સપ્તાહનો સૌથી અપ્રિય દિવસ સોમ છે. ઓફિસમાં જાતને ગોઠવવી મુશ્કેલ બને છે. પણ

શ્રાવણ સુદ એકમના દિવસે બ્રાહ્મમુહુર્તમાં શિવપૂજા કરવાથી નવા કરેલા સાહસમાં સફળતા મળે છે અથવા તો નવું સાહસ કરવાની પ્રેરણા મળે છે.

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

shvaran 
 
 
શ્રાવણના સરનામે... ગંગાધરાયના ગામે...
 
સપ્તાહનો સૌથી અપ્રિય દિવસ સોમ છે. ઓફિસમાં જાતને ગોઠવવી મુશ્કેલ બને છે. પણ શ્રાવણનો સોમ હોય તો ચિત્ત ચૈતન્ય આહ્લાદક અનુભૂતિમાં રમમાણ થાય છે. શ્રાવણમાસ એટલે પન્ચેન્દ્રીયનો પંચામૃત સમો ઉત્સવ છે. શિવને પાંચ પ્રિય છે. આમ તો કોઈ પણ દિવસે શિવને ભજી શકાય છે પણ સોમવારે ભજવાથી બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણે આપની સગવડ પ્રમાણે ધર્મને ગોઠવતા રહ્યા છીએ. મોટા ભાગના શિવ મંદિરમાં સોમવારે જ ભીડ હોય છે. ભીડ ને ભાંગે એ જ ભીડભંજન. આરંભે સૂરા નહીં પણ શિવા.
 
શ્રાવણ નામ કેમ? 
 
આ માસમાં પૂર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવે છે એટલે આ માસનું નામ શ્રાવણ પડ્યું છે. ઉપનિષદ કથામાં સનતકુમારને શિવ કહે છે કે ‘શ્રાવણ મને પ્રિય છે કેમ કે મારા ઇષ્ટ દેવ વિષ્ણુ એ પૂર્ણ પુરુષોત્તમ લીલાનો પ્રારંભ કર્યો હતો.’ શિવ એટલે કલ્યાણ. હંમેશા જગતનું ભલું જ ઈચ્છ્યું છે. અરે બૂરું કરનારનું પણ ભલું ઈચ્છે છે. આટલી અડગતા હોય તો જ મહાદેવ બની શકાય છે. ગણપતિને હણવાની ભૂલનો ખ્યાલ આવતા, સ્પોર્ટ્સમેન સ્પીરિટથી ભૂલને સ્વીકારે છે. દરેક શુભ પ્રસંગે પ્રથમ ગણપતિ વંદના થશે એવું ફરમાન જાહેર કરે છે. અમૃત પીએ એ દેવ અને ઝેર પીએ એ મહાદેવ. ‘MAY I HELP YOU’ કહેતા પ્રસન્ન વદને દરેકના હૃદયમાં બિરાજમાન છે. સાચા દિલથી યાદ કરીએ એટલે હાજર. એને ભજવા બહુ મોટા વિધિવિધાનની જરૂર પડતી નથી. સહજ સાધ્ય સાદગી શિવનું ઘરેણું છે.
 
કલ્પવૃક્ષને અસંતોષ હશે કે એને બિલ્વ નથી ઉગતા 
 
એક લોટો જળ, બિલ્વપત્ર ચડાવો એટલે પ્રસન્ન પ્રસન્ન. બિલ્વપત્રના ત્રણ ઝૂમખા હોવાથી ત્રિદેવ સ્વરૂપ મનાય છે. પાંચના ઝૂમખાવાળું બિલ્વપત્ર અતિ શુકનિયાળ ગણાય છે. હિમાલયના પહાડોમાં ઘટાદાર બિલ્વના ઘટાટોપ જંગલો છે. જેનું અડાબીડ સૌન્દર્ય શિવ જેવું જ છે. કલ્પવૃક્ષને અસંતોષ હશે કે એને બિલ્વ નથી ઉગતા. ‘ભાવપ્રકાશ’માં બિલ્વનો મહિમા આલેખતા કહ્યું છે કે ‘बिल्वःशाण्डिल्यशैभूषो मालूरश्री फ़लावति:...’ ચરકસંહિતાએ પણ એને શ્રેષ્ઠ ઔષધિ કહી છે. આયુર્વેદમાં ગુણકારી બિલ્વપત્રની અનેક વિશેષતાઓ આલેખાઈ છે.
 
શિવ એને રાખે.... 
 
શણગારમાં હંમેશા જંગલની વસ્તુઓ પસંદ. શિવ સિવાય ધતુરો કોઈ દેવને ન ચઢે. પોઠિયો શક્તિનું અને કાચબો સહનશક્તિનું પ્રતીક છે એટલે શિવ સદૈવ એને સાથે રાખે છે. આમ પણ શિવ જગતના વંચિતોને સાથે રાખે છે. ‘સંઘર્યો સાપ પણ કામ લાગે’ એમ ભલે કહીએ પણ સાપને કોઈ ન સંઘરે. શિવ એને રાખે. જ્યાં કોઈ ન જાય એવી જગ્યા સ્મશાન એનું નિવાસ સ્થાન અને ભૂતો એમના સેવક. શિવની દરેક વાત અનોખી.
 
 ‘ઓમ નમઃ શિવાય’ એ જગતનો શ્રેષ્ઠ મંત્ર છે....
 
એકટાણા કે ઉપવાસ એ સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. કેટલાક લોકો શ્રાવણમાં વ્યસન છોડતા હોય છે. ‘સ્કંધપુરાણ’માં કહ્યું છે તેમ ‘આકાશ લિંગ છે, પૃથ્વી તેની પીઠિકા છે, સર્વ દેવતા આલય છે, એમાં સર્વનો લય અને લોપ થાય છે. એથી જ એને શિવલિંગ કહેવાય છે.’ થાળાના સ્પર્શથી હાથ પવિત્ર બને છે. ગળતીની ટપકતી જલધારા દર્શનથી આંખ અને અંતરને શાતા મળે છે. ‘ઓમ નમઃ શિવાય’ એ જગતનો શ્રેષ્ઠ મંત્ર છે. શિવની ત્રીજી આંખનું આંસુ રુદ્રાક્ષની માળાના જાપથી સર્વ ઈચ્છા પૂર્ણ થાય છે.
શ્રાવણ સુદ એકમના દિવસે બ્રાહ્મમુહુર્તમાં શિવપૂજા કરવાથી..!! 
 
સમગ્ર વિશ્વને ટચલી આંગળીએ નચાવનાર ભોળાનાથને સહેજે અભિમાન નથી. એક બંગલો, બે ગાડી અને ત્રણ ઓફિસનો માલિક કૂદકા મારે ત્યારે એના પર દયા તો આવે જ. સૌથી વધુ તહેવાર આવતા હોવાથી વર્ષનો હાર્દ સમાન આ માસ છે. શિવ અજન્મા અનંત છે. શિવ તત્વ આભથી ઊંચું અને પાતાળથી ગહન છે. પ્રકાશમાં નહીં પણ અંધકારમાં મળશે. મહાલયોમાં નહીં પણ ઉજ્જડતામાં શિવ મળશે. એની ઉંચાઈને પામવા માટે વિચારોને હિમાલયની હાઈટ આપવી પડે. મૃત્યુને પણ મોહક કરી દેનાર મહામૃત્યુંજય મહાદેવને ભીતરના ભાવ સાથે શાષ્ટાંગ નમન. શ્રાવણ સુદ એકમના દિવસે બ્રાહ્મમુહુર્તમાં શિવપૂજા કરવાથી નવા કરેલા સાહસમાં સફળતા મળે છે અથવા તો નવું સાહસ કરવાની પ્રેરણા મળે છે.

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.