કુદરતનું સૌંદર્ય જોવું હોય તો ગુજરાતના આ ૭ ઇકો ટુરિઝમ સ્થળની મુલાકાત અચૂક લેવા જેવી છે..!!

# પ્રકૃત્તિ પ્રેમીઓ કુદરતના વિવિધ રસોનો આસ્વાદ લઇ કુદરતના ખોળે પળ વિતાવી શકે તે હેતુથી સરકાર દ્વારા પર્યાવરણ જતનના અમુક નિયમો સાથે ઇકો ટુરિઝમ સાઇટ વિકસાવવામાં આવી છે

    ૦૫-જૂન-૨૦૨૩
કુલ દૃશ્યો |

Eco Tourism Sites
 
 

પ્રકૃત્તિના ખોળાની હૂંફ માણવી છે! ગુજરાતના આ ઇકો ટુરિઝમ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકતા નહીં | Eco Tourism Sites in Gujarat

 
# લીલીછમ હરિયાળી, વહેતી નદીનો લયબદ્ધ તાલ, રોમાંચના સાગરમાં ભીંજાવતા ધોધ, કોતર, વન્ય-જીવ સૃષ્ટિ, નીરવ શાંતિ રાજ્યમાં આવેલી ઇકો ટુરિઝમ સાઇટ કુદરતની રંગીન દુનિયાથી રૃબરૂ કરાવે છે
 
# સરકાર દ્વારા કેવડી સાઇટ, પદમ ડુંગરી, કજ - નાનાવાડા વેટલેન્ડ સાઇટ,માધવપુર કાચબા સંરક્ષણ કેન્દ્ર, પોળો જંગલ, કિલાડ કેમ્પિંગ સાઇટ, મહલ ઇકો સાઇટ, પિરોટન ટાપુ જેવા અનેક સ્થળોને પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી સંરક્ષિત કરવામાં આવ્યા છે
 
#  પ્રકૃત્તિ પ્રેમીઓ કુદરતના વિવિધ રસોનો આસ્વાદ લઇ કુદરતના ખોળે પળ વિતાવી શકે તે હેતુથી સરકાર દ્વારા પર્યાવરણ જતનના અમુક નિયમો સાથે ઇકો ટુરિઝમ સાઇટ વિકસાવવામાં આવી છે
 
 
Eco Tourism Sites in Gujarat | ક્રોકિંટના જંગલો વચ્ચે રહેતો, શહેરની ભાગદોડવાળી જિંદગીથી ઘેરાયેલો અને કોલાહલથી ટેવાયેલો માણસ કુદરતના ખોળે સમય વીતાવે છે, ત્યારે પ્રકૃત્તિ તરફથી મળતું મમત્વ એ મલમની ગરજ સારે છે. કુદરત સાથેનું તમારું તાદાત્મય અકબંધ રહે તે હેતુથી 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિને ગુજરાતમાં આવેલા ઇકો ટુરિઝમ સ્થળોની માહિતી અહીં પ્રસ્તુત છે.
 

Eco Tourism Sites  
1.. પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સ્થળ | Padam Dungri Eco Tourism
 
પદમ ડુંગરીએ વ્યારા શહેરથી લગભગ 30 કિલોમીટર અને ઉન્નાઇ શહેરથી 8 કિલોમીટરના અંતરે આવેલું સુંદર સ્થળ છે. સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચે, અંબિકાની નદી પાસે વસેલું આ સ્થળ કેમ્પિંગ વિસ્તાર માટે જાણીતું છે. સમૃદ્ધ જંગલ, નદી અને પર્વતથી ઘેરાયેલી આ જગ્યા પ્રાકૃતિક જીવનનો આનંદ લેવા માટે એક આદર્શ સ્થળ છે. અહીં રહેવા માટે કોટેજની વ્યવસ્થા છે. અહીં નજીકમાં જોવાલાયક સ્થળોમાં જાનકી વન, ઉનાઇ માતા ટેમ્પલ, વાંસદા નેશનલ પાર્ક (અહીં દીપડા, ચાર શીંગડાવાળા હરણ, જરખ, જંગલી બિલાડી, રસેલ્સ જેવા નામથી જાણીતા ઝેરી સાપને જોઇ શકાય છે, ઉપરાંત 155 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળશે) અજમલ ગઢ અને ગીરા ધોધનો સમાવેશ થાય છે.
 

Eco Tourism Sites  
2.. મહલ ઇકો ટુરિઝમ સાઇટ | Mahal Eco Tourism Gujarat
 
ડાંગ જિલ્લામાં પૂર્ણા નદીની પાસે આવેલ આ ઇકો ટુરિઝમ સ્પોટએ કુદરતના ખોળામાં રહેવા માટે એક આદર્શ સ્થળ છે. અહીં આવેલ પૂર્ણા વન્યજીવ અભ્યારણ્યમાં 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ કેમ્પસાઇટમાં ખળ ખળ વહેતી નદી, ઘટાદાર જંગલ,કોતરો અને વન્યજીવોની અલભ્ય પ્રજાતિ જોવાનો લહાવો માણી શકશો. સાથે સાગ અને વાંસના ઊંચા ઝાડ પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે. આથી જ ઇકો ટુરિઝમ સ્પોટની પસંદગીમાં સહેલાણીઓ આ સ્થળ પર વધુ પસંદગી ઉતારે છે. અહીં વર્ષાઋતુમાં સરેરાશ 2500 મિલીમીટર જેટલો વરસાદ નોંધાય છે.
 

Eco Tourism Sites  
 
3.. પોળો જંગલ | Polo Forest Eco Tourism Gujarat
 
પ્રકૃતિ, કુદરત, શાંતિ, સાહસ, ઇતિહાસ અને અધ્યાત્મ જેવા અનેક વિશ્વને સંગ્રહીને બેઠેલું આ વન એક જ જગ્યાએ અનેક વિશ્વની અનુભૂતિ કરાવે છે. અહીં 450 પ્રકારની ઔષધિઓ, 275 જાતના પક્ષીઓ, 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ અને 32 પ્રકારના સરીસૃપ જીવો વસે છે. આ સાથે ગાઢ જંગલમાં રીંછ, ઝરખ, દીપડા, સાપ અને ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે.અહીં ગીધથી લઇ ચકલી સુધી વિવિધ પ્રજાતિના પક્ષીઓ તેમજ માણસના કદ જેટલા કરોળિયાના જાળાં તમારા પ્રવાસના રોમાંચને બેવડો કરશે. વિજયનગરનું આ પોળો જંગલ 3 થી 4 કિલોમીટરના વ્યાપમાં વિસ્તરેલું છે. અહીં મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય વર્ષાઋતુ છે. વર્ષાઋતુમાં વરસેલા વરસાદને કારણે પોળોનું જંગલ કોઇ નવોઢાની જેમ નવશણગાર પહેરીને જાણે આવી હોય તેવું લાગે છે. વિજયનગર પોળો કેમ્પ સાઇટ અમદાવાદથી 110 કિલોમીટર દૂર છે.
 

Eco Tourism Sites  
4.. સાપુતારા સાઇટ, ડાંગ | Saputara Dang
 
અમદાવાદથી 409 કિલોમીટરના અંતરે આવેલ આ ઇકો ટુરિઝમ સાઇટ એ ચોમાસામાં સહેલાણીઓને મનોરમ્ય નજારાની સોગાદ આપે છે. એડવેન્ચરને પસંદ કરતા લોકો માટે એડવેન્ચર સ્પોર્ટ્સ અને પ્રકૃતિના ખોળે રહેવા માગતા સહેલાણીઓ માટે અહીં રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જ્યારે હાથગઢનો કિલ્લો, પાંડવ ગુફાઓ તેમજ રજત પ્રતાપથી લઇને ત્રિધારા સુધીના વિસ્તારો પર્વતારોહકો માટે શ્રેષ્ઠ છે. અહીં સર્પગંગા તળાવ, શબરીધામ, સીતાવન, ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, સપ્તશ્રૃંહી દેવી મંદિર જેવા જોક સ્થળો આવેલા છે.
 

Eco Tourism Sites  
5.. કેવડી ઇકો ટુરિઝમ સાઇટ, છોટાઉદેપુર | Kevdi Eco Tourism Gujarat
 
કેવડી ઇકો ટુરિઝમ સાઇટ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી છે. વડોદરાથી 110 કિલોમીટરના અંતરે આવેલ આ જંગલ રતન મહાલ અને જાંબુઘોડા અભ્યારણને એકબીજા સાથે જોડે છે. આ ઇકોટુરિઝમ સાઇટ પ્રકૃતિ પ્રેમીઓમાં તેની જૈવિક વિવિધતા તેમજ કુદરતી સૌંદર્યના કારણે ખૂબ જ લોકપ્રિય છે. વહેતી નદી તેમજ સાગ, બોર, મહુડો, કુસું, ખેર, ખાખરો, કિલાઇ વિગેરે જાતિના વૃક્ષો અહીં મુખ્ય કેમ્પસાઇટની સુંદરતાને વધુ દીપાવે છે. ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળતી ઉડતી ખિસકોલી અહીંની ખાસ વિશેષતા છે.
 

Eco Tourism Sites  
 
6..વઢવાણા વેટલેન્ડ, ડભોઇ | Vadhvana Wetland
 
આંતરરાષ્ટ્રીય મહત્ત્વના વેટલેન્ડ (જળપ્લાવિત વિસ્તાર) અને પક્ષીતીર્થની યાદીમાં સામેલ વઢવાણા વેટલેન્ડ સાઇટ રામસાઇટનો દરજ્જો ધરાવે છે. વઢવાણા તળાવ વડોદરા જિલ્લાના ડભોઇથી અંદાજે 10 કિલોમીટર અને જાંબુઘોડાથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અંદાજે 100 વર્ષ પહેલા સિંચાઇના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. 10. 38 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ આ તળાવ 22 ગામોને પાણી પૂરું પાડે છે. અહીં દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન 200થી વધુ જાતના યાયાવર પક્ષીઓ આવે છે.અહીં ગાજહંસ ઉપરાંત રાજહંસ, ભગવી સુરખાબ, સિંગપર નાની મૂર્ઘાબી, રાખોડી કારચિયા, પિથાસણ, કાળી ચાંચ ઢોનક, પાન પટ્ટાઇ, ભગતડું જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. અહીં બોટિંગ અને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
 

Eco Tourism Sites  
 
7.. વિશાલ ખાડી ઇકો સાઇટ, રાજપીપળા | Vishala Khadi Eco Tourism
 
આ ઇકોટુરિઝમ સાઇટ રાજપીપળા- નેત્રાંગ રોડ પર સ્થિત છે. રાજપીપળાથી લગભગ 25 કિલોમીટર અને નેત્રાંગથી 20 કિલોમીટરના અંતરે આવેલી આ સાઇટ કરજણના જંગલ, દેડિયાપાડાના જંગલ તેમજ ડાંગના જંગલ સાથે જોડાયેલી છે. અહીં પ્રકૃતિ પ્રેમીઓ માટે નાના ધોધ, કોતરો,સમૃદ્ધ વન સહિતના અનેક આકર્ષણો છે. આ કેમ્પસાઇટમાં પક્ષી દર્શન, ટ્રેકિંગ, આકાશ દર્શન, નાઇટ વૉક, સાંસ્કૃતિક કાર્યક્રમ, જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે.
 
નોંધ...
 
પ્રકૃતિ આપણને સતત કંઇક આપતી રહે છે. કુદરતના ખોળે વસેલી ઇકો સાઇટએ આનંદ, સાહસ અને રોમાંચ સહિત અનેક અનુભૂતિઓની દેણ આપે છે અને કંઇ- કેટલા જીવોનું ઘર પણ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જતનના સંકલ્પ સાથે આપણે પ્રકૃતિ તરફની આપણી ફરજનું પાલન કરીએ અને કુદરતની આ સુંદરતાને અકબંધ રાખવામાં આપણું યોગદાન આપીએ.
 
 
- જ્યોતિ દવે 
 
----