‘ક્યારેય સારા વર્તન કે શીલને ઓળંગવું ન જોઈએ’ કેમ ખબર છે? ચાણક્ય કહે છે…..

20 Sep 2023 17:11:49
 
chankya
 
કદાચિદપિ ચારિત્રં ન લંઘયેત્ ।
‘ક્યારેય સારા વર્તન કે શીલને ઓળંગવું ન જોઈએ’ કેમ ખબર છે? ચાણક્ય કહે છે…..
 
માણસ ગરીબ હોય કે ધનિક હોય પરંતુ તેને માટે તેનું શીલ મહત્વનું છે. સ્ત્રી માટે તો તેનું શિયળ એ જ સર્વસ્વ છે એમ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ માને છે. અનેક સ્ત્રીઓ કે રાણીઓએ રાજસ્થાનમાં પોતાના શિયળની રક્ષા માટે જૌહર કે આત્મહત્યા કર્યાં છે એ જાણીતી વાત છે. પતિની પાછળ સતી થવાની પ્રથા પણ શિયળની રક્ષા કાજે પ્રચલિત થયેલી.
 
ચાણક્યના મતે ચારિત્ર્ય એટલે શુ?
 
ચારિત્ર કે ચારિત્ર્ય શબ્દનો એક અર્થ ‘ઉમદા વર્તન’ એવો પણ છે. પવિત્ર અને ઉમદા વર્તન સારા માણસ માટે પોતાના પ્રાણ કરતાં વધુ મૂલ્ય ધરાવે છે. “પ્રાણ જાય અરુ બચન ન જાઈ” એ હિંદી ભાષાની કહેવત આ જ વાત કહે છે. સારું વર્તન કરે તે સજ્જન અને સારું વર્તન કરે તે સન્નારી છે. સ્ત્રી કે પુરુષના આવા સારા વર્તનથી તેમનું કુટુંબ, તેમનો સમાજ, તેમનો પાડોશ, તેમનું રાજ્ય અને તેમનો દેશ પ્રગતિ કરે છે. એવા સજ્જન કે સન્નારીની કીર્તિ વધે છે.
 
ચારિત્ર શબ્દોનો બીજો એક અર્થ “કીર્તિ” કે “નામના” એવો પણ થાય છે. તેથી ચારિત્ર્યશીલને કીર્તિ મળવી સ્વાભાવિક છે. પરિણામે ચારિત્ર્યશીલ એવાં સ્ત્રી-પુરુષો પોતાના ચારિત્ર્યને પ્રાણના ભોગે પણ ઓળંગતા નથી. જો તેઓ સારું વર્તન કે શીલ છોડી દે તો સમાજ અને દેશની અધોગતિ થાય છે. એટલા માટે When character is lost, everything is lost એવી કહેવત અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે. “પૈસો સર્વસ્વ છે” એમ માની પૈસા પાછળ આંધળી દોટ લગાવનારાઓના આ આધુનિક યુગમાં ચારિત્ર્ય કે સારા વર્તનની તાતી જરૂર છે. ચારિત્ર્ય કે સારા વર્તનને ઓળંગવું ના જોઈએ એવી શાણી સલાહ પ્રસ્તુત સૂત્રમાં લેખક ચાણક્યે આપી છે.
Powered By Sangraha 9.0