ચાણક્ય કહે છે કે આ ૭ વાતોથી યુવાઓ હંમેશાં દૂર રહેવું જોઇએ

28 Sep 2023 14:40:16

chankya
 
 
દરેક ઉંમર, દરેક વર્ગના લોકો માટે આચાર્ય ચાણક્યએ સંદેશ આપ્યા છે. પોતાના અનુભવોથી સંચિત જ્ઞાનનો લાભ સમગ્ર વિશ્વને મળે તે માટે તેમણે માનવજાતિને ‘ચાણક્યનીતિ’ સંગ્રહની ભેંટ આપી છે. આચાર્ય ચાણક્ય 7 વાતો માટે યુવાઓને ચેતવણી આપી છે જે જાણવા જેવી છે…
 
 
#૧ ક્રોધ
 
ગુસ્સો, ક્રોધ એ પતન તરફ દોરે છે. આચાર્ય ચાણક્યના મતે ક્રોધ દરેક વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. આ અંગે વિસ્તૃત જણાવતા ચાણક્ય કહે છે, જ્યારે કોઇપણ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે સારુ- નરસું વિચારવાની શક્તિ ક્ષીણ થઇ જાય છે. ગુસ્સા કે ક્રોધના આવેગમાં યુવા સાચા નિર્ણય લઇ શકતો નથી. આથી પ્રત્યેક યુવાઓને ક્રોધ ગળીને, શાંત ચિત્તે નિર્ણય લેવાની સલાહ આપે છે.
 
#૨ લાલચ
 
હિંદીમાં કહેવત છે કે ‘લાલચ બુરી બલા’ છે. બસ, આચાર્ય ચાણક્ય પણ આ જ બદી અંગે ચેતવણી આપતા કહે છે કે, યુવાઓની જિંદગીમાં શીખીને, અનુભવ મેળવીને જીવન જીવવાનો તબક્કો હોવો જોઇએ પરંતુ જો તે અધ્યયન માર્ગથી હટીને લાલચ તરફ વળે તો તેના વિકાસમાં આ બદી અવરોધરૂપ બનશે.
 
#૩ સ્વાદ
 
આચાર્ય ચાણક્યના આ સૂત્ર પ્રત્યે કદાચ આજની પેઢી સંપૂર્ણ સંમત નહીં થાય પરંતુ ચાણક્યની નીતિના આ સૂત્રમાં દૂરંદેશી સમાયેલી છે. ચાણક્યના મતે યુવાવસ્થામાં વિદ્યાર્થી જીવન તપસ્વી જેવું હોવું જોઇએ. આજના સમયમાં યુવકો જંકફૂડ અને સ્વાદિષ્ટ ભોજનની લાલસા અને સ્વાદમાં સાચો ખોરાક ગ્રહણ કરતા નથી. હકીકતમાં,યુવાકાળમાં સ્વાસ્થ્ય વર્ધક અને સંતુલિત આહાર તરફ શરીરને વાળવાથી શરીર ઊર્જાવાન અને મન એકાગ્ર રહે છે.
 
#૪ શ્રૃંગાર
 
આજની ભાષામાં આપણે શણગારને ‘ફેશન’ તરીકે ઓળખીએ છીએ. આચાર્ય ચાણક્ય યુવા પેઢીને હંમેશા સરળ જીવનશૈલી અપનાવવા પર ભાર આપે છે. જે યુવા રોજિંદી જીવનશૈલી, વ્યવહાર અને આચરણમાં વધુ પડતા શ્રૃંગારથી અંતર રાખે છે, તેવા યુવાઓ પોતાના લક્ષ્ય તરફ વધુ એકાગ્ર થઇ શકે છે. અર્થાત ફેશન કે વધુ પડતા શણગારને કારણે યુવાઓનું મન અધ્યયનથી ભટકે છે, આથી ચાણક્ય શ્રૃંગાર રસથી દૂર રહેવા સૂચવે છે.
 
#૫ મનોરંજન
 
આચાર્ય ચાણક્યના મતે, વધુ પડતુ મનોરંજન વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવે છે. વધુ પડતા મનોરંજનને કારણે યુવા શક્તિ ક્ષીણ થાય છે તેમજ વ્યક્તિત્વ વિકાસમાં અંતરાય ઊભો કરે છે. આથી ચાણક્ય સીમિત માત્રામાં મનોરંજન કરવાની સલાહ આપે છે.
 
#૬ ઊંઘ
 
સ્વાભાવિક છે કે, સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ અનિવાર્ય છે પરંતુ આચાર્ય ચાણક્ય કહે છે કે જે યુવા ઊંઘને પ્રેમ કરવા લાગે, તેના શરીરમાં આળસ ઘર કરવા લાગે છે અને તે ઊંઘ પાછળ વ્યર્થનો સમય વીતાવે છે. આથી આચાર્ય ચાણક્ય ચેતવે છે કે યુવાકાળ સોનેરી કાળ છે, ઊંઘવા પાછળ જીવનનો કિંમતી સમય ગુમાવવો નહીં. યુવાઓએ ખપ પૂરતી નિંદર લેવાનો આગ્રહ રાખવો.
 
#૭ સેવા
 
આચાર્ય ચાણક્યની અનેક નીતિઓ વ્યવહારુ બનવા સૂચવે છે. તેમાં પણ યુવાઓને વ્યવહારુ થવાનો સંકેત આપતા ચાણક્ય કહે છે કે આ સંસારમાં સીધા વૃક્ષ અને સીધા લોકોને અન્ય લોકો પહેલા કાપે છે. જે લોકો પોતાની જાતને ઓગાળીને અન્યની સેવામાં રહે છે, અંતે તેનું જીવન ખાલી રહે છે. ચાણક્ય નીતિ મુજબ, સેવા બધાની કરવી પણ પોતાની જાતનો પણ ખ્યાલ રાખવો. સેવામાં વધુ ખૂંપાઇને પોતાની જાત પર ધ્યાન નહીં આપનાર યુવા પોતાની જિંદગીના સ્વર્ણકાળનો બહુમૂલ્ય સમય જતો કરે છે.
Powered By Sangraha 9.0