શિવાજી મહારાજનું શસ્ત્ર 'વાઘ નખ' અને જગદંબા તલવાર બ્રિટનથી પરત લવાશે!

બ્રિટનમાંથી વાઘ નખ પરત આવી રહ્યા છે. સાથે કેટલાક મુદ્દાઓએ ચર્ચા જન્માવી છે કે, 10 નવેમ્બર 1659નો દિવસ શિવાજી મહારાજ (Shivaji Maharaj) ના અદ્વિતિય પરાક્રમને કારણે કેમ ઓળખાય છે? તે દિવસે પ્રતાપગઢ (Pratapgadh) માં શું થયું હતું? શિવાજી મહારાજ (Shivaji) અને અફઝલ ખાન (Afal Khan) વચ્ચેની લડતમાં કોણે પ્રથમ વાર કર્યો?

    ૧૬-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

wagh nakh
 
 
 
# શિવાજીનું શસ્ત્ર 'વાઘ નખ' બ્રિટનથી પરત લાવવાની તારીખ નક્કી થઈ ગઈ છે!
# પ્રેરણા અને આસ્થાનુ પ્રતીક વાઘ નખ ભારતમાં આવશે..!!
# જ્યારે શિવાજીએ દગાખોર અફઝલખાનને 'વાઘ નખ' થી મોતને ઘાટ ઉતાર્યો
# લંડન કેવી રીતે પહોંચ્યો વાઘ નખ?
# દગાખોરી સામે બહાદુરીપૂર્વક લડતની ગાથા રજૂ કરતા વાઘ નખ
# છત્રપતિ શિવાજી મહારાજનો વાઘ નખ ઇતિહાસનો અમૂલ્ય ખજાનો
 
 
છત્રપતિ શિવાજી મહારાજનું ખાસ હથિયાર વાઘ નખ (Wagh Nakh) ઘણાં વર્ષો બાદ ભારત પરત આવી રહ્યા છે. લંડનના વિક્ટોરિયા એન્ડ એલ્બર્ટ મ્યુઝિયમમાંથી તેને ભારત લાછા લાવવા મુદ્દે સહમતિ સધાઇ છે.
 
બ્રિટનમાંથી વાઘ નખ પરત આવી રહ્યા છે. સાથે કેટલાક મુદ્દાઓએ ચર્ચા જન્માવી છે કે, 10 નવેમ્બર 1659નો દિવસ શિવાજી મહારાજના અદ્વિતિય પરાક્રમને કારણે કેમ ઓળખાય છે? તે દિવસે પ્રતાપગઢમાં શું થયું હતું? શિવાજી મહારાજ અને અફઝલ ખાન વચ્ચેની લડતમાં કોણે પ્રથમ વાર કર્યો? આ તમામ સવાલો ચર્ચાના ચગડોળે છે, ત્યારે ઇતિહાસ તરફ નજર કરીએ
તો શું ઔરંગઝેબને કારણે શિવાજી મહારાજને મારવાનું કાવતરું ઘડાયું?
 
ઇબ્રાહીમ આદિલ શાહ બીજાપુરના રાજા હતા. તેમને કોઇ સંતાન ન હોવાથી તેમણે અલી આદિલ શાહને દત્તક લીધા. ઇબ્રાહીમ અદિલ શાહ નાની ઉંમરે મૃત્યુ પામતા તેમના દીકરા અલી આદિલ શાહે ગાદી સંભાળી પરંતુ બીજાપુરના શાસનનું તમામ રાજ- કાજ તેમની માતા બડી બેગમ સાહિબા સંભાળતા. લેખક મેધા દેશમુખ ભાસ્કરનના મતે, ઔરંગાબાદના રાજા ઔરંગઝેબે બડી બેગમ સાહિબા પર દબાણ વધાર્યુ કે, મુસ્લિમ પરંપરામાં દત્તક સંતાન સ્વીકાર્ય નથી. આથી તે બીજાપુરની ગાદી પોતાને સોંપી દે અથવા આક્રમણ માટે તૈયાર રહે. એક તરફ ઔરંગઝેબની સતામણી અને બીજી તરફ શિવાજી મહારાજના વધતા પ્રભાવથી ગભરાઇને બડી બેગમ સાહિબાએ ભરદરબારમાં હુકમ આપ્યો કે, દરબારમાં જે બહાદુર યોદ્ધા હોય તે શિવાજી મહારાજને મારવા પાનનું બીડું ઉપાડે. શિવાજી મહારાજની હત્યા કરવી કે તેમને બંદી બનાવવાએ લોઢાના ચણા ચાવવા જેવું અશક્ય કામ હોવાનું જાણવા છતાં અફઝલ ખાને ભરદરબારમાં ડીંગ હાંકી કે, ‘હું ઘોડા પરથી ઉતર્યા વિના શિવાજી મહારાજને સાંકળથી બાંધી બંદી બનાવીશ’. આ પછી શિવાજી માટે અનેક કાવતરા રચાયા. પણ અંતે એક દિવસે શિવાજી (Shivaji) અફલખાન (Afzal Khan) ને મળવાનું નક્કી કર્યુ! પછી શું થયુ? તે ઇતિહાસ છે.
 
વાઘ નખ (Wagh Nakh ) પાછળનો આખો ઘટનાક્રમ?
 
10 ડિસેમ્બર 1659નો દિવસ ઇતિહાસના પાનામાં શિવાજી મહારાજની બહાદુરીના નામે લખાયો છે. અફઝલખાન દ્વારા મુલાકાત માટેના અનેક સંદેશાઓને નકાર્યા બાદ આખરે શિવાજી મહારાજ પ્રતાપગઢની છાવણીમાં મળવા માટે સંમત થયા. આ મુલાકાત પહેલા શરતો નક્કી કરવામાં આવી કે, બંને પક્ષે બે સૈનિકો સાથે રહેશે અને સાથે હથિયાર રાખી શકાશે. નિર્ધારિત સમયે અફઝલ અને શિવાજી મહારાજની મુલાકાત થઇ ત્યારે ઉમળકાના ભાવ સાથે અફઝલ મળવા આગળ આવ્યો. હકીકતમાં, અફઝલના મનમાં કપટ હતું. તે દગાથી શિવાજી મહારાજને મારવાની ફિરાકમાં હતો. સામે છેડે, શિવાજી મહારાજ (Shivaji Maharaj) પણ તેની પૂર્વયોજના અને બદઇરાદાઓથી વાકેફ હતા. છતાં બહાદુર યોદ્ધાને છાજે તેમ શિવાજી મહારાજે અફઝલને ગળે લગાડ્યો, અફઝલે ભેંટતાની સાથે હાથમાં રહેલા ચાકુથી તેમની પીઠ પર વાર કર્યો. તુરંત જ ચિત્તાની ઝપટથી શિવાજી Shivaji મહારાજે વાઘ નખથી હુમલો કરી અફઝલ ખાનની છાતી ચીરી નાંખી. શિવાજીએ વાઘનખથી અફઝલને મોતને ઘાટ ઉતાર્યો તેમજ ગુપ્ત સ્થળે છુપાયેલી સેનાનો પણ સંહાર કર્યો. આમ, શિવાજી મહારાજની ચપળતા, સતર્કતા અને બહાદુરીથી અફઝલ અને તેની સેનાનો અંત આવ્યો.
 
દગાખોર અફઝલ ખાન Afzal Khan ને સન્માન સાથે દફનાવાયો
 
શિવાજી મહારાજે અફઝલ ખાન Afzal Khan ના વધ બાદ પૂરા સન્માન સાથે ઇસ્લામ પરંપરા પ્રમાણે તેની દફનવિધિ કરી તેમજ ત્યાં મકબરો બંધાવ્યો. પ્રતાપગઢમાં આ મકબરો આજે પણ સ્થિત છે.
 
પ્રતાપગઢ જતા પહેલાં અફઝલ ખાને 63 પત્નીઓનો જીવ લીધો
 
બીજાપુરના સલ્તનતના સરદાર અફઝલ ખાન એટલો ક્રૂર અને વહેમી હતો કે શિવાજી મહારાજની હત્યા કરવાના હેતુથી મુલાકાત કરવા જતા પહેલા તેણે તેની તમામ 63 પત્નીઓને મારી નાખી હતી. હકીકતમાં કોઇ જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી તે પ્રતાપગઢથી પરત ફરશે નહીં. અફઝલ ખાને તેના મૃત્યુ પછી તેની પત્નીઓ બીજા કોઇ વ્યક્તિ સાથે નિકાહ કરી લે નહીં તેવા ભયે તેમની બર્બરતાપૂર્વક કરી નાખી. કેટલીક પત્નીઓને કૂવામાં ધકેલી તો કેટલીકની ચાકુ મારીને હત્યા કરી નાખી. આજે પણ બીજાપુરમાં 60 પત્નીઓની કબર આવેલી છે.
 
વાઘ નખ એટલે શું? Wagh Nakh
 
વાઘ નખએ એક તીક્ષણ હથિયાર છે. જે હાથની મુઠ્ઠીમાં ફિટ રહે તે પ્રકારે બનાવવામાં આવે છે. સ્ટીલ કે લોખંડની ધાતુમાંથી તૈયાર કરવામાં આવતા આ હથિયારમાં ચાર તીક્ષ્ણ સળિયા હોય છે. હથિયારની બંને તરફ બે રિંગ હોય છે. હાથની પહેલી અને ચોથી આંગળીમાં પહેરીને મુઠ્ઠીને બંધ કરી હથિયારને ઉપયોગમાં લેવાય છે. તેના સળિયા વાઘના નખ જેટલા ઘાતક હોવાથી તેને વાઘ નખ કહેવામાં આવે છે.
 
વાઘ નખ લંડનના મ્યુઝિયમમાં કેવી રીતે પહોંચ્યો
 
શિવાજીના અવસાન પછી સતારાના દરબારમાં શિવાજીના વંશજો પાસે આ હથિયાર હતું. 1818માં ઇસ્ટ ઇંડિયા કંપનીના અધિકારી જેમ્સ ગ્રાન્ટ ડફે આ હથિયાર મેળવ્યું અને 1824માં ઇંગ્લેન્ડ પાછા ફર્યા ત્યારે લંડનના વિક્ટોરિયા એન્ડ એલ્બર્ટ મ્યુઝિયમને આ દાન કર્યું.
 

wagh nakh 
 
‘જગદંબા તલવાર’ને પાછી લાવવા કવાયત તેજ | Jagdamba Talwar
 
વાઘ નખ અંગે મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવરે જણાવ્યું કે, દેશવાસીઓ માટે ‘વાઘ નખ’ એ માત્ર એક હથિયાર નથી. આસ્થા અને પ્રેરણાનું પણ પ્રતીક છે. તે પરત લાવવા લંડનમાં 3 ઓક્ટોબરના રોજ સમજૂતી કરાર થશે અને 10 નવેમ્બર પહેલા ( આ તારીખે શિવાજી મહારાજે અફઝલ ખાનને માર્યો હતો) તેને ભારત પરત લવાશે. ઉપરાંત શિવાજી મહારાજની પ્રસિદ્ધ તલવાર જગંદબા તલવાર (Jagdamba Talwar) ને પણ પાછી લાવવાના પ્રયાસો શરૃ કરાયા છે.
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.