ચોમાસામાં ગુજરાતના સૌથી રમણીય અને ફરવાલાયક 7 સ્થળોની મુલાકાત લેવાનું ચૂકાય નહીં!

Gujarat Monsoon Places | ચોમાસામાં ગુજરાતના અનેક સ્થળોએ કુદરત પૂરબહારમાં ખીલે છે ત્યારે લીલીછમ હરિયાળીને ભેદીને લોંગ ડ્રાઇવ પર જવાનો આનંદ સ્વર્ગમાં મહાલવાની અનુભૂતિ કરાવે છે. બસ, ત્યારે રાહ શેની જોવાની! આ ચોમાસામાં કુદરતની નિશ્રામાં રહેલા આ સ્થળોને ખૂંદવા પહોંચી જાઓ. ચાલો જાણીએ, ચોમાસામાં ગુજરાતમાં ફરવાલાયક આવા જ કેટલાક સ્થળો વિશે.

    ૧૮-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Gujarat Monsoon Places
 
 
# Gujarat Monsoon Places
# ચોમાસાની ઋતુમાં કુદરતનું સાનિધ્ય પ્રવાસના રોમાંચને બેવડાવે છે
# પારનેરા ડુંગરનો ઇતિહાસ પેશવાકાળ અને શિવાજી મહારાજ સાથે સંકળાયેલો છે
#   કડિયા ધ્રોમાં કુદરતની શિલ્પકારી અને વહેતા પાણીનો અદ્ભુત સમન્વય જોવા મળે છે
# ‘સાપુતારા’ આ નામ કોઇપણ ગુજરાતીઓની આંખોમાં ચમક લાવવા પૂરતું છે
# ચોમાસામાં વિલ્સન હિલ સ્ટેશન અને શંકર ધોધ આગવું સૌંદર્ય ધારણ કરે છે
# પોળોનું જંગલ એક જ જગ્યાએ સાહસ, રોમાંચ, શાંતિ સહિત અનેક વિશ્વની અનુભૂતિ કરાવે છે
 
Gujarat Monsoon Places | ધીમી ધારનો વરસાદ, ચારેકોર લીલીછમ વનરાજી, તન અને મનને તરોતાજા કરી દેતી ભીની માટીની સોડમ – ચોમાસામાં ધરતી નવોઢાનું રૃપ ધારણ કરે ત્યારે કુદરતના સાનિધ્યમાં રહેવાની, જોવાની અને તેને માણવાની મજા જ અનેરી છે! કાળઝાળ ગરમી બાદનો વરસાદ કુદરત જાણે મુલતાની માટીનો ‘લેપ’ લગાડતી હોય તેવી ઠંડક આપે છે. ચોમાસામાં ગુજરાતના અનેક સ્થળોએ કુદરત પૂરબહારમાં ખીલે છે ત્યારે લીલીછમ હરિયાળીને ભેદીને લોંગ ડ્રાઇવ પર જવાનો આનંદ સ્વર્ગમાં મહાલવાની અનુભૂતિ કરાવે છે. બસ, ત્યારે રાહ શેની જોવાની! આ ચોમાસામાં કુદરતની નિશ્રામાં રહેલા આ સ્થળોને ખૂંદવા પહોંચી જાઓ. ચાલો જાણીએ, ચોમાસામાં ગુજરાતમાં ફરવાલાયક આવા જ કેટલાક સ્થળો વિશે..
 

Gujarat Monsoon Places 
 

# 1 સાપુતારા Saputara Hill Station અહીં કુદરતના પ્રેમમાં પડી જશો

Saputara Hill Station | ‘સાપુતારા’ આ નામ કોઇપણ ગુજરાતીઓની આંખોમાં ચમક લાવવા પૂરતું છે. સહેલાણીઓમાં આ સ્થળ ‘વીકએન્ડ ગેટવે’ તરીકે લોકપ્રિય છે, તો વળી ચોમાસામાં પર્વતો અને વાદળો વચ્ચેની સંતાકૂકડી, લીલીછમ વનરાજી, ઝરણાંનો ખળખળ અવાજ પ્રકૃત્તિપ્રેમીઓ માટે કુદરતમાં એકાકાર થવાનું માધ્યમ બને છે. ડાંગ જિલ્લામાં આવેલું આ હિલ સ્ટેશન આશરે 875 મીટર જેટલી ઊંચાઇ પર સ્થિત છે. અહીં કુદરતી સૌંદર્ય સાથે ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો પણ આવેલા છે. શિવાજી મહારાજ દ્વારા સ્થાપિત હાથગઢનો કિલ્લો, સપ્તશ્રૃંગી દેવી મંદિર, પાંડવ ગુફા, સ્ટેપ ગાર્ડન, ટાફન વ્યૂ પોઇન્ટ, સનસેટ અને સનરાઇઝ પોઇન્ટ, શબરી ધામ, ઋતુભરા વિદ્યાલય, સર્પગંગા તળાવ જેવા સ્થળો જોવાલાયક છે.
 

Gujarat Monsoon Places 
 
#2 પારનેરા ડુંગર | Parnera Hill | અદ્ભુત નજારો માણવા માટેનું શ્રેષ્ઠ સ્થળ
 
વલસાડ શહેરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા આ ડુંગર પર ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. ‘પાર’ નદી પાસે આ ડુંગર આવેલો હોવાથી પારનેરા નામ પડ્યું છે. અહીં આસપાસના વિસ્તારોમાં અનેક ટ્રેકિંગ પોઇન્ટ આવેલા છે.
 
આથી, ટ્રેકિંગના શોખીનો માટે આ જગ્યા પરફેક્ટ મનાય છે. ઉપરાંત અહીં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો અનેરું મહાત્મય ધરાવે છે. આ ડુંગર પર અંદાજે 500 પગથિયા છે અને ચઢાણ પણ કપરું છે.
 

Gujarat Monsoon Places 
 
#3 પારનેરનો કિલ્લો | Parnera Fort
 
300 મીટરની ઊંચાઇ પર સ્થિત આ કિલ્લો અલગ અલગ સમયમાં પેશવાઓ, મરાઠા, ગાયકવાડ, ફિરંગીઓ અને અંગ્રેજોના કબજામાં રહ્યો હતો. આ કિલ્લો પેશવાઇ યુગના ઝળહળતા યુગ અને અસ્તની સાક્ષી બનીને ઊભો છે. આ કિલ્લાની દક્ષિણ દિશામાં એક બારી આવેલી છે. સ્થાનિક લોકો આ બારીને ‘નાઠા બારી’ તરીકે ઓળખે છે. તેની પાછળની લોકવાયકા પણ રસપ્રદ છે.
 
મોગલ સલ્તનત સામે, ગેરીલા યુદ્ધ સમયે ધનની જરૃર જણાતા શિવાજી મહારાજે સુરત પર ચડાઇ કરી, ત્યાંથી પાછા ફરતી વખતે આ કિલ્લામાં શિવાજી મહારાજે રોકાણ કર્યું અને માતાજીની ભક્તિમાં લીન થયા. દરમિયાન માતાજીએ દુશ્મનોના આક્રમણનો સંકેત આપતા શિવાજી મહારાજ પોતાના ઘોડા મારફતે કિલ્લાની બારીને કુદાવી આ સ્થળ છોડ્યું હોવાનું મનાય છે. આ કિલ્લા સિવાય અહીં પેશ્વાસમયની ત્રણ ઐતિહાસિક વાવ આવેલી છે.
 
ધાર્મિક સ્થળો – પારનેરા ડુંગર પર આવેલા મહાકાળી માતાજી મંદિર, ચામુંડા માતા મંદિર અને સ્વયંભૂ રામેશ્વર મહાદેવના મંદિરો ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહાત્મય ધરાવે છે. અહીં સ્થિત ચામુંડા મંદિરમાં ચામુંડા માતાજીની વિશ્વની એકમાત્ર ત્રિમુખી પ્રતિમા હોવાનું મનાય છે. આ સાથે અહીં શીતળા માતા અને હનુમાનજીનું મંદિર આવેલું છે.
 
પૌરાણિક માન્યતા પ્રમાણે, મહાકાળી માતા, ચંડિકા માતા, અંબિકા માતા, શીતળા માતા અને નવદુર્ગા માતા પાંચેય દેવીઓ આ ડુંગર પર સાથે રહેતાં હતાં. પરંતુ કોઇક વાતે કાલિકા માને અન્ય દેવીઓ સાથે મતભેદ થતાં તેઓ રિસાઇને આ ડુંગરના એક ખડકમાં રહેલ ગુફામાં જઇ બિરાજમાન થયાં. આમ, આ ડુંગરમાં માતાજીનાં બે મંદિર આકાર પામ્યાં હોવાની માન્યતા છે.
 

Gujarat Monsoon Places 
 
#4 વિલ્સન હીલ | Wilson Hill | આ ગિરિમથક પરથી ઘૂઘવતા દરિયાને જોઇ શકાય છે
 
સહ્યાદ્રિ પર્વતમાળાના ખોળામાં વસેલું વિલ્સન ગિરિ મથક સમુદ્રની સપાટીથી લગભગ 2500 ફૂટની ઊંચાઇ પર પંગારબારી ગામે સ્થિત છે. આ ગિરિમથકમાં પ્રાકૃતિક રંગોની છટામાં ઓગળવાનો લહાવો તો અદ્રિતિય છે જ, સાથે અહીં આવેલા વ્યૂ પોઇન્ટથી કુદરતનો નજારો અલભ્ય દ્રશ્ય પૂરું પાડે છે. આ હિલ સ્ટેશનની અમુક ટેકરીઓ પરથી દરિયાને પણ જોઇ શકાય છે.
 

Gujarat Monsoon Places
 
#5 શંકર ધોધ | Shankar Dhodh
 
વિલ્સન પોઇન્ટથી લગભગ 6 કિલોમીટરના અંતરે આ ધોધ આવેલો છે. આ સ્થળે કોતરોની કેદમાંથી છૂટીને મુક્ત મને ખળખળ કરીને વહેતો ધોધ અને વનરાજીનું અદ્ભુત દ્રશ્યએ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઉપરાંત અહીં લેડી વિલ્સન મ્યુઝિયમ, ફિલાટેલિક અને આર્મ્સ વિભાગ, માર્બલ છત્રી પોઇન્ટ, ઓઝોન ઘાટી, બરુમલ શિવ મંદિર જેવા સ્થળો જોવાલાયક છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમી, ટ્રેકિંગ અને કેમ્પિંગના શોખીનો માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે.
 

Gujarat Monsoon Places 
 
 
 
#6 પોળો જંગલ | Polo Forest | ઐતિહાસિક અને આધ્યાત્મિક ધરોહરનું સાક્ષી છે આ જંગલ
 
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં હરણાવ નદીને કિનારે પોળોનું જંગલ આવેલું છે. કુદરત, શાંતિ, સાહસ, ઇતિહાસ અને અધ્યાત્મ જેવા અનેક વિશ્વને સંગ્રહીને બેઠેલું આ વન એક જ જગ્યાએ અનેક વિશ્વની અનુભૂતિ કરાવે છે. અહીં 450 પ્રકારની ઔષધિઓ, 275 જાતના પક્ષીઓ, 30 પ્રકારના સસ્તન પ્રાણીઓ અને 32 પ્રકારના સરીસૃપ જીવો વસે છે. કુદરતે અહીં ખોબલે ને ખોબલે સુંદરતા વેરી છે. ચોમાસામાં અહીં લીલીછમ ચાદરોએ ઝીલેલું ઝાકળ, જગ્યાએ- જગ્યાએ ફૂટી નીકળેલા ઝરણાંઓએ આનંદ અને રોમાંચના બેવડા વરસાદમાં નવડાવે છે. અહીં જોવાલાયક સ્થળોમાં અભાપુરની શિવ- શક્તિ મંદિર, કલાત્મક છત્રીઓ, શરણેશ્વર મહાદેવ મંદિર, લાખેણાંના દેરાં, રક્ત ચામુંડા મંદિર, સદેવંત અને સાવળિંગાના દેરાં, વીરેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.
 
વિજયનગર પોળો કેમ્પ સાઇટ અમદાવાદથી 110 કિલોમીટર દૂર છે. અમદાવાદથી હિંમતનગર, પ્રાંતિજ થઇને ઇડરથી પોળો જંગલ પહોંચી શકાય છે.
 

Gujarat Monsoon Places 
 
#7 કડિયો ધ્રો | Kadiya Dhrow | કુદરતના કેનવાસમાં અદ્ભુત નકશીકામ
 
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં કોટડા, થરાવડા, ભડલી, લાખીયારવીરા,જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કરોડો વર્ષ જૂની પ્રાકૃતિક સંરચના જોવા મળે છે. હકીકતમાં નખત્રાણાના દુર્ગમ વિસ્તારોમાં સપાટ રહેલા ખડકોને કાળક્રમે પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતા અચરજ પમાડે તેવી કોતરણીઓએ આકાર લીધો. જેમાંથી એક એટલે કડિયો ધ્રો. નખત્રાણા તાલુકામાં આવેલું કડિયો ધ્રો ભુજ શહેરથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સ્થળને ગુજરાતના ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખવામાં આવે છે. ભોએડ નદી તેમજ અન્ય સહાયક નદીઓ મળીને અહીં નાના જળાશય રચે છે. ચોમાસામાં આ કોતરોમાંથી વહી આવતા પાણીને કારણે મનોરમ્ય દ્રશ્ય સર્જાય છે. આ સ્થળને કુદરતની અજાયબી કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.
- જ્યોતિ દવે 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.