૯ ઓગસ્ટ `વિશ્વ મૂળનિવાસી દિન'ના ષડયંત્રથી સાવધાન

માટે આજે જરૂર છે વિશ્વ મૂળનિવાસી દિન થકી ભારતના પુનઃ ભાગલા પડાવવા માટે રચાયેલા ષડયંત્રનો પર્દાફાશ કરવાની. વાસ્તવમાં આ છે- `વિશ્વ શોક દિન"

    ૦૫-ઓગસ્ટ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

vishva mulnivasi din
 
 
પશ્ચિમે ૯મી ઓગસ્ટને `વિશ્વ મૂળનિવાસી દિન' એવું નામ આપવામાં આપ્યું છે. આ જ દિવસને ભારતમાં `આદિવાસી દિન'ના નામે પણ ઉજવવામાં આવી રહ્યો છે. છેલ્લાં ૪-૫ વર્ષોથી અચાનક રીતે આ દિવસની ઉજવણી ઠેર-ઠેર થઈ રહી છે, ત્યારે.. આ `આદિવાસી દિન' કહો કે `વિશ્વ મૂળનિવાસી દિન' કહો તે ખરેખર શું છે તે સમજવાની જરૂર છે.
 
 
 
શું છે `વિશ્વ મૂળનિવાસી દિન' પાછળનું છૂપું સત્ય?
 
આ `વિશ્વ મૂળનિવાસી દિન' પાછળ રહેલા છૂપા સત્યને પામવા કેટલાક પ્રશ્નો થવા સ્વાભાવિક છે.
 
૧, `વિશ્વ મૂળનિવાસી દિન'નો વિચાર કેવી રીતે આવ્યો?
૨, ૯મી ઓગસ્ટે કઈ વૈશ્વિક ઘટના ઘટેલી?
૩, આ દિવસ સાથે ભારતને કંઈ લેવાદેવા કેમ નથી?
૪, તો પણ `વિશ્વ મૂળનિવાસી દિન' માટે કોણ, કેમ સક્રિય છે?
પાયાના આ પ્રશ્નોના ઉત્તર મેળવવા આગળ વધીએ..
 
`વિશ્વ મૂળનિવાસી દિન'નો વિચાર કેવી રીતે આવ્યો?
 
કેથોલિક મિશનની આર્થિક મદદથી કોલંબસ મોટો કાફલો લઈને સમુદ્રમાર્ગે ભારતને શોધવા માટે નીકળેલો. ૧૪૯૨માં તે અમેરિકાના પૂર્વીય તટ પર પહોંચી ગયો. તે વખતે અમેરિકામાં ચેરોકી, ચિકાસૌ, ચોક્તાવ, માસ્કોગી, અને સેમિનોલ એમ પાંચ મૂળ અમેરિકન (મૂળનિવાસી) સમાજો હતા. કોલંબસે માની લીધું કે, પોતે ભારત પહોંચી ગયો છે. ત્યાંના લોકોને `ઇન્ડિયન' કહેવા લાગ્યો. જો કે મોડી મોડી કોલંબસને ખબર પડી કે, તે પહોંચ્યો તે ભારત નથી, તેથી ત્યાંના મૂળ નિવાસીઓનું નામ `રેડ ઇન્ડિયન' રાખ્યું. જેને આજે `અમેરિકન ઇન્ડિયન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
ત્યાં પોતાની કોલોનીઓ બનાવીને અડ્ડો જમાવવાના ઉદ્દેશ્યને પાર પાડવા અંગ્રેજોએ અમેરિકાના મૂળનિવાસીઓ સામે સન ૧૬૦૦ સુધી યુદ્ધો કર્યાં, પરંતુ અપેક્ષા પ્રમાણેની સફળતા ન મળતાં ઈસાઈ મિશનરીઓને બોલાવીને તેમના દ્વારા શિક્ષણ-આરોગ્ય-સેવાના માધ્યમથી કન્વર્ઝન શરૂ કર્યું. સ્થાનિક લોકોની સૈન્યમાં ભરતી કરી અને `ભાગલા પાડો અને રાજ કરો' કુનીતિ અંતર્ગત અંદરોઅંદર લડાવવાનું કામ હાથ ધર્યું. મૂળનિવાસીઓ પર અત્યાચારો, હત્યાઓ કરીને તેમની સભ્યતાનો નાશ કરવા શક્ય તમામ પ્રયાસ કર્યા. બ્રિટિશ સેનાપ્રમુખ જેફ્રી આમર્સ્ટે વિશ્વનું પહેલું રાસાયણિક યુદ્ધ છેડ્યું. ટીબી, કોલેરા, ટાઇફોઈડ, શીતળા, જેવી ઘાતક બીમારીઓનાં જંતુ-કીટાણું, ઓઢવાના ધાબળા, રૂમાલમાં વગેરે કપડાંમાં મેળવીને લગભગ ૮૦ ટકા લોકોને તડપાવી તડપાવીને મારી નાખ્યાં. પોતાનું સામ્રાજ્ય સ્થાપવા બ્રિટિશ સેનાએ આચરેલો આ એક મહાભયાનક અત્યંત બર્બર હત્યાકાંડ હતો. આમ કરતાં કરતાં ૧૭૭૫ સુધી અંગ્રેજોએ પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું અને સંખ્યાબંધ કોલોનીઓ સ્થાપી. `ઇન્ડિયન રિમૂવલ એક્ટ, ૧૮૩૦' (ઇન્ડિયા શબ્દ સાથે જોડાયેલું નામ સાંભળીને આશ્ચર્ય થયું ને?) હેઠળ તમામ મૂળનિવાસીઓને મિસિસિપી નદીને પેલે પાર ખદેડી દેવામાં આવ્યા. આ સંઘર્ષમાં ૩૦,૦૦૦ લોકો તો રસ્તામાં જ મરી ગયા. આ ઘટનાને `The trail of tears'થી ઓળખાય છે.
 
૧૪૯૨માં યુરોપિયનો પ્રથમ વખત કોલંબસ સાથે ત્યાં પહોંચ્યા ત્યારે હેનરી એફ. ડોબીન્સના કહેવા મુજબ ત્યાંના મૂળનિવાસી (અમેરિકન ઇન્ડિયન)ની સંખ્યા ૧ કરોડ ૮૦ લાખ હતી. વસ્તીવધારાનું પ્રમાણ જોતાં તેમની સંખ્યા આજે આશરે ૧૫ કરોડ આસપાસની હોત, પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ વગેરે યુરોપિયનોએ કરેલા મૂળનિવાસીઓ ઉપરના એકધારા અત્યાચારોને કારણે આ મૂળનિવાસીઓની ૨૦૧૦માં ગણાયેલી સંખ્યા માત્ર ૫૫ લાખ જ હતી. ઓસ્ટ્રેલિયામાં સૌ પ્રથમ વર્ષ ૧૭૭૦માં બ્રિટિશ આર્મીનો લેફ્ટનન્ટ જેમ્સ કૂક પહોંચ્યો હતો. તે સમયે જેમ્સ કૂક અને તેના સાથી જોસેફ બેંક્સના કહેવા પર બ્રિટિશ સરકારે પોતાના કેદીઓને ઓસ્ટ્રેલિયામાં રાખવાનું નક્કી કર્યું. ૧૩-મે, ૧૭૮૭ના રોજ ૧૧ વહાણોથી ૭૩૭ કેદીઓ સહિત દોઢ હજારથી વધુ બ્રિટિશરો ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા અને આ રીતે ઓસ્ટ્રેલિયામાં વસાહતની શરૂઆત થઈ. તે સમયે ઓસ્ટ્રેલિયામાં રહેતા મૂળનિવાસીઓની સંખ્યા ૧૦ લાખ કરતાં વધુ હતી. વસ્તીવધારાનું પ્રમાણ જોતાં તેમની સંખ્યા ૬૦ લાખથી વધુ હોત, પરંતુ ૨૦૧૬ની વસ્તીગણતરી પ્રમાણે માત્ર ૭ લાખ ૯૦ હજાર છે, કારણઃ બર્બર નરસંહાર.
 
૧૪૯૨ની ૧૨મી ઓક્ટોબરે કોલંબસે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો હતો. આ દિવસને ૫૦૦ વર્ષ થવા નિમિત્તે અમેરિકાના મૂળનિવાસીઓ પર કોલંબસે મેળવેલા વિજયની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. આ ઉજવણીનો ત્યાંના મૂળનિવાસી સમાજે પ્રચંડ વિરોધ કર્યો. `કોલંબસ ચાલ્યા જાવ' કેમ્પેઈન ચલાવ્યું. પોતાના પૂર્વજોનાં કાળાં કરતૂતો દુનિયા આખી સામે જાહેર થવાની બીકે અમેરિકાની અંગ્રેજ પ્રજા ડઘાઈ ગઈ. અમેરિકા આ ઉજવણી ન કરી શક્યું. અંતે વિરોધી કેમ્પેઈનને શાંત કરવા ત્યાંના વંચિત અને ઉપેક્ષિત મૂળનિવાસીઓનો કથિત ઉદ્ધાર કરવાના નામે અમેરિકાએ આ દિવસે અમેરિકાનો `ઇન્ડિજિનિયસ પીપલ ડે' એટલે કે `અમેરિકન મૂળનિવાસી દિન' ઉજવવાનું શરૂ કર્યું.
 
૯મી ઓગસ્ટે કઈ વૈશ્વિક ઘટના ઘટેલી?
 
સંયુક્ત રાષ્ટ (UN) પણ અમેરિકાના ટેકામાં ૧૨મી ઓક્ટોબરે જ `વિશ્વ મૂળનિવાસી દિન' ઉજવવાનું હતું, પણ અમેરિકામાં થયેલો પ્રચંડ વિરોધ જોતાં અન્ય દિવસ વિચારણાએ લીધો. સન ૧૬૦૦ પછી અમેરિકાના મૂળનિવાસીઓ સામે અંગ્રેજોએ ત્રણ મોટાં યુદ્ધ છેડ્યાં હતાં, તે પૈકીનું પહેલું યુદ્ધ આજના વર્જિનિયા પ્રાંતના મૂળનિવાસીઓના પોવહાટન નામના કબીલા સામે કર્યું. આ યુદ્ધ સન ૧૬૧૦ના ૯મી ઓગસ્ટના દિવસે થયું, યુદ્ધમાં સંપૂર્ણ કબીલો પૂરેપૂરો ખત્મ થઈ ગયો. મૂળનિવાસીઓની આ હારે પોતાની ગુલામીનો માર્ગ ખોલી દીધો. સંયુક્ત રાષ્ટ (UN) દ્વારા ષડયંત્રપૂર્વક અમેરિકાની મૂળનિવાસીઓ પરની આ જીત ધ્યાને રાખીને ૯મી ઓગસ્ટને `વિશ્વ મૂળનિવાસી દિન' તરીકે ઘોષિત કરવામાં આવ્યો.
 
જો કે જાહેરમાં તો એવું જૂઠ સતત દોહરાવવામાં આવી રહ્યું છે કે, UNનું `વર્કિંગ ગૃપ ઓન ઇન્ડિજીનીયસ પોપ્યુલેશન' ૯મી ઓગસ્ટે બેઠક સ્વરૂપે મળ્યું હોઈ ૯મી ઓગસ્ટને `વિશ્વ મૂળનિવાસી દિન' તરીકે ઘોષિત કરવામાં આવેલો છે.
 

vishva mulnivasi din 
 
આમ કોલંબસને બાજુએ રાખી ૧૨ ઓક્ટોબરના બદલે ૯ ઓગસ્ટે પોતે મૂળનિવાસીઓનું મોટુ મસિહા છે તેવો આડંબર ઊભો કરીને UNનું નામ વટાવીને પોતાની આબરૂ બચાવવામાં અમેરિકા સફળ રહ્યું. મૂળનિવાસીઓ પ્રત્યે નકલી પ્રેમનો ડોળ-દેખાડો ચાલુ કરી દેવામાં આવ્યો. કેટલાક સમય પહેલાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ સ્થાનિક મૂળ નિવાસીઓના પ્રત્યે સાર્વજનિકરૂપે મગરનાં આંસુ સારીને માફી માગી હતી.
 
`વિશ્વ મૂળનિવાસી દિન' સાથે ભારતને કંઈ લેવાદેવા કેમ નથી?
 
ભારતમાં પણ `ભાગલા પાડો અને રાજ કરો'વાળી પોતાની નીતિ મુજબ અંગ્રેજોએ ગામ-નગરોના લોકો આર્યો છે; તેવું ચલાવ્યું. બહારથી આવેલા આ આર્યોએ મૂળનિવાસીઓને જંગલમાં ખદેડી દીધા તેવી તદ્દન વાહિયાત ભાગલાજન્ય થિયરી ઊભી કરી. પરંતુ વેદકાળથી લઈને આજના DNA-વિજ્ઞાને પ્રમાણભૂત રીતે સાબિત કરી દીધું કે, ભારતમાં સૌ એક જ પૂર્વજોનાં સંતાન છે. તેથી મુસ્લિમો અને અંગ્રેજો આવ્યા તે પહેલાંના સમયથી અહીં રહેતાં સૌ કોઈ મૂળનિવાસી જ છે, નથી કોઈ આક્રાંતા કે નથી કોઈ ઘૂસપેઠી. એકવાર જનજાતિ બલ રાજ્યોની ૧૮ જનજાતિઓના સંમેલનમાં પ્રશ્નો પૂછેલા કે,
 
૧, ઈશ્વર વિશે શું માનવું છે?
 
૨, ધરતી સાથે આપણો શું સંબંધ છે?
 
૩, ઈશ્વર પાસેથી શું માંગીએ છીએ? ૪, પાપ અને પુણ્ય શું છે?
 
૫, બીજાઓની પૂજાપદ્ધતિ વિશે આપણા મનમાં શું ભાવ જાગે છે?
 
૬, શું બીજાઓને તેમની પૂજા પદ્ધતિ છોડાવીને આપણી પૂજા પદ્ધતિવાળા બનાવવા માંગીએ છીએ કે?
 
ભાષા ભલે સૌની અલગ અલગ હતી, પરંતુ ઉત્તર સૌના સમાન હતા, એટલું જ નહીં ભારતના કોઈ પણ ખૂણે રહેતો હિન્દુ ઉત્તર આપે તેનાથી સ્હેજેય જુદા નહોતા. આ શું સૂચવે છે? ઈશ્વર, પ્રકૃતિ અને પાપ-પુણ્ય અંગેની આખા દેશની સમજણ પૂર્ણરૂપે સમાન છે. વળી જુદી જુદી ઉપાસના પદ્ધતિઓમાં પણ સૌ સમભાવ અનુભવે છે, જે સૂચવે છે કે ભારતમાં સૌ એક છે, કોઈ આગળ-પાછળ નથી, સૌ મૂળનિવાસી જ છે.
 

mul nivashi day 
 
ડૉ. બાબાસાહેબે "આર્ય બહારથી આવેલા" વાળી થિયરીને ધરમૂળથી અસ્વીકૃત કરેલી, જેનું સમગ્ર વિવેચન કોનરાલ્ડ એલ્સ્ટના "ઈન્ડિજિનિયસ ઈન્ડિયન્સ ફ્રોમ અગત્સ્ય ટુ આંબેડકર"માં સુવિદિત છે.
 
આમ ઉપરોક્ત વાત દિવા જેવી એકદમ સ્પષ્ટ છે.
 
ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૩૬૬ (૨૫)માં પણ જનજાતિ સમાજને હિન્દુ સમાજનું અભિન્ન અંગ કહેવામાં આવ્યો છે, હિન્દુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ની ધારા ૨(બ)માં પણ આ જ પરિભાષા આપવામાં આવી છે.
 
 

vishva mulnivasi din 
 
આ પરમ સત્યને ઉદ્ઘોષિત કરતાં શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ કહેલું છે કે, સૌ પહેલી વાત તો એ છે કે, એ વાતનું કોઈ પ્રમાણ નથી મળતું કે, આર્યો ભારતમાં બહારથી આવ્યા હતા અને તેમણે અહીંના નિવાસીઓ પર આક્રમણ કર્યું હતું. એ વાતની પુષ્ટિ માટે પ્રચુર પ્રમાણો છે કે, આર્યો ભારતના મૂળનિવાસી હતા.
 

હા, હાલ આ દેશમાં ચોક્કસ એવા થોડા લોકો છે જે મૂળનિવાસી નથી..

 
૧, ગ્રીક-હૂણ-શક વગેરે અહીં બર્બર હુમલાખોરોના રૂપમાં આવ્યા, પરંતુ ભારતે તેમને આત્મસાત્‌ કરી દીધા. આજે કોઈનેય ખબર નથી કે કોણ ગ્રીક છે, કોણ હૂણ છે ને કોણ શક છે. સંપૂર્ણપણે સમરસ થઇને હિન્દુ બની ગયેલા - રાષ્ટીય બની ગયેલા આ સૌ મૂળનિવાસી નહીં હોવાનો મુદ્દો જ અસ્થાને છે.
 
૨, ભારતે શરણ આપ્યું તેવા પારસીઓના જીવનમાં Nation First છે. તેઓએ અહીં કોઈનીય સાથે કોમી હુલ્લડ ક્યારે કર્યું તેવું વિચારવું એ પણ મૂર્ખતાપૂર્ણ કહેવાય. તેઓ તો દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા છે, તેથી તેઓ મૂળનિવાસી નથી તેવું કોઈ કલ્પી શકે તેવું નથી. મન-વચન-કર્મથી તેમનો વ્યવહાર દુનિયાના સૌ કોઇ માટે અનુકરણીય છે.
 
૩, ૮૦૦ વર્ષ રાજ કરી ગયેલા મુગલોના સમયે આક્રાંતાઓ બનીને આવેલા મુસ્લિમો અને ૨૦૦ વર્ષ રાજ કરી ગયેલા અંગ્રેજોના સમયે મીશનરી બનીને આવેલા ઈસાઈઓ એમ બંને દ્વારા અહીંના લોકોને બળજબરીથી વટલાવીને (convert કરી) મુસ્લિમ કે ક્રિશ્ચયન બનાવી દેવાયેલા, તેઓના DNAમાં તો હિન્દુત્વ જ છે, તેમને પોતાના પૂર્વજોનું સ્મરણ થવું જરૂરી છે, જે સમય આવ્યે થશે જ (ભલે તેમની હાલની ઉપાસના પદ્ધતિ સદાય યથાવત્‌ રહે.). પંથ બદલવો પોતાના હાથમાં છે, પૂર્વજો નહીં! આમ આ સૌ પણ સમાન પૂર્વજોની ષ્ટિએ મૂળનિવાસી જ છે.
 

vishva mulnivasi din 
 
૪, વિદેશથી.. , આક્રાંતા બનીને અહીં આવેલા મુસલમાનોમાંથી કેટલાક લોકો અને , યુરોપિયન પૈકી કન્વર્ઝન માટે ખ્રિસ્તી મિશનરી બનીને અહીં આવેલા મોટા ભાગના લોકો પોતાના દેશમાં પરત ન ગયા, અહીં જ અટકી ગયા, તે લોકો મૂળનિવાસી નથી.
 
આમ ઉપરોક્ત ક્રમાંક ૧થી ૩ વાળા સૌ મૂળનિવાસી જ છે. અને ક્રમાંક ૪વાળા મૂળનિવાસી નથી, છતાં ભારત તેમના અધિકારોનું સંરક્ષણ કરવા કટિબદ્ધ છે.
 
`'વાળા મુસ્લિમ આક્રાંતાઓના હાલના વંશજો પણ પોતાને આક્રાંતાઓના સંતાનો તરીકે ઓળખાવવા રાજી નથી.
`'વાળા ખ્રિસ્તી મિશનરીઓના વંશજો પણ અહીં ગોઠવાઈ ગયા છે. કેટલાક પોતાના ધમધમાટ ચાલતા કન્વર્ઝનના મૂળ પૈતૃક ધંધાથી ખુશ હશે !
 
પારસીઓ જેવું મૂળનિવાસી તરીકેનું સ્પિરિટ `' અને `' વાળા સૌમાં જલદીમાં જલદી જોવા મળે એવી કામના કરવી અસ્થાને નહીં ગણાય.
 
આમ આપણા દેશમાં મૂળનિવાસીનો મુદ્દો કુલ મળીને અસ્થાને હોઈ `વિશ્વ મૂળનિવાસી દિન' સાથે ભારતને સીધેસીધી કંઈ લેવાદેવા નથી.
 
...તો પણ `વિશ્વ મૂળનિવાસી દિન' માટે કોણ, કેમ સક્રિય છે?
 
પશ્ચિમી જમાતનું ૧, `આર્યો બહારથી આવ્યા'વાળું જૂઠ અને ૨, `માત્ર જનજાતિ સમાજ જ મૂળનિવાસી'વાળું જૂઠ આ બંને નર્યાં જૂઠ છે, જેના ઉપર આજે પણ ૧૯૪૭ની પહેલાંના ભૂતકાળમાં જીવવા ટેવાયેલા ગુલામમાનસ ધરાવતા લોકોને ભારે ભરોસો છે, આ લોકોનો ગાડરિયો પ્રવાહ હવે ઉઘાડો પડી ગયો છે.
 
કેટલાક સમય પહેલાં ભારતીય સંસદમાં કર્ણાટકના સાંસદ તરીકે મલ્લિકાર્જુન ખડગેએ એક ચર્ચા વખતે પોતાના વિચાર વ્યક્ત કરતાં એવું કહ્યું હતું કે, `જો રોહિંગ્યા બહારથી આવ્યા છે તો તમે આર્ય પણ બહારના જ છો ને. તમે પણ ભારતમાંથી ચાલ્યા જાવ.' (આ વિધાનને સંસદની કાર્યવાહીમાંથી કાઢી દેવામાં આવેલું.) આવા લોકોના ભરોસા પર પશ્ચિમી જગત ભારતમાં પોતાના ધાર્યા ખેલ પાડવાની મગરૂરીમાં છે. જનજાતિ સિવાયના શેષ સમાજને આર્યનું લેબલ આપીને તથા આર્યોને જનજાતિ સમાજના દુશ્મનનું લેબલ આપીને ભાગલા પાડીને ઝેર ભરવાની ગંદી રમત રમાઈ રહી છે. મૂળનિવાસીના નામે/બહાને/ઓઠે જનજાતિ સમાજને ઉકસાવીને ભારતને વિભાજિત કરીને નબળો પાડવાની તેમની નેમ છે.
 
પશ્ચિમી ચાલનો અને ચર્ચનાં ષડયંત્રોનો ભોગ ભારત ન બને તે માટે કલ્યાણ આશ્રમના સંસ્થાપક અધ્યક્ષ સ્વ. શ્રી બાલાસાહેબ દેશપાંડેજીએ દેશના તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ. શ્રી પી.વી. નરસિંહરાવજીને દેશમાં યોજનાપૂર્વક ઊભા કરવામાં આવી રહેલા `મૂળનિવાસીના વિમર્શ'થી વાકેફ કરેલા, ત્યારથી ભારતે પોતાનું અધિકૃત સત્ય જગજાહેર કરેલું છે કે, ભારતમાં રહેવાવાળા બધા જ લોકો અહીંના મૂળનિવાસી છે, અમારે ત્યાં કોઈ બહારથી આવેલું નથી.
 
૨૦૦૭ની ૧૩મી સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટે મૂળનિવાસીઓના અધિકારોની ઘોષણા કરી. ત્યારે સંયુક્ત રાષ્ટમાં ભારત સરકારના પ્રતિનિધિ શ્રી અજય મલ્હોત્રાએ ઘોષણા-પત્ર પર હસ્તાક્ષર કરતી વખતે પણ એ જ મૂળ અધિકૃત સ્પષ્ટ વાત દોહરાવી કે, ભારતમાં રહેવાવાળા બધા જ લોકો ભારતના મૂળનિવાસી છે, અમારે ત્યાં કોઈ બહારથી આવેલું નથી. આ અધિકૃત જે સ્પષ્ટતા તેઓએ મૂકી તેનો આધાર સમજવા જેવો છે. UNના વિશ્વ કાનૂન સંગઠન (ILO)નું અધિવેશન ૨૦૦૬માં મળેલું તેમાં ભારતના તત્કાલીન આદરણીય ચીફ જસ્ટીસ વાય. કે. સભરવાલે આ સંગઠન સમક્ષ આહ્વાન કરેલું કે, The international law concerning indigenous people could be meaningfully addressed in terms of seeking solutions only when the existing legal framework of countries like India is taken up for study.
 
આવા હમતભર્યા વિધાન પાછળ તેઓએ ત્યાં મૂકેલો ભાવનાત્મક પક્ષ પણ તેમના જ શબ્દોમાં જોઈએ તો, Indeed, India accepts the existence of different tribes within its larger system again not different from the main culture in terms of the core values.
 
ભૂતકાળમાં પશ્ચિમી દેશોની જેમ આપણા દેશમાં કોઈ પણ સ્થાનિક રાજ્યસત્તા કે અન્ય સ્થાનિક સમાજે અહીંની જનજાતિઓને કોઈ પણ રીતે પ્રતાડિત કરી નથી, કારણ કે વાસ્તવમાં જનજાતિ સમાજ અને શેષ સમાજનાં જીવનમૂલ્યો સમાન છે. યુરોપિયન દેશોએ મૂળનિવાસીઓના રીતિરિવાજો અને સંપ્રદાયો (Religion)નો નાશ કર્યો, તેમના હાથમાં બાઇબલ પકડાવી દીધું અને તેમની ભૂમિ પડાવી લીધી. આ સામ્રાજ્યવાદી તાકાતોએ અત્યંત પાશવી, નિર્લજ્જ, ધૃણાસ્પદ કૃત્યોથી આખાને આખા જનજાતિ સમાજોનું નિકદન કાઢી નાંખ્યું. હવે આ જ પશ્ચિમી દેશો એવું ઠસાવે છે કે, ભારતમાં પણ જનજાતિ સમાજ સાથે આવું જ થયું હતું. તેમનું આ કાવતરૂ ભારતને તોડવા માટેનું છે. અને તેથી પશ્ચિમી દેશો ઇચ્છે છે કે, ભારત પણ ૯ ઓગસ્ટની ઉજવણી કરતું થાય અને છેવટે તેનું વિભાજન થાય. પશ્ચિમના આ જ અંગ્રેજોએ ભારતનાં વનોનું સરકારીકરણ કરીને જનજાતિઓના અધિકારો સમાપ્ત કરી દીધા હતા. જનજાતિ સમાજની સામે માત્ર આજીવિકા જ નહીં પરંતુ તેમની આસ્થાઓ ઉપર પણ ગંભીર કુઠારાઘાત થતો ગયો. અહીંની જનજાતિ પર જે અધમ અત્યાચારો કર્યા છે તે અંગ્રેજોએ કર્યા છે, નહીં કે અહીંના શેષ સમાજે.
 
આવા જ અત્યાચારો આ અંગ્રેજોએ અમેરિકાના મૂળનિવાસી આ ઉપર આચર્યા તેને તેઓ ભૂલી શકતા નથી. અમેરિકાના મૂળનિવાસીઓએ પોતાના ઉપર અત્યાચારો ગુજારનારા અંગ્રેજોએ થોપી બેસાડેલ ૯મી ઓગસ્ટને પોતાના પૂર્વજોના દિવસ તરીકે માનવાનો ઇનકાર કરી દીધો છે. તેઓ આ દિવસને `અમેરિકા નરસંહારો (નરસંહાર નહીં) દિન' તરીકે મનાવે છે. દર વર્ષે ૯મી ઓગસ્ટના દિવસે હજારો લોકો સંયુક્ત રાષ્ટ સંઘની ઓફિસની બહાર ૯મી ઓગસ્ટના રોજ વિરોધમાં દેખાવો યોજતા આવ્યા છે, કેટલીક જગ્યાએ તો સ્થાનિક મહાપુરુષને ધ્યાનમાં રાખીને મૂળનિવાસી દિન પોતાની રીતે (૯ ઓગસ્ટ સિવાયના દિવસે) નક્કી કરી દીધેલા છે.
 
અંગ્રેજોએ ભારતનું વિભાજન થાય અને પોતાના અત્યાચારો પર ઢાંકપિછોડો થાય તે માટે તેમના ત્યાંનો ૯ ઓગસ્ટનો દિવસ ભારત પર થોપ્યો છે, જેનો આપણા ગૌરવશાળી ઇતિહાસ સાથે કોઈ સ્નાન-સૂતકનોય સંબંધ નથી.
 
આપણા દેશમાં ૯ ઓગસ્ટે `આદિજાતિ દિવસ'ની (વિશ્વ મૂળનિવાસી દિન નિમિત્તે..) ઉજવણીમાં આપણે ફૂલ્યા સમાતા નથી. ખાસ કરીને યુવાનો આ ચાલનો ભોગ બનીને ૯ ઓગસ્ટને ધામધૂમથી મનાવે છે. ભારતનો આ જનજાતિ સમુદાય પણ અંગ્રેજોએ આચરેલા અત્યાચારોના સત્યને કેમ ભૂલી જઈ રહ્યો છે? રાષ્ટના મૂળ પ્રવાહને છોડીને ગુલામ ગાડરિયા પ્રવાહમાં વહેવાથી આગળની પેઢીઓ પૂર્ણ રૂપે માનસિક રીતે ગુલામ થઈ શકે છે. સત્યની બાદબાકી સર્વનાશને નોંતરે છે.
 
વિભાજન કરવાની ડાબેરીઓની પણ આ જ વ્યૂહરચનામાં સમાજ ફસાઈ રહ્યો છે. તેઓની જાળમાં ફસાયેલા લોકો આજે આ ઉજવણીના નામે મૂળનિવાસી વિરુદ્ધ શેષ સમાજ એવા સંઘર્ષનાં બીજ વાવી રહ્યા છે. ડાબેરીઓનો `હૅાલસેલ'નો ધંધો સંઘર્ષનો છે. વર્ગવિગ્રહના આ વિષના વાવેતરથી રાષ્ટને તબાહ કરવાની વામપંથી યુક્તિનો શિકાર બનેલાઓને હજુયે ચેતી જવાની તક છે. જનજાતિ સમાજના મનમાં (૧) પોતે આ દેશના મૂળ માલિક છે અને (૨) શેષ સમાજે (આર્યોએ) એટલે કે વિદેશથી આવેલા લોકોએ પોતાને પરાસ્ત કરેલા છે, તેથી તે બધા દુશ્મન છે, આવા નર્યા ભ્રમ નિર્માણ કરવાનો ભારતદ્વેષી એજન્ડા વામપંથી લોકો આ `વિશ્વ મૂળનિવાસી દિન'ના માધ્યમથી સેટ કરી રહ્યા છે. આ દિવસને અપનાવી લેવો એ વામપંથી શિકારીઓની જાળમાં ફસાઈ જવા જેવું છે, આત્મઘાતી છે.
 
માટે આજે જરૂર છે વિશ્વ મૂળનિવાસી દિન થકી ભારતના પુનઃ ભાગલા પડાવવા માટે રચાયેલા ષડયંત્રનો પર્દાફાશ કરવાની.
વાસ્તવમાં આ છે- `વિશ્વ શોક દિન'
 
આ પશ્ચિમના જાતે બની બેઠેલા શાહુકારો (જગત જમાદારો) હવે પોતાના પ્રદેશોના મૂળનિવાસીઓ પર પોતે આચરેલાં ક્રૂર કુકર્મોવાળું લેબલ ભારત પર પણ લગાડવા માટે રાત-દા'ડો એક કરી રહ્યા છે. માત્ર ભારતના અનુસૂચિત જનજાતિ સમાજોને જ નહીં, અનુસૂચિત જાતિ સમાજોને પણ તેઓ મૂળનિવાસી તરીકે ગણવાની ફિરાકમાં છે, અને આમ કરીને તે આખાય દેશનાં બે ફાડિયાં કરવાનું સપનું સેવી રહ્યા છે, કારણ કે તેઓ એ સહેજેય સહન કરી શકતા નથી કે, જે ભારતને તેઓએ ગુલામીની લોખંડી એડીઓથી કચડેલું એ ભારત આજે એમનું હરીફ બનીને એટલું બધું આગળ વધી રહ્યું છે, જેથી તેઓ આર્થિક રીતે પાછળના સ્થાને ધકેલાઈ રહ્યા છે. માટે પશ્ચિમના રવાડે ચઢ્યા વિના, પશ્ચિમની દેખાદેખીમાં આંધળા બન્યા વિના, જનજાતિ સમાજ સહિતના સર્વ હિન્દુ સમાજોને મૂળનિવાસી ગણીને માત્ર કોઈ એક દિવસ નહીં, આખું વર્ષ આપણે સૌ સનાતન કાળથી ચાલ્યા આવતા રાષ્ટ-ઐક્યને ઊજવીએ. વિદેશી લોકો જેને `વિશ્વ મૂળનિવાસી દિન' તરીકે ઠોકી બેસાડી રહ્યા છે, તે દિવસને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વગેરેની ધરતી પરના મૂળનિવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાના દિવસ તરીકેનો `વિશ્વ શોક દિન' મનાવી શકીએ.
 
જનજાતિ સમાજ લઈ રહ્યો છે- પ્રતિજ્ઞા
 
ભ્રમ ફેલાવીને થોપવામાં આવી રહેલી ગુલામી સામેના આ જંગમાં જનજાતિ સમાજ આજે ઠેર ઠેર પ્રતિજ્ઞા લઈ રહ્યો છે કે, અમે જનજાતિ સમાજના જાગૃત લોકો છીએ. અમારા ભગવાન બિરસા મુંડા, તંટ્યા મામા, શંકર શાહ જેવા લાખો વીરોને મોતને ઘાટ ઉતારવાવાળા અંગ્રેજોના વંશજો કે તેમના મળતિયાઓ ૯મી ઓગસ્ટે `આદિવાસી દિન' ઉજવવા માટે; અમો જાણેને સાવ અજ્ઞાની હોઈએ તેમ ગુમરાહ કરી રહ્યા છે. આ સાવ ખોટો `આદિવાસી દિન' છે.
 
- ૯મી જૂને ભગવાન બિરસા મુંડા અંગ્રેજોની સામે લડતાં લડતાં શહિદ થયેલા.
- ૨૪મી જૂને અકબરે વિરુદ્ધ લડતાં લડતાં અમારાં રાણી દુર્ગાવતી શહિદ થયેલાં.
- ૧૮મી સપ્ટેમ્બરે શંકર શાહ રઘુનાથ શાહને અંગ્રેજોએ તોપ સાથે બાંધીને ઉડાવી દેતાં શહિદ થયેલા.
- ૧૮મી મેએ આંદામાન પર અમારા હજારો બાંધવોએ અંગ્રેજોને તાબે નહીં થવાને બદલે શહીદી વહોરેલી.
- માગશર મહિનાની પૂર્ણિમાએ અંગ્રેજોની સામે લડતાં લડતાં અમારા ગોવિંદગુરુ સહિત ૧૫૦૦થી વધુ વીરોનું બલિદાન થયેલું.
- ૭મી માર્ચે અંગ્રેજોએ લાદેલા બેરહમ કરવેરાના વિરોધ કરતાં કરતાં પાલચિતરિયામાં અમારા ૩૦૦૦ વડવાઓ શહિદ થયેલા.
આવા તો કેટ-કેટલાય દિવસો છે. જે બધા અમારા માટે સાચા `આદિવાસી દિન' છે.
 
૯મી ઓગસ્ટવાળો જૂઠો `આદિવાસી દિન' ઉજવવો તે અમારા પૂર્વજોનું અપમાન છે. આવું અપમાન અમે હરગિજ સહન નહીં કરીએ.

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.