Biography Of Birsa Munda | અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર આદિવાસી વીરપુરૂષ ભગવાન બિરસા મુંડાની કહાની

Biography Of Birsa Munda | એક સમય જ એવો આવ્યો કે બિરસાના માતા-પિતા અને ખુદ બિરસાએ પણ પોતાનો સ્વધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો. કહાની અહીંથી જ શરૂ થાય છે. આજે બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પુજાય છે. ધરતી આબા એટલે કે ‘જગત પિતા’ તરીકે એક એક આદિવાસી એમને માન આપે છે.

    ૦૯-જૂન-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Biography Of Birsa Munda

જળ-જંગલ અને જમીન માટે સંઘર્ષ કરનાર આદિવાસી વીર પુરુષ ભગવાન બિરસા મુંડાની કહાની | Biography Of Birsa Munda

 
એવું કહેવાય છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમના હાથમાં બાઈબલ હતી અને આપણા હાથમાં જમીન. પરંતું એ ગયા ત્યારે આપણા હાથમાં બાઈબલ રહી ગઈ અને એમના હાથમાં જમીન. આ એક જ વાક્યમાં અંગ્રેજોના ષડયંત્રની સમગ્ર કહાની બયાન થઈ જાય છે. એ લોકો ભારત લૂંટવા આવ્યા હતા અને એ માટે એમણે ધર્માંતરણનો પણ મોટા પાયે ઉપયોગ કર્યો હતો. એમણે ક્યાંક સેવા અને માનવતાના નામે ધર્માંતરણ કર્યું, ક્યાંક લોભ અને લાલચ આપીને તો ક્યાંક અત્યાચારો કરીને.
 
મોટાભાગે ગરીબ, લાચાર અને અશિક્ષત લોકો જ ધર્માંતરણનો શિકાર બનતા હતા એ વાત અંગ્રેજોના ધ્યાને આવી જતાં તેમણે ખાસ કરીને અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વધારે જોર આપ્યું.
 
૧૮૯૦-૯૨ના કાલખંડમાં રાંચી-ઝારખંડના વિસ્તારોમાં રહેતા મુંડા આદિવાસીઓનું મોટા પાયે ધર્માંતરણ થયું. અંગ્રેજોએ એમના પર અમાનુષી અત્યાચારો ગુજાર્યા, મિશનરીઓએ લોભ-લાલચ આપીને પોતાના તરફ આકષ્ર્યા, જમીનદારો અને શાહૂકારોએ જમીનો પડાવી લીધી અને અંગ્રેજ સરકાર સાથે મળીને એમના પર અત્યાચાર કરવામાં કંઈ બાકી ના રાખ્યું.
 

Biography Of Birsa Munda 
એ બાળકનું નામ રાખવામાં આવ્યું બિરસા….
 
ભારત ભૂમિની એ ખાસિયત રહી છે કે જ્યારે જ્યારે અંધકાર વધી જાય ત્યારે ઉજાસ પથરાય જ છે. આ ધરતી પર જ્યારે જ્યારે આતંકીઓએ તાંડવ મચાવ્યુ છે ત્યારે ત્યારે એને નાથવા માટે કોઈ ને કોઈ વીર પુરુષનો જન્મ થયો જ છે. જમીનદારો, અંગ્રેજો અને મિશનરીઓના ભયંકર અત્યાચારોનો જડબાતોડ જવાબ આપવા રાંચીની એ ભૂમિ પર પણ એક વીરનો જન્મ થયો. વર્તમાન ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાના ઉલિહાતુ ગામમાં રહેતા સુગના મુંડા અને કરમી મુંડાના ઘરે ૧૫મી નવેમ્બર-૧૮૭૫ના દિવસે એક દિવ્ય બાળકનો જન્મ થયો અને એ દિવસથી અંગ્રેજોના બુરા દિન શરૂ થઈ ગયા. એ બાળકનું નામ રાખવામાં આવ્યું બિરસા.
 

Biography Of Birsa Munda 
 
બિરસાએ પણ પોતાનો સ્વધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો….!!
 
ઘનઘોર જંગલમાં પ્રકૃતિની ગોદમાં ઉછરતા બિરસાએ બાળપણથી જ લાચારી, ગરીબી અને અત્યાચારો જોયા. નાની ઉંમરમાં એને સમજણ પડવા લાગી હતી કે આ અત્યાચારો કોણ ગુજારે છે અને શા માટે. પણ કાળ કોને કહ્યો, એક સમય જ એવો આવ્યો કે બિરસાના માતા-પિતા અને ખુદ બિરસાએ પણ પોતાનો સ્વધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો.
 
કહાની અહીંથી જ શરૂ થાય છે. આજે બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પુજાય છે. ધરતી આબા એટલે કે ‘જગત પિતા’ તરીકે એક એક આદિવાસી એમને માન આપે છે.
 
પછી શરૂ થાય છે ‘ઉલગુલાન’.......
 
ખુદ ઈસાઈ બની જનાર આ બિરસા મુંડાના જીવનમાં એવા પરિવર્તનો આવે છે કે સાંભળીને આપણા રૂંવાડા ઉભા થઈ જાય. તેઓ એક સમયે વૈદ્ય તરીકે પણ પ્રખ્યાત થાય છે અને ચમત્કારી સંત તરીકે પણ તેમનો બોલબાલા થાય છે. પણ એમનું સપનું હોય છે ગરીબ, લાચાર, અભણ આદિવાસીઓને પાખંડીઓના શકંજામાંથી છોડાવવાનું અને એમની જમીન પાછી અપાવવાનું. એક સમય એવો આવે છે કે તેઓ સમગ્ર અંગ્રેજ સરકાર સામે પડકાર બનીને ઉભા રહે છે. રાંચી અને આસપાસના ગામના લોકોને જાગ્રૃત કરીને ઈસાઈમાંથી પાછા સ્વધર્મમાં પરત લાવે છે. બંદૂકોથી સજ્જ હજ્જારોની સેના સામે બિરસા તીર-કામઠા જેવા પરંપરાગત હથિયારો લઈને પડે છે અને એમના પગ તળેથી જમીન સેરવી લે છે.
 
હજ્જારો મુંડા આદિવાસીઓ એમના કારણે હિંમત જુટાવી શકે છે અને લડવા માટે તૈયાર થાય છે. પછી શરૂ થાય છે ‘ઉલગુલાન’.... ઉલગુલાન એટલે જળ-જંગલ અને જમીન પર દાવેદારીનો સંઘર્ષ. એ સંઘર્ષની કહાની વીરતા ભરેલી તો છે જ પણ સાથે સાથે વેદનાની ટીસ પણ એમાં છે. તેમણે આદિવાસીઓને હક માટે નીડરતા પૂર્વક લડતા શીખવ્યુ અને ‘અબુઆ દિશુમ.... અબુઆ રાજ...’ અર્થાત ‘આપણો જ દેશ અને આપણું જ રાજ’નો નારો આપ્યો.
 

Biography Of Birsa Munda 
 
બિરસા મુંડા ભારતના આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક છે. માત્ર ૨૫ વર્ષની વયે આદિવાસીઓના હકો માટે લડતા લડતા શહીદ થનારા આ વીર પુરુષ ભારતનું ગૌરવ છે. તેમણે આટલી નાની ઉંમરમાં જે ખ્યાતીઓ અને વીરતા પ્રાપ્ત કરી હતી એ અજોડ હતી. એમણે ભારત વર્ષની આઝાદીના ઈતિહાસમાં વીરતાનું એક અનોખું પ્રકરણ ઉમેર્યું છે જેના માટે આપણો ઈતિહાસ સદૈવ એમનો ઋણી રહેશે.
 

Biography Of Birsa Munda 
 
ગુજરાતીમાં લખાયેલી એકમાત્ર નવલકથા…
 
બિરસા મુંડા બિશે ગુજરાતીમાં અનેક પુસ્તકો લખાય છે. તેમા તેમના વિશે ખૂબ સરસ માહિતી છે પણ બિરસા મુંડા વિશેની નવલકથા વાંચવી હોય તો તે એક જ છે અને તે પુસ્તકનું નામ છે “વનદેવતા”. આ પુસ્તક ગુજરાતના પ્રખ્યાત લેખક અને સાધના સાપ્તાહિકના સહતંત્રી રાજ ભાસ્કરે લખી છે. આ નવલકથા વાંચો એટકે લાગે કે કોઇ બિરસા મુંડાની ફિલ્મ તમારી સામે ચાલી રહી હોય. સંવાદથી લઈને વર્ણન આ પુસ્તકમાં ખૂબ સરસ છે. પુસ્તક ૨૭૬ પાનાનું છે પણ વજનમાં ખૂબ હલકું છે. કિંમત ૩૪૯ રૂપિયા છે. નવભારત સાહિત્ય મંદિર દ્વારા તે પ્રકાશિત થયું છે.
 

Biography Of Birsa Munda 
 
બિરસાની વીરતા અને દિવ્યજીવનના આખે આખા ઈતિહાસને આ પુસ્તકમાં સાંકળવાનો પ્રયત્ન થયો છે. આ પુસ્તક નવલકથા રૂપે લખાવામાં આવ્યું છે. અનેક પુસ્તકોના સંદર્ભ દ્વારા આનું સર્જન થયું છે. ક્યાંક તેમના જન્મ સ્થળ વગેરે બાબતે બે ભિન્ન મતો પ્રવર્તતા જોવા મળે છે પરંતું વધારે ઓથેન્ટિક હોય તે ઈતિહાસનો આ પુસ્તકમાં સમાવશે કર્યો છે.
 
ભગવાન બિરસાના મૃત્યુને આજે એકસોને એકવીસ વર્ષ વીતી ગયા છે. આજે ય તેઓ ભગવાન જેમ પુજાય છે. બિરસા મુંડાની સમાધી રાંચીમાં કોકર પાસે ડિસ્ટિલરી પુલ પાસે સ્થિત છે. ત્યાં તેમની વિશાળ પ્રતિમા પણ બનાવવામાં આવી છે. આ પવિત્ર સ્થાને હજ્જારો લોકો માથુ ટેકવે છે. બિરસાના માનમાં રાંચીમાં જ બિરસા મુંડા કેન્દ્રીય કારાગાર તથા બિરસા મુંડા એરપોર્ટ પણ બનાવવામાં આવ્યા છે.
 
બિરસા મુંડાએ આ ધરતી પર જન્મ લીધો એ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. આ લેખ થકી અંગ્રેજો સામે આઝાદીનું રણશીંગુ ફૂંકનાર ભગવાન શ્રી બિરસા મુંડાને શબ્દ રૂપી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
 
 
 

હિતેશ સોંડાગર

હિતેશ સોંડાગર સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધના સાપ્તાહિકનું સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે.