રામાયણ અંગે તો સૌ કોઈ જાણે છે. આપણે તેને ઘણી વાર વાંચી કે સાંભળી પણ હશે. રામાયણમાં ભગવાન શ્રી રામના સમગ્ર જીવનું આલેખન છે. જેમાં ભગવાન શ્રી રામના વનવાસ અને માતા સીતાના હરણનો પણ ઉલ્લેખ છે. આપણે આજે રામાયણના કેટલાક સ્થળોની વાત કરીશું. જ્યાં વનવાસ દરમ્યાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી રોકાયા હતા.
તમસા નદીઃ Tamasa River
અયોધ્યાથી 20 કિમીના અંતરે તમસા નદી આવેલી છે.તમસા નદીના કિનારે જ મહર્ષિ વાલ્મીકિનો આશ્રમ આવેલો હતો. આ તે નદી છે જેને શ્રી રામે હોડીની મદદથી પાર કરી હતી. આ નદી ગંગા નદીની ઉપનદી છે. તે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. તમસાને ટોંસ નદી ના નામે પણ ઓળખવામાં આવે છે. વનવાસ જતી વખતે રામ લક્ષ્મણ અને સીતાજીએ પોતાની પ્રથમ રાત આ નદીના કિનારે વીતાવી હતી. લોકો અનુસાર શ્રી રામે વનવાસ દરમ્યાન તમસા નદીને પાર કરી હતી તે વર્તમાનમાં રામચોરા નામે ઓળખાય છે.
શ્રૃંગવેરપુર તીર્થઃ Shringverpur
આ સ્થળ પ્રયાગરાજથી 20-22 કિમીના અંતરે આવેલું છે. શ્રી રામ વનવાસ દરમ્યાન અહીં પહોંચ્યા હતા. આ સ્થળ નિષાદરાજગુહનું રાજ્ય હતુ. અહીં જ તેમણે ગંગા કિનારે કાવડથી ગંગા પાર કરવાનું કહ્યુ હતુ. શ્રૃંગવેરપુરને વર્તમાન સમયમાં સિંગરૌર તરીકે ઓળખવામાં આવે છે.
કુરઈગામ
સિંગરૌરમાં ગંગા પાર કરી શ્રીરામ કુરઈમાં રોકાયા હતા.
પ્રયાગ
વનવાસ દરમ્યાન શ્રી રામ કુરઈથી આગળ વધ્યા ત્યારે શ્રી રામ , લક્ષ્મણ અને સીતા પ્રયાગ પહોંચ્યા હતા.
ચિત્રકૂટઃ Chitrakoot
વનવાસ દરમ્યાન શ્રી રામ પ્રયાગ સંગમ નજીક યમુના નદી પાર કરી ચિત્રકૂટ પહોંચ્યા હતા. ચિત્રકૂટ જ એ સ્થળ છે જ્યાં રામને મનાવવા માટે ભરત પોતાની સેના સાથે આવ્યા હતા. અહીંથી ભરત રામની ચરણ પાદુકા પોતાની સાથે લઈ ગયા હતા. ભરત શ્રી રામની પાદુકા મૂકીને રાજ્ય કરતા હતા. ચિત્રકૂટમાં ભગવાન શ્રી રામે પોતાના વનવાસના 11 વર્ષ અહીં વીતાવ્યા હતા. આ સ્થળને રામની કર્મભૂમિ પણ કહેવામાં આવે છે.
સતના
સતના એટલે હાલનું મધ્યપ્રદેશ. ચિત્રકૂટની નજીક સતનામાં અત્રિ ઋષિનો આશ્રમ હતો. પરંતુ અનસૂયા પતિ મહર્ષિ અત્રિ સાથે ચિત્રકુટના તપોવનમાં રહેતા હતા. એવું કહેવાય છે કે સતનામાં રામવન નામના સ્થળે પણ શ્રીરામ રોકાયા હતા. જ્યાં ઋષિ અત્રિનુ એક અન્ય આશ્રમ પણ હતો.
દંડકારણ્યઃ Dandakaranya
ચિત્રકૂટથી આગળ વધ્યા પછી શ્રીરામ એક ગાઢ જંગલમાં પહોંચ્યા હતા. હકીકતમાં અહીં જ તેમનો વનવાસ હતો. આ વનને તે સમયે દંડકારણ્ય કહેવામાં આવતુ હતુ. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો મળીને દંડકારણ્ય કહેવાતુ. આ વનમાં મોટાભાગે છત્તીસગઢ, ઓરિસ્સા તેમજ મધ્યપ્રદેશના રાજ્યોના મોટાભાગના વિસ્તાર આવેલા છે. ઓરિસ્સાની મહાનદીથી લઈને ગોદાવરી સુધી દંડકારણ્ય ફેલાયેલ હતુ. આ દંડકારણ્યનો જ એક ભાગ છે ભદ્રાચલમ જે આંધ્રપ્રદેશમાં છે. ગોદાવરી નદીના કિનારે વસેલ આ શહેર સીતા-રામચંદ્રના મંદિર માટે પ્રસિદ્ધ છે. આ મંદિર ભદ્રગિરિ પર્વત પર છે. કહેવાય છે કે શ્રીરામે પોતાના વનવાસ દરમ્યાન થોડો સમય આ પર્વત પર વિતાવ્યો હતો. લોકવાયકા છે કે દંડકારણ્યના આકાશમાં જ રાવણ અને જટાયુનું યુદ્ધ થયુ હતુ. આ યુદ્ધ દરમ્યાન જટાયુના કેટલાક અંગો દંડકારણ્યમાં પડ્યા હતા. વિશ્વમાં એક માત્ર જટાયુનુ મંદિર અહીં આવેલું છે. જેને જટાયુ નેચર પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. હાલના સમયમાં તે પ્રવાસીઓ માટે ફરવાનુ એક સ્થળ છે.
પંચવટી નાસિકઃ Panchavati - Nashik,
પંચવટીનો અર્થ.....
પંચવટીનો અર્થ થાય છે પંચ એટલે પાંચ અને વટી એટલે વૃક્ષ મતલબ કે પાંચ વૃક્ષ વાળુ સ્થળ એટલે પંચવટી. આ સ્થળે પાંચ વિશાળકાય વૃક્ષ હતા. તેથી આ સ્થળને પંચવટી કહેવાય છે. આ સાથે જ રામ ,લક્ષ્મણ અને સીતાજી અહીં રોકાયા હોવાથી પણ તેનું મહત્વ વધી જાય છે.
પાંચ વૃક્ષનાનામ
પંચવટી નામ જે પાંચ વિશાળકાય વૃક્ષના લીધે પડ્યુ હતુ. તેના નામ આ મુજબ છે. (1) અશ્વત્થ (2) આમલક (3) વટ (4) અશોક (5) વિલ્બ
દંડકારણ્યમાં મુનિઓના આશ્રમમાં રહ્યા પછી શ્રીરામ અગસ્ત્ય મુનિના આશ્રમમાં ગયા. જે નાસિકના પંચવટી વિસ્તારમાં આવેલો છે. આ આશ્રમ ગોદાવરી નદીના કિનારે આવેલો છે. આ એ જ સ્થળ છે જ્યાં લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું હતુ. તે ઉપરાંત અહીં જ રામ અને લક્ષ્મણે ખર અને દૂષણ સાથે યુદ્ધ કર્યુ હતુ. ગીધરાજા જટાયુ સાથે શ્રીરામની મિત્રતા પણ અહીં જ થઈ હતી. વાલ્મીકી રામાયણમાં અરણ્યકાંડમાં પંચવટીનું સુંદર અને નયનરમ્ય વર્ણન મળે છે.
આ ઉપરાંત નાસિક નામ પડવા પાછળ પણ લોકોની માન્યતા છે કે લક્ષ્મણે અહીં શૂર્પણખાનું નાક કાપ્યુ હોવાથી તેને નાસિક કહે છે. આ ઉપરાંત શ્રીરામને લગતા જેટલા પણ કાવ્ય છે તેમાં પંચવટીનો ઉલ્લેખ ચોક્કસ પણ આવે છે.
સર્વતીર્થઃ Sarvateerth
નાસિક વિસ્તારનાં શૂર્પખા, મારીચ અને ખર તેમજ દૂષણના વધ પછી જ રાવણે સીતાજીનું હરણ કર્યુ હતુ. તેમજ અહીં જ રાવણે જટાયુનો વધ કર્યો હતો. જેની સ્મૃતિ નાસિકથી 56 કિમીના અંતરે તાકેડ ગામમાં સર્વતીર્થ નામના સ્થળે આજે પણ સંરક્ષિત છે. જટાયુનું મૃત્યુ સર્વતીર્થ નામના સ્થળે થયુ હતુ. જે નાસિકના ઈગતપુરી તાલુકાના તાકેડ ગામમાં આવેલું છે. આ સ્થળને સર્વતીર્થ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ એ જ સ્થળ છે જ્યાં મરણોન્મુખ જટાયુએ સીતા માતા અંગે માહિતી આપી. રામજીએ અહીં જ જટાયુનો અંતિમ સંસ્કાર કરી જટાયુનું શ્રાદ્ધ તર્પણ કર્યુ હતુ.
પર્ણશાલાઃ Parnasala
પર્ણશાલા આંધ્રપ્રદેશમાં ખ્મ્મામ જિલ્લાના ભદ્રાચલમમાં આવેલ છે. રામાલયથી અંદાજે 1 કલાકના અંતરે પર્ણશાલા ને પનશાલા કે પનસાલા પણ કહેવામાં આવે છે. પર્ણશાલા ગોદાવરી નદીના કિનારે આવેલ છે. એવી માન્યતા છે કે આ એ જ સ્થળ છે જ્યાંથી માતા સીતાનું હરણ થયુ હતુ. જ્યારે કેટલાકનું માનવું છે કે અહીં રાવણે તેનું વિમાન ઉતાર્યુ હતુ. આ સ્થળેથી જ રાવણે માતા સીતાને પુષ્પક વિમાનમાં બેસાડ્યા હતા. અહીં રામ સીતાનું એક પ્રાચીન મંદિર પણ છે.
તુંગભદ્રાઃ Tungabhadra
સર્વતીર્થ અને પર્ણશાલા પછી શ્રી રામ-લક્ષ્મણ માતા સીતાની શોધમાં તુંગભદ્રા તથા કાવેરી નદી પહોંચ્યા હતા. અહીંના વિસ્તારોમાં અનેક સ્થળે તેમણે માતા સીતાની શોધ કરી હતી.
શબરી આશ્રમઃ Sabari Ashram
શબરી નામ સાંભળતા આપણી સમક્ષ રામાયણમાં શ્રીરામની પરમ ભક્ત શબરી યાદ આવી જાય તે સ્વાભાવિક છે. કહેવાય છે કે શબરી ભીલ સમાજની હતી. તેમના સમાજમાં કોઈ સારા પ્રસંગે પશુઓની બલિ આપવાનો રિવાજ હતા. જ્યારે શબરીને પશુઓ ખૂબ જ ગમતા. તેથી પશુઓને બલિથી બચાવવા માટે તેણે વિવાહ ન કર્યા. તેઓ ઋષિ મતંગની શિષ્યા બની ગઈ. તેમની પાસેથી તેમણે શાસ્ત્રનું જ્ઞાન પણ મેળવ્યું.
ઋષિ મતંગના આશ્રમમાં આવ્યા પછી શબરી શ્રીરામની ભક્તિમાં લીન થઈ ગઈ. તેની આ ભક્તિ જોઈ પોતાના અંત સમયમાં મતંગ ઋષિએ શબરીને કહ્યું કે શ્રી રામના દર્શનથી જ તેને મોક્ષ મળશે. મતંગ ઋષિ દ્વારા શ્રીરામના આવવાની ભવિષ્યવાણી કર્યા પછી શબરી રોજ પોતાની કુટીરના રસ્તામાં આવતા કાંટા અને પથ્થરોને હટાવતી. જેથી કરીને શ્રી રામ આવે તો તેમને પગમાં વાગે નહિ. તે રોજ ભગવાન શ્રી રામ માટે તાજા ફળો અને બોર તોડીને લાવતી. શબરીની ભક્તિ ત્યારે ફળી જ્યારે રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધમાં શબરીના આશ્રમમાં આવ્યા. તેમને જોઈ શબરીએ અશ્રુભીની આંખે શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા અને તેમને ભેટી પડી. શબરીએ શ્રી રામને બોર આપ્યા અને શબરીના એઠા બોર શ્રીરામે ખાધા. શબરીની આવી ભક્તિ જોઈ શ્રી રામે શબરીને મોક્ષ આપ્યો અને ત્યાંથી તેઓ સીતાની શોધમાં આગળ વધ્યા.
- મોનાલી ગજ્જર