સડક દુર્ઘટના : ટ્રાફિક સેન્સ કે સિવિક સેન્સ જ નહીં સંવેદનશીલતા ય જરૂરી!

અમેરિકા, સિંગાપુર, ચીન, જાપાન વગેરે જેવા વિકસિત દેશોમાં ટ્રાફિક અને અકસ્માતો અંગેના પ્રાવધાન અને દડ ભારત કરતાં ૭થી ૮ ગણા વધારે છે.

    ૦૫-ઓગસ્ટ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

accident gujarat india
 
 
# સડક દુર્ઘટનાના આંકડા હતપ્રભ કરી દે તેવા છે
# સરકાર, સમાજ અને વ્યક્તિગત રીતે પગલાં ભરવાં પડશે.
# લોકોને ગુનો કરતાં ડર લાગે એવો માહોલ જરૂરી છે
# બાળકોને સિવિક સેન્સ અને ટ્રાફિક સેન્સ શિખવાડવાની જરૂર છે
સડક દુર્ઘટનાના આંકડા હતપ્રભ કરી દે તેવા છે
 
ગત અઠવાડિયે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયંકર અકસ્માતમાં ૯ નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા. અકસ્માત કરનારા તથ્ય પટેલ અને બીજા જવાબદારોને કડકમાં કડક સજા કરવા સરકાર અને સમાજ બંને કટિબદ્ધ છે. આ અકસ્માતે ઘણાંનાં ઘર ઉજાડ્યાં, સપનાંઓ રોળ્યાં અને ફરીવાર સમાજમાં રશ ડ્રાઇવિંગ, નશામાં ડ્રાઇવિંગ, બેફામ ડ્રાઇવિંગ, ટીન એજ ડ્રાઇવિંગ, બડે બાપ કી બીગડી ઔલાદ, નબીરાઓનો રોડ તરખાટ જેવા મુદ્દાઓ ચર્ચાનો વિષય બન્યા છે. દરરોજ થતાં મોત, માતમ, સડક પર પડેલાં લોહીનાં ખાબોચિયાં, ક્ષત-વિક્ષત અંગો, એનાથી ઊજડી ગયેલા પરિવારો - આ બધાં શ્યો આપણને વિચલિત કરી દે છે. ગુજરાતમાં ૨૦૨૧માં ૧૫,૨૦૦ અકસ્માતોમાં ૭૪૫૭ લોકોનાં મૃત્યુ અને ૧૩,૭૨૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, ૨૦૨૦માં ૧૩૪૦૭ અકસ્માતોમાં ૬૨૦૦ મૃત્યુ અને ૧૧૯૮૪ લોકો ઘાયલ, આ અકસ્માતો ઘર-પરીવારો તબાહ કરી નાંખે છે. ભારતમાં ઉત્તરોત્તર વધી રહેલા અકસ્માતો અંગે ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. ભારતમાં સડકનિર્માણના આંકડા ગૌરવ અપાવે એવા છે, પરંતુ સડક દુર્ઘટનાના આંકડા હતપ્રભ કરી દે તેવા છે. વિશ્વ બ્ક અનુસાર માર્ગ અકસ્માતમાં અગ્રતા ક્રમે હોય એવા ૨૦ દેશોમાં ભારત પ્રથમ સ્થાને છે. સડક પરિવહન વિભાગના આંકડા અનુસાર ભારતમાં દરરોજ સરેરાશ ૪૧૫ લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. NCRB - રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો મુજબ ૨૦૨૧માં એક્સિડેન્ટમાં ૧ લાખ ૫૦ હજાર લોકોનાં મોત થયાં અને સાડા ત્રણ લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે.
 
સરકાર, સમાજ અને વ્યક્તિગત રીતે પગલાં ભરવાં પડશે
 
દેશમાં થતા આટલા ભયંકર અકસ્માતોમાં અનેક કારણો જવાબદાર છે. નશામાં ડ્રાઇવિંગ, ઓવરસ્પીડ ડ્રાઇવિંગ, ખોટી ઓવરટેકિગ, ભયજનક ડ્રાઈવિંગ, મોબાઈલ ફોન પર વાત કરતાં ડ્રાઇવિંગ, નાઇટ ડ્રાઇવિંગ, લાપરવાહી, અનુભવની કમી, સિગ્નલ તોડવા, ખોટી લેન, રાતના ઉજાગરા-ઘેન, ખરાબ રોડ, પ્રાણીઓનું વચ્ચે આવી જવુ, માર્ગ પર ચાલતું કામ, ડાયવર્જન, ગાડીના ટાયર ફાટવાં, બ્રેક ફેઇલ થઈ જવી કે અન્ય વાહન સંબંધિત સમસ્યા - વગરેને કારણે અકસ્માતો નધાય છે. ક્યારેક એન્ટી લોક સિસ્ટમ, એરબેગ, રોડ સાઈન, લાઈટ સાઈન વગેરેની અણસમજ કે જાગરુકતાની કમી પણ જવાબદાર હોય છે, પરંતુ આઘાતજનક એ છે કે, સડક દુર્ઘટનામાં થતાં મૃત્યુમાંના ૯૦ ટકાથી વધુ મોત ઓવર સ્પીડ, ઓવરટેકિગ અને ખતરનાક અને બેપરવાહ ડ્રાઈવીંગને કારણે થાય છે. આ અકસ્માતો નિવારવા સરકાર, સમાજ અને વ્યક્તિગત રીતે પગલાં ભરવાં પડશે.
 
સરકાર વધુ કડકાઈથી કામ લે
 
ઘણા અકસ્માતોમાં રસ્તાની ખરાબી, રસ્તા પર લાઇટ - કૅમેરા વગેરે બંધ હોવા, બેરિકેટ ન મુકાવા વગેરે બાબતોમાં લાગતા-વળગતાઓની લાપરવાહી જવાબદાર હોય છે. તો નશો કરીને, ઓવરટેકિગ કરીને કે બેપરવાહીથી ડ્રાઇવિંગ કરનારાઓ મોટે ભાગે કારણભૂત હોય છે. આવા લોકો માટે વિશેષ કલમોની જોગવાઈ કરીને એમને તત્કાલ કડકમાં કડક સજા થાય તે સરકારે કરવું પડશે. સાથે યાતાયાત પર કડક નજર, યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા, યોગ્ય સ્પીડ બેન્કર, ટ્રાફિક લાઇટ સહિત અન્ય ટેક્નિકલ બાબતોની ખામીરહિતતા તથા સુવિધાજનક અને સુરક્ષિત માર્ગ પણ પ્રદાન કરવાં રહ્યાં. અનેક અપાત્રોને સરળતાથી લાયસન્સ મળી જાય છે, ટીન એજરો ડ્રાઇવિંગ કરતાં જોવા મળે છે, આ બધા મુદ્દે સરકાર વધુ કડકાઈથી કામ લે.
 
લોકોને ગુનો કરતાં ડર લાગે એવો માહોલ જરૂરી છે
 
અમેરિકા, સિંગાપુર, ચીન, જાપાન વગેરે જેવા વિકસિત દેશોમાં ટ્રાફિક અને અકસ્માતો અંગેના પ્રાવધાન અને દડ ભારત કરતાં ૭થી ૮ ગણા વધારે છે. `ડ્રક એન્ડ ડ્રાઇવ'ના કિસ્સામાં કોઈપણ રાજકારણી, નેતા-અભિનેતા પ્રતિષ્ઠિત વ્યક્તિનાં પહોંચેલ વ્યક્તિનાં સગા-સંબંધી કે પોતે હોય તો પણ ફરજિયાત એક રાત જેલમાં વિતાવવી જ પડે. ત્યાં ટેકનોલોજીનોય મોટો ઉપયોગ કરાય છે. સ્પીડ ડિટેક્શન ડિવાઇઝ, સ્પીડ હંપ, ઓપ્ટિકલ માર્કિંગ, ઓટોમેટિક સિસ્ટમથી, દંડથી વગેરેને કારણે વાહન ચાલકમાં કાયદાનો ડર રહે છે. આપણે ત્યાં ઓછા દંડ કે સજાને કારણે લોકોને કાયદાનો ડર નથી. માટે લોકોને ગુનો કરતાં ડર લાગે એવો માહોલ જરૂરી છે.
 
લોકોએ પણ પોતાની માનસિકતા બદલવાની તાતી જરૂર છે..!!
સંયુક્ત રાષ્ટ્ર સંઘ આ મુદ્દે ગંભીર છે. ૨૦૨૧ની એક બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સડક યાતાયાતથી થનારા મૃત્યુને ૨૦૩૦ સુધી અરધી કરવાના લક્ષ્ય સાથે વૈશ્વિક સડક સુરક્ષામાં સુધારનો સંકલ્પ કર્યો છે. ભારતમાં થોડા સમય પહેલાં જ સડક અકસ્માતો ઓછા કરવા નવા નિયમોની ચર્ચા થઈ છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં રિયલ સિટ બેલ્ટ એલાર્મ સિસ્ટમ લગાવવી અનિવાર્ય બનશે, તમામ કારોમાં છ એરબેગ ફરજિયાત અને બીજાય અનેક કડક નિયમો છે. તેનું પાલન નહીં થાય તો ખૂબ મોટા દંડ વસૂલ થશે. અકસ્માત નિવારવા સરકારે વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે ૧૫ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટસ સાઇન કર્યા છે. ૨૦૨૪ સુધી સરકાર આ નિયમો લાગુ કરીને માર્ગ અકસ્માત ૫૦ ટકાથી ઓછા કરી દેવાની નેમ ધરાવે છે, પણ આ વાત કરતી વખતે કેન્દ્રીય પરિવહન મંત્રી શ્રી ગડકરીજીએ કહેલી વાત સૌથી વધુ મહત્ત્વની છે કે, `સરકાર બધા જ પ્રયત્નો કરશે. પણ લોકોએ પણ પોતાની માનસિકતા બદલવાની તાતી જરૂર છે.'
 
બાળકોને સિવિક સેન્સ અને ટ્રાફિક સેન્સ શિખવાડવાની જરૂર છે
 
સરકાર જ અકસ્માત સમસ્યાઓનો સંપૂર્ણ હલ કરે એ માનસિકતા વાજબી નથી. જવાબદાર સમાજ તરીકે આપણે સૌએ જ્યાં કંઈ અઘટિત હોય ત્યાં યોગ્ય અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવી જોઈશે અને દરેક નાગરિકે કાયદા - નિયમોનું કડક પાલન કરવું પડશે. જે માતા-પિતા પોતાનાં ટીન એજ બાળકોને વાહનો આપી દે છે તેમણે `સ્વ'ની અંદર ઝાંખીને પોતે જ નિર્ણય કરવો કે, શુંં તે યોગ્ય છે? આજે લોકોએ પોતે અને પોતાના બાળકોને સિવિક સેન્સ અને ટ્રાફિક સેન્સ શિખવાડવાની જરૂર છે. આપણી બદનસીબી એ છે કે સિવિક સેન્સ, ટ્રાફિક સેન્સ જ નહીં પણ માનવી સંવેદશનીલતાય ગુમાવી ચૂક્યો છે. સર્વહિતકારક નાગરિકબોધ આપણા સમાજનું અંગ નથી બની શક્યો. એ બનશે પછી સડક દુર્ઘટનાની કારમી ચીસો અને મોતના માતમ અચૂક શાંત થશે.

મુકેશ શાહ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

  • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
  • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.