ગૂગલનું સર્ચ એન્જિન આજે પકોડીને અનોકી રીતે માન આપ્યું છે. કેમ ખબર છે…!?

12 Jul 2023 14:36:55

google search engine and pakodi
 
 
ગૂગલ પાણીપુરીનો ઉત્સવ કેમ મનાવી રહ્યું છે? પાણીપુરીનો ઇતિહાસ જાણવા જેવો છે! આટલા બધા નામ છે પાણીપુરીના…!!
 
આજે તમે ગુગલના હોમ પેજ પર જાવ તો પાણીપુરી જોવા મળશે. પાણીપુરી એટલે કે પકોડી. ભારતનું આ સૌથી લોકપ્રીય ફૂડ ગણાય છે. મહિલાઓને તે વધુ ભાવે. ગૂગલનું સર્ચ એન્જિન આજે પકોડીને અનોકી રીતે માન આપ્યું છે.
 
Google એ પકોડીનું Doodle બનાવ્યું છે. આ ડૂડલમાં ગૂગલનું સર્ચ એન્જિન પકોડી વેચનાર ભાઇને પોતાના ગ્રાહકોને મનપંસદ ફ્લેવરમાં પકોડી વેચવા માટે મદદ કરી રહ્યું છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે ભારતમાં વ્યંજનોની કોઇ કમી નથી છતાં ગૂગલે પકોડીને જ કેમ મહત્વ આપ્યું? આ જાણવું હોય તો પાણીપુરીનો એક રેકોર્ડ જાણવો પડે…
 
ગૂગલનું સર્ચ એન્જિન ( Google Search Engine ) વિશેષ તહેવારના દિવસે કે કોઇ ખાસ ઉપલબ્ધિના દિવસે જે તે સંદર્ભનું ડૂડલ ( Doodle ) બનાવી તેનો ઉત્સવ ઉજવે છે. પકોડી સાથે પણ આજનો દિવસ વિશેષ રીતે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે આજના દિવસે જ એટલે કે ૧૨ જુલાઈ ૨૦૧૫ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એક હોટલે પોતાના ગ્રાહકોને ૫૧ ફ્લેવર્સ વાળી પકોડી ખવડાવી હતી. હવે આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ હોટલનું નામ Golden Book of World Records માં નોંધાયું છે. આ એક અનોખો રેકોર્ડ છે જે આજના દિવસે નોંધાયો હતો. આજે આઠ વર્ષ પછી આ રેકોર્ડને સમ્માન આપી ગૂગલ આ રીતે તેની ઉજવણી કરી રહ્યું છે.
 
ભારતમાં આ ફૂડના અનેક નામ છે. આપણે તો પકોડી કહીએ છીએ પણ હિન્દીભાષી રાજ્યોમાં તેને પાનીપુરીના નામે લોકો ઓળખે છે. આ ઉપરાંત દિલ્હી, જમ્મુ-કાશ્મીર તથા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પકોડીને ગોલ ગપ્પા તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પકોડીને પુચકા કે ફૂચકાના નામે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પતાશી, ફુલ્કી, બતાશે, પતાશી, ફુસ્કા, પુસ્કા, ગુપચુપના નામે પણ ઘણા રાજ્યોમાં લોકો ઓળખે છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે ગૂગલે ( Google ) પકોડીના પરિચયમાં એશિયાઈ સ્ટ્રીટ ફૂડ એવું લખ્યું છે. જે બહારથી કરકરું હોય છે અને અંદર બટેકા, ચણા અને મરચા સાથેનું પાણી ભરેલું હોય છે. ગૂગલ કહે છે કે પાણીપુરી સાથે ફ્લેવર્ડ (આમલી-ફૂદીના) પાણી પણ હોય છે…
Powered By Sangraha 9.0