54 વર્ષ પહેલા ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગે પગ મૂકતાની સાથે સૌથી પહેલા શું કહ્યું!

ચંદ્ર પર પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ વ્યક્તિ હતા. તેના પછી અમેરિકાએ 4 વર્ષમાં 24 વ્યક્તિઓને લૂનર મિશન પર મોકલ્યા, જેમાંથી 12 લોકોએ સફળતાપૂર્વક ત્યાં પગ મૂકી શક્યા.

    ૨૪-ઓગસ્ટ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Apollo 11 History
 
- ચંદ્ર પર પ્રથમ માનવ મોકલવાની અપોલો-11 ( Apollo 11) મિશનની સફર સરળ નહોતી
- 54 વર્ષ બાદ નીલ આર્મસ્ટ્રોંગે ( Neil Armstrong ) લગાડેલું ડિવાઇસ આજે પણ કરી રહ્યું છે કામ
- આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિને ચંદ્રની સપાટી પરથી સંશોધન માટે 21 કિલો 600 ગ્રામ કાંકરા, પથ્થર અને રેતી એકઠા કર્યા
- પૃથ્વી પર પરત ફર્યા બાદ બંને અવકાશયાત્રીઓને 17 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રખાયા હતા
- નીલ આર્મસ્ટ્રોંગ બાદ નાસાએ 4 વર્ષના ગાળામાં 24 અંતરિક્ષયાત્રીઓને ચંદ્ર પર મોકલ્યા હતા.
 
23 ઓગસ્ટ 2023, સાંજે 6 કલાક 2 મિનિટ. ચંદ્ર પર લેન્ડિંગ કરવા માટે ભારતના અતિમહત્વાકાંક્ષી ‘ચંદ્રયાન – 3’ ( Chandrayaan 3 ) ના વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક 70 ડિગ્રી અક્ષાંશ પર સફળ ઉતરણ કર્યું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો. અંતરિક્ષ સંશોધનની ભારતની આ ઐતિહાસિક સિદ્ધિને કરોડો ભારતીયોએ અને વિશ્વએ ઉત્સાહ અને ઉમળકાભેર વધાવી. ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ બાદ હવે દેશ અને વિશ્વને ચંદ્રની સપાટી અને વાતાવરણના અભ્યાસ સાથે પાણી- ઓક્સિજનની સ્થિતિ, ખનીજોની ઉપલબ્ધતા વિશે વિવિધ માહિતી મળી રહેશે. સમગ્ર દેશ અને વિશ્વ ચંદ્ર વિશેની વિવિધ જાણકારીઓ વિશે જાણવા ઉત્સુક છે ત્યારે ચંદ્ર પર ઉતરનાર પ્રથમ માનવ નીલ આર્મસ્ટ્રોંગ ( Neil Armstrong ) વિશે પણ ચર્ચાનો માહોલ જામ્યો છે.
 
નીલ આર્મસ્ટ્રોંગ ( Neil Armstrong ) અમેરિકાના એપોલો 11 ( Apollo 11) ચંદ્રમિશનનો ભાગ હતા, તેમની સાથે સહ-અંતરિક્ષ યાત્રી તરીકે બઝ એલ્ડ્રીન અને માઇકલ કોલિન્સ પણ સામેલ હતા. જોકે, કોલિન્સે કોલંબિયા મોડ્યુલમાં જ રહી સમગ્ર પ્રવાસમાં તેમને સાથ આપ્યો. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની સપાટી પર ઉતરણ કર્યુ તેની 19 મિનિટ પછી બઝ એલ્ડ્રિંન પણ ચંદ્ર પર ઉતર્યા હતા. આમ, આ બંને ચંદ્ર પર ઉતરનારા પ્રથમ વ્યક્તિઓ હતા. પરંતુ ચંદ્ર પર સૌથી પહેલા પગ મૂકનાર વ્યક્તિ તરીકે નીલ આર્મસ્ટ્રોંગ ખ્યાતિ ધરાવે છે.
 
Neil Armstrong Becomes First Man To Walk On Moon
 
આજથી 54 વર્ષ પહેલા એટલે કે 20 જૂલાઇ 1969ના રોજ આર્મસ્ટ્રોંગએ ચંદ્ર પર પ્રથમ પગ મૂક્યો હતો. પગ મૂકતાની સાથે તેમણે કહ્યું કે, “ચંદ્ર પર માનવનો આ નાનો ડગ સમગ્ર માનવજાતિ માટે મોટી છલાંગ બની રહેશે’’
 

ચંદ્ર પર પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગની કેવી હતી સફર તેના વિશે વિસ્તૃત જાણકારી | Apollo 11 History, Mission, Landing, Astronauts, Pictures

 
માત્ર 16 વર્ષની ઉંમરમાં જ મળ્યું હતું વિમાન ઉડાવવાનું લાઇસન્સ | ( Neil Armstrong )
 
ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગનો ( Neil Armstrong ) જન્મ 5 ઓગસ્ટ 1930ના રોજ ઓહાયોના વાપાકોનેટા શહેરમાં થયો હતો. તેમની માતાનું નામ વિયોલા લુઇસ અને પિતાનું નામ સ્ટીફન કોએનિગ આર્મસ્ટ્રોંગ હતું. તેઓ જર્મન, સ્કોટ્સ- આયરિશ અને સ્કોટિશ મૂળના હતા. તેમના પિતા ઓહાયો રાજ્ય સરકાર માટે ઓડિટરના રૃપે કામ કરતા હતા. આ જ કારણથી તેમના પરિવારને એક શહેરમાંથી બીજા શહેરોમાં સ્થળાંતર કરવું પડતું. શાળાના દિવસોથી નીલ આર્મસ્ટ્રોંગને વિમાન ઉડાવવામાં ઘણો રસ હતો. માત્ર 16 વર્ષની ઉંમરમાં તેમને વિમાન ઉડાડવાનું લાઇસન્સ મળ્યું. તેમણે અમેરિકી નૌસેનાની શિષ્યવૃત્તિ પર વિશ્વવિદ્યાલયમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગનું ભણતર શરૃ કર્યું પરંતુ ત્રણ સત્રના ભણતર બાદ જાન્યુઆરી 1949 તેઓ સૈન્ય સાથે જોડાયા, જ્યાં તેમને નૌસેનાના વિમાન ઉડાડવાની તાલીમ મળી. માત્ર 20 વર્ષની ઉંમરમાં તેમણે કોરિયા યુદ્ધમાં પણ ભાગ લીધો. 1952માં તેમણે નૌસેનાની નોકરી છોડી અને કોલેજ પરત આવ્યા. તેના અમુક વર્ષો બાદ નેશનલ એડવાઇઝરી કેમિટી ફોર એરોનોટિક્સમાં જોડાયા. ત્યારબાદ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) સાથે જોડાયા. 25 ઓગસ્ટ 2012ના 82 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું.
ચંદ્ર પર પ્રથમ પગ મૂકવાની અપોલો-11 મિશનની સફર સરળ નહોતી
 

Apollo 11 History 
 
16 જુલાઇ 1969માં અપોલો-11 સ્પેસક્રાફ્ટમાં નીલ આર્મસ્ટ્રોંગ ( Neil Armstrong ), બઝ એલ્ડ્રિન ( Buzz Aldrin ) અને માઇકલ કોલિન્સને ( Michael Collins ) કેનેડી સ્પેસ સેન્ટરથી ચંદ્ર પર મોકલવામાં આવ્યા. અમેરિકાના સમય અનુસાર, સવારે 9 વાગે 32 મિનિટે કેનેડી સ્પેસ સેન્ટરથી અપોલો -11 એ ઉડાન ભરી. નાસા મુજબ, અંદાજે 65 કરોડ લોકોએ આ નજારાનું જીવંત પ્રસારણ નિહાળ્યું.
 
19 જુલાઇના રોજ સ્પેસક્રાફ્ટ 76 કલાકની સફરમાં 2 લાખ 40 હજાર કિલોમીટરનું અંતર કાપી ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. તેના આગલા દિવસે નીલ આર્મસ્ટ્રોંગ ( Neil Armstrong ) અને બઝ એલ્ડ્રિન ઇગલ ( Buzz Aldrin ) મોડ્યુલ દ્વારા સ્પેસક્રાફ્ટથી અલગ થયા અને ચંદ્રની સપાટી પર પહોંચવા માટેની તૈયારીમાં જોડાયા. ચંદ્ર પર ઉતરવા માટે આ બંને અંતરિક્ષયાત્રીઓ માટે ઇંધણ બચાવવું એ સૌથી મોટો પડકાર હતો. ચંદ્ર પર ઉતરવાને માત્ર ગણતરીની ઘડીઓની વાર હતી, ત્યારે તેમના મોડ્યુલમાં માત્ર 30 સેંકડ વપરાય તેટલું જ ઇંધણ વધ્યુ હતું. ચંદ્ર પરથી પરત આવ્યા બાદ નીલ આર્મસ્ટ્રોંગે તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમારી પૃથ્વી પર પાછા ફરવાની સંભાવના 90 ટકા હતી, જ્યારે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરવાની સંભાવના માત્ર 50:50 ટકા જ હતી.
 

Apollo 11 History 
 
54 વર્ષ બાદ નીલ આર્મસ્ટ્રોંગે લગાડેલું ડિવાઇસ આજે પણ કરી રહ્યું છે કામ
 
અપોલો 11 મિશન અંતર્ગત આજથી 54 વર્ષ પહેલા નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સહયોગી બઝ એલ્ડ્રિને ચંદ્ર પર એક ઉપકરણ સ્થાપિત કર્યુ, જે આજે પણ સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. બંને અંતરિક્ષયાત્રીઓએ ચંદ્ર પર લેઝર રેન્જિંગ રેટ્રોરિફ્લેક્ટર (LRRR) ઉપકરણ સ્થાપિત કર્યું હતું. આ ઉપકરણથી પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેના અંતર વિશે જાણી શકાયું. ઉપરાંત પૃથ્વી પરથી ચંદ્ર પર મોકલવામાં આવતી લેઝર- રેઝિંગ કિરણોને LRRR દ્વારા પાછા પરાવર્તિત કરી શકાતા હતા. જેને કારણે વૈજ્ઞાનિકોને બે પિંડો વચ્ચે કેટલું અંતર છે તેના વિશેની સચોટ માહિતી મળી શકી હતી.
 
નીલ આર્મસ્ટ્રોંગે ( Neil Armstrong ) ચંદ્ર ( Moon )ની સપાટી પર 2 કલાક 32 મિનિટ સુધી સમય વિતાવ્યો, જ્યારે સહયાત્રી બઝ અલ્ડ્રિને તેમનાથી 19 મિનિટ જેટલો ઓછો સમય વિતાવ્યો હતો. આ અંગે, વર્ષ 2010માં એક ખાનગી ચેનલે આપેલા ઇન્ટરવ્યુમાં આર્મસ્ટ્રોંગે જણાવ્યું કે, અત્યંત ગરમી ધરાવતા વાતાવરણમાં સ્પેસ સૂટ કેવી રીતે કામ કરશે તે સંશયને ધ્યાનમાં રાખીને નાસાએ ચંદ્ર પર માત્ર અઢી કલાક રહેવાનો સમયગાળો નિશ્ચિત કર્યો હતો.
 
બંને અંતરિક્ષ યાત્રીઓએ ચંદ્રની સપાટી પર ઉતરીને ત્યાં અમેરિકાનો ધ્વજ લગાડ્યો, ત્યાંની કેટલીક તસવીરો ખેંચી અને રિસર્ચ માટે સપાટી પરથી 21 કિલો 600 ગ્રામ કાંકરા, પથ્થર અને રેતી એકઠા કર્યા, ત્યારબાદ આર્મસ્ટ્રોંગ અને અલ્ડ્રિન ઇગલયાન મારફતે કોલંબિયા મોડ્યુલ સુધી પહોંચ્યા. આમ, પૃથ્વી સુધી સફળ પરત ફર્યા.
 
ધરતી પર પાછું ફરવું એ પણ હતો મોટો પડકાર
 
ચંદ્ર પર પ્રથમ પગ મૂક્યા બાદ અપોલો 11 માટે પૃથ્વી તરફ પાછા ફરવું એ પણ વિકટભર્યો પડાવ હતો. વાયુમંડળમાંથી પૃથ્વી તરફ જ્યારે કોઇપણ વસ્તુ આવે ત્યારે, 24,000 હજાર માઇલ પ્રતિ કલાકની ગતિથી તે પૃથ્વી સાથે ટકરાય અને ભયંકર આગના ગોળાના સ્વરૃપમાં પરિવર્તિત થાય. અપોલો -11 મિશનના અંતરિક્ષયાત્રીઓને લઇને આવતા સ્પેસ કેપ્સુલ સામે પડકાર હતો કે, તેમણે એક નિશ્ચિત એંગલ પર જ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરવાનો હતો. આ સમયે જો તેની સ્પીડ વધારે તો સ્પેસક્રાફ્ટ ઝડપથી આગ પકડીને બળી જાય.
 
જોકે નાસા સાથે ત્રણ મિનિટના કમ્યુનિકેશન અને બ્લેકઆઉટ બાદ, આર્મસ્ટ્રોંગે સફળ એન્ટ્રીનું સિગ્નલ આપ્યું. આમ, અપોલો 11 મિશનએ લોન્ચિંગના બરાબર આઠ દિવસ, ત્રણ કલાક 18 મિનિટ અને 35 સેંકડ પછી પ્રશાંત મહાસાગરમાં સ્પેસક્રાફટની સફળ લેન્ડિંગ સાથે પૂર્ણ થયું. પૃથ્વી પર પરત ફર્યા બાદ બંને અવકાશયાત્રીઓને 17 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા. 17 દિવસ દરમિયાન તેમની પર વિવિધ પરીક્ષણો દ્વારા કરવામાં આવ્યા કે ચંદ્ર પરથી કોઇ વિશિષ્ટ ઇન્ફેક્શન કે બીમારીની અસર તેમના શરીર પર થઇ છે કે નહીં.
 

Apollo 11 History 
 
નીલ આર્મસ્ટ્રોંગ ( Neil Armstrong ) પછી 12 અંતરિક્ષયાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો
 
How many people have walked on the Moon?
 
ચંદ્ર પર પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ વ્યક્તિ હતા. તેના પછી અમેરિકાએ 4 વર્ષમાં 24 વ્યક્તિઓને લૂનર મિશન પર મોકલ્યા, જેમાંથી 12 લોકોએ સફળતાપૂર્વક ત્યાં પગ મૂકી શક્યા. તેમાંથી ત્રણ અંતરિક્ષ યાત્રીઓ જેમ્સ લોવેલ (અપોલો 8 અને અપોલો 13), જોન યંગ (અપોલો 10 અને અપોલો 16) તેમજ જીન સર્નન (અપોલો 10 અને અપોલો 17)એ પૃથ્વીથી ચંદ્રમા સુધી બે વાર અંતરિક્ષ યાત્રા કરી.
 
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.