ઐઠોર ગણપતિ મંદિર: 1200 વર્ષ કરતાં પણ જૂના મંદિરમાં ‘દુર્લભ ગણપતિ’ બિરાજમાન

ઊંઝામાં ઉમિયા માનું મંદિર, સિદ્ધપુરમાં કાર્તિકેયના મંદિર સાથે ઐઠોર ગણપતિ મંદિરનું શું છે કનેક્શન? નારાજ થયેલા ગણપતિ બાપ્પાને 33 કરોડ દેવી દેવતાએ કેવી રીતે પ્રસન્ન કર્યા? જાણીએ આ લેખમાં પ્રચલિત દંતકથા અને મંદિરની વિશે વિસ્તૃત માહિતી

    ૧૯-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Aithor Ganpati Mandir
 
 
# 1200 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે આ મંદિર
# અહીં ગણપતિની દુલર્ભ પ્રતિમા છે સ્થાપિત
# ડાબી સૂંઢવાળા ગણપતિ રેણુમાંથી બનાવ્યા હોવાની માન્યતા
# આ પ્રતિમાનો સંબંધ પાંડવકાળ સાથે હોવાની લોકવાયકા
# સોલંકી કાળના રાજવીઓને મંદિર પ્રત્યે હતી અપાર શ્રદ્ધા
 
ગણેશ ચતુર્થીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. ચતુર્થીથી લઇ અનંત ચૌદસ સુધીના 10 દિવસના ગણેશોત્સવમાં ભક્તો ગણેશમય બનશે. પંડાલોમાં ગણપતિ બાપ્પાની શણગારથી શોભતી મૂર્તિ, આરતી- પૂજા અને કીર્તનના માહોલથી સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રસરે છે. ગણેશોત્સવના આ પર્વમાં અમે તમને ગુજરાતના પ્રસિદ્ધ ગણપતિ મંદિરો વિશે માહિતી આપીશું. આજના અંકમાં જાણીએ ઊંઝા તાલુકામાં આવેલા ઐઠોર ગણપતિ મંદિર વિશે.
 
પ્રચલિત દંતકથા પ્રમાણે ઊંઝામાં ઉમિયા માનું મંદિર, સિદ્ધપુરમાં કાર્તિકેયના મંદિર સાથે ઐઠોર ગણપતિ મંદિરનું શું છે કનેક્શન? નારાજ થયેલા ગણપતિ બાપ્પાને 33 કરોડ દેવી દેવતાએ કેવી રીતે પ્રસન્ન કર્યા? કેવી રીતે પડ્યું ઐઠોર નામ? જાણીએ આ લેખમાં
 
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં આવેલું આ ગણપતિ મંદિર 1200 વર્ષ કરતાં પણ જૂનું છે. દેશભરમાં ડાબી સૂંઢવાળા ગણપતિ તેમાં પણ માટીમાંથી બનેલા ડાબી સૂંઢવાળા ગણપતિની પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે. અહીં રેણુ (માટી)માંથી ગણપતિની પ્રતિમા બનાવ્યા હોવાની માન્યતા છે. આથી ભક્તો ગણપતિદાદાની આ પ્રતિમા દુર્લભ હોવાનું માને છે. અહીં ગણપતિ દાદાને સિંદુર અને તેલનો ચોળો એટલે કે લેપ ચઢે છે.
 
પ્રતિમા પાંડવકાળની, તો નિર્માણ સોલંકીકાળમાં થયું!!
 
આ મંદિરની પ્રતિમા પાંડવકાળની હોવાની માન્યતા પ્રચલિત છે. જ્યારે સોલંકીકાળના રાજવીઓ આ ગણપતિ મંદિર પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા. તેઓ ગણપતિ પૂજા – અર્ચના માટે અહીં આવતા તેમજ શુભપ્રસંગોએ આ ગણપતિ મંદિરમાં માથું ટેકવવાની પરંપરાને અનુસરતા.
 
 
ઉત્તર ગુજરાતના લોકસાહિત્ય અને મંદિર સ્થાપત્યના અભ્યાસુ ડૉ. અમૃત પટેલના મતે, ઐઠોરના મંદિરનું નિર્માણ કોણે કર્યુ હશે તે વિશે ચોક્કસ પુરાવા મળતા નથી. પરંતુ મૂર્તિવિધાન તથા અસલ મંદિરની સ્થાપત્ય શૈલી જોતા આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં કરાયું હોવાનું સંભવિત છે. જ્યારે 13મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સમયે આ મંદિરમાં દેવો, ગંધર્વો, કોચકો સહિતના તમામ ભાગોને ખંડિત કરાયા હતા.
 

Aithor Ganpati Mandir  
 
33 કરોડ દેવી- દેવતાઓએ કોપાયમાન ગણપતિને અહીં પ્રસન્ન કર્યા!!
 
આ મંદિર વિશે દંતકથા પ્રચલિત છે. પ્રાચીનકાળમાં ઇન્દ્રદેવના લગ્નની જાનમાં અન્ય તમામ દેવી- દેવતાઓએ ભાગ લીધો. પરંતુ વાંકી સૂંઢવાળા દુદાળા ગણપતિને વિચિત્ર દેખાવનું કારણ આપી લગ્ન માટે આમંત્રણ અપાયું નહીં. આથી ગણેશજી કોપાયમાન થયા. જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવ મંદિર નજીક પહોંચી ત્યારે ગણેશજીએ પોતાની દૈવ્ય શક્તિથી જાનમાં જોડાયેલા તમામ અતિથિઓના રથના પૈડાઓને અલગ કરી દીધા. દેવી- દેવતાઓને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે ગણપતિ બાપ્પાને મનાવવાનો નિર્ધાર કર્યો. 33 કરોડ દેવી – દેવતાઓ પોતાના બળદ અને ઘોડાને બાંધી, પુષ્પાવતી નદીના કિનારે આવ્યા. ત્યાં ગણપતિ દાદાની પૂજા- અર્ચના કરી તેમને પ્રસન્ન કર્યા. આ પ્રસંગે તેમણે ઐઠોર તળાવના કિનારે ગોઠ વેચી હતી. આથી અહીંનું તળાવ ગોથિયું તળાવ તરીકે પ્રસિદ્ધ છે. ઉપરાંત દેવી- દેવતાઓએ જે સ્થળે બળદ અને ઘોડા બાંધ્યા તે સ્થળ ગમાણિયું કહેવાયું. જેના પરથી ગમાણિયું તળાવ નામ પડ્યું હોવાની વાયકા છે. અહીં 33 કરોડ દેવી દેવતાઓનું નાનકડું મંદિર પણ છે.
 
ઊંઝામાં માતા ઊમિયા અને સિદ્ધપુરમાં ભાઇ કાર્તિકેય મંદિરને ગણપતિ મંદિર સાથે શું સંબંધ? જાણીએ દંતકથા
 
અન્ય એક દંતકથા પ્રમાણે, ઇન્દ્રદેવના લગ્નમાં ગણપતિ પ્રસન્ન થયા બાદ જાનમાં જોડાયા. ગણેશજીની કાયા ભારે હોવાથી તેમને ચાલવામાં તકલીફ પડીં. આથી પિતા શંકરે તેમને એક મુકામે એઠે- ઠેર એટલે કે અહીં ઠેર એમ કહ્યું. આથી આ સ્થળનું નામ ‘ઐઠોર’ તરીકે પ્રચલિત થયું.
 
ગણપતિ ઐઠોરમાં રોકાયા પણ આગળ ચાલતા- ચાલતા દીકરાને મૂકીને આગળ જવાનો માતા પાર્વતીનો જીવ ચાલ્યો નહીં, આથી તેમણે ઊંઝા મુકામે રોકાણ કર્યું. જ્યારે આગળ જતા ભાઇ કાર્તિકેય પણ બંધુપ્રેમને આગળ જતા અટક્યા અને સિદ્ધપુર મુકામે રોકાયા. સિદ્ધપુરમાં ભગવાન કાર્તિકેયનું મંદિર છે.
 
અતિ પ્રાચીન વિષ્ણુ મંદિર
 
ગણપતિ મંદિરની સામે અતિ પ્રાચીન વિષ્ણુ મંદિર આવેલું છે. જો કે, હાલ આ મંદિરમાં વિષ્ણુજીની પ્રતિમા નથી. પરંતુ મંદિરના વિવિધ ભાગો પર ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૃપોને દર્શાવતી મૂર્તિઓ અહીં જોવા મળે છે.
 
 
અહીં ભરાય છે ઐતિહાસિક લોક મેળો
 
ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે અહીં ભવ્ય શુકન મેળો ભરાય છે, અહીં ફૂલ,અનાજ પરથી શુકન જોઇ આખા વર્ષનો વરતાળો જોવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં શુકન જોવા આવે છે.
 
અમદાવાદથી માત્ર 100 કિ.મી જ દૂર છે આ મંદિર
 
ઊંઝાથી ઐઠોર – 5 કિ.મી.
વિસનગરથી ઐઠોર – 20 કિ.મી.
અમદાવાદથી ઐઠોર – 100 કિ.મી
 

જ્યોતિ દવે

જ્યોતિ દવે, છેલ્લા 10 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ અગાઉ દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, સંદેશ અખબારમાં પણ ફરજ બજાવી ચૂક્યાં છે. હાલમાં તેઓ દૂરદર્શન સમાચાર સાથે તેમજ અનુવાદક તરીકે ફ્રિલાન્સ કામ કરી રહ્યાં છે.