સાપુતારા - ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ હિલ સ્ટેશન, ઇતિહાસ, જોવાલાયક સ્થળો, કેવી રીતે પહોંચવું । Saputara

Saputara | મહાબળેશ્વર, કુર્ગ નહીં ચોમાસામાં ગુજરાતના આ હિલ સ્ટેશન અહીં જઇ આવો । કુદરતના કેનવાસમાં અલભ્ય રંગોની છટા અને નજારો અહીં માણવા જેવો છે

    ૧૦-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |


Saputara
 
- અમદાવાદથી 420 કિલોમીટરના અંતરે આવેલુ છે સાપુતારા | Saputara
 
- આ સ્થળ ‘એડવેન્ચર ટુરિઝમ’ તરીકે જાણીતું બન્યું છે
 
- અહીં પ્રાકૃતિક સૌંદર્ય, પૌરાણિક સ્થળો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો આવેલા છે
 
- ભગવાન રામે તેમના 14 વર્ષના વનવાસમાંથી 11 વર્ષ અહીં વિતાવ્યા હોવાની માન્યતા છે
 
- પાંડવોએ પણ તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહીં વસવાટ કર્યો હોવાનું મનાય છે
 
- અહીં આવેલ શિખરમાં માતાજી સ્વયં પ્રગટ થયા હોવાની દંતકથા પ્રચલિત છે
 
- છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્માણ કરવામાં આવેલા હડગઢના કિલ્લાના વ્યૂપોઇન્ટમાંથી અદ્ભત નજારો માણવા જેવો છે
 
ગુજરાતમાં ચોમાસાની ઋતુ પુરબહારમાં ખીલી છે ત્યારે કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ લોકપ્રિય સ્થળોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ સાપુતારા હિલ સ્ટેશન સહેલાણીઓના મનગમતા સ્થળોની યાદીમાં ટોચના સ્થાને આવે. ચોમાસામાં પ્રકૃત્તિ અહીં સોળે કળાએ ખીલે છે અને તેનો નજારો માણવા જેવો હોય છે.
 

Saputara  
 
ચોતરફ હરિયાળી, પર્વતો જોડે ગોષ્ઠિ કરતા વાદળો, વરસાદથી ભીંજાઇને તૃપ્ત થતા પર્વતો, કોતરો અને ભેખડોની આગોશમાંથી છૂટીને મુક્ત રીતે વહેતા ધોધ અને વરસાદના પાણીને પોતાની અંદર સમાવીને ભીની માટીની માદક ખુશબો પ્રસરાવતી ધરતી – કુદરતના કેનવાસના આ રંગોને માણવા માટે ચોમાસાની ઋતુમાં સાપુતારાની એક મુલાકાત તો અવશ્યથી લેવી જોઇએ.
 
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું આ હિલ સ્ટેશન ( Saputara Hill Station ) દરિયાઇ સપાટીથી અંદાજે 875 મીટર ઊંચાઇ પર સ્થિત છે. અહીં કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક અને ઐતિહાસિક માહાત્મય ધરાવતા સ્થળો આવેલા છે. આથી જ સહેલાણીઓ, પ્રકૃતિ પ્રેમી અને એડવેન્ચરના શોખીનોમાં આ જગ્યા હોટ ફેવરિટ છે.
 

Saputara  
 

જોવાલાયક સ્થળો | Saputara Tourist Places

 
 
હાથગઢ કિલ્લો – Hathgad Fort
 
સાપુતારાથી પાંચ કિલોમીટર દૂર હાથગઢનો કિલ્લો આવેલો છે. 3,500 ફૂટની ઊંચાઇએ સ્થિત આ કિલ્લો અતિ પ્રાચીન છે. આ કિલ્લાનું 16મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્માણ કરાયું હતું. અહીં ભગવાન શિવની મૂર્તિઓ જોવા મળે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ અડીને આવેલા આ કિલ્લાનો ઉપયોગ પહેલાંના સમયમાં ‘વોચ ટાવર’ તરીકે થતો. આ કિલ્લામાં અનેક એવા વ્યૂ પોઇન્ટ આવેલા છે, જ્યાંથી આખા ગામનો નજારો માણી શકાય છે. ફોટોગ્રાફી માટે આ જગ્યા ઉત્તમ સ્થળ છે.
 

Saputara  
 
સાપુતારા (સર્પગંગા) સરોવર | Saputara Sarovar | Sarpganga
 
સાપુતારા હિલ સ્ટેશનથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે આવેલું આ તળાવ માનવ નિર્મિત છે. પિકનિક સ્પોટ તરીકે આ સ્થળ સહેલાણીઓમાં લોકપ્રિય છે. અહીં સહેલાણીઓ બોટિંગનો લુત્ફ ઉઠાવી શકે છે.
 
સપ્તશ્રૃંગી દેવી મંદિર | Saptashrungi Devi Temple
 
આ મંદિર સાપુતારા હિલ સ્ટેશન પર આવેલું છે. સાત શિખરો વચ્ચે ઘેરાયેલું હોવાથી મંદિરનું નામ સપ્તશ્રૃંગી માતા મંદિર તરીકે પ્રચલિત છે. આ પર્વતના શિખર પર માતાજી પ્રગટ થયા હોવાની માન્યતા છે. 18 હાથમાં વિભિન્ન શસ્ત્ર લઇને ઊભેલા માતાજીની 10 ફૂટ લાંબી પ્રતિમા મંદિરમાં બિરાજમાન છે.
 
પાંડવ ગુફા | Pandav Gufa
 
રોમાંચ પેદા કરનારું આ સ્થળ સહેલાણીઓને વિશેષ રીતે આકર્ષે છે. પાંડવોએ વસવાટ માટે આ ગુફાનો ઉપયોગ કર્યો હોવાની માન્યતા પ્રચલિત છે.
 

Saputara  
શબરી ધામ | Shabari Dham
 
ચમક ડુંગર પર સ્થિત શબરીધામ પૌરાણિક સ્થળ છે. ભગવાન રામ આ હિંદુ મંદિરમાં એક ભીલ મહિલા શબરીને મળવા આવ્યા હતા. કથિત રીતે અહીં ત્રણ પથ્થર છે. કહેવાય છે કે આ ત્રણ પથ્થર પર રામ, લક્ષ્મણ અને શબરી એકસાથે બેઠા હતા.
ટાઉન વ્યૂ પોઇન્ટ | Town View Point
 
આખા શહેરનો મનોરમ્ય નજારો માણવા માટે ટાઉન વ્યૂ પોઇન્ટ સહેલાણીઓમાં લોકપ્રિય છે.
 
સન રાઇઝ અને સન સેટ પોઇન્ટ | Sunrise and Sunset Point
 
કુદરતે છૂટા હાથે સુંદરતા વેરી હોય તેવા સ્થળે સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોની આભા અને દ્રશ્યને ચૂકીએ તો કેમ ચાલે! સાપુતારાના આ સ્થળે ‘PAUSE’ મોડમાં આવી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારાની ક્ષણોને કેદ કરવાનું ચૂકતા નહીં.
 

Saputara  
 
સાપુતારા આર્ટિસ્ટ વિલેજ | Sapurata Village
 
હિલ સ્ટેશન પર આર્ટિસ્ટ ગામ વસેલું છે, અહીં સાંસ્કૃતિક અને પારંપરિક મૂલ્યોને સાચવીને બેઠેલા આર્ટવર્ક પ્રદર્શન રૃપે જોવા મળે છે.
 

Saputara  
 
ગિરા ધોધ | Gira Dhodh
 
સાપુતારા- સુરત હાઇવેથી 54 કિલોમીટર દૂર આવેલો આ ધોધ વઘાઇ શહેરથી 3 કિલોમીટરના અંતરે છે. અંબિકા નદીનું પાણી અહીં ધોધ સ્વરૃપે પડે છે. ચોમાસામાં આ સ્થળની સુંદરતા સોળે કળાએ ખીલે છે.
 
સાપુતારા નામ કેવી રીતે પડ્યું | Sapurata
 
આ વિસ્તારમાં પહેલાના સમયમાં પુષ્કળ સાપ જોવા મળતા હોવાથી સાપોની નગરી ‘સાપુતારા’ નામ પડ્યું હોવાનું મનાય છે. અહીં સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિ જોવા મળે છે. સ્થાનિકો પ્રસંગોપાત આ સ્થળની પૂજા- અર્ચના કરે છે તેમજ અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. પ્રાચીન કાળમાં આ પ્રદેશ દંડાકારણ્ય તરીકે ઓળખાતો હતો. ભગવાને રામે પોતાના વનવાસ કાળના 11 વર્ષ અહીં વિતાવ્યા હોવાની માન્યતા છે. આથી જ આ ગીચ જંગલ વિસ્તાર ‘સીતાવન’ તરીકે ઓળખાય છે.
 

Saputara  
 
માણવા જેવો મોન્સૂન ફેસ્ટિવલ | Saputara Monsoon Festival
 
સાપુતારામાં આગામી 30 જુલાઇથી 31 ઓગસ્ટ 2023 સુધી ‘મોન્સૂન ફેસ્ટિવલ’ યોજાશે. આ મોન્સૂન ફેસ્ટિવલમાં સહેલાણીઓ માટે અનેક આકર્ષણો જોવા મળશે. જેમાં એડવેન્ચર એક્ટિવિટી, ટ્રાઇબલ સ્પોર્ટ્સ, ગ્રામીણ કલાકારો દ્વારા બનાવેલી ચિત્ર કૃતિ તેમજ સ્થાનિક ભોજન જેવા આકર્ષણો જોવા મળે છે. જ્યારે દહીં – હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ તેમજ નેચર ટ્રેઝર હન્ટ જેવી રમતો સહેલાણીઓમાં રોમાંચ ઊભો કરે છે.
 
કેવી રીતે પહોંચવું | How To Reach Saputara ? 
 
અહીંથી નજીકનું શહેર વધઇ 51 કિલોમીટર દૂર આવેલું છે. અમદાવાદથી સાપુતારા વચ્ચે 409 કિલોમીટરનું અંતર છે. જ્યારે સુરતથી 164 કિલોમીટર, મુંબઇથી 250 કિલોમીટર, વડોદરાથી 309 કિલોમીટર અંતર છે. આ શહેરોથી સાપુતારા જવા માટે રાજ્ય પરિવહન અને ખાનગી બસો ઉપલબ્ધ છે.
 
રેલ માર્ગ – સૌથી નજીકનું રેલવે સ્ટેશન બિલિમોરા – વઘઇ છે. સુરત, અમદાવાદ અને મુંબઇથી આવતા લોકો માટે બિલિમોરા સગવડભર્યુ રેલવે મથક છે.
 
- જ્યોતિ દવે

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.