું છે.
 
સ્ત્રીની હાઈટ નીચી હોય અને વધુ હાઈટવાળું બાળક પ્રાપ્ત કરવું હોય તો આ ગર્ભસંસ્કારથી બેશલાક પ્રાપ્ત થઈ શકે. સુપ્રજા જનનના સિધ્ધાંતની આપણી ૧૦,૦૦૦ વર્ષ પુરાણી પરંપરાને વિજ્ઞાને પણ અનુમોદન આપ્યું છે. માત્ર જાતીય આવેગ થકી થતી સંતાન પ્રાપ્તિ યોગ્ય નથી. ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આ અવસ્થા દરમિયાન પતિ પત્નીમાં કોઈ વ્યસન ન હોવું જોઈએ. માતા મોડા સૂવે તો બાળકમાં પણ એવી ટેવો પડવાની. નાની વસ્તુ ખરીદવા પણ ત્રણ દુકાને પૂછીએ છીએ અને બાળક માટે કોઈ પ્લાનિંગ નહીં..!? બહુત ના ઇન્સાફી હૈ... અબ્રાહમે લિંકન કહ્યું છે કે `માતા પિતા બનવા પણ લાયકાત કેળવવી પડે.' પ્રતિભાસંપન્ન બાળક માટે ગર્ભસંસ્કારનું ગીત ગાવું જ રહ્યું...
 
 
 
 
Powered By Sangraha 9.0