જીવનમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમનું મહત્વ - કથા

ઊંચા ડુંગરમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે-ગામથી ભકતો અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ...નો જયઘોષ કરતાં આવે છે. રથ ખેંચતા, ગરબા ગાતા, છંદ અને દુહાની રમઝટ બોલાવતા માના ધામ તરફ આગળ વધે છે. ભાદરવી પૂનમે લાખો લોકો દર્શન કરવા આવે છે.

    ૨૯-સપ્ટેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Bhadarvi Poonam

જીવનમાં અજવાળું પાથરતી ભાદરવી પૂનમ  | Bhadarvi Poonam

 
દેવી ભાગવતની કથા અનુસાર મહિષાસુરે તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. આથી પ્રસન્ન થઇને અગ્નિદેવે મહિષાસુરને વરદાન આપ્યું કે, નર જાતિના નામવાળાં શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી મહિષાસુરે દેવોને હરાવી દીધા. તેણે ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી તેણે વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માગી. ભગવાન શિવે મદદ માટે દેવી શકિતની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવોએ દેવી શકિતની આરાધના કરતાં આધશકિત પ્રગટ થયાં અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. આથી દેવી મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયાં. બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતનાં જંગલોની દક્ષિણે આવેલા શંગી ઋષિના આશ્રમે આવ્યા અને શંગી ઋષિએ ગબ્બરનાં દેવી અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી અને દેવીએ પ્રસન્ન થઇને અજય નામનું એક બાણ આપ્યું. તેનાથી રામે રાવણનો નાશ કર્યો.
 
`બોલ માડી અંબે, જય જય અંબે' નાદ સાંભળતાં જ હૃદયમાં શાતાનો અનુભવ થાય છે. ભાદરવી પૂનમ બોલીએ એટલે વિશ્વવિખ્યાત અંબાજી માતાનો ભાદરવી પૂનમનો મેળો નજર સામે તરવરે. જેમાં માતાની શક્તિ-ભક્તિનો મહિમા તો છે, સાથે સાથે સાંસ્કૃતિકચેતના પણ ઉજાગર થાય છે. ભાતીગળ રંગ અને ઉમંગના દર્શન થાય છે. માતાના દરબારમાં બધા ભેદભાવ ઓગળી જાય છે. આ મેળામાં રમકડાંથી રાચરચીલા સુધીની વસ્તુઓ મળી જાય છે અને ચાર નૈન મળી જાય ત્યારે સાત જનમના સરનામે પહોંચી જાય છે. પહેલાંના સમયમાં તો આનંદ-પ્રમોદનું મેળો એક જ સ્થળ હતું. આબાલ-વૃદ્ધ સૌ એક સમ પર આવીને ઊભા રહે છે. વિધ વિધ રીતિ-રિવાજને એક બાજુ મૂકી લોકો પ્રસન્નતાની પરંપરાને અનુસરે છે. આપણી રગશિયા ગાડા જેવી રૂટીન લાઈફમાંથી મેળો નવો રસ્તો આપે છે, એ જિંદગીનું ખૂશનુમા વેકેશન છે, સ્ટેશન છે. કોઈ મોટી ઇવેન્ટ કંપની પણ ન કરી શકે એવું આયોજન થોડા સ્વયં સેવકો કરે છે, હૈયે હૈયું દળાય એવી ભાવિકોની ભીડમાં ક્યાંય અનિચ્છનીય બનાવ બનતો નથી. જેમ ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક પણ હિંસક પ્રાણી જાનહાની કરતું નથી. દત્રાત્રેય ભગવાન પશુ-પ્રાણી અને જીવ-જંતુની દાઢ બાંધી દે છે. દરેક ધર્મના લોકો અંબાજીમાતાના દર્શન કરવા આવે છે. ભાદરવી પૂનમ દરેકના જીવનમાં અજવાળું પાથરે છે.
 
ઊંચા ડુંગરમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે-ગામથી ભકતો અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ...નો જયઘોષ કરતાં આવે છે. રથ ખેંચતા, ગરબા ગાતા, છંદ અને દુહાની રમઝટ બોલાવતા માના ધામ તરફ આગળ વધે છે. ભાદરવી પૂનમે લાખો લોકો દર્શન કરવા આવે છે. દૂર દૂરથી પગપાળા આવતા લોકો માટે ગામે ગામે ચા, પાણી, નાસ્તો, ભોજન અને આરામની વ્યવસ્થા હોય છે. શક્તિપીઠ અંબાજીમાં દર પૂનમે દર્શન કરવા જનારા લોકોમાં વધારો જ થતો જાય છે. અન્ય પૂનમો કરતાં ભાદરવી પૂનમે માતાજીનાં દર્શનનું વિશેષ મહત્વ છે. આ દિવસે મહામેળો ભરાય છે. જેમાં સ્વયંભૂ બધી વ્યવસ્થાઓ થાય છે.
 
જે ભક્તોએ બાધા, આખડી, માનતા, વ્રત કે ટેક લીધી હોય એમનાં માટે કોરોનાકાળમાં પણ મંદિરના દ્વાર ખુલ્લા હતા. નવરાત્રીમાં પણ આ મંદિરનો ઉમંગ અનેરો હોય છે. ચાચરના ચોકેથી માતાજી ગરબે રમવા પધારે છે. આખા નભના તારા જાણે માની તારલિયાળી ચુંદડી થઇ જાય છે.
 
આસ્થાપૂર્વક ભીતરના ભાવ સાથે ભક્તો કષ્ટ ભોગવીને મંદિરે દર્શન કરે તો ફળ મળે છે. કોઈ દંડવત્‌‍ કરતા પણ જાય છે. જે દુઃખ સામે તાકી શકે એ જ માણસ જીવનને જીતી શકે છે. શારદીય નવરાત્રિ આવે. નવરાત્રિ પહેલાં શ્રાદ્ધ પક્ષમાં તો કોઈ ભાવિક માતાજીને પોતાને ત્યાં પધારવા આમંત્રણ પાઠવે નહીં એટલે ભાદરવી પૂનમના આ દિવસોમાં ભક્તો જગતજનનીને પોતાને ત્યાં પધારવા માટે ભાવથી આમંત્રણ આપે છે. શ્રાદ્ધના દિવસો બેસે એ પહેલાં જ આ કાર્ય કરવામાં આવે છે. સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે. અપંગો પણ ટ્રાઇસિકલ પર દર્શને જાય છે. અંબાના ધામમાં ગામેગામથી માતાજીને ધજા અર્પણ કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચી જાય છે. આ દિવસે માતાના દર્શન કરતી વખતે દર્શનાર્થી કોઈ ટેક લે છે. અનેક લોકો આ દિવસે વ્યસન છોડે છે.

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.