હેરિટેજથી આધુનિક શહેરની સફર કરાવતા અમદાવાદ ( કર્ણાવતી ) ના ફરવાલાયક સ્થળો

આજના લેખમાં અમદાવાદ ( કર્ણાવતી ) ના ઇતિહાસથી લઇ આધુનિક વિકાસની ગાથા દર્શાવતા વિવિધ ફરવાલાયક સ્થળો વિશે જાણીએ.

    ૨૬-ઓગસ્ટ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Visiting places in ahmedabad
 
 

અમદાવાદ ( કર્ણાવતી ) ના જૂના અને નવા ફરવાલાયક સ્થળો | Visiting places in ahmedabad gujarat

 
- શહેરની વસ્તી પ્રમાણે અમદાવાદ ( કર્ણાવતી ) ભારતનું સાતમા ક્રમનું સૌથી મોટું શહેર છે
- નગરદેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી માતા મંદિર પાછળની દંતકથા રોચક અને જાણવા જેવી છે
- અમદાવાદના નગરદેવતા કર્ણમુક્તેશ્વર મહાદેવ સોલંકીકાળના ઇતિહાસની સાક્ષી પૂરે છે
- સાબરમતી આશ્રમમાં ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓને ધરોહર તરીકે સાચવવામાં આવી છે
- ઝૂલતા મિનારાએ હેરિટેજ અમદાવાદની શાન ગણાય છે
 
Saradar Patel Smarak Bhavan, Sabarmati Ashram, Bhadra Fort, Jhulta Minara, Hathisingh Jain Temple, Atal Bridge, Science City Ahmedabad,
 
મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ જેવા આઝાદી ચળવળના મુખ્ય નેતાઓએ આઝાદી અપાવવા કર્મભૂમિ તરીકે જે ભૂમિને પસંદ કરી છે તે સ્થળ એટલે ગુજરાતનું અમદાવાદ શહેર. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને શહેરની વસ્તી પ્રમાણે ભારતનું સાતમા ક્રમનું સૌથી મોટું શહેર છે.
 
અમદાવાદ ( કર્ણાવતી – Karnavati ) માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી કરાવતા ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ છે, તો અહમદશાહના શાસનકાળને દર્શાવતા ઐતિહાસિક સ્થાપત્યો છે. આજના લેખમાં અમદાવાદ ( કર્ણાવતી ) ના ઇતિહાસથી લઇ આધુનિક વિકાસની ગાથા દર્શાવતા વિવિધ ફરવાલાયક સ્થળો વિશે જાણીએ.
 

Visiting places in ahmedabad 
 
સાબરમતી આશ્રમ – Sabarmati Ashram
 
દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આઝાદીની લડાઇ માટે મહત્ત્વના ભાગ ભજવેલા સ્થળમાં સાબરમતી આશ્રમનું નામ ચોક્કસ અગ્રસ્થાને આવે. ગાંધીબાપુએ ગાંધી આશ્રમ, હરિજન આશ્રમ, સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાતો સાબરમતી આશ્રમએ મહાત્મા ગાંધી – બાપુની અનેક યાદોને સાચવીને બેઠો છે. 17 જૂન 1917માં કોચરબ આશ્રમથી સ્થળાંતરણ કરી સાબરમતીમાં ગાંધી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. અહીંથી ગાંધીજીએ 12મી માર્ચ 1930ના રોજ મીઠાના સત્યાગ્રહ તરીકે દાંડીકૂચ કરીને સ્વરાજ મેળવવવા નાગરિકોમાં દેશભક્તિનો અલગ જુવાળ પેદા કર્યો.
 
‘મારું જીવન એ મારો આદર્શ’ એ સંદેશ સાથે ગાંધીજીના જીવનની ઐતિહાસિક ઘટનાઓને દર્શાવતી ગેલેરીમાં 250થી વધારે તસવીરોને પ્રદર્શિત કરવામાં આવી છે. જ્યારે હ્રદયકુંજ તરીકે ઓળખાતી ગાંધીજીની કુટિરમાં ગાંધીજી જીવનના અંગત અવશેષો જેમ કે, અવતરણો, પત્રો દર્શાવાયા છે. ગાંધીજી અને કસ્તુરબા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતી ચરખો, વાસણ સહિતની વસ્તુઓને પણ અહીં ધરોહર તરીકે સાચવવામાં આવી છે. આ સાથે ‘ખરાબ જોવું નહીં’, ‘ખરાબ સાંભળવું નહીં’ અને ‘ખરાબ બોલવું’ નહીંનો સંદેશ આપતા ત્રણ વાંદરાની શિલ્પકૃતિ પણ અહીં પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.
 

Visiting places in ahmedabad 
 
સરદાર પટેલ સ્મારક ભવન – Saradar Patel Smarak Bhavan
 
આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી, અખંડ ભારતના એકીકરણનું નેતૃત્વ કરનાર અને આઝાદીની ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં સરદાર પટેલ સ્મારક ભવન સમર્પિત કરવામાં આવ્યું. શાહીબાગ સ્થિત મોતી શાહી મહેલમાં આવેલ આ સ્મારક ભવનમાં સરદાર પટેલની જીવન સ્મૃતિઓને સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં સરદાર પટેલના અવતરણ ચિહ્નો તેમના જીવનચરિત્રાત્મક વર્ણનો રજૂ કરવામાં આવ્યા છે. સાથે અહીં આવેલ ગેલેરીમાં તેમના કપડાં, તેમની રોજિંદા વપરાશની ચીજવસ્તુઓને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
 
અહીં આવેલ મોતીશાહી મહેલ મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવ્યો હતો. સ્વતંત્રતા બાદ, 1960થી લઇ 1978 સુધી આ મહેલ ગુજરાતના ગવર્નરનું સત્તાવાર નિવાસસ્થાન એટેલે કે રાજભવન હતો. અહીં મહાન બંગાળી લેખક અને ફિલસૂફ રવિન્દ્રનાથ ટાગોર 1878ના વર્ષમાં 6 મહિના માટે રોકાયા હતા. અધ્યયન, લેખન માટે તેમણે આ જગ્યાને પસંદ કરી હતી. આજે પણ અહીં એક ખંડ ‘ટાગોર સ્મૃતિખંડ’ તરીકે જાળવી રાખવામાં આવ્યો છે.
 

Visiting places in ahmedabad 
 
ભદ્રનો કિલ્લો – Bhadra Fort
 
વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદ શહેરમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. એમાંનુ એક એટલે લાલદરવાજા પાસે આવેલો અને શહેરની ઓળખ ગણાતો ભદ્રનો કિલ્લો. આ કિલ્લો ઇ.સ. 1411ની સાલમાં અહેમદશાહ દ્વારા બંધાવવામાં આવ્યો. અહીં પ્રવેશદ્વારોની કમાનોમાં શિલાલેખો જોવા મળે છે. આ કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થાપવામાં આવેલ ભદ્રકાળી માતાના મંદિર પરથી પડ્યું છે.
 

Visiting places in ahmedabad 
 
ભદ્રકાળી માતાનું મંદિર – Bhadrakali Mata Temple
 
મરાઠા શાસન દરમિયાન આઝમ ખાન સરાઇના ઉત્તરી ભાગમાં એક ઓરડાને ભદ્રકાળીના મંદિરમાં રૃપાંતરિત કરવામાં આવ્યો. ભદ્રકાળી માતાને માતા લક્ષ્મીનું સ્વરૃપ માનવામાં આવે છે. અહીં આવેલ મંદિરમાં બિરાજમાન ભદ્રકાળી માતા આખા નગર એટલે કે અમદાવાદ શહેરની રક્ષા કરી રહી હોવાની સ્થાનિકોમાં માન્યતા છે. આથી ભદ્રકાળીમાતાને ‘નગરદેવી’ તરીકે ઓળખવામાં આવે છે. o-દંતકથા - ભદ્રકાળી માતાના મંદિર સાથે જોડાયેલી દંતકથા પણ રોચક અને જાણવા જેવી છે. કહેવાય છે કે, વર્ષો અગાઉ, સમૃદ્ધિની દેવી લક્ષ્મી રાત્રે શહેર છોડવા માટે ભદ્રના કિલ્લાના દરવાજા પાસે આવ્યા. ચોકીદાર સિદ્દીક કોટવાળે તેમને રોક્યા અને ઓળખી ગયા. તેમણે રાજાની પરવાનગી ના મળે ત્યાં સુધી શહેર ન છોડવા વિનંતી કરી. લક્ષ્મીજી શહેર ન છોડે તે માટે તેમણે પોતાનું માથું ધડથી અલગ કરી નાખ્યું. અમદાવાદ સમૃદ્ધિથી ભરેલું રહે તે માટે માતાજી સદૈવ અહીં જ વસ્યા. ભદ્રના કિલ્લા પાસે સિદ્દિક કોટવાળને સમર્પિત એક કબર આવેલી છે.
 
ભદ્રના કિલ્લામાં આવેલો ઘડિયાળનો મિનારો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. ઇ.સ. 1849 વખતના સમયગાળામાં લંડનથી રૃપિયા 8 હજારના ખર્ચ આ ઘડિયાળને અહીં લાવવામાં આવી અને 1878માં તેની પાછળ 2 હજાર 430 રૃપિયા સમારકામ કરવામાં આવ્યું. આવતા- જતા લોકો સમય જોઇ શકે તે માટે રાત્રે તેના પાછળના ભાગમાં કેરોસીનનો દીવો પ્રકાશિત કરવામાં આવતો. 1915માં તેને વીજળીના દીવાથી બદલવામાં આવ્યો. આમ, આ ઘડિયાળ અમદાવાદના પ્રથમ વીજ જોડાણનો અનુભવ સાચવીને બેઠી છે.
 
આ કિલ્લામાં 12 દરવાજા, 189 બુરજો, 6000 કાંગરા હતા. આ કિલ્લાએ મુઘલકાળ, મરાઠાકાળથી લઇ અંગ્રેજોના શાસનકાળ સુધીનો સમય જોયો છે. બ્રિટિશ રાજ દરમિયાન આ કિલ્લાનો ઉપયોગ કેદખાના તરીકે થતો.
 

Visiting places in ahmedabad 
 
કર્ણમુક્તેશ્વર મહાદેવ – Karnmukteshvar Mahadev
 
અમદાવાદના નગરદેવતા તરીકે ઓળખાતા કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર સારંગપુર દરવાજા નજીક આવેલું છે. આ પ્રાચીન મંદિર 11મી સદીમાં રાજા કર્ણદેવ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. તેનું નિર્માણ અને વિકાસકાર્ય સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર ખાતે લક્ષ્મી અને તિલક કન્યાના 900 વર્ષ જૂના શિલ્પો, 12મી સદીની મહિષાસુર મર્દની માતાની પ્રતિમા તથા ચર્તુભૂજ વિષ્ણુ ભગવાનની પ્રતિમા વર્તમાન સમયમાં પણ હયાત છે. દર વર્ષે પરશુરામ જયંતિની પર્વની ઉજવણીના અવસરે આ મંદિરથી નગરયાત્રા નીકળી શહેરમાં ફરી પાછી મંદિરે પરત આવે છે. સોલંકી યુગમાં ગુજરાતમાં શિલ્પકળાના પ્રતીક સમું આ મહાદેવનું મંદિર ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે.
 

Visiting places in ahmedabad 
 
ઝૂલતા મિનારા – Jhulta Minara
 
અમદાવાદ એક સમયે ગુજરાતની રાજધાની હતું. આ સમયે અનેક ઐતિહાસિક સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યું અને તેમાંનુ એક એટલે કે ઝૂલતા મિનારા. ઝૂલતા મિનારાએ સીદી બશીર મસ્જિદમાં આવેલા છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવ્યું છે. સાળંગપુર – ગોમતીપુર રેલવે સ્ટેશનની બહારના ભાગે આવેલા આ મિનારા ત્રણ માળના બનેલા છે અને તેની છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. અહીં એક મિનારા પર ચડીને તેને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલતો હોવાથી તેનું નામ ઝૂલતા મિનારા પાડવામાં આવ્યું. નવાઇની વાત એ છે કે, આ કંપનની અસર બંને મિનારાઓની વચ્ચેની જગ્યા પર જોવા મળતી નથી. આ કંપનનું સાચું કારણ જાણી શકાયું નથી. હાલ આ મિનારા પર ચડવા પર પ્રતિબંધ મૂકાયો છે.
 

Visiting places in ahmedabad 
 
હઠીસિંહના દેરાં- Hathisingh Jain Temple
 
હઠીસિંહના દેરાં કે હઠીસિંહની વાડી તરીકે ઓળખાતા સ્થાપત્ય જૈનદેરાસરો છે. રૃપિયા 8 લાખના ખર્ચે (તે સમયે જંગી રકમ ગણાતી) ધનવાન જૈન નગરશેઠ હઠીસિંહના પરિવારજનો દ્વારા આ દેરાનું નિર્માણ 1848માં કરવામાં આવ્યું. આ જૈન મંદિરમાં 15મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે. સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવા આ દેરાસરો અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલા છે.
 
એક તરફ શહેરના ઐતિહાસિક સ્થાપત્યોએ અમદાવાદ (કર્ણાવતી) ને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવ્યો છે તો બીજી તરફ રિવરફ્રન્ટ, સાયન્સસિટીથી લઇ અનેક આધુનિક સ્થળો અમદાવાદ (કર્ણાવતી) ને આધુનિક શહેરની ઓળખ આપી રહ્યા છે.
 

Visiting places in ahmedabad 
 
અટલ બ્રિજ – Atal Bridge
 
આધુનિક અમદાવાદની ઓળખમાં વધુ એક છોગું ઉમેરતું સ્થળ એટલે અટલબ્રિજ. અટલબ્રિજ રિવરફ્રન્ટના પશ્ચિમ છેડે ફ્લાવર ગાર્ડન અને પૂર્વના છેડે કલા અને સંસ્કૃતિના કેન્દ્રને જોડે છે. આ બ્રિજ રાહદારીઓ માટે બનાવાયો છે. આ બ્રિજનો દેખાવ અને આકારમાં પતંગ આધારિત ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની પાછળ શહેરની સંસ્કૃતિ અને ઉત્તરાયણના તહેવારની ઝલક દર્શાવવાનો હેતુ છે.
 

Visiting places in ahmedabad 
 
સાયન્સ સિટી – Science City Ahmedabad
 
બાળકો અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રૃચિ વધે, મનોરંજન સાથે જ્ઞાનનો ફેલાવો થાય તેમજ વૈજ્ઞાનિક માનસ કેળવાય તે હેતુથી હેબતપુર ખાતે સાયન્સસિટીનું નિર્માણ કરવામાં આવ્યું. 107 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પરિસરમાં હોલ ઓફ સ્પેસ, લાઇફ સાયન્સ પાર્ક, ઇલેક્ટ્રોડોમ, પ્લેનેટ અર્થ, ઊર્જા ઉદ્યાન, સ્ટીમ્યુલેશન રાઇડ, એમ્ફી થિયેટર જેવા વિવિધ પ્રકલ્પો ઊભા કરવામાં આવ્યા છે. અહીં સામાન્ય માણસ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની સમજ કેળવી શકે તે માટે સમકાલીન અને કાલ્પનિક પ્રદર્શનો, વર્કિંગ મોડલ, વર્ચ્યુઅલ રિયાલિટી, લેબ્સ અને લાઇવ ડેમોસ્ટ્રેશન પણ બનાવવામાં આવ્યા છે.
 
સાયન્સ સિટી ખાતે વર્ષ 2021માં બીજા તબક્કામાં માછલીઘર, રોબોટિક્સ ગેલરી તથા નેચરપાર્કને ખૂલ્લા મુકવામાં આવ્યા
 
નેચર પાર્ક – Nature Park
 
નેચર પાર્કમાં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે ભુલભુલામણી છે. ઉપરાંત વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પચર પણ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ટેરર બર્ડ, લાયન, ઉધઇના રાફડા, મધપૂડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપે છે.
એક્વેટિક અને રોબોટિક ગેલરી – અહીં આવેલ એક્વેરિયમમાં 28 મીટરની અંડર વોટર ટનલ તૈયાર કરવામાં આવી છે. જેમાં શાર્ક સહિતની વિવિધ પ્રજાતિઓ તેમજ જળસૃષ્ટિ જોઇ શકાય છે. તો રોબોટિક ગેલરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ આવેલા છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્મુમનોઇડ રોબોટ આનંદ, ઉત્સાહ અને આશ્ચર્ય જેવી ભાવનાઓ વ્યક્ત કરે છે તેમજ મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. જેને કારણે આ ગેલેરી પ્રવાસીઓમાં આકર્ષણ જન્માવે છે.
 
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.