શું છે સમુદ્ર મંથનમાંથી મળેલા 14 રત્નોનું મહત્વ | Samudra Manthan Story in Gujarati
સમુદ્ર મંથનનો ઉલ્લેખ આપણને મહાભારત, ભાગવત પુરાણ ,વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે. જેને દેવતા અને દાનવોએ મળીને કર્યુ હતુ. જો હિંદુ ધર્મની વાત કરીએ તો એમાં એવી ઘણી કથાઓ આપણે જોઈ શકીએ છીએ જેમાં દેવતા અને દાનવો વચ્ચે યુદ્ધ થયુ હોય. પરંતુ જો વાત સમુદ્ર મંથનની આવે તો તે ખૂબ જ પ્રચલિત છે. આ કથામાં દેવતા અને દાનવો સાથે મળી સમુદ્રમંથન કરે છે. એવું શું હતુ કે દેવતા અને દાનવો એક થયા? સમુદ્ર મંથન કેમ કરવાઅમાં આવ્યું? આવો જાણીએ...
સમુદ્ર મંથન સાથે જોડાયેલી કથા |Samudra Manthan Katha
વાત એ વખતની છે જ્યારે ઋષિ દુર્વાસા પોતાના શિષ્યો સાથે ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પર્વત તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને ઈન્દ્ર મળ્યા. ઈન્દ્રએ પણ દુર્વાસા અને તેમને શિષ્યોનો આદર સત્કાર કર્યો. જેનાથી પ્રસન્ન થઈ ઋષિ દુર્વાસાએ ઈન્દ્રને ભગવાન વિષ્ણુનુ પારિજાત પુષ્પ આપ્યું.
ધન, સંપત્તિ અને ઈન્દ્રાસનના કારણે અભિમાની ઈન્દ્રએ તે પારિજાત પુષ્પ પોતાના પ્રિય હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધુ. તે પુષ્પનો સ્પર્શ થતા જ હાથી વિષ્ણુ ભગવાનની જેમ તેજસ્વી થઈ ગયો. તેણે ઈન્દ્રની અવગણના કરી અને દિવ્ય પુષ્પને પગ નીચે કચડી વન તરફ જતો રહ્યો. તેમના દ્વારા આપવામાં આવેલ પુષ્પનું આ રીતે અપમાન થતા ઋષિ અત્યંત ક્રોધિત થયા. તેમણે ઈન્દ્રને શ્રી (લક્ષ્મી) વગરના થઈ જવાનો શ્રાપ આપ્યો.
દુર્વાસા ઋષિના શ્રાપના કારણે લક્ષ્મી તે જ ક્ષણે સ્વર્ગલોકમાંથી અદ્રશ્ય થઈ ગયા. લક્ષ્મીજી વગર ઈન્દ્ર અને અન્ય દેવતાઓ નિર્બળ અને શ્રીહીન થઈ ગયા. તેમનો બધો જ વૈભાવ જતો રહ્યો. જ્યારે આ વાતની જાણે દૈત્યોને પડી તો તેમણે સ્વર્ગલોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધુ.
તેનાથી નિરાશ થઈ ઈન્દ્ર દેવ ,દેવગુરુ બૃહસ્પતિ અને અન્ય દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે ગયા.ત્યારે બ્રહ્માજીએ ઈન્દ્ર દેવને કહ્યું કે ભગવાન વિષ્ણુના પ્રિય પુષ્પનું અપમાન કરવાના કારણે લક્ષ્મી રિસાઈને તમારી પાસેથી જતા રહ્યા છે. તમે તેને પાછી મેળવવા માંગતા હોવ તો ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિથી તમે ખોવાયેલ વૈભવ પાછો મેળવી શકશો.
સમુદ્ર મંથનનો ઉપાય
બ્રહ્માજીની વાત માની ઈન્દ્ર અને બીજા દેવતાઓ ભગાવન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા.ત્યારે ભગવાન વિષ્ણુ ભગવતી લક્ષ્મી સાથે બિરાજમાન હતા. બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુને કહ્યું કે પ્રભુ તમારા ચરણોમાં કોટિ કોટિ વંદન છે. તેમણે પોતાની વાત રજૂ કરતા ભગવાન વિષ્ણુને કહ્યું કે ઋષિ દુર્વાસાના શ્રાપના કારણે લક્ષ્મીજી અમારાથી રિસાઈ ગયા છે. તેથી દૈત્યોએ અમને પરાજિત કરી સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધુ છે. તેમની વાત સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે ક્ષીર સાગરમાં અનેક દિવ્ય પદાર્થો છે. તેની સાથે સાથે અમૃત પણ છે. જે પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. તે માટે સમુદ્ર મંથન કરવું પડે. જે અત્યંત મુશ્કેલ છે. આ કાર્ય માટે તમે દાનવોની મદદ લો. ત્યાર બાદ અમૃત પીને અમર થઈ જાવ.
ભગવાન વિષ્ણની વાત માની ઈન્દ્ર દૈત્યના રાજા બલિ પાસે સંધિ કરવા ગયા. બિલ રાજાને ક્ષીરસાગરમાં રહેલા અમૃત વિશે જણાવી તેમને સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા હોવાનો ઉલ્લેખ આપણે પુરાણોમાં જોવા મળે છે.
સમુદ્ર મંથન | Samudra Manthan | Sagar Manthan
સમુદ્ર મંથન માટે સમુદ્રમાં મંદરાચલ પર્વતને સ્થાપતિ કરવામાં આવ્યો. જ્યારે વાસુકિ નાગને દોરડું બનાવામાં આવ્યું. સમુદ્રમાં મંદરાચલ પર્વત ડૂબી ન જાય અને સ્થિર રહે તે માટે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લઈ પોતાની પીઠ પર મંદરાચલને સ્થિર રાખ્યો. ભગવાન વિષ્ણુનો કાચબા સ્વરૂપે આ દશમો અવતાર હતો. જે કૂર્મ અવતાર કહેવાયો. આમ સમુદ્ર મંથન શરૂ થયુ.
સમુદ્ર મંથન કરતી વખતે દેવતાઓએ વાસુકી નાગનો પાછળનો પૂંછડીનો ભાગ પકડયો અને દૈત્યોએ મુખનો. અમૃતની પ્રાપ્તિ માટે ખૂબ જ ઉત્સાહ સાથે સમુદ્ર મંથન શરૂ થયુ.આ સમુદ્ર મંથન દરમ્યાન તેમાંથી 14 રત્નો નીકળ્યો .જે અંગે આજે આપણે વાત કરીશું.
(1) કાલકૂટ વિષ
સમુદ્ર મંથન દરમ્યાન સૌ પ્રથમ જે રત્ન નીકળ્યુ તે હતુ કાલકૂટ વિષ.જે ખૂબ જ ઝેરી હોવાનું કહેવાય છે.એ વિષ એટલુ ભયંકર હતુ કે તેની અગ્નિથી દસે દિશાઓ બળવા લાગી. તેના પ્રભાવથી દેવતાઓ અને દાનવો બળવા લાગ્યા. તેમની તેજસ્વીતા ફીકી પડવા લાગી.
ત્યારે બધાએ મળીને ભગવાન શિવને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના પર શિવ વિષને પોતાની હથેળી પર રાખી પી ગયા. પરંતુ કંઠથી નીચે ઉતરવા ન દીધુ. તે કાલકૂટ વિષની અસરથી શિવજીનો કંઠ નીલો પડી ગયો. તેથી મહાદેવ નીલકંઠ કહેવાયા.
(2) કામધેનું ગાય
સમુદ્ર મંથન દરમ્યાન બીજુ રત્ન કામધેનું ગાય નીકળી જે ઋષિઓએ રાખી. ગાયને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. મનુષ્ય જાતિ માટે ગાય મહત્વનું પ્રાણી છે. તે સમયમાં ગાયને ધેનુ કહેતા હતા.
(3) ઉચ્ચૈઃ શ્રવા ઘોડો
ત્રીજા રત્ન રૂપે ઉચ્ચૈઃ શ્રવા ઘોડો નીકળ્યો. આ ઘોડો સફેદ રંગનો અને ઉડતો હતો. આ ઘોડો ઈન્દ્ર પાસે હતો. તેનું પોષણ અમૃતથી થતુ હતુ. આ ઘોડાને અશ્વનો રાજા માનવામાં આવે છે. ઉચ્ચૈઃ શ્રવાના ઘણા અર્થ છે જેમ કે જેનો પથ ઊંચો હોય, જેના કાન ઊંચા હોય. હવે આ પ્રજાતિના ઘોડા જોવા મળતા નથી.
(4) ઐરાવત હાથી
ચોથું મહત્વનું રત્ન હતુ ઐરાવત હાથી. ઐરાવત સફેદ હાથીનો રાજા હતો. તેના નામનો અર્થ આ પ્રમાણ છે ‘એરા’ એટલે જળ અને ‘ઈરાવત’ એટલે સમુદ્ર એટલે સમુદ્રમાંથી ઉત્પન્ન થતો હાથી એટલે ઐરાવત. આ હાથી ઈન્દ્રને આપવામાં આવ્યો. ચાર દાંત વાળો સફેદ હાથી મળવો હવે મુશ્કેલ છે. મહાભારતના ભીષ્મ પર્વના આઠમાં અધ્યાયમાં ભારતવર્ષમાં ઉત્તરના ભૂ-ભાગને ઉત્તર કૂરુને બદલે ઐરાવત કહેવામાં આવ્યો છે. જૈન સાહિત્યમાં પણ આ નામનો ઉલ્લેખ જોવા મળે છે. ઉત્તરનો ભૂ ભાગ એટલે કે તિબેટ, મોંગોલિયા અને રશિયાના સાઈબેરિયા સુધીનો વિસ્તાર. શક્યતા છે કે આ ભાગમાં જ આ હાથી જોવા મળતા હશે.
(5) કૌસ્તુભ મણિ
મંથન દરમ્યાન પાંચમું રત્ન કૌસ્તુભ મણિ હતું. આ મણિને ભગવાન વિષ્ણુ ધારણ કરે છે. મહાભારતમાં ઉલ્લેખ જોવા મળે છે કે કાલિય નાગને શ્રીકૃષ્ણએ ગરુડના ત્રાસથી મુક્ત કર્યો ત્યારે કાલિય નાગે કૌસ્તૂભ મણિ પોતાના મસ્તકથી ઉતારી શ્રી કૃષ્ણને આપ્યો હતો. આ એક ચમત્કારી મણિ છે. એક માન્યતા એ પણ છે કે આજે આ મણિ સમુદ્રની કોઈ ખૂબ જ ઊંડાઈ વાળી જગ્યાએ પણ દબાયેલો પડ્યો હોય શકે છે કે પછી ધરતીની કોઈ ગુફામાં પણ હોઈ શકે છે.
(6) કલ્પવૃક્ષ
સમુદ્ર મંથન વખતે જે છઠ્ઠુ રત્ન બહાર આવ્યુ તે હતુ કલ્પવૃક્ષ. તેને સ્વર્ગના વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ વૃક્ષ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેથી તેને કલ્પવૃક્ષ કહે છે.
(7) રંભા
સમુદ્ર મંથન દરમ્યાન રંભા નામની અપ્સરા પણ આ રત્નોમાં 7મા ક્રમે નીકળી. પુરાણોમાં રંભા નામની અપ્સરાનો ઉલ્લેખ ખૂબ જ પ્રસિદ્ધ અપ્સરા તરીકે જોવા મળે છે. તે કુબેરના પુત્ર નલકુબેર સાથે પત્ની તરીકે રહેતી હતી. તે ઉપરાંત ઋષિ કશ્યપ અને પ્રાધાની પુત્રીનું નામ પણ રંભા હતુ. મહાભારતમાં તેને તુરંબ નામના ગાંધર્વની પત્ની કહેવામાં આવી છે. સમુદ્ર મંથન દરમ્યાન ઈન્દ્રએ દેવતાઓ પાસેથી રંભાને પોતાની રાજસભા માટે માંગી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વિશ્વામિત્રનું તપ ભંગ કરાવા માટે ઈન્દ્રએ રંભાને મોકલી હતી. અપ્સરાને ગાંધર્વલોકની રહેવાસી માનવામાં આવે છે.
(8) લક્ષ્મી
સમુદ્ર મંથનમાંથી આઠમા રત્નના સ્વરૂપે લક્ષ્મીનો ઉદ્ભવ થયો. લક્ષ્મી અથવા શ્રી એટલે કે સમૃદ્ધિની ઉત્પત્તિ. કેટલાક લોકો તેને સોના સાથે સાંકળે છે. કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સમ્માન થાય છે. ત્યાં સમૃદ્ધિ હમેંશા રહે છે. બીજી લક્ષ્મી મહર્ષિ ભૃગુની પત્ની ખ્યાતિના ગર્ભથી એક ત્રિલોક સુંદરી કન્યા ઉત્પન્ન થઈ જેનું નામ લક્ષ્મી હતુ. તેમણે ભગવાન વિષ્ણ સાથે વિવાહ કર્યા હતા.
(9) વારુણી (મદિરા)
વારુણી એક મદિરા નું નામ છે. તે ઉપરાંત વારુણી નામે એક તહેવાર છે અને એક ખગોળીય યોગ પણ છે. સમુદ્ર મંથન દરમ્યાન જે મદિરાનો ઉદ્ભવ થયો તેનું નામ વારુણી રાખવામાં આવ્યું. વરુણનો અર્થ જળ થાય છે. જળમાંથી ઉદ્ભવી હોવાના કારણે તેને વારુણી કહેવામાં આવી. વરુણ નામના દેવતા અસુર તરફ હતા. અસુરોએ વારુણી લીધી. વરુણની પત્ની ને પણ વારુણી કહે છે. કદંબના ફળોથી બનાવામાં આવતી મદિરાને પણ વારુણી કહે છે.
(10) ચંદ્રમા
સમુદ્ર મંથનમાંથી ચંદ્ર પણનીકળ્યો હતો. તે દસમું રત્ન હતું. બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાં ઘણા ગોત્ર હોય છે. તેમાં ચંદ્રથી જોડાયેલ પણ કેટલાક ગોત્રના નામ છે જેને ચંદ્રવંશી કહેવામાં આવે છે. પૌરાણિક સંદર્ભો અનુસાર ચંદ્ર તપસ્વી અત્રિ અને અનુસૂયાના પુત્ર છે. જેનુ નામ સોમ હતુ. દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ હતી. જેમના નામ પરથી 27 નક્ષત્રો પણ છે. આ બધી પુત્રીઓના ચંદ્ર સાથે લગ્ન થયા હતા.
(11) પારિજાત વૃક્ષ
સમુદ્ર મંથન દરમ્યાન કલ્પવૃક્ષ ઉપરાંત પારિજાત વૃક્ષની પણ ઉત્પત્તિ થઈ. પારિજાત કે હરિસિંગાર તે મુખ્ય વૃક્ષોમાંથી એક છે જેના ફૂલ ઈશ્વરની આરાધાનામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધનની દેવી લક્ષ્મીને પારિજાતના પુષ્પ ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે પારિજાતના વૃક્ષને સ્પર્શવા માત્રથી થાક દૂર થઈ જાય છે. પારિજાત વૃક્ષમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે. હિન્દુ ધર્મમાં કલ્પવૃક્ષ પછી પારિજાતને મહત્વ આપવામાં આવ્યું છે. ત્યાર પછી વડ, પીપળો અને લીમડાનું મહત્વ છે.
(12) શંખ
શંખ તો આપણે ઘણા જોયા છે. પરંતું પાંગ્ચજન્ય શંખ મળવો મુશ્કેલ છે. સમુદ્ર મંથન દરમ્યાન આ પાંગ્ચજ્ન્ય શંખનો ઉદભવ થયો. શંખને વિજય, સમૃદ્ધિ, સુખ, શાંતિ, યશ, કીર્તિ અને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ કે શંખ નાદનું પ્રતીક છે. શંખ ધ્વનિ શુભ માનવામાં આવે છે.
(13) ધન્વંતરિ વૈદ્ય
દેવતા તેમજ દાનવો દ્વારા સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન શાંત થઈ જતા સમુદ્રમાં જાતે જ મંથન થઈ રહ્યુ હતુ. જેના કારણે ભગવાન ધન્વંતરિ હાથમાં અમૃત સુવર્ણ કળશ સાથે પ્રગટ થયા. વિદ્વાનોનું માનીએ તો આ દરમ્યાન અનેક પ્રકારની ઔષધીઓ ઉત્પન્ન થઈ . તેમને આર્યુવેદના જનક પણ કહેવામાં આવે છે. તે દેવતાઓના ચિકિત્સક હતા.
(14) અમૃત
સમુદ્ર મંથન જેના માટે કરવામાં આવ્યું હતુ તે અમૃત આ પ્રક્રિયામાં 14માં રત્ન તરીકે બહાર આવ્યું. અમરત્વની સાથે સાથે તેનામાં બધા પ્રકારના રોગોનો નાશ કરવાની ક્ષમતા પણ હતી.
આમ દેવતાઓ અને દાનવો દ્વારા જે સમુદ્ર મંથન કરવમાં આવ્યું તેમાં ઉપર જણાવેલ ૧૪ રત્નો મળ્યા હોવાનો ઉલ્લેખ છે.