દેશનું ઋતુચક્ર ફરી ગયું છે. ગમે ત્યારે વરસાદ, વાવાઝોડું, પૂર, તડકો, ઠંડી આવી જતાં લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. ગત સપ્તાહે જ આપણે વાવાઝોડા- વરસાદનો સામનો કર્યો. આ અણધારી આફતો માટે દેશ અને રાજ્યમાં આપત્તિ પ્રબંધન - (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) કાર્યરત છે. ગુજરાતમાં ૨૦૦૧ના ભૂકંપની દુર્ઘટના બાદ આપદા પ્રબંધન બન્યું અને ૨૦૦૪માં તત્કાલીન વડાપ્રધાન અટલજીએ આપદા માટે પાંચ હજાર કરોડની ફાળવણીની જાહેરાત કરેલી. ભારતમાં મેનેજમેન્ટના ત્રણ સ્તર છે. જિલ્લા સ્તરે આપત્તિની જવાબદારી ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કે મુખ્ય જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજ્ય સ્તરની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને રાષ્ટ્રીય સ્તરે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ભારતમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) કોઈ પણ પ્રકારની આફતોને પહચી વળવા સમર્થ છે. જ્યારે આફતો મોટી હોય ત્યારે જે તે રાજ્ય સાથે NDRF પણ કામે લાગે છે, ગુજરાતનો ભૂકંપ, કેદારનાથ આપદા, જોશીમઠ આપદા વગેરે સમયે NDRFની સરાહનીય કામગીરીના સૌ સાક્ષી છે. દેશમાં ચાર આર - (4R) મુજબ સિસ્ટમ કામ કરે છે. રેસ્ક્યુ (બચાવ), રિલિફ (રાહત), રિહેબિલિટેશન (પુનર્વસન) અને રિસેટલમેન્ટ (પુન:સ્થાપન). કોઈ પણ આપત્તિ વખતે લોકો ફસાય, મૃત્યુ પામે, ઘાયલ થાય અથવા ફસાઈ જાય, એ સ્થિતિમાં આપત્તિ પ્રબંધન ૭૨ કલાકમાં 4Rની કામગીરી આરંભી દે છે. આ સિસ્ટમ હજુ વધુ મજબૂત બની શકે તેમ છે.
આ સંજોગોમાં વિશ્વની આપત્તિ વ્યવસ્થાઓ પણ જોવી રહી. અમેરિકામાં પ્રથમ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક કામે લાગે, આપત્તિ મોટી હોય તો સ્ટેટ અને વધુ જોખમ હોય તો ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ ટીમ કામે લાગે. જાપાનની ભૌગોલિક સ્થિતિ મુજબ વારંવાર ભૂકંપ આવે. આથી પ્રબંધનની ટ્રેનિંગ, મેનેજમેન્ટ અને ડ્રિલ બાળપણથી શાળાઓમાં જ શીખવાડાય. ત્યાંનું આપત્તિ પ્રબંધન ઇન્ડોર અને આઉટડોર બે ભાગમાં વહેંચાયેલું છે. તેઓ હવામાન વિભાગ સાથે સમન્વય કરીને લોકોને એલર્ટ કરે છે. નવતર પ્રયોગરૂપે દેશમાં ડિઝાસ્ટર એફ. એમ. સર્વિસ ચાલે છે, જે લોકોને સતત હવામાનની જાણકારી આપીને એલર્ટ રાખે છે. સરકાર ખોવાયેલા અને ફસાયેલા લોકોને બચાવવા માટે ઇન્ટરનેટનો ટૂલ તરીકે ઉપયોગ કરે છે. અન્ય દેશોનાંય આવાં ઉદાહરણો છે, વિશ્વમાં ઇન્ટિગેટેડ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને અવેરનેસને ખૂબ મહત્ત્વ અપાય છે. આપણે પણ એ પ્રયોગોમાંથી નવું ગ્રહણ કરીને આપત્તિ પ્રબંધનને વધુ પ્રભાવી કરી શકીએ.
આપદાના નુકસાનને શૂન્ય સ્તરે લઈ જવા ઘણા સુધારા અને વિકાસનો અવકાશ છે. એજન્સીઓ વચ્ચે કો - ઓર્ડિનેશન વધુ મજબૂત કરવું, હવામાન ખાતા દ્વારા સાચું અને સમયસરનું એલર્ટ, ડ્રિલ પ્રોગ્રામમાં અધિકારીઓની ભાગીદારી ફરજિયાત બનાવવી. સ્થાનિક સ્તરે કામ કરતી એજન્સીઓને વિશેષ ટ્રેનિંગ અપાય અને આફતના મહત્તમ અંદાજ સાથે સ્થાનિક ડેવલપમેન્ટ થાય તે ય જરૂરી. દરિયા કિનારાનાં વિસ્તારોમાં ભૂકપીય ઝોન પ્રમાણેનાં અને પવનની તીવ્રતા ખમી શકે તેવા પાકા બાંધકામ થાય, પાણી, સેનિટેશન, ઇલેક્ટ્રિસિટીની ડિઝાઇન, કન્સ્ટ્રક્શન અને પ્રોટેક્શન એ સ્તરે થાય કે ગમે તેવા ભયંકર વાવાઝોડા પૂરને સહન કરી શકે. આ માટે છેલ્લાં ૧૦૦ વર્ષમાં આવેલ ભયંકર તોફાનનાં માપદડ રાખી કાર્યવાહી થઈ શકે. જે ભૌગોલિક વિસ્તારોમાં આફતોની વધુ શક્યતા હોય ત્યાં સરકાર દ્વારા લોકોને વિશેષ ટ્રેનિંગ અપાય તો જાન-માલની હાનિ મહંદઅંશે ટાળી શકાય. ચેતવણી મળતાં જ ઢોર-ઢાંખરનું સાવચેતીપૂર્વકનું સ્થળાંતર અગત્યનું. `આગ લાગે ત્યારે કૂવો ખોદવાની' અને `પૂર આવે ત્યારે પાળ બાંધવા'ની માનસિકતાથી ઉપર ઊઠી તંત્ર અને લોકો ૨૪x૭x૩૬૫ એલર્ટ રહે તો નુકસાન ન થાય.
આપદામાં સૌથી અગત્યનું છે લોકોનું માનસ. નાગરિકોએ એ યાદ રાખવું ઘટે કે આપત્તિ વખતે બચાવની કામગીરીની ફરજ સરકારી તંત્રની જેટલી છે એટલી જ લોકોની પોતાનીય છે. બધી વ્યવસ્થા તંત્ર કરશે તે માન્યતામાંથી બહાર આવીને આપણે સ્વયં શું કરી શકીએ એનો વિચાર કરવો ઘટે. આપત્તિની ચેતવણી, આગાહી, વ્યવસ્થા બધા માટે નાગરિકની જાગૃતિ અને મહેનત જરૂરી છે. આપત્તિ પ્રબંધનનું વિજ્ઞાન ખાસ્સું વિકસ્યું છે પણ ક્યારેક લોકો દ્વારા ચેતવણીઓને ગંભીરતાથી ન લેવાવાને કારણે મુશ્કેલી વધતી હોય છે. ચેતવણી છતાં લોકો સ્થાનાંતર કરવાની આનાકાની કરીને મુશ્કેલીમાં મુકાય છે. લોકો આવી ખોટી જીદથી બહાર આવીને આફતો સામે જીતી શકે છે. અચાનક આફત વખતે ઇમરજન્સી કોલ, બચાવ ટીમ આવે તે પહેલાં જેટલી બને એટલી બચાવ કામગીરી વગેરેમાં સહભાગી બનવું. `Precaution is better than cure' `સારવાર કરતાં સાવચેતી વધારે સારી છે.' આ ઉક્તિને લક્ષ્યમાં રાખીને સુચા આપત્તિ વ્યવસ્થાપન યોજના અંતર્ગત, આપત્તિ પહેલાંની પૂર્વતૈયારી, આપત્તિ દરમિયાનની કામગીરી અને આપત્તિ બાદની વ્યવસ્થા કરીએ અને સૌના જાન, માલનું રક્ષણ કરીએ.
બિપોરજોયનો ગુજરાત સરકાર અને ગુજરાતના નાગરિકો જે રીતે સામનો કર્યો તે નોંધનીય છે. તંત્રની સચોટ કામગીરીના વખાણ મીડીયામાં પણ થઈ રહ્યા છે. એકપણ જાનહાની વિના અસરકારક કામ થયું છે. સૌ અભિનંદનને પાત્ર છે.
આપણો દેશ હાલ `સ્વ'ની ઉન્નત અવધારણામાં આગળ વધી રહ્યો છે ત્યારે, આપત્તિમાં `સ્વ' અને `તંત્ર' બંનેને જાગ્રત કરીને આફતોથી સ્વતંત્ર થઈએ. `સ્વ'ને જાગ્રત કરીને જ આપણે સ્વ, સ્વજનો અને સમાજને બચાવી શકીશું.