ખોવાઈ છે દાદા-દાદીની વાર્તા | વડીલોનું સ્થાન ઘરના ખૂણામાં નહીં પણ બાજોઠ પર છે.

દાદા-દાદીના મુખે કહેવાયેલી વાર્તા દ્વારા અનાયાસે શિક્ષણ અપાતું હતું. આ વાર્તાઓ દ્વારા બાળઘડતર થતું હતું. પહેલી નજરે લાગતું મનોરંજન કોઈ ને કોઈ બોધ આપીને જાય છે.

    ૨૬-જૂન-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
dadi ma ni varta gujarati
 
 
ખોવાઈ છે દાદા-દાદીની વાર્તા | વડીલોનું સ્થાન ઘરના ખૂણામાં નહીં પણ બાજોઠ પર છે.
 
વડીલોનું સ્થાન ઘરના ખૂણામાં નહીં પણ બાજોઠ પર છે. વડીલો ઉંમરના ઉંબર પર આવીને ઊભા રહે એટલે ક્યારેક બિનજરૂરી વાતનું વહેણ પણ આવે. બાળપણમાં આપણે દાદા પર આવા અનેક બેતૂકા સવાલોની ઝડી વરસાવતા હતા. એનો તેઓ શાંતિથી જવાબ આપતા.
 
અગાસી ઉપર શું છે ?
કાગડો.
એ કેમ ઊડે અને આપણે ઊડી ન શકીએ ?
બેટા, એને પાંખો છે.
 
એ જ દાદા વૃદ્ધાવસ્થામાં એક જ સવાલ પૂછે કે કોણ આવ્યું ? તો તુરંત તોછડો જવાબ આપીએ કે તમારે શું કામ છે ?
વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ ત્યારે વહાલું નથી લાગતું. આપણા કરતાં વધુ દિવાળીઓ એમણે જોઈ છે. એમના અનુભવની તોલે આપણે કદી જ પહોંચી શકવાના નથી.
 
એક બાળક સાંજે શેરીમાં રમી રહ્યું છે. મા બૂમ પાડે છે પણ ઘરમાં નથી આવતું. જમવાનું તૈયાર છે, કહે છે તો પણ નથી આવતું. તારા બાપા હમણાં આવશેની ધમકી આપે છે તોય નથી આવતું. છેવટે મા બ્રહ્માસ્ત્ર વાપરે છે. તરત નહીં આવે તો રાત્રે દાદા વાર્તા નહીં સંભળાવે અને બાળક દોડતુંક ઘરમાં ઘૂસી જાય છે. દાદા નામ પડતાં જ એક આખો યુગ સામે આવી જાય છે અને દાદીનું નામ પડતા પરિકથાનો પરિવેશ જીવંત થઈ જાય છે. દાદા-દાદીના મુખે કહેવાયેલી વાર્તા દ્વારા અનાયાસે શિક્ષણ અપાતું હતું. આ વાર્તાઓ દ્વારા બાળઘડતર થતું હતું. પહેલી નજરે લાગતું મનોરંજન કોઈ ને કોઈ બોધ આપીને જાય છે.
 
આથમતી ઉંમરના અજવાળામાં પ્રેમ વધુ ઘટ્ટ થાય છે, જેમ શરબતના ગ્લાસમાં નીચે રહેલી ખાંડ વધુ મજેદાર લાગે છે. આ ઉંમરે એકબીજાની સંભાળ રાખે છે. એકબીજાનો સાચો સહારો બને છે. દાદી પેસ્ટ આપે અને દાદા ગરમ પાણી લઈ આવે. એકબીજાના પૂરક બનવાનો પ્રયત્ન કરે છે. દાદા પાણી માંગે અને દાદીને કાને ઓછું હોવાને કારણે રાણી સંભળાય... અને કોમેન્ટ આવે કે આ ઉંમરે તો શરમાવ.. પછી દાદા સમજી જાય છે અને રાણી બોલે અને દાદી પાણી સાથે હાજર થાય છે.
 
દિવસે તો બધા ભાગ દોડમાં હોય પણ કેટલાક પરિવારમાં આજે પણ સાંજે આખો પરિવાર સાથે જમે છે. જે ખૂબ સારી બાબત છે. કેટલાંક ઘરમાં એક છત નીચે રહેતાં લોકો પણ અલગ અલગ હોય છે. એન્ડ્રોઇડના આકાશમાં વિહાર કર્યા કરે. જ્યારે સ્કૂલમાં બંક મારીને પિક્ચર જોવા ગયા હોઈએ ત્યારે અમરીશપુરી જેવા પપ્પા તો દાદાની લાકડી લઈને ઊભા હોય પણ એમાં ઢાલ બને દાદા. બાળક છે કદી એને પણ મન થાય કહી પોતાની જાત આગળ ધરી દે. દાદાએ કરેલી પુત્રને મારવાની ભૂલ પૌત્રમાં પુનરાવર્તિત નથી થવા દેતા. રમતાં રમતાં સહેજ અમથું વાગે ત્યાં મા પહેલાં દાદી દોડી આવે અને ઘા બાજરિયું લગાવી આપે. દાદીના હાથનું ભોજન જે કોઈ ખાય એ આંગળાં ચાટી જ જાય. રમેશ પારેખ હું ને ચંદુ બાલગીતમાં કહે છે દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ, એનાથી ચાંદરડાં પાડ્યાં પડદા ઉપર પાંચ. નિશાળ પૂરી થાય એટલે દાદા સાથે મસ્તીકી પાઠશાળા શરૂ થાય. ગેરકાયદેસર કામો શરૂ થાય. દાદાને ડાયબિટીસ હોવાથી એ પૌત્ર પાસે છાનામાના મીઠાઈ મંગાવે અને અને લાંચરૂપે આપે ચોકલેટના પૈસા.. પછી બંને કાતરિયામાં છુપાઈને લુત્ફ ઉઠાવે.
 
પ્લેટોએ કહ્યું છે કે, વૃદ્ધ અવસ્થા એટલે ભયાનક એકલતા. જે વડીલ સમય સાથે બદલાય એ એકલતાને એકાંતમાં રૂપાંતરિત કરી શકે છે. પૌત્રને સમજવા દાદાએ અંગ્રેજી ફિલ્મો પણ જોવી પડે. તારક મહેતા કા ઊલટા ચશ્મામાં ટપુડાને દાદા ચંપકલાલનો સ્નેહ મળે છે. જે જે બાળકોને ગ્રાંડપેરેન્ટ્સનો પ્રેમ મળ્યો છે, એ ખુશકિસ્મત છે. વાર્તા રે વાર્તા, ભાભા ઢોર ચારતા આ શબ્દો સાંભળ્યા વગર બાળપણ ગયું જ ન હોય. આજના હાઈટેક યુગમાં વાર્તા ભૂંસાતી ભુલાતી જાય છે. દાદીનો ખોળો એ બાળગીતોની યુનિ. છે. દાદા દીકરાનાં અધૂરાં સપનાં પૌત્રની આંખમાં જુએ છે. દાદીની આંગળી પકડી મંદિરે ગયેલા પગનો થનગનાટ કંઈ ઓર હોય છે. સ્કૂલમાં ઇનામ મળે તો સૌ પ્રથમ દાદાને બતાવવાનું અને દાદા દ્વારા ઇનામનું ઇનામ મળે. દિવસે દાદા દાદી પર ગમે તેવો ગુસ્સો કરે પણ સાંજે ચાની વરાળ સાથે ઓગળી ગયો હોય...આમ એકબીજામાં ઓગળવું તો એમની પાસેથી જ શીખી શકાય, પાકટ પ્રેમ અને નિર્મળ નેહ...
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.