ભારતીય ઢીંગલી અને વિદેશી ઢીંગલી...| કથા બે ઢીંગલીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ-અલગ

માતા-પિતા પોતાના સંતાનો માટે રમકડાં ખરીદતી વખતે સજાગ બનશે ખરા? આપણે જીરો ફિગરની જરૂર નથી...બાળકોને માયકાંગલા નહી સશક્ત બનાવવાના છે!!

    ૦૩-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Barbie Doll Controversies

કથા બે ઢીંગલીઓની પણ બન્નેના જીવનસંદેશ અલગ અલગ

 
એક ગામમાં એક કુશળ કારીગર દેવદેવીઓની સુંદર ઢીંગલીઓ બનાવતો અને પોતાના ઘરની પાસેના વૃક્ષની ડાળ ઉપર ઢીંગલીઓને વેચવા માટે લટકાવતો. આ કારીગર એટલો બધો સંતોષી હતો કે પોતાના ભરણપોષણ માટે જેટલા ધનની જરૂર હોય તેટલી જ ઢીંગલીઓ તે બનાવતો. એક વાર આ કારીગર સુંદર ઢીંગલીઓ ડાળ પર લટકાવી વૃક્ષ નીચે સૂઈ ગયો, તેવામાં ત્યાંથી પસાર થતા એક બિઝનેસમૅને આરામથી સૂઈ રહેલા આ કારીગરને જગાડીને પૂછ્યું કે, `ભાઈ, તારી ઢીંગલીઓ તો ખૂબ સુંદર છે પણ તું વધારે ઢીંગલીઓ શા માટે બનાવતો નથી ? તું એક કારખાનું શરૂ કર અને ખૂબ ઢીંગલીઓ બનાવ. તે પછી એક મોટા શહેરમાં તું એક શોરૂમ શરૂ કર. તે પછી ઢીંગલીઓને export કરી, ખૂબ કમાઈને પછી આરામથી સૂવાનું રાખ.' હવે આ કારીગર પેલા બિઝનેસમૅનને ઉત્તર આપે છે કે, `ભલા માણસ, ખૂબ ઢીંગલીઓ બનાવી પછી મારે આરામથી સૂવાનું જ હોય તો તમે આવ્યા ત્યારે પણ  આરામથી જ સૂતો હતો.' આટલું બોલી કારીગર સૂઈ ગયો.
 
આ બોધપ્રદ કથામાં બે પાત્રો છે. એક બિઝનેસમેનનું પાત્ર છે. જે પેલા કારીગરને પોતાની પ્રોડકટ ગ્લોબલ બનાવવાના રસ્તા સૂચવે છે, જ્યારે બીજું પાત્ર એટલે આ કથાનો આત્મસંતોષી કારીગર કર્મની નિરર્થકતા સમજાવીને સૂઈ જાય છે.
 
...હવે સર્જાય છે બાર્બી ડોલ
 
હવે આપણે બીજા એક કારીગરની વાત કરીએ, જેણે એક નવા જ પ્રકારની ઢીંગલી બનાવી આખા જગતને ઘેલું લગાડ્યું છે. અમેરિકાનિવાસી આ મહિલા ડિઝાઇનર અને સર્જકનું નામ છે રૂથ હેન્ડલર. એક વાર આ મહિલા ડિઝાઇનર ૧૯૫૬માં પરિવાર સહિત ફરવા માટે સ્વિટઝર્લેન્ડ ગઈ અને મોટા શોરૂમમાં તેણે એક આકર્ષક ઢીંગલી જોઈ. રૂથે આ ઢીંગલીમાં ખૂબ માર્કેટિગ પોટેન્શિયાલિટી જોઈ અને આ જ પ્રકારની અલગ અલગ રૂપ રંગ અને ઢગ ધરાવતી આકર્ષક ઢીંગલીઓ પોતાના કારખાનામાં બનાવી, બજારોમાં વેચી માલામાલ થઈ જવાનો તેણે નિર્ણય કર્યો અને બરાબર બે વર્ષ બાદ એટલે કે ૯ માર્ચ, ૧૯૫૯ના દિને આ બિઝનેસવુમને `બાર્બી' નામની ઢીંગલીનું સર્જન કર્યું. અલબત્ત પ્રારંભમાં થોડા નિરાશાજનક અનુભવો તો થયા પણ દીર્ઘષ્ટિ ધરાવતી રૂથે બાર્બી ડોલના નવા નવા વેરિએન્ટ બહાર પાડી વેચાણને ભારે વેગ આપ્યો. બાર્બી ડૅાલની પાતળી કમર, પોની ટેઇલ હેરસ્ટાઇલ, મોટી માંજરી આંખો, વિવિધ રંગના વાળ, Zero size body, લચકાતી કમર, ટૂકુ સ્કર્ટ અને વિશ્વનાં વિવિધ પાત્રોની વેશભૂષા ધરાવતી આ બાર્બીડૉલજોતજોતામાં દુનિયાભરમાં છવાઈ ગઈ. ટીનએજ છોકરીઓની તે રોલ મોડેલ બની ગઈ. બાર્બી એક પ્રકારની સેક્સ સિમ્બોલ બની ગઈ. પશ્ચિમની જીવનપદ્ધતિની તે બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ. તે પશ્ચિમના બજારવાદનું સાધન બની ગઈ. આ એક એવી ઢીંગલી હતી જેની પાછળ કોઈ ઐતિહાસિક કે ધાર્મિક બોધ ન હતો. જે પણ કઈ હતું તે માત્ર આકર્ષણ અને અનુકરણનું ગાંડપણ હતું.
 

Barbie Doll Controversies 
 
બાર્બી દુનિયા પર છવાય છે
 
ઉત્પાદનના માત્ર પ્રથમ વર્ષમાં જ ત્રણ લાખ પચાસ હજાર બાર્બી ડૉલવેચાઈ ગઈ અને ૨૦૦૬ સુધીમાં બાર્બીનું વેચાણ ૧૦ કરોડ કરતાં પણ વધી ગયું. જોતજોતામાં ૧૫૦ જેટલા દેશોમાં બાર્બી ડૅાલના શોરૂમ ખૂલી ગયા. બાર્બી ડૅાલના બનાવનારના દાવા મુજબ પ્રત્યેક સેકન્ડે વિશ્વમાં ત્રણ બાર્બીડૉલવેચાવા લાગી. બાર્બી ડૅાલના એકાઉન્ટ ઉપર ૨૦ લાખ કરતાં પણ વધારે ફોલોઅર્સ થઈ ગયા અને વધતા જ ગયા. બાર્બીનું આકર્ષણ એટલું બધું વધી ગયું કે, બાર્બી ડૅાલને જગતમાં `Rare in the toy-world' તરીકેનું સન્માન પણ મળી ગયું. `ધ ઇકોનોમિસ્ટ' નામની પત્રિકાએ બાર્બીને ટીનએજ ફેશન મૅાડેલ ઘોષિત કરી દીધી. ૧૯૭૪માં ન્યૂયોર્કમાં `ટાઇમ સ્કેવર'ના એક ભાગને એક સપ્તાહ માટે બાર્બીના પ્રખ્યાત નામ સાથે જોડવામાં આવ્યો. એન્ડી વોરહેલ નામના ચિત્રકારે બાર્બીનું ચિત્ર બનાવ્યું, જે ૨૦૧૫માં લંડનમાં થયેલી હરાજીમાં ૧૦ લાખ પાઉન્ડમાં વેચાયું. ૨૦૧૩માં તાઈવાનમાં બાર્બીની થીમ ઉપર એક રેસ્ટોરાં પણ ખૂલ્યું. આમ કશાય જીવનલક્ષી સંદેશ વગર બાર્બીની લોકપ્રિયતા અધધ વધી ગઈ.
 
બાર્બીનો વિરોધ શરૂ થાય છે
 
પણ બાર્બીની લોકપ્રિયતાની સાથે સાથે તેનો વિરોધ પણ શરૂ થયો. (૧) બાર્બીના ટીકાકારો કહે છે કે, બાર્બીની શરીરરચના બેઢગી અને અપ્રમાણસર છે, જેને પરિણામે અનેક બાલિકાઓ તથા તરુણીઓમાં બાર્બીનું અનુકરણ કરી પોતાનું શરીર પણ બાર્બી જેવું બેઢગુ બનાવવાનું ગાંડપણ વધ્યું છે. (૨) સામાન્ય જનમત પણ એવો હતો કે, બાર્બીની લાઇફસ્ટાઇલ વધુ પડતા (મટીરિયાલિઝમ) ઉપભોગવાદ તરફ લઈ જાય છે. (૩) કેટલાક વિચારકો એવું કહે છે કે, બાર્બી પશ્ચિમના બજારવાદનું પ્રતીક છે. (૪) કેટલાકનાં મતે આ રમકડુ પુરૂષ વિરુદ્ધ મહિલાઓના વિદ્રોહને ભડકાવતું સાધનમાત્ર છે. (૫) ડોન રિચાર્ડના મેગેઝીનના સંપાદક કોકસે લખ્યું કે, બાર્બી વૈભવી લાઇફ સ્ટાઇલ વડે નારીવાદને ઉશ્કેરી સામાજિક મૂલ્યો પર દુષ્પ્રભાવ ઊભો કરે છે. (નોંધ : આ મુદ્દે એક સંદર્ભ આપવો જરૂરી માનું છું. નોર્વેજિયન નાટ્યકાર હેન્રિક ઇબ્સને `A Doll's House' નામનું નાટક ભજવેલું, જેમાં નોરા નામની સીધીસાદી ગૃહિણી નાટકના અંત ભાગમાં પોતાના પતિની વિરુદ્ધ વિદ્રોહી નારીવાદી બની જાય છે, તે નાટકમાં બતાવ્યું છે. નારીવાદ (ફેમિનિઝમ)ની આહ્લેક પોકારનાર નોરા આ નાટકથી આખા યુરોપ પર છવાઈ જાય છે. નોરાના પાત્રથી પ્રભાવિત બની રૂથ હેન્ડલરે બાર્બીનું સર્જન કરેલું હોઈ શકે તે વાતને નકારી શકાય તેમ નથી.)
 
આ બધાના પરિણામે ઈરાનના બાળ કલ્યાણ મંત્રાલયે બાર્બીને પશ્ચિમી સંસ્કૃતિની બ્રાન્ડ એમ્બેસેડર ગણી તેના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધેલો. સાઉદી અરેબિયાએ પણ બાર્બીને ઇસ્લામના આદર્શોની વિરુદ્ધ ગણાવી બાર્બીના શોરૂમ્સને બંધ કરાવી દીધેલા. વિશ્વના અન્ય દેશોમાં પણ બાર્બીના કારણે પેદા થતી અસરો વિશે લેખો લખાવા માંડ્યા. બાર્બી વિશે એક પુસ્તક પણ લખાયું, જેમાં `How to loose weight' શીર્ષક સાથે લેખકે સલાહ આપેલી કે બાર્બી જેવું ફીગર મેળવવું હશે તો `Don't eat' ની સલાહ માનવી પડશે, જેના પરિણામે તરુણીઓમાં બાર્બી સિન્ડ્રોમ પેદા થવા લાગ્યો. બાર્બીના જેવું શરીર, વજન અને લાઇફ સ્ટાઇલની માનસિક ગ્રંથિ તરુણીઓમાં ઘર કરી લેવા લાગી. આની સાથે તરુણીઓમાં ANOREXIA નામનો ભય પેદા થવા લાગ્યો. એનોરેક્સિઆ એટલે હું જાડી તો નહીં થઈ જાઉં ને? તથા ં ખાવાને કારણે બેડોળ તો નહીં બની જાઉં ને? તેવા ભયની ગ્રંથિ. આ પ્રકારનો ભય પેદા થવાને કારણે તરુણીઓ ખાવાનું છોડી દેવા લાગી. તેમનામાં Eating disorder પેદા થવા લાગ્યો. પરિણામે તેઓ અનેક બીમારીઓ ભોગ બનવા માંડી.
 
ઇઝરાયેલ જાગે છે
 
ઇઝરાયેલમાં બાર્બીની પાતળી કમર પર અત્યંત મોહિત થનારી તરુણીઓએ બાર્બી જેવું Zero-size-body મેળવવા ડાયેટીંગ શરૂ કરેલું. પરિણામે તેમની કમર તો પાતળી થઈ પણ કુપોષણને કારણે તેમની તાકાત હણાઈ ગઈ. ઇઝરાયેલ જ્યારે સ્વતંત્ર દેશ તરીકે જન્મ્યો ત્યારે પડોશી મુસ્લિમ દેશોએ ૧૯૬૭માં ઇઝરાયેલને ખતમ કરવા યુદ્ધ આદરેલું, તે વખતે ઇઝરાયેલની યુવતીઓએ બોમ્બર વિમાનો ચલાવીને દુશ્મન દેશોને પીછેહઠ કરાવેલી. હવે બાર્બી ડોલનો પ્રભાવ વધતાં અને Zero size bodyનું ગાંડપણ વધતાં ત્યાંથી સરકારને Zerosize Model બનવા પર પ્રતિબંધ લગાવવો પડેલો. ઇઝરાયેલના તેલ અવીવમાં મોટાં મોટાં સાઇનબોર્ડ લગાવવામાં આવ્યાં, જેના પર લખાયું હતું- No Zero size, we are Israelies.
 
હવે આપણે એક હચમચાવી દે તેવા સમાચાર જાણીએ તા. ૭ જૂન, ૨૦૨૩ના દિવ્ય ભાસ્કરમાં આ સમાચાર છપાયા હતા. તેમાં છપાયું હતું કે, બ્રાઝિલની વતની જેસિકા અલ્વેસે બાર્બી ડૉલજેવી સુંદરતા મેળવવા માટે અત્યાર સુધીમાં ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. પોતાની ઇચ્છાનું મુજબનું શરીર અને બાર્બી જેવો ચહેરો મેળવવા માટે જેસિકા અત્યાર સુધીમાં પોતાના શરીર પર ૧૦૦ કરતાં પણ વધુ કોસ્મેટિક સર્જરી કરાવી ચૂકી છે. એક રિપોર્ટ મુજબ જેસિકા પોતાના ૧૦૦ ટકા શરીરની સર્જરી કરાવી ચૂકી છે. આ જ કારણ છે કે તે હવે બાર્બી ઢીંગલી જેવી દેખાય છે.
 
હવે એક વધુ સનસનાટી ધરાવતા સમાચાર જોઈએ. આ સમાચાર મુજબ બ્રાઝિલમાં કેરોલીના નામની મોડેલ બાર્બી જેવું ફીગર સાચવવા અત્યંત ઓછો ખોરાક લેવાને કારણે મૃત્યુ પામી. આ સમાચારને કારણે બ્રાઝિલમાં હાહાકાર મચી ગયેલો.
 
ઢીંગલીઓનો ભારતીય દૃષ્ટિકોણ
 
ઢીંગલીઓ તો ભારતમાં પણ બનાવાય છે. પણ તેને બનાવવાવાળા કારીગરો દેશના પૌરાણિક અને ઐતિહાસિક પાત્રોને ધ્યાનમાં રાખી પ્રજાજીવનમાં સંસ્કાર અને સુવિચાર પ્રગટાવવાના હેતુથી ઢીંગલીઓ બનાવે છે. ઢીંગલીઓ બનાવવાની આ છે ભારતીય દૃષ્ટિ. તેના બે અનુભવો પ્રસ્તુત કરું છું.
 

Barbie Doll Controversies 
 
એક વાર મારે મારા એક મિત્રને ઘરે જવાનું થયેલું તો મારા ધ્યાનમાં આવ્યું કે, તેના ઘરના બેઠકકક્ષમાં કાચના એક મોટા કબાટમાં પશુ-પક્ષીઓની ઘણી બધી ઢીંગલીઓ ગોઠવેલી હતી અને દરેક ઢીંગલી પાછળ કોઈ એક દેવ-દેવીનું ચિત્ર મૂકેલું હતું. આ પ્રકારની ગોઠવણ અંગે પ્રશ્ન પૂછતાં તેણે મને કહ્યું કે, મારા કબાટમાં ગોઠવાયેલ દરેક પશુ-પક્ષીની ઢીંગલી રમવા માટેનું માત્ર રમકડુ નથી પણ દરેક ઢીંગલીનો સંબંધ કોઈ ને કોઈ દેવ કે દેવી સાથે છે. દૃષ્ટાંત તરીકે ગરુડનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે, નંદી અને સર્પનો સંબંધ ભગવાન શંકર સાથે, ગાયનો સંબંધ શ્રીકૃષ્ણ સાથે, ઉંદરનો ગણેશજી સાથે, શ્વાનનો ભગવાન દત્તાત્રેય સાથે, ખિસકોલીનો ભગવાન શ્રીરામ સાથે, પાડાનો યમરાજ સાથે, માછલીનો ભગવાન મનુ સાથે, મોરનો કાર્તિકેય સાથે, વાઘનો અંબામાતા સાથે, સિંહનો ભારતમાતા સાથે, વાનરનો હનુમાનજી સાથે, હંસનો મા સરસ્વતી સાથે, ઘુવડનો લક્ષ્મીદેવી સાથે, કૂકડાનો બચરમા સાથે, ગર્દભનો શીતળામાતા સાથે, મગરનો ખોડલમા સાથે. હું મારા બાળકોને પશુ-પક્ષીની ઢીંગલી બતાવું છું અને પછી આ ઢીંગલીનો કયા દેવ-દેવી સાથે સંબંધ છે તેની રસપ્રદ વાર્તા તેમને સંભળાવું છું. મારાં તથા શેરીનાં બાળકો આ કથાઓ સાંભળી સંસ્કારિત થાય છે. આપણા પૌરાણિક વારસાને ઓળખે છે. આ છે ઢીંગલીનું સત્ય.
 
હવે મારા બીજા એક મિત્રની વાત કરું. મારા આ મિત્ર સંગીતશિક્ષક છે. મારા આ મિત્રે પણ તેમના વર્ગખંડમાં કબાટમાં પશુ-પક્ષીની મોટા કદની અને આકર્ષક રંગ-ઢગ ધરાવતી ઢીંગલીઓ ગોઠવેલી છે. મેં આ ગોઠવણનો હેતુ પૂો તો તેમણે મને કહ્યું કે, `હું જ્યારે મારા શિક્ષાર્થીઓને સંગીત શીખવવાનો પ્રારંભ કરું છું. ત્યારે સંગીતના સાત સૂરોનો જન્મ ક્યાંથી થયો તે સમજાવવા આ રમકડાંનો ઉપયોગ કરું છું. ં તેમને સમજાવું છું કે મોરના કઠમાંથી નીકળે છે તે `સા' અર્થાત્‌ ષડજ/ કૂકડાના કઠમાંથી નીકળે તે `રે' અર્થાત્‌ રિષભ/ હંસના કંઠમાંથી નીકળે છે તે `ગ' અર્થાત્‌ ગંધાર/ ગાય, બળદના કઠમાંથી નીકળે તે `મ' અર્થાત્‌ મધ્યમ/ કોયલના કઠમાંથી નીકળે તે `પ' અર્થાત્‌ પંચમ/ સારસના કઠમાંથી નીકળે છે તે `ધ' અર્થાત્‌ ધૈવત અને કૌંચ પક્ષીના કઠમાંથી નીકળે છે તે `નિ' અર્થાત્‌ નિષાદ સંગીતના સાત સૂરોનો જન્મ પશુ-પક્ષીના કઠમાંથી થયો છે તે વાત સાંભળી તેમનામાં પશુ-પક્ષી તરફ અહોભાવ પેદા થાય છે. આ વાતની સચ્ચાઈ તપાસવા મેં સંગીતના એક પંડિતનો સંપર્ક કરેલો તો તેમણે પણ આ વિગત શાસ્ત્રસંમત છે તેવું મને જણાવેલું.
 
ઢીંગલીઓ દ્વારા સંસ્કૃતિ સાથે જોડવાનો કેવો પ્રશંસનીય અભિગમ ગણાય ! વિદેશોમાં ઢીંગલી પાછળ વેપાર અને નફો દેખાય છે. જ્યારે ભારતમાં ઢીંગલી પાછળ સંસ્કૃતિ દેખાય છે.
 
ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ કલાકાર શ્રી મહિપત કવિએ માત્ર ભારતમાં જ નહીં, પણ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ડેન્માર્ક, ઇંગ્લેન્ડ જેવા અનેક દેશોમાં જઈ ઢીંગલી ખેલ (પપેટ શો) દ્વારા ભારતની ગૌરવશાળી વાતોને વિદેશીઓ સુધી પહોંચાડી છે. આ બદલ તેમને પદમશ્રી પણ એનાયત થયેલો છે.
 
એક બાજુ બાર્બી ડૅાલના વિવિધ વેરિઅન્ટ પાછળ ઘેલા બનવાથી ભારતીય રમકડાં બજારમાંથી અશ્ય થતાં જાય છે, તેવે સમયે બાળકોનાં માતા-પિતા પોતાનાં લાડકાં સંતાનો માટે રમકડાં ખરીદતી વખતે સજાગ બનશે ખરાં ?
 
આપણે ઇચ્છીએ કે વૃક્ષની ડાળ પર ઢીંગલીઓ લટકાવી સૂતેલા આપણા ઢીંગલી કલાકારો હવે જાગે અને ક્રિયાવાન બને કારણ કે આપણા દેશમાં પ્રતિવર્ષ આશરે ત્રણ કરોડ બાળકો જન્મે છે, જે ભારતનું ભવિષ્ય છે. આપણે દેશના આ ભવિષ્યને બરબાદ નહીં જ થવા દઈએ.
 
અસ્તુ...

સુરેશ ગાંધી

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.