ઓટીટી પર પીરસાતાં ભારતીય સંસ્કૃતિને બદનામ કરતાં કન્ટેન્ટ સામે હવે સરકારની લાલ આંખ

07 Aug 2023 17:21:10

OTT platform
 
 
ગત સપ્તાહે માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે ઓટીટી (OTT - Over The Top) કંપનીઓને ચેતવણી આપી હતી કે ભારતીય સંસ્કૃતિને વગોવે એવી સામગ્રીને સરકાર સહન નહીં કરે. ઓટીટી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓએ સાથેની બેઠક દરમ્યાન કેન્દ્રિય મંત્રીશ્રીએ આ વાત કહી હતી. સર્જનાત્મક સ્વતંત્રતા અને જવાબદાર કન્ટેન્ટ વચ્ચે સંતુલન સાધવાના આશયથી આ બેઠક યોજવામાં આવી હતી અને તેમાં એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, બેજવાબદારીભર્યા કન્ટેન્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. હવે આપણે જોઈએ કે OTT પ્લેટફોર્મ છે શું ? તેના પર કેવું કન્ટેન્ટ પીરસાય છે અને સરકારે તેના પર લાલ આંખ કરવાની જરૂર કેમ ઊભી થઈ ?
 
ઓટીટી પ્લેટફોર્મના સંદર્ભમાં સમાજ પ્રત્યે સરકારનો જવાબદારીભર્યો અભિગમ વ્યક્ત કરતા આ નાનકડા પણ ખૂબ મહત્વના સમાચાર છે, કારણકે માહિતી વિસ્ફોટના આજના આધુનીક યુગમાં છેલ્લાં દશકાથી ઓટીટી પ્લેટફોર્મ સામાન્ય વ્યક્તિ માટે સરળતાથી ઉપલબ્ધ પ્રચાર-પ્રસારના એક અસરકારક માધ્યમ તરીકે ઊભરી રહ્યું છે. જેની અસર હજુ પણ જોવા મળી રહી છે તેવા કપરા કોરોના-કાળના વિશ્વવ્યાપી લોક-ડાઉનના સમયમાં ઓટીટી પ્લેટફોર્મનો ઉપયોગ અનેક ગણો વધી ગયો અને ડેસ્ક ટોપ કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટ મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટના માધ્યમથી બાળકો, ગૃહિણી અને સિનિયર સિટીજન એમ બધા જ વય ગ્રુપની વ્યક્તિઓની હથેળીઓમાં આ ઓટીટી પ્લેટફોર્મ્સ સાવ હાથવગાં બની ગયાં છે.
  
OTT પ્લેટફોર્મ : સંકલ્પના, ઇતિહાસ અને વિકાસ | OTT platform History
 
સરળ શબ્દોમાં આ ઓટીટી પ્લેટફોર્મને સમજવું હોય તો એવું કહી શકાય કે, કોઈપણ વિષય વસ્તુ અને તેના કન્ટેન્ટને ઓવર ધ ટોપ (OTT - Over The Top) ઇન્ટરનેટના માધ્યમથી દર્શક સુધી પહોંચાડવું.
 
વર્ષ ૧૯૯૭માં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં શરૂ થયેલ કોમ્પ્યુટર સૉફ્ટવેર બનાવતી નેટફ્લિક્સ નામની કંપનીએ પોતાનું અને વિશ્વનું સૌ પહેલું ઓટીટી પ્લેટફોર્મ ૨૦૦૭ના વર્ષમાં અસ્તિત્વમાં શરૂ કર્યું અને વર્ષ ૨૦૦૯માં સૌ પ્રથમ કેનેડા અને ત્યારબાદ યુરોપના દેશોમાં પોતાની ઓનલાઈન સ્ટ્રીમીંગ સેવાઓ નેટફ્લિક્સ ઇન્ટરનેશનલના નામથી શરૂ કરી. આજે નેટફ્લિક્સ અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયાના દેશોમાં ઓનલાઈન સ્ટ્રીમીંગ સેવાઓ સાથે એક ગ્લોબલ ઓટીટી પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું. નેટફ્લિક્સની સાથે સાથે હૂલૂ (Hulu) અને વુડુ (Vudu) નામની બીજી કંપનીઓની પણ ઓનલાઇન સ્ટ્રીમીંગ સેવાઓ શરૂ થઈ ગઈ. સંયોગથી અમેરિકામાં નેટફ્લિક્સના ૨૦૦૭ના વર્ષમાં શરૂ થયાના એક વર્ષ બાદ ૨૦૦૮ના વર્ષમાં ભારતમાં સૌ પહેલું ભારતીય ઓટીટી પ્લેટફોર્મ બિગફ્લિક્ષના નામથી રીલાયન્સ એન્ટરટેન્ટમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ જેમ જેમ ટેક્નોલૉજીનો દેશમાં વિકાસ થયો તેમ તેમ બીજાં ઓટીટી પ્લેટફોર્મ પણ શરૂ થયાં. વર્ષ ૨૦૧૦માં ડીજીવીવ કંપની દ્વારા ભારતનું સૌ પ્રથમ ઓટીટી મોબાઈલ એપ નેક્સ્ટ જીટીવી શરૂ કરવામાં આવ્યું જે લાઈવ ટીવી અને ઓન ડિમાન્ડ કન્ટેન્ટ પૂરું પાડે છે.
 

OTT platform 
 
નેક્સ્ટ જીટીવી એ સૌ પહેલી મોબાઈલ એપ છે જેણે વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪ દરમ્યાન ઇન્ડિયન પ્રીમીયર લીગ મેચોનું સ્માર્ટ ફોન પર લાઈવ સ્ટ્રીમીંગ શરૂ કર્યું. વર્ષ ૨૦૧૩ માં ડિટ્ટો ટીવી (જી) અને સોની લાઈવ ઓટીટી પ્લેટફોર્મ પણ શરૂ થયાં. અને ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં આઈપીએલની ક્રિકેટ મેચનું મોબાઈલમાં લાઈવ સ્ટ્રીમીંગ હોટસ્ટાર ઓટીટી પ્લેટફોર્મ દ્વારા શરૂ કરવામાં આવ્યું જે ભારતીય યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું. આમેય ભારતમાં ક્રિકેટ અને બૉલીવૂડની ફિલ્મોએ યુવાનોમાં સૌથી લોકપ્રિય અને તમામ પ્રચાર પ્રસાર માધ્યમોના સૌથી વધુ ચર્ચાના વિષયો રહ્યા છે. હાલમાં એમેજોન પ્રાઇમ, વુટ, ડિજની હોટસ્ટાર, જી૫, એરટેલ એક્સ્ટ્રીમ જેવાં અનેક ઓટીટી પ્લેટફોર્મ દેશભરમાં અસ્તિત્વમાં આવ્યાં છે. આજે વર્ષ ૨૦૨૩ની શરૂઆત સુધીમાં ભારતમાં ચાલી રહેલા નાનાં મોટાં ઓટીટી પ્લેટફોર્મ્સની સંખ્યા ૪૬ છે અને તેનો કુલ વ્યાપાર ૨,૧૫૦ કરોડનો છે, જે એક અંદાજ મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૫ બિલિયન યુ. એસ. ડોલર એટલે ૧,૨૨,૯૮૭ કરોડ જેટલો થઈ જશે. ડેન (DAN - Dentsu Aegis Network) ઈન્ડિયાના ડેટા સાયંસિસ વિભાગે પ્રકાશિત કરેલ રિપોર્ટ મુજબ યુવાનો (Next Gen Z) ભોજન કરતી વખતે અને રાત્રે સૂતાં પહેલાં સૌથી વધુ સમય માટે વિડીયો કન્ટેન્ટ જુએ છે.
 
ભારતીય યંગસ્ટર્સ એક સપ્તાહમા ૧૧ કલાક ઓનલાઈન વિડીયો જુએ છે જ્યારે ગ્લોબલ ટાઈમલાઇનની આ સરેરાશ એક સપ્તાહના ૮ કલાક સુધીની છે. આમ વૈશ્વિક સરેરાશ કરતાં પણ ભારતીય યુવાનો લગભગ ૨૫% વધુ ઓનલાઈન વિડીયો જુએ છે. શૈક્ષણિક સંસ્થા માઇકા (MICA) અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ ઇન્ડિયન ઓવર ધ ટૉપ (ઓટીટી) પ્લેટફોર્મ્સ રિપોર્ટ, ૨૦૨૦ મુજબ ભારતમાં ઓટીટી એપ્સ જોતી મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધુ છે અને નેટફ્લિક્સ, એમેજોન પ્રાઇમ અને હોટસ્ટાર સૌથી વધુ જોવાતાં ઓટીટી પ્લેટફોર્મ્સ છે.
 
OTT પ્લેટફોર્મ્સનો હેતુ અને તેમનો ઉપયોગ | Use OTT platform
 
એટલે આજે ઓટીટી પ્લેટફોર્મની સ્વીકૃતિ અને તેના હરણફાળ વિકાસ વિષે કોઈ શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ વાત અહીં માત્ર ટેકનોલૉજીના વિકાસ કે તેના સક્ષમ આર્થિક પાસાની નથી, પરંતુ વાત આ પ્લેટફોર્મ્સની સમાજ પર લાંબા ગાળાની અસરોની પણ છે જ.
 
આજે વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સ દ્વારા સબ્સ્ક્રિપ્શન આધારીત વિડીયો ઓન ડિમાન્ડ (SVoD) સેવાઓથી શરૂ કરી ટીવી-શો, ફિલ્મ અને ટેલિવિજનની સિરિયલના કન્ટેન્ટ કે જેના પ્રસારણ માટેના અધિકારો તેના કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી પહેલાંથી જ મેળવી લેવામાં આવ્યા છે તે બધુ જ ઇન્ટરનેટના માધ્યમથી સીધું દર્શકોને આપવામાં અને પીરસવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે OTTનાં કેટલાંક પ્લેટફોર્મ પર સારું કન્ટેન્ટ પીરસવામાં આવે છે પણ તેની સંખ્યા જૂજ છે. મોટાભાગનું કન્ટેન્ટ દ્વેષભાવ અને ષડયંત્રથી પ્રેરિત તથા ભારતીય સંસ્કૃતિને બદનામ કરનારું હોય છે. માહિતી અને મનોરંજનના નામે એવું કન્ટેન્ટ ક્રિએટ કરીને જુદી જુદી વેબ સિરીજ દ્વારા આજે લોકોને પીરસવામાં આવી રહ્યું છે કે જે સામાન્ય માનવીની પરોપકારી અને સમાજ ઉપયોગી જીવન જીવવાની સનાતન હિન્દુધર્મની આદર્શ જીવનપદ્ધતિ પર કુઠારાઘાત કરે છે અને માનવ મનની હલકી અને છીછરી વૃત્તિઓને ઉશ્કેરે છે જે આગળ જતાં સ્વસ્થ સમાજજીવનને કલુષિત કરી નાંખે છે અને તેની માનવ સ્વભાવની સહજ શાંતિને ડહોળી નાખે છે.
 
ઉદાહરણ તરીકે ફેમિલી વન નામની એક વેબ સિરીઝ છે જેમાં વિવિધ કપરી પરિસ્થિતિમાં વ્યક્ત થતી વ્યક્તિની લાગણીઓ, ઇચ્છાઓ તેમજ મન:સ્થિતિને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. આ વેબ સિરીજ દ્વારા જે પ્રકારના ડાયલોગ અને કન્ટેન્ટ રજૂ કરવામાં આવ્યા છે તેના પરિણામે ભારતીય પરિવાર સંસ્થાના મૂલ્યો હાંસીયામાં ધકેલાઇ ગયાં છે તેવું ઘણા લોકોનું કહેવું છે. ફેમિલી વન વેબ સિરીઝનું આ એક પાસું ચર્ચાનો વિષય હોઈ શકે છે અને બધાં આવાં તારણ પર સંમત ના પણ થાય. આ સિવાય બીજી એવી ઘણી વેબ સિરિઝો છે કે જેમાં અસભ્ય શબ્દો અને અભદ્ર ભાષાનું સહજ રીતે બોલવું, તેમજ પરિવાર સાથે જોઈ ના શકાય તેવા હિંસા, ક્રૂરતા અને સેક્સના શ્યો પણ બિન્દાસ્તપણે દર્શાવવામાં આવી રહ્યા છે. ઘણી વેબ સિરીઝમાં ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીને એક અલગ અને વિચિત્ર અંદાજમાં દર્શાવવામાં આવી રહી છે અને હિન્દુ ધર્મ અને આસ્થા, સંવેદનાને ઠેસ પહોંચાડતી બાબતો દર્શાવવામાં તો જાણે ઓટીટી પ્લેટફોર્મ વચ્ચે હોડ જામી છે તેવું લાગી રહ્યું છે. (આવી વેબ સિરિઝોની યાદી ઘણી લાંબી છે અને તમામનો અહીં ઉલ્લેખ શક્ય નથી).
 
ભારતીય સમાજ ખૂબ વિશાળ છે અને તેમાં વંચિત અને સંપન્ન અને માધ્યમ વર્ગ, ખેડૂત વર્ગ, મહિલા વર્ગ, ધર્મગુરુઓ, વનવાસી વર્ગ, શહેરી અને ગ્રામ્ય સમાજ સૌ સાથે મળીને વર્ષોથી રહેતા આવ્યા છે. પરંતુ આ ઓટીટી પ્લેટફોર્મ્સના માધ્યમથી કેટલીક પાશ્ચાત્ય અને વામપંથી વિચારધારાવાળા બુદ્ધિજીવીઓ તેમજ નકસલવાદી માનસિકતાવાળા વ્યક્તિઓ દેશહિત અને દેશવિરોધી તાકાતોના પ્રોત્સાહન અને આર્થિક મદદ વડે આજે એવું કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે કે જે સમાજને છિન્ન ભિન્ન કરી રહ્યું છે અને આપણા સમાજની સહજ એવી સહિષ્ણુ અને શાંતિપ્રિય મન:સ્થિતિને કલુષિત કરી નાંખે છે. ખેડૂતો, વંચિતો અને મહિલાઓને માનવ અધિકારો અને સ્ત્રી સ્વાતંત્ર્યના નામે અને તેમની સમસ્યાઓની હકિકતને વિકૃત રીતે પ્રદર્શિત કરી રહ્યા છે અને તેના માટે અન્ય સમાજને જવાબદાર ઠેરવતા આરોપો લગાવી તેમને એ રીતે દર્શાવી સમાજમાં એક પ્રકારનો વર્ગ સંઘર્ષ નિર્માણ કરી રહ્યા છે. વેબ સિરિઝો દ્વારા સમાજની આ બધી વિવિધ સમસ્યાઓના નામ ઉપર જે લાઈવ ટોક-શો કે ડિબેટનું આયોજન અને સ્ટ્રીમીંગ કરવામાં આવી રહ્યું છે તેના દ્વારા આ ષડયંત્ર આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે.
  
એટલું જ નહીં, સમગ્ર સમાજ કે સામાન્ય વ્યક્તિને સ્પર્શતી કોઈ બાબત પર જો દેશની સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટ કોઈ દૂરગામી ચુકાદો આપે છે કે હુકમ કરે છે કે જે આ ષડ્યંત્રકારીઓને અનુકૂળ કે પસંદ નથી તો તે ચુકાદામાં ઉલ્લેખ કરેલ કોઈ કાયદાની જોગવાઈઓના અર્થઘટનની બંધારણીય કાયદેસરતા અને સુસંગતતા વિશે તેમજ ચુકાદો આપનાર જજ વિશે પણ અનપેક્ષિત અને બિનજરૂરી એવી ચર્ચાઓ કરીને લોકતંત્રના ત્રીજા સૌથી મજબૂત પાયા એવા ન્યાયતંત્ર પ્રત્યે અનાસ્થાનું વાતાવરણ નિર્માણ કરવાની ધૃષ્ટતા કરવાનું પણ તેઓ ચુકતા નથી.
 
અરે હાલમાં પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ જેવા કે ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો માટે પણ સ્થાનિક સરકારી તંત્ર અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને જવાબદાર નિષ્ફળ બતાવી લોકતંત્રને નબળું પાડવાનું ષડયંત્ર આ જ દેશવિરોધી શક્તિઓ ચલાવી રહ્યાં છે અને આ બધી લોકશાહીની વ્યવસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ પેદા કરતા આવા વિમર્શો શરૂ કરી સમાજમાં પ્રસ્થાપિત કરી રહ્યા છે. આવા વિમર્શોના દુષ્પરિણામો અને લાંબા ગાળાની વિપરીત અસરો વિશે યુવા વર્ગને અને સમાજને માહિતગાર અને જાગૃત કરવાની જરૂર છે.
 
ઓટીટી પ્લેટફોર્મ્સ અને કાયદો | OTT platform and Rules
 
માહિતી પ્રસારણના અન્ય પરંપરાગત માધ્યમો જેવા કે કેબલ, બ્રોડકાસ્ટ અને સેટેલાઈટ ટેલિવિજન પ્લેટફોર્મ્સને આજે ઓટીટી પ્લેટફોર્મ્સ બાયપાસ કરી રહ્યા છે. આજે મુખ્ય સમસ્યા એ છે કે ઓટીટી પ્લેટફોર્મ્સના કન્ટેન્ટના ફિલ્ટરની કોઈ વ્યવસ્થા નથી કે તેના પ્રસારણ ઉપર કોઈ કાયદાનો અસરકારક અંકુશ નથી.
 
એક પ્રચાર પ્રસારના માધ્યમ તરીકે ઓટીટી પ્લેટફોર્મ કે જેનું કન્ટેન્ટ આજે પબ્લિક ડોમેનમાં સૌને માટે ઉપલબ્ધ છે તેના વિષય-વસ્તુ, તેની અભિવ્યક્તિની પદ્ધતિ અને તેમાં વપરાતી ભાષા વિગેરે આજે સર્વત્ર ચર્ચામાં છે. પ્રશ્ન અને સમસ્યા એ છે કે ઓટીટી પ્લેટફોર્મના કન્ટેન્ટ, અભિવ્યક્તિ અને ડાયલોગ અને તેના પ્રસારણ પર કોઈની પણ કોઈ પ્રકારની રોકટોક નથી અને તેને અંકુશમાં રાખી શકે તેવી સેન્સર બોર્ડ જેવી કોઈ નિયમનકારી વ્યવસ્થા કે અસરકારક કાયદો પણ હાલમાં આપણાં દેશમાં અસ્તિત્વમાં નથી.
 
આજે દેશમાં સિનેમા અને ટીવી ચેનલો પર રિલિજ થતી અને દર્શાવાતી ફિલ્મો સિરિઝો પર નિયમનકારી ઓથોરીટી છે મિનિસ્ટ્રિ ઓફ બ્રોડ્કાસ્ટિંગ (એમઆઇબી). આ મિનિસ્ટ્રિ દ્વારા ફિલ્મો માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન છે (CBFC - Central Board of Certification) અને ટીવી-શૅા માટે ગાઈડલાઇન્સ છે. પરંતુ ઓટીટી પ્લેટફોર્મ્સ સંદર્ભે આવી કોઈ વ્યવસ્થા નથી. હમણાં થોડા સમય પહેલા જ વર્તમાન પત્રમાં આવેલ એક સમાચાર મુજબ એક વેબ સીરીઝ કે જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલિજ થઈ રહી હતી તેમાં ન્યૂડિટી (નગ્નતા) અને સોફ્ટ પોર્નોગ્રાફીનું કન્ટેન્ટ જોવા મળ્યું હતું. આ બાબત ધ્યાનમાં આવતાં જ સાઇબર ક્રાઇમ શાખા દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ઓટીટી પ્લેટફોર્મના માલિકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પણ એ તો સમસ્યા નિર્માણ થયા પછી તેનું નિવારણ થયું. તે કોઈ કાયમી ઉકેલ નથી.
દેશની સર્વોચ્ચ અદાલત પણ આ બાબતે ચિંતિત છે અને થોડા સમય પહેલા એક જાહેર હિતની અરજીની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપેલ છે કે, ઓટીટી સેવાઓને પણ દેશના નિયમો અંતર્ગત આવરી લેવી આવશ્યક છે. આ સંદર્ભમાં જ વર્ષ ૨૦૨૨માં ભારત સરકાર દ્વારા ઇન્ટરમીડિયટ ગાઈડલાઇન્સ ફોર સોશ્યલ મીડિયા એન્ડ ડિજીટલ એથીક્સ કોડ, ૨૦૨૧ નોટિફાય કરવામાં આવેલ છે. આ એથીક્સ કોડ મુજબ દરેક ઓટીટી પ્લેટફોર્મ્સ માટે પોતાના ઓનલાઈન કન્ટેન્ટને ઓડિયન્સની ઉંમર મુજબ પાંચ ગ્રુપમાં ગ્રૂપિંગ એટલે કે વિભાજીત કરવું ફરજિયાત છે. જેમ કે
 
(૧) યુનિવર્સલ વ્યૂઇંગ (U) (બધા લોકો માટે),
(૨) ૦૭ વર્ષ અને તેથી વધુ ઉંમર (U/A 7+) (નાના બાળકો માટે)
(૩) ૧૩ વર્ષ અને તેથી વધુ ઉંમર (U/A 13+) (કિશોર અવસ્થાના યુવાનો માટે)
(૪) ૧૬ વર્ષ અને તેથી વધુ ઉંમર (U/A 16+) (ટીનેજર્સ યુવાનો માટે) અને
(૫) એડલ્ટ (A) કન્ટેન્ટ (પુખ્ત ઉંમરના લોકો માટે)
 
આ એથીક્સ કોડમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે ભારત દેશની વિવિધ પ્રકારની જાતિઓ, ધર્મ સંપ્રદાય અને તેમની માન્યતાઓ, રિવાજો વિગેરે ધ્યાનમાં રાખીને કોઈ વ્યક્તિ કે જાતીની પરંપરાગત કે ધાર્મિક આસ્થા અને માન્યતાને કોઈપણ પ્રકારે ઠેસ ના પહોંચે તે પ્રકારે કન્ટેન્ટ ક્રિએટ કરવું અને લોકોને પીરસવું, પરંતુ ઘણાં ઓટીટી કન્ટેન્ટમાં આ એથીક્સ કોડનું હજુ સુધી ચૂસ્ત પણે પાલન થતું જોવા નથી મળી રહ્યું. હજુ આ નિયમ અને એથીક્સ કોડ નખ વગરના વાઘ જેવા છે જેની બહુ અસર હજુ સુધી જોવા નથી મળી રહી. ટૂંકમાં કહીએ તો ઓટીટી પ્લેટફોર્મ્સ માટે કોઈ કડક કાયદો હજુ સુધી અમલમાં નથી.
 
આમ ઓટીટી પ્લેટફોર્મ્સ દ્વારા જે કન્ટેન્ટ રજૂ કરવામાં આવી રહ્યું છે તેની વ્યક્તિના મન પર અને જે તે દેશ-સમાજ અને વિવિધ કૉમ્યુનિટીના જનમાનસ પર પડતી લાંબા ગાળાની સામાજિક, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવી અસરો પડી રહી છે તેના વિશે આપણે સજાગ અને સતર્ક થવાની તાતી જરૂર છે અને તેના માટે સમાજમાં વ્યાપક ચર્ચાઓ થવી પણ ખૂબ જરૂરી છે.
 
ક્યારેક ક્યારેક ઓટીટી પ્લેટફોર્મ્સના સમાજ માટે ઘાતક એવા કન્ટેન્ટને સમાજમાં લોકપ્રિય બનાવવા માટે negative publicity (નકારાત્મક પ્રચાર)નો પણ રણનીતિના એક ટૂલ (સાધન) તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને નિર્દોષ સમાજ તેનાથી ભરમાઈને ઉત્સુકતાથી પણ આવું કન્ટેન્ટ જોવા પ્રેરાય છે. આનાથી પણ સમજુ અને શાણા એવા બુદ્ધિજીવી વર્ગે સતર્ક થવાની જરૂર છે અને સમાજનું સાચું માર્ગદર્શન કરવાની જરૂર છે.
 
એ વાત સાચી છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ વર્તમાન સમયની વિવિધ સામાજિક પરિસ્થિતિઓ, ઘટનાઓ, રહેણી કહેણી અને યુવા વર્ગની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે અને તે હોવું પણ જોઈએ અને તેમાં કોઈ બે મત પણ નથી. પરંતુ જો યુવાનો આ ઓટીટી પ્લેટફોર્મ્સના દુરુપયોગ અને તેની નકારાત્મક અને વિપરીત અસરોથી સંપૂર્ણ રીતે માહિતગાર અને જાણકાર હશે તો તેનો ઉકેલ પણ આ જ યુવા વર્ગ શોધી લેશે. એટલે આ વિષયની સંપૂર્ણ માહિતી આજના યુવાવર્ગને આપવાની એક સરકાર, ન્યાયતંત્ર, અને સમાજના પ્રબુદ્ધ અને અનુભવ સંપન્ન વર્ગ તરીકે આપણી સૌ ની સામૂહિક અને સહિયારી જવાબદારી છે અને આ સંદર્ભમાં સમગ્ર દેશના યુવાવર્ગ અને સમાજનું વ્યાપક સ્વરૂપમાં જાગરણ થાય તે ખૂબ જરૂરી છે કારણ કે એ જ તેનો સક્ષમ ઉપાય છે.
 
- આશિષ રમેશચંદ્ર રાવલ
 
Powered By Sangraha 9.0