અમદાવાદમાં 350 વર્ષ જૂનું ગણેશ મંદિર, જ્યાં સ્વયંભૂ ગણેશ સિદ્ધિવિનાયક સ્વરૂપે થયા પ્રગટ

મુખ્ય મંદિર – જમીનથી અંદાજે 90 ફૂટ નીચે ભોંયરામાં આવેલા આ મંદિરમાં ગણપતિ દાદાની બે મૂર્તિ પ્રસ્થાપિત છે. જેમાંથી એક જમણીસૂંઢવાળા ગણપતિની મૂર્તિ છે. સાથે રિદ્ધિ- સિદ્ધિ માતા પણ બિરાજમાન છે.

    ૨૮-સપ્ટેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

ganesh mandir
- અમદાવાદીઓની આસ્થાનું કેન્દ્ર છે આ સિદ્ધિવિનાયક મંદિર
- દર મંગળવારે અને ચોથના દિવસે દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટે છે
- મનોકામના પૂર્તિ માટે ભગવાન ગણેશને બુંદીના લાડુ પ્રસાદ તરીકે ધરાવવાનો છે મહિમા
 
ગણેશોત્સવનું પર્વ ચાલી રહ્યું છે. ગણેશ ચોથથી લઇ અનંત ચૌદસ સુધી દસ દિવસના આ પર્વમાં ગણેશજીની પૂજા- અર્ચના કરવાનો વિશેષ મહિમા છે. ભક્તો ઘરે તેમજ ફળિયામાં ગણપતિ બાપ્પાની મૂર્તિને પ્રસ્થાપિત કરી પૂજન કરશે, સાથે ગણપતિ મંદિરમાં આસ્થા સાથે માથું ટેકવી ધન્યતાની લાગણી અનુભવશે. ગણેશોત્સવના પર્વમાં આજની કડીમાં લાલદરવાજા ગણપતિ મંદિરની મૂર્તિનો મહિમા અને તેના પૌરાણિક મહત્વ વિશે જાણીએ
હેરિટેજ સિટી અમદાવાદમાં લાલદરવાજાના વસંત ચોક પાસે આવેલું ગણપતિ મંદિર 350 વર્ષ કરતાં વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે. પેશ્વાકાળમાં નિર્માણ પામેલા આ મંદિરમાં ગણપતિની મૂર્તિ સ્વયંભૂ હોવાની વાયકા છે. આથી જ આ મંદિર પ્રત્યે ભક્તો વિશેષ શ્રદ્ધા ધરાવે છે. અહીં ડાબી સૂંઢવાળા અને જમણીસૂંઢવાળા એમ બંને ગણપતિ બિરાજમાન છે.
 
ભોંયરાવાળા ગણેશ તરીકે પ્રસિદ્ધ
 
આ મંદિર મુખ્ય મંદિરથી અંદાજે 50 ફૂટના અંતરે આવેલું છે. આ મંદિર ભોંયરામાં આવેલું હોવાથી ‘ભોંયરાવાળા ગણેશ’ તરીકે પ્રસિદ્ધ છે. અહીં મહાદેવજી શિવલિંગ રૃપે પ્રસ્થાપિત હોવાથી પાતાળેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. અહીં સિંદુરી રંગના ગણપતિ સ્વયંભૂ પ્રગટ થયા હોવાની લોકવાયકા છે. પેશ્વાકાળમાં રાજા- રાણી આ મંદિરમાં દર્શન માટે ખાસ આવતા. કહેવાય છે કે પેશ્વાકાળના રાજવીઓ મંદિરમાં ગુપ્ત રીતે ધ્યાન અને પૂજા કરી શકે અને તેમાં ખલેલ પહોંચે નહીં તે માટે અહીં ભોંયરામાં ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓનું માનવું છે કે સાબરમતી નદીમાં પૂર આવવાની ઘટના અનેક વાર બની છે પરંતુ એકપણ વાર મૂર્તિને ક્યારેય નુકસાન પહોંચ્યું નથી.
 
મુખ્ય મંદિર – જમીનથી અંદાજે 90 ફૂટ નીચે ભોંયરામાં આવેલા આ મંદિરમાં ગણપતિ દાદાની બે મૂર્તિ પ્રસ્થાપિત છે. જેમાંથી એક જમણીસૂંઢવાળા ગણપતિની મૂર્તિ છે. સાથે રિદ્ધિ- સિદ્ધિ માતા પણ બિરાજમાન છે. ભક્તો આ જમણીસૂંઢવાળા ગણપતિને ‘સિદ્ધિવિનાયક ગણેશ’ તરીકે બોલાવે છે. જમણીસૂંઢવાળા ગણપતિની મૂર્તિની બાજુમાં અન્ય એક ગણેશજીની પ્રતિમા પણ વિદ્યમાન છે. તે પણ સ્વયંભૂ હોવાની વાયકા છે.
 
મનોકામના પૂર્તિ માટે લાડુ ધરાવવાનો મહિમા
 
અહીં ગણેશ ભગવાન વિઘ્નહર્તા અને સિદ્ધિવિનાયક તરીકે પૂજાય છે. ભક્તો અહીં વિદેશ જવા, મકાન બનાવવા, સંતાન પ્રાપ્તિ, ધંધાની પ્રગતિ જેવી વિવિધ માનતાની પૂર્તિ કરવા દર મંગળવાર ભરે છે તેમજ મનોકામના પૂર્તિ થાય ત્યારે બુંદીના લાડુ ધરાવવાનો મહિમા છે.