મંદિરમાં રહેલા 12 સ્તંભ કહેવાય છે રાશિચક્ર
હિંદુ કેલેન્ડરના મહિના અનુસાર સ્તંભ પર પડે છે સર્યૂ કિરણ
કર્ણાટકનું આ મંદિર છે અદ્ભૂત કારીગરી માટે પ્રસિદ્ધ
કર્ણાટકના આ મંદિરમાં જોવા મળે છે રાશિચક્ર
Vidyashankara Temple in Gujarati | તાજમેહલ નહી આપણા બાળકોને ભારતનો આ ભવ્ય વારસો બતાવા લઈ જાવ. ભારત પાસે આવો ખજાનો છે. આ મંદિરની જ વાત કરો. વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે આ મંદિર. અહીં ૧૨ સ્તંભ છે. રોજ સવારે સૂર્યના કિરણો જોઇને કોઇ પણ સાધારણ વ્યક્તિ કહી દે કે હિન્દુ કેલેન્ડરનો કયો મહિનો હાલ ચાલી રહ્યો છે. તો ચાલે જાણીએ એવા અદ્ભૂત મંદિર વિશે.
ક્યાં આવેલું છે
આપણે જે મંદિરની વાત કરવાના છીએ તેનું નામ છે વિદ્યાશંકર મંદિર ( Vidyashankara Temple ). વિદ્યાશંકર મંદિર કર્ણાટકના શૃંગેરીમાં આવેલું છે. આ વિશાળ મંદિર કર્ણાટકના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોમાંથી એક છે. કહેવાય છે કે વિદ્યારણ્ય નામના ઋષિએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ. અહીં આવનાર પ્રવાસીઓ વિવિધ શિલાલેખ જોઈ શકે છે. આ શિલાલેખોમાં ભારતના પ્રસિદ્ધ વિજયનગર સામ્રાજ્યના યોગદાનનો ઈતિહાસ દર્શાવામાં આવ્યો છે.
વિદ્યા શંકર મંદિર Vidyashankara Temple અને તે સાથે સંકળાયેલી દંતકથાઓ
કર્ણાટકની મુલાકાતે આવતા પ્રવાસીઓએ શૃંગેરીના વિદ્યાશંકર મંદિરની મુલાકાત ચોક્કસ પણે લેવી જોઈએ. આ તીર્થ સ્થળનું નિર્માણ ઈ.સ. 1338માં વિદ્યારણ્ય નામના ઋષિએ કરી હતી. તે વિજયનગર સામ્રાજ્યના સંસ્થાપકોના સંરક્ષક હતા. તે 14મી સદીમાં અહીં વસતા હતા . આ મંદિરમાં તમે દ્રવિડ, ચાલુક્ય, દક્ષિણ ભારતીય અને વિજયનગર સ્થાપત્ય શૈલીને જોઈ શકો છો.
પ્રચલિત એક દંતકથા અનુસાર શૃંગેરી સ્વંય આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત અદ્વૈત મઠોમાંથી એક છે. આઠમી શતાબ્દીથી તેની એક પરંપરા અવિચલ ચાલી રહી છે જે ઈતિહાસમાં નોંધાયેલ છે. શ્રી આદિશંકરાચાર્યના શિષ્ય સરેશ્વરાચાર્ય આ મઠના પ્રથમ પ્રમુખ હતા..
શૃંગેરી મઠની વંશાવલી અંગેની માહિતી આપણને વિવિધ અભિલેખો દ્વારા મળે છે. આ મઠના બે સૌથી પ્રસિદ્ધ મઠાધીશ વિદ્યાશંકર કે વિદ્યાતીર્થ અને તેમના શિષ્ય વિદ્યારણ્ય હતા.
વિદ્યારણ્યનો કર્ણાટક અને દક્ષિણ ભારતના ઈતિહાસમાં એક મહાન વ્યક્તિ તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. તેમના કાળમાં દક્ષિણમાં મુસ્લિમ આક્રમણોની શરૂઆત થઈ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વિદ્યારણ્યએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તે ઉત્તરમાં મુસ્લિમ આક્રમણકારીઓ વિરુદ્ધ હિંદુ પરંપરાઓ અને મંદિરોની રક્ષા માટે કાર્યરત હતા.
એવું કહેવાય છે કે વિદ્યારણ્યના ભાઈઓ હરિહર અને બુક્કાએ વિદ્યાતીર્થની સમાધિ પર એક મંદિરનું નિર્માણ કરાવ્યું. સમય જતા તે મંદિરને વિદ્યાશંકર મંદિરના નામથી ઓળખવામાં આવે છે.
આ મંદિર વિદ્યાતીર્થની સમાધિની આસપાસ ખૂબ જ સુંદર રીતે બનાવામાં આવ્યું છે. જે એક જૂના રથ સાથે મેળ ખાય છે. આ વિજ્યનગર શૈલીની સાથે સાથે દ્રવિડ શૈલીની સામાન્ય વિશેષતાઓને સાંકળે છે. એક કોતરણીદાર ચબૂતરા પર રહેલ આ મંદિરમાં છ દરવાજા છે.
અહીં રહેલ એક ગર્ભગૃહમાં દેવી દુર્ગા અને ભગવાન વિદ્યાગણેશની મૂર્તિઓ જોઈ શકાય છે. તે ઉપરાંત મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અવે મહેશની મૂર્તિઓ તેમની પત્ની સાથે ગર્ભગૃહમાં જોવા મળે છે.
બાર સ્તંભ | રાશિ ચક્ર તરીકે પ્રખ્યાત છે
આ મંદિરમાં 12 સ્તંભ છે. જે રાશિ ચક્ર તરીકે પ્રખ્યાત છે. જેના પર રાશિચક્રની બાર રાશિઓની આકૃતિ કોતરવામાં આવી છે. જેની રૂપરેખા ખગોળીય અવધારણાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનું નિર્માણ એટલી સરળ રીતે કરવામાં આવ્યું છે કે સૂર્યની કિરણો હિંદુ કેલેન્ડરના બાર મહિના અનુસાર પ્રત્યેક સ્તંભ પર પડે છે. મંદિરની અંદર સપાટી પર પ્રત્યેક સ્તંભ ની છાયા અનુસાર રેખાઓથી એક વૃત દોરવામાં આવ્યું છે.
વિશેષતા સુંદર વાસ્તુકલા
મંદિરની મધ્ય છતની વિશેષતા એ છે કે તેના પર સુંદર વાસ્તુકલા પ્રદર્શિત કરવામાં આવી છે. આ સ્થળની છત ઢળાવ વાળા વળાંક માટે ઓળખાય છે. મંદિરના છેક નીચેના ભાગમાં ભગવાન શિવ, વિષ્ણુ , દશાવતાર, શંમુખા, દેવી મહાકાળી અને વિભિન્ન પ્રકારના જાનવરોના સુંદર ચિત્રો છે. આ મંદિરમાં વિદ્યાર્તીર્થ નામના રથોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થાય છે. જે કારતક માસમાં આયોજિત થાય છે.
આસપાસના અન્ય મંદિરો | Other Temple Near Vidyashankara Temple
શ્રીશરદંબા મંદિર | Sringeri Sharadamba Temple
આ મંદિરમાં શરદંબાની તૂટેલી ચંદનની મૂર્તિ પણ છે. કહેવાય છે કે આદિ શંકરાચાર્યએ શરદંબાની સ્થાપના કરી હતી. એવી માન્યતા છે કે આ મૂર્તિ મુસ્લિમ આક્રમણ દરમ્યાન ખંડિત થઈ હતી. ત્યાર પછી શ્રી વિદ્યારણ્યએ તેના સ્થાને શરદંબાની હાલમાં રહેલી સોનાની મૂર્તિની સ્થાપના કરી હતી.
આ મંદિર કેરલ શૈલીની વાસ્તુકલામાં ટાઈલ્સ વાળી છત સાથે બનાવામાં આવ્યું છે. મંદિરના મહામંડપમાં પથ્થરના સ્તંભ છે. જેના પર દુર્ગા અને રાજ રાજેશ્વરી જેવા અન્ય દેવી દેવતાઓની ઉત્કૃષ્ટ કોતરણી જોઈ શકાય છે.
શ્રી મલ્હનિકરેશ્વર મંદિર | Malahanikareshwara Temple
આ મંદિર એક નાના પર્વત પર આવેલ છે. તેમાં 170 સીડીઓ છે. મંદિરનું નિર્માણ પથ્થરથી કરવામાં આવ્યું છે. આ મંદિરની છત પર કમળની કળીની કોતરણી કામ જોઈ શકાય છે. જેમાં દુર્ગા, સ્તંભ ગણપતિ, ભવાની અને મલહાનિકારેશ્વર સહિત ઘણા દેવતાઓનું નિવાસ છે. એવી માન્યતા છે કે વિભાંડક નામના એક ઋષિ આ મંદિરમાં લિંગની પૂજા કરતા હતા. તે ઘણા વર્ષોની તપસ્યા પછી લિંગમાં વિલીન થઈ ગયા.
શ્રી પાર્શ્વનાથ સ્વામી બસદી | Parshwanath Swami Basadi
આ એક જૈન મંદિર છે. તેનું નિર્માણ ઈ.સ. 1150માં મારી સેટ્ટીની યાદમાં કરવામાં આવ્યુ હતુ. આ મંદિર 50 ફૂટ લાંબુ અને 30 ફૂટ પહોળુ છે. તેની છત ઢાળ વાળી છે.જ્યારે તેની દિવાલો પથ્થરની બનેલી છે. આ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ સ્વામીની કાળા પથ્થરની મૂર્તિ છે. સામાન્ય રીતે મૂર્તિમાં દેવતાઓના મસ્તકે એક ફણ વાળો કોબરા જોવા મળે છે.પરંતુ આ મૂર્તિમાં સાત ફણ વાળા કોબરાનું જોડુ છે. તેથી આ જોડી પાર્શ્વનાર્થ સ્વામીના નામે પણ ઓળખાય છે.
કઈ રીતે જવું | How to Reach?
કર્ણાટકના આ અદૂભત મંદિરની મુલાકાત લેવા જેવી છે.અહીં સડક માર્ગ,રેલ માર્ગ અને હવાઈ માર્ગે સરળતાથી પહોંચી શકાય છે. સડક માર્ગે શૃંગેરી કર્ણાટકના મોટાભાગના નજીકના સ્થળો સાથે બસ માર્ગે સંકળાયેલુ છે.જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરવા માંગો છો તો ઉડુપી રેલ્વે સ્ટેશન શૃંગેરીનું નજીકનું રેલ્વે સ્ટેશન છે. તે શૃંગેરીથી 80 કિમીના અંતરે આવેલું છે. હવાઈ માર્ગે મુસાફરી કરવા માટે મેંગલોર નજીકનું એરપોર્ટ છે.
- મોનાલી ગજ્જર