કર્ણમુક્તેશ્વર મહાદેવને અમદાવાદના નગરદેવતા શા માટે કહેવામાં આવે છે?

અમદાવાદના સારંગપુર દરવાજા બહાર ન્યૂ ક્લોથ માર્કેટ પાસે કર્ણમુક્તેશ્વર મહાદેવનું 1,000 વર્ષ કરતાં પણ વધુ પુરાણું શિવમંદિર આવેલું છે.

    ૧૨-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

karnamukteshwar mahadev mandir
 
 
1,000 વર્ષ કરતાં પણ જૂનો છે આ મંદિરનો ઇતિહાસ
કર્ણાવતી નગરીના વિકાસમાં આ શિવાલયનો ફાળો મહત્વનો છે
કર્ણમુક્તેશ્વર મહાદેવ – અમદાવાદ (કર્ણાવતી) નું સૌથી પ્રાચિન શિવમંદિર

karnamukteshwar mahadev mandir| કર્ણમુક્તેશ્વર મહાદેવને અમદાવાદના નગરદેવતા શા માટે કહેવામાં આવે છે?

- સોલંકી યુગમાં આ શિવાલય યાત્રાધામ સ્થળ તરીકે પ્રસિદ્ધ હતું
- તળાવ, વાવ, બગીચાથી સમૃદ્ધ આ મંદિર એક સમયે જાહોજલાલી ધરાવતું
- સ્વયંભૂ શિવલિંગ મણિ સાથે પ્રગટ થયું હોવાની દંતકથા પણ રોચક છે
- હનુમાનજીનું મંદિર અને પાર્વતીજીની મૂર્તિ અનેરી વિશિષ્ટતા ધરાવે છે
 
અમદાવાદના નગરદેવી કોણ? લાલદરવાજામાં આવેલા ભદ્રકાળી માતા. તો અમદાવાદના નગરદેવતા કોણ? ઘણાં લોકોને ખ્યાલ નહીં હોય. કર્ણમુક્તેશ્વર મહાદેવ. સારંગપુરમાં વિસ્તારમાં આવેલા કર્ણમુક્તેશ્વર મહાદેવ અમદાવાદના નગરદેવતા ગણાય છે.
 
અમદાવાદના સારંગપુર દરવાજા બહાર ન્યૂ ક્લોથ માર્કેટ પાસે કર્ણમુક્તેશ્વર મહાદેવનું 1,000 વર્ષ કરતાં પણ વધુ પુરાણું શિવમંદિર આવેલું છે. અહીં દર સોમવારે, દિવાળી, દેવદિવાળી, મહાશિવરાત્રિ, શ્રાવણ માસમાં ભક્તોની વિશેષ ભીડ હોય છે.
 
પહેલા જાણીએ, કર્ણાવતી નગરીનો ઇતિહાસ
 
લોકવાયકા મુજબ, ઇ.સ 942થી 957ના ગાળામાં પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરી વસાવી. રાજા કર્ણદેવે આશાભીલને હરાવી આશાવીલ નગરને કર્ણાવતી નામ આપ્યું. સંદર્ભ સામ્રગી પ્રમાણે, આશાવીલ નગરએ હાલના આસ્ટોડિયામાં આશાવીલનો ટેકરો છે ત્યાંથી સારંગપુર દરવાજાથી લઇ અસારવા સુધીના વિસ્તારમાં પથરાયેલું હતું. હાલ માણેકચોક વિસ્તાર છે, ત્યાં પહેલા માણેક નદી વહેતી હોવાનો પણ તેમાં ઉલ્લેખ છે.
 
શું છે દંતકથા?
 
એક ગોવાળ ફરતો- ફરતો તેની ગાયોને માણેક નદીને કાંઠે ચરાવવા લાવ્યો ત્યારે તેની એક ગાય અહીં નિશ્ચિત જગ્યાએ દુધની ધારો વહેવડાવતી. આ ક્રમ ત્રણેક દિવસ ચાલ્યો. અચંબિત થયેલા ગોવાળે આ વાત રાજા કર્ણદેવ સોલંકીના કાન સુધી પહોંચાડી. રાજાએ તે સ્થળે ખોદકામ કરાવ્યું અને ત્યાંથી શિવલિંગ પ્રાપ્ત થયું. સ્વયંભૂ શિવલિંગ યથાવત રાખી રાજા કર્ણદેવે આ સ્થળે ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો.
 

karnmukteshvar 
 
આ સ્થળે કર્ણાવતીના રાજવીનો કરાયો હતો રાજ્યાભિષેક
 
રાજા કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરીની સ્થાપના કરી ત્યારે આ શિવાલયનું નિર્માણ કરાવ્યું હતું. ઇ.સ. 942માં આ સ્થળે પાટવી કુંવર સિદ્ધરાજ સોલંકીનો કર્ણાવતીના રાજવી તરીકે રાજ્યાભિષેક કરાયો હતો. ઇ.સ. 957માં તેમણે આ મંદિરનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. શિવાલયના ચારે તરફ વિશાળ ઉદ્યાન, તળાવ, વાવ, કુવા અને ધર્મશાળા બંધાવ્યા.
પવિત્ર યાત્રાધામ ગણાતા આ શિવાલયમાં સાધુ- સંતો વિશેષ સાધના માટે આવતા, કર્ણાવતી નગરીમાં સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હોવાની વાત વહેતી થતા સાધુ- સંતો અને ભાવિ પ્રજા આ શિવલિંગના દર્શન માટે આવવા લાગ્યા. ધર્મપ્રિય રાજા કર્ણદેવે સાધુ – સંતો માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાવી. સાધુ- સંતોને અહીં રહેવા અને સાધના કરવા માટે ગુફા બનાવી આપી તેમજ નજીકમાં વાવ અને કૂવો પણ બંધાવી આપ્યા.
 

karnmukteshvar 
 
કર્ણાવતી નગરીના વિકાસમાં આ શિવાલયનો ફાળો મહત્ત્વનો
 
કહેવાય છે કે, માણેક નદીના ઉત્તરેથી મંદિર તરફ જવા માટે સાધુ- સંતો માટે ભોંયરામાં રસ્તો બનાવ્યો. જેથી તે નદીમાં સ્નાન કરી ભીના વસ્ત્રો સાથે ભગવાન શિવની વિધિ- વિધાન સાથે પૂજા કરી શકે. ધીમે- ધીમે આ શિવાલયનો મહિમા એટલો વધી ગયો કે તે યાત્રાનું ધામ ગણાવવા લાગ્યું. કર્ણાવતી નગરીના વેપાર- ધંધાનો વિકાસ થયો તેમાં આ શિવાલયનો ફાળો મહત્ત્વનો હોવાનું માનવામાં આવતું. આથી જ તેઓ નગરદેવતા તરીકે ઓળખાયા.
 
શિવલિંગ ઉપર કેમ છે ખાડો
 
આ શિવલિંગ પ્રગટ થયું ત્યારે તેમાં એક હીરો જડેલો હતો. પરંતુ આક્રમણખોરો તે હીરો લૂંટી ગયા. જેથી શિવલિંગમાં ખાડો રહી ગયો.
 
શું છે આ મંદિરની વિશિષ્ટતા
 
હિંદુ પરંપરા પ્રમાણે શિવાલયમાં ગર્ભગૃહમાં દાખલ થઇએ તે પહેલા નંદી અને કાચબો સ્થાપિત હોય, જ્યારે ડાબી બાજુ ગણેશ અને જમણી તરફ હનુમાનજી બિરાજમાન હોય પરંતુ આ શિવાલયમાં હનુમાનજીનું સ્થાનક અહીં નથી. શિવાલયની બાજુમાં અલગ હનુમાનજીનું મંદિર બંધાવવામાં આવ્યું છે.
 
અહીં વિદ્યમાન પાર્વતીની મૂર્તિ પણ વિશિષ્ટ પ્રકારની છે.
 
શિવાલયમાં વિષ્ણુ અને લક્ષ્મીની મૂર્તિઓ પણ સ્થાપિત
 
સોલંકીયુગમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ આ શિવાલયની આસપાસ રહેલા નાના મંદિરો કાળક્રમે અવશેષો રૃપે રહી ગયા. જો કે, એક સમયે સમૃદ્ધ ઇતિહાસ ધરાવતા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું બીડું પેશ્વાઓએ ઉપાડ્યું અને તેમણે હનુમાનજીના મંદિર સામેની દિવાલ પર પાંચ પ્રાચીન મૂર્તિઓની સ્થાપના કરી. મહિષાસુરમર્દિની દેવી, પદ્માસન મુદ્રામાં બેઠેલા લક્ષ્મીજી તેમજ ચતુર્ભુજ ધરાવતા ભગવાન વિષ્ણુની મૂર્તિ અહીં બિરાજમાન છે.
 
સોલંકી કાળના ત્રણ અવશેષોમાંથી કાંકરિયાના મંદિરો નષ્ટ કરાયા હોવાનો ગ્રંથમાં ઉલ્લેખ – પંડિત કે.કા. શાસ્ત્રી
 
પંડિત કે.કા. શાસ્ત્રીએ તેમના એક લેખમાં કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ કર્યો છે. તેમના મત મુજબ અર્વાચીન અમદાવાદ વિસ્તારમાં સોલંકીકાળના ત્રણ અવશેષો જોવા મળે છે. જેમાં અસારવામાં આવેલી માતર ભવાનીની વાવ, કાંકરિયાની ઉત્તરે (હાલ ન્યૂ ક્લોથ માર્કેટની નજીક) આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાંકરિયાનું તળાવ. જો કે, ઇ.સ. 1451માં મહમૂદ બેગડાના મોટા ભાઇ કુતુબ્દીન અહમદશાહે કાંકરિયાનો વિકાસ કરવા નગીના વાડી બંધાવી સાથે કાંકરિયામાં રહેલા નાના મંદિરો નષ્ટ કરી ત્યાં મસ્જિદો બંધાવવામાં આવી.
 
 
- સંદર્ભ સામ્રગી
 
- ડૉ. હરિલાલ આર. ગોદાણી (તારીખ 14 ડિસેમ્બર, 1975, નૂતન ગુજરાત
- કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.