પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું જ, હાલ આપણે સૌ મંથરા સીન્ડ્રોમથી પીડાઈ રહ્યાં છીએ : પૂ. સ્વામી વિજ્ઞાનાનંદજી | Swami Vigyananand ji

છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વમાં ભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યું છે, સનાતન સંસ્કૃતિનું મહત્ત્વ સૌ સ્વીકારી રહ્યા છે એ ગૌરવની વાત છે. પરંતુ હજુ આપણે ઘણું આગળ વધવાનું છે. ભારત દેશ સમૃદ્ધ થાય, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર બને, સત્ય વાતનો પણ પ્રચાર કરે અને વિશ્વના રાજકારણમાં આપણા લોકો ઉચ્ચ સ્થાને પહોંચે તો ભારત વિશ્વગુરુ બને.

    ૧૯-જૂન-૨૦૨૩
કુલ દૃશ્યો |

Swami Vigyananand ji
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માસિક મિલન તથા હિન્દુ ઇકોનોમિક્સ ફોરમના ઉપક્રમે ગત સપ્તાહે રાજકોટ ખાતે એક પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠિ યોજાઈ ગઈ. રાજકોટ નાગરિક સહકારી બેંકના લક્ષ્મણરાવ ઇનામદાર સભાગૃહમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય જોઇન્ટ જનરલ સેક્રેટરી પરમ પૂજ્ય સ્વામી શ્રી વિજ્ઞાનાનંદજીએ `વિશ્વગુરુ ભારત' વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. એ પ્રવચનના અંશો અહીં પ્રસ્તુત છે.
 
આ પ્રસંગે પ. પૂ. વિજ્ઞાનાનંદજીએ વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે, `પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું જ, ભારતના વ્યાપારીઓ અને વિદ્વાનોએ સમગ્ર વિશ્વમાં પરિભ્રમણ કરી સનાતન સંસ્કૃતિને વિશ્વવ્યાપી બનાવી હતી જેના અવશેષો આજે પણ દેશવિદેશમાં જોવા મળે છે. સનાતન એટલે જેનો આદિ નથી અને અંત પણ નથી. તે ફક્ત હિન્દુઓ માટે નથી, સમગ્ર માનવજાતને માટે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વમાં ભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યું છે, સનાતન સંસ્કૃતિનું મહત્ત્વ સૌ સ્વીકારી રહ્યા છે એ ગૌરવની વાત છે. પરંતુ હજુ આપણે ઘણું આગળ વધવાનું છે. ભારત દેશ સમૃદ્ધ થાય, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર બને, સત્ય વાતનો પણ પ્રચાર કરે અને વિશ્વના રાજકારણમાં આપણા લોકો ઉચ્ચ સ્થાને પહોંચે તો ભારત વિશ્વગુરુ બને.
 
ભારતને શક્તિશાળી દેશ બનાવવા સૌથી મહત્ત્વનો પ્રજાનો ઉત્સાહ, દરેક ભારતીયની મહત્ત્વાકાંક્ષા જરૂરી છે. હાલ આપણે સૌ મંથરા સીન્ડ્રોમથી પીડાઈએ છીએ. રામરાજ્યની સ્થાપના થઈ, રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ ગઈ ત્યારે મંથરા દોડીને રાણી કૈકેયી પાસે જાય છે. પરંતુ એણે જોયું કે, રામની રાજા તરીકે ઘોષણા થઈ એ જાણી કૈકેયી હર્ષથી પાગલ હતી.
એ ખૂબ જ આનંદમાં આવી ગઈ હતી કે, મારો રામ રાજા બનશે, ભરતનો વિચાર સરખો પણ આવ્યો ન હતો. પરંતુ મંથરાએ કહ્યું કે, `મહારાણી, તમે ભોળાં છો, કશી ખબર જ નથી પડતી કે ભરતનો હક્ક જતો રહ્યો છે. મને તો કશો ફેર નહીં પડે, કારણ હું દાસી જ રહેવાની, પરંતુ જો ભરત રાજા બને તો તમે રાજમાતા બનો અને રામ રાજા બને તો કૌશલ્યા રાજમાતા બને, આવી સીધીસાદી વાત સમજતાં નથી. ખરેખર તો રામ નહીં ભરત રાજા બનવો જોઈએ.' આવું સાંભળી કૈકેયી એની વાતમાં ફસાઈ
જાય છે, પરિણામ શું આવ્યું તે આપ સૌ જાણો છો.
 
આપણે પણ મંથરા જેવા કહેવાતા પ્રબુદ્ધો દ્વારા ફેલાયેલાં ખોટાં અર્થઘટન માની દેશનું અહિત આપણે જ કરી રહ્યા છીએ.
આવા ડાબેરી દેશદ્રોહીઓને ઓળખવા પડશે, અને ખુલ્લા પાડવા જોઈશે. કોઈ પણ દેશને વિશ્વગુરુ બનવું હોય તો નીચે જણાવેલ ચાર ક્ષેત્રો પર પ્રભુત્વ હોવું જોઈએ.
 
૧ : અર્થ-વ્યવસ્થામાં મજબૂતી | Largest Economy
 
ભારતને વિશ્વની શ્રેષ્ઠ ઇકોનોમી બનાવવી જોઈએ. આપણે ઉદ્યોગપતિઓ કે જે વધુમાં વધુ ટૅક્સ ભરે એમનું સન્માન કરી એમને આગળ કરવા પડશે. આજ સુધી આપણી રાજસત્તાએ તથા ડાબેરીઓના અપપ્રચારને કારણે આપણા જ ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણી કે ડાલમીયાને ચોર ગણીએ છીએ. એમને કદી પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી.
 
જ્યારે દેશનું નાણું વિદેશમાં મોકલતી મલ્ટીનેશનલ કમ્પનીઓ જેવી કે Exide, Glaxo, Colgate, ITC, Amazon, Apple ની ક્યારેય ટીકાઓ કર્યા વિના એની જ વસ્તુઓ ખરીદીએ છીએ. આ માનસિકતા બદલવાની જરૂર છે.
 
વિશ્વગુરુ બનવા માટે પુષ્કળ ધન હોવું જરૂરી છે. ધન હોય તો બીજાં રાજ્યોના વડાને આંજી દે એવું સન્માન કરી શકો. દેશનો વિકાસ બતાવી શકાય. અરે આપણા રોજના પ્રસંગો પણ નાણાં વગર નથી થતા.
 
૨ : શિક્ષણ અને જ્ઞાનમાં અગ્રેસર | Educationa 
 
જ્ઞાન અને કૌશલ્યપૂર્ણ નાગરિક જ દેશ-વિદેશમાં પુજાય છે. પ્રાચીન ભારતની નાલંદા, તક્ષશિલા વિદ્યાલયોએ જ આપણને વિશ્વગુરુ બનાવેલ.
 
કેલિફોર્નિયા દેશની વાત કરું તો રણપ્રદેશમા આવેલ આ દેશે એટલી બધી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ બનાવી અને આવક ઊભી કરી કે આજે કેલિફોર્નિયા ફક્ત જ્ઞાન વેચીને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બની શકી છે.
 
ભારત હવે એ દિશામાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ કરી રહ્યો છે, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ IIT, IIM બની રહી છે. આપણે યુવાધન વિદેશ જતાં રોકી શકીશું. ખાલી વાતોથી નહીં ચાલે.
 
આપણી સનાતન સંસ્કૃતિનું જ્ઞાન આપતી વિશેષ યુનિવર્સિટીઓ પણ ઊભી કરવી પડશે. કૌશલ્યવર્ધનની સાથે શરીરસૌષ્ઠવ ખીલવવા રમતગમતની યુનિવર્સિટી પણ બનાવીએ. યુવાનો તથા મહિલાઓને ભારતમાં જ શ્રેષ્ઠ સંસ્કારો અને કૌશલ્ય મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ.
 
નવી શિક્ષણનીતિના માધ્યમથી સારા પ્રયત્નો સરકાર કરી રહી છે પરંતુ એમાં પણ કેટલાક કોમ્યુનિસ્ટ વિદ્યાગુરુ જ્ઞાતિ આધારિત શિક્ષણ-વ્યવસ્થા માંગે છે. હિન્દુ ઇકોનોમિક ફોરમ દ્વારા એનો વિરોધ કરી એનો અમલ બંધ રખાવેલ છે. આપ સૌ પણ ખોટું હોય તો વિરોધ કરી સાચી વાત સરકારને રજૂઆત કરી સમજાવો.
 
૩ : પ્રચાર માધ્યમો અને વિમર્શ (નેરેટિવ્સ) | Narratives
 
આપણે આજ સુધી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યથી માંડી છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ જેવા વીર યોદ્ધાઓ વિષે એવું જ સાંભળ્યુ છે જે અંગ્રેજોએ લખેલા ઇતિહાસમાં છે. અને આઝાદી પછી આપણા બધા જ શિક્ષણમંત્રીઓ મુસ્લિમ હતા એટલે એમને સાચો ઇતિહાસ લખવાની ઇચ્છા પણ ન હતી. ચંદ્રગુપ્ત અને ચાણક્ય તો અખંડ ભારતના સ્થાપક હતા, એ એમ ને એમ તો ન થયા હોય! સિકંદર અને સેલ્યુકસને હરાવી તેની પુત્રી સાથે ચંદ્રગુપ્તનાં લગ્ન થાય છે. દક્ષિણમાં વિજયનગર સામ્રાજ્ય, ચોલ રાજાઓ, રાય કૃષ્ણદેવ રાજાએ આક્રાંતાઓને મારી હઠાવ્યા હતા. સમુદ્રગુપ્તનો સમય સુવર્ણકાળ ગણાય છે. ચને શિવાજીએ આદિલશાહીનો હટાવીને હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરી. હા, એ સાચું છે કે મોગલો અને અંગ્રેજો આવ્યા એ પહેલાં ભારતમાં કુસંપ અને દ્વેષભાવના ફળરૂપે છૂટાંછવાયાં રજવાડાં જ બચ્યાં હતાં, જેમણે એકબીજાને છેહ દીધો અને ભારત ગુલામ બન્યું.
 
બીજો વિમર્શ કે હિન્દુઓ કદી સંગઠિત ન થાય. કદી એક ન થાય. એ વિમર્શ ખોટો અપપ્રચાર જ છે.
 
હિન્દુઓમાં વિવિધ પંથો છે છતાં એક સંપ છે એમ હું કહું તો આપ કદાચ નહીં માનો, કારણ કે આજ સુધી આપને વિપરીત વિમર્શો સાંભળવા મળ્યા છે.
 
હિન્દુ સંસ્કૃતિમાં ઘણા બધા દેવતાઓ હોવા છતાં આપણે જ્યારે હિન્દુ ધર્મની વાત થાય ત્યારે જૈન, સ્વામિનારાયણ, શીખ કે અન્ય સંપ્રદાય એક થઈને ઊભા રહે છે. પરસ્પર સમભાવથી જુએ છે.
 
સામે પક્ષે ખ્રિસ્તી ધર્મમાં એક ઈસુ, એક બાઈબલ હોવા છતાં કેથોલિક, મેથોડિસ્ટ, પ્રોટેસ્ટન્ટ જેવા ૨૦૦ જેટલા ફાંટાઓ છે. તેઓ એકબીજાને પોતાના ચર્ચમાં આવવા પણ નથી દેતા. (હમણાં હું મુંબઈ ભાંડુપમાં ગયો હતો તો ત્યાં ૪૦૦ ચો.મીટર વિસ્તારની અંદર છ જેટલાં અલગ અલગ ચર્ચ છે.)
 
એ જ રીતે મુસ્લિમોમાં એક અલ્લાહ, એક પેગંબર, એક કુરાન હોવા છતાં શિયા, સુન્ની, વોરા, મેમણ, મુજાહીર જેવા સેંકડો ફીરકાઓ જોવા મળે છે; જેઓ એકબીજાના કટ્ટર દુશ્મન જેમ વર્તન કરે છે.
 
પરંતુ આ ડાબેરી શિક્ષણશાસ્ત્રીઓ અને મીડિયા દ્વારા એવો પ્રચાર કરવામાં આવે કે હિન્દુઓ વિભાજિત છે, એક સંપ નથી અને આપણે માની લઈએ છીએ.
 
વિમર્શ એટલે નેરેટિવ જે મોટા ભાગે દેશના બુદ્ધિજીવીઓને ગેરમાર્ગે દોરવા જ વપરાય છે. સારું છે કે ભારતમાં વીસ ટકા જ બુદ્ધિજીવીઓ છે!
 
એક વિમર્શ : પૈસો હાથનો મેલ છે અને પૈસાની મોક્ષપ્રાપ્તિ માટે કોઈ જરૂરિયાત છે નહીં એટલે સંગ્રહ ન કરવો. પરંતુ એ ખોટું છે.
 
આપે જોયું જ હશે કે જો તમારે ધર્મકથા કરવી હોય, વિદ્યાર્થીઓને ધર્મજ્ઞાન આપવું હોય કે તમારા ધર્મના પ્રસંગો સારી રીતે ઊજવવા હોય તો પૈસાની જરૂર પડે જ છે.
 
એટલે પૈસો પ્રાથમિક જરૂરિયાત છે એ સત્ય છે. વિશ્વ હિંદુ કોંગ્રેસે આ ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે.
 
અન્યોન્યની આર્થિક જરૂરિયાતો સમજીને રાષ્ટ્રના ઉદ્યોગપતિઓ વિશ્વના ઉદ્યોગપતિઓ વચ્ચે કડી રૂપ બની ભારતને વધુ સમૃદ્ધ બનાવવાના કામને પ્રાથમિકતા આપી છે. જરૂરિયાત ઊભી થતાં બીજાં અન્ય છ ક્ષેત્રો પણ છેલ્લાં દસ વર્ષથી શરૂ થઈ રહ્યાં છે. સત્તા અને મીડીયા દ્વારા ઇરાદાપૂર્વક થતા આવા અપપ્રચારની બાબતને ગંભીરતાથી લઈ, જાગૃત થઈ આવી વિમર્શ ચર્ચામાં સક્રિય ભાગ લેવો જોઈએ. આપણા પક્ષે મજબૂત દલીલો કરવા માટે આપની પાસે એ વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે.
 
૪ : વિશ્વ રાજકારણમાં આપણી ઉપસ્થિતિ | Politics
 
ચોથો અને મહત્ત્વનું ક્ષેત્ર છે : રાજવિદ્યા (રાજકારણ રાજનીતિ) દરેક યુવાનોએ પોલિટિક્સમાં રસ લેવો જ જોઈએ, શોખ હોય તો સક્રિય બની ચૂંટણી પણ લડવી જોઈએ. રાજકારણ ગંદું છે, ડગલે ને પગલે ખોટાનો સાથ, સારા માણસો સાથે વિશ્વાસઘાત, તેથી એમાં ન જવાય. આવી માનસિકતાના કારણે આપણને હિન્દુ સમાજને દેશ-વિદેશમાં ઘણું નુકસાન થયું છે. હવે હિન્દુ યુવાધનને વિશ્વભરમાં એક કરી રાજકારણમાં સક્રિય કર્યા છે. ઘણા બધા દેશોમાં તો ઉચ્ચ સ્થાને પણ પહોંચી ગયા છે.
જો તમારી પાસે સત્તા હશે તો તમે આવા ખોટા વિમર્શને અટકાવી શકશો. વિધર્મીઓને મળતી વિદેશી નાણાંસહાય અટકાવી કેન્દ્ર સરકારે ધર્માંતરણ અટકાવવામાં મદદ કરી છે. દેશની એકતા અને અખંડિતતાને તોડતી પ્રવૃતિ વર્તમાન સત્તાના કારણે અટકી છે.
 
સૌ યોગદાન આપે...
 
વર્લ્ડ હિંદુ કોંગ્રેસ દ્વારા આ ચાર ક્ષેત્રો પર હિન્દુઓનું પ્રભુત્વ વધારવા સાત વિભાગમાં કામ થઈ રહ્યું છે. આપ સૌ આપને અનુકૂળ લાગે તે વિભાગમાં જોડાઈને કામ કરી વિશ્વ હિન્દુ કોંગ્રેસને મજબૂત બનાવો.
 
૨૪થી ૨૬ નવેમ્બર, ૨૦૨૩ બેંગકોક (થાઈલેન્ડ)ની અંદર ત્રણ દિવસીય સેમિનાર રાખવામાં આવેલ છે, જેમાં સાત વિભાગના કુલ ૩૫૦૦થી વધુ પ્રતિનિધિઓ સ્વતંત્ર રીતે પોતાના કાર્યવૃત આપશે. આ પ્રકારનો આ ચોથો સેમિનાર છે. જે આ પહેલાં શિકાગો અને દિલ્હીમાં યોજાઈ ગયેલ છે. આ સાત ક્ષેત્ર નીચે મુજબ છે. ઉદ્યોગપતિઓ માટે Hindu Economic Forum શિક્ષણશાસ્ત્રીઓ તથા બૌદ્ધિકો માટે Hindu Education Conference, રાજકારણમાં સક્રિય થવું હોય એના માટે Hindu Political Conference, સંસ્થાના પ્રતિનિધિઓ યુવાનો માટે Hindu Youth Conference, મહિલાઓ માટે Hindu Women Conference અને વિવિધ એનજીઓ તથા મંદિર સુરક્ષા, પૂજારીઓ, અધ્વર્યુ વગેરે માટે Hindu Organisational Temples Association. આ માધ્યમથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ બધા હિન્દુત્વનો વ્યાપ વધારી ભારતને વિશ્વગુરુ બનાવવા યોજનાબદ્ધ પ્રયત્નો સાકાર થઈ રહ્યા છે.