શબ્દોનું સનાતની શુદ્ધિકરણ | હિંદુ ધાર્મિક સંદર્ભોમાંથી ઉર્દૂ અને ફારસી શબ્દોને હટાવો

હરિદ્વારના સંતોએ એકસૂરમાં કહ્યું છે કે, `શાહી" અને `પેશવાઇ" જેવા શબ્દો મોગલ સલ્તનતની યાદ અપાવે છે. આથી હિંદુ ધાર્મિક સંદર્ભોમાંથી ઉર્દૂ અને ફારસી શબ્દોને હટાવીને તેના સ્થાને હિંદી અને સંસ્કૃતના શબ્દોને પ્રચલિત કરવામાં આવે.

    ૧૯-ઓક્ટોબર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

Mahakal Shahi Sawari words
 
તાજેતરમાં અખાડાઓના મહંતો અને સંતો વચ્ચે એક સ્વસ્થ મંથન ચાલી રહ્યું છે. મંથન એ છે કે, ધાર્મિક યાત્રાઓ અને કુંભના સમયે થનારી અનેક ગતિવિધિઓમાં પ્રયોજાનારા ઉર્દૂ, અરબી કે ફારસી શબ્દોનું ચલણ બંધ કરવામાં આવે, જેમ કે, શાહી સવારી, શાહી સ્નાન, પેશવાઇ જેવા શબ્દો. `શાહી' શબ્દ એ અરબી અને પેશવાઇ ફારસી શબ્દ છે. સંતમંડળ ઇચ્છે છે કે, આ શબ્દોના સ્થાને હિંદી, સંસ્કૃત શબ્દનો પ્રયોગ કરવામાં આવે. સંતોનો તર્ક છે કે, `શાહી સવારી', `પેશવાઇ', `શાહી સ્નાન' જેવા શબ્દો ગુલામીના પ્રતીક છે. આથી જ સનાતન ધર્મમાં તેનો પ્રયોગ થવો જોઇએ નહીં.
 
આ મંથનના શ્રી ગણેશ મહાકાલની નગરી- ઉજ્જૈન ખાતે થયા છે. અહી જાણવા યોગ્ય એ છે કે, ઉજ્જૈનમાં દર વર્ષે ભાદરવા માસમાં મહાકાલની નગર યાત્રા નીકળે છે, જેને `શાહી સવારી' કહેવામાં આવે છે. આ બાબતે, સંતોનું કહેવું છે કે સનાતન ધર્મમાં આ કાર્ય માટે અરબી શબ્દ `શાહી'નો પ્રયોગ શા માટે કરવો? તેના સ્થાને સંસ્કૃત કે હિંદી શબ્દ કેમ પ્રયોજવામાં ન આવે?
 
આ વાતે ત્યારે વેગ પકડ્યો જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે પણ `શાહી' શબ્દ હટાવવાને સમર્થન આપ્યું. ઉજ્જૈન સ્થિત જનસંપર્ક કાર્યાલયે ૩ સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરેલ પ્રેસ વિજ્ઞપ્તિમાં `શાહી સવારી'ના સ્થાને `રાજસી સવારી' શબ્દ લખવામાં આવ્યો. તેના પછી આ વિષય આખા દેશના સાધુ - સંતો અને અખાડા સુધી પહોંચ્યો. હવે સંત સમાજ આવા શબ્દોને બદલવા માટે પોતાની કમર કસી રહ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ શ્રીમહંત રવિન્દ્રપુરી જણાવે છે કે, મુગલ શાસક `શાહી' અને `પેશવાઇ' જેવા શબ્દનો પ્રયોગ પોતાનું ગૌરવ દર્શાવવા માટે કરતા હતા. આથી આવા શબ્દો સનાતનીઓ માટે ગુલામીના પ્રતીક છે. હિંદી ભાષાના શબ્દોની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થઇ છે. સંસ્કૃતમાં `શાહી' જેવો કોઇ શબ્દ જ નથી. તેમનું આ નિવેદન બે શબ્દોના સંદર્ભમાં છે. પ્રથમ - કુંભ મેળામાં પ્રવેશ સમયે અખાડાઓ દ્વારા નીકાળવામાં આવતી `પેશવાઇ' માટે તેમજ બીજું - પ્રમુખ સ્નાનપર્વો પર પોતાના આરાધ્ય દેવતા અને ધ્વજની સાથે નિભાવવામાં આવતી સ્નાન પરંપરા કે જે સદીઓથી `શાહી સ્નાન'ના નામે નીકાળવામાં આવે છે તેના સંદર્ભમાં છે.
 
ઉલ્લેખનીય છે કે, દેશના પ્રમુખ ચાર તીર્થસ્થળો- પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં સદીઓથી એક નિશ્ચિત અંતરાલ બાદ હિંદુ ધર્મના સૌથી મોટા ધાર્મિક સમાગમ કુંભ અને મહાકુંભનું આયોજન થતું આવ્યું છે. આ આયોજનમાં સનાતન ધર્મના સજાગ પ્રહરીની ભૂમિકા નિભાવનારા અખાડાઓ મુખ્ય શોભા ગણાય છે. આયોજન સ્થળ પર તેમનો પ્રવેશ ભવ્યતા, ઉલ્લાસ અને ઉમંગ સાથે કરાવવામાં આવે છે. આ મહોત્સવને જોવા દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અખાડાઓની આ પ્રવેશ યાત્રાને `પેશવાઇ' નામથી ઓળખવામાં આવે છે. આ પરંપરા પાછળની માન્યતા છે કે, હરિદ્વાર કે પ્રયાગરાજમાં મા ગંગા, ઉજ્જૈનમાં ક્ષિપ્રા કે પછી નાસિકમાં ત્ર્યકંબેશ્વર સમક્ષ પ્રસ્તુત થવું. આ પ્રકારે પ્રમુખ સ્નાનપર્વો પર તમામ શૈવ, વૈષ્ણવ અને વૈરાગી અખાડાઓના સાધુ-સંત, નાગા સંન્યાસી પોતાના આરાધ્ય દેવતા અને પોતાની ધર્મધ્વજા સાથે આકર્ષક રથો, વાહન પર સવાર થઇને સ્નાન માટે જાય છે. તેમની આગળ-આગળ નાગા સંન્યાસી પોતાના યુદ્ધનું કૌશલ્ય પ્રદર્શન કરતા આગળ વધે છે. પરંપરાના આ રાજસી અંદાજને અત્યાર સુધી શાહી સ્નાનના નામથી ઓળખવામાં આવતો. હવે સનાતન ધર્મના સૌથી મોટા આયોજનમાં આ બે શબ્દોને લઇ સંત સમાજ અને સનાતનધર્મી મોટો વાંધો દર્શાવી રહ્યા છે. આ બે શબ્દો છે - પેશવાઇ અને શાહી.
 
સનાતન ધર્મના ક્રિયાકલાપોમાં ઉર્દૂ અને ફારસી શબ્દોના થઇ રહેલા પ્રયોગનો વિરોધ ઉજ્જૈનથી શરુ થયો અને સંત નગરી હરિદ્વાર સુધી પહોંચી ચૂક્યો છે. અહીં મોટેભાગે અખાડાઓના મઠ અને મંદિર છે. અહીં તેમના આચાર્ય મહામંડલેશ્વર, મહામંડલેશ્વર, મંડલેશ્વર અથવા અન્ય પદાધિકારી સંત અને નાગા સંન્યાસી રહે છે. હરિદ્વારના સંતોએ એક સૂરમાં કહ્યું છે કે, `શાહી ' અને `પેશવાઇ' જેવા શબ્દો મુગલ સલ્તનતની યાદ અપાવે છે. આથી હિંદુ ધાર્મિક સંદર્ભોમાંથી ઉર્દૂ અને ફારસી જેવા શબ્દોને હટાવીને તેના સ્થાન પર હિંદી અને સંસ્કૃતના શબ્દોને પ્રચલિત કરવામાં આવે. અખાડા સમાજ પોતાના આ અભિયાનને લઇ એટલા ઉત્સુક છે કે તે આ મામલે તાત્કાલિક સાર્થક કાર્યવાહી કરવાની તૈયારીમાં જોડાયા છે. અખાડા સમાજ જાન્યુઆરી ૨૦૨૫માં પ્રયાગરાજ ખાતે આયોજિત થનારા મહાકુંભમાં પેશવાઇ અને શાહી શબ્દોનો પ્રયોગ નહીં કરવા માટે દ્રઢ સંકલ્પિત જોવા મળી રહ્યા છે. અખાડાઓના આ અભિયાનમાં અખિલ ભારતીય સંત સમિતિ અને કાશી વિદ્વત્ પરિષદ પણ સાથે જોડાયાં છે.
 
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ શ્રીમહંત રવિન્દ્રપુરી કુંભ સ્નાનના સમયે અખાડાઓની પરંપરામાં પ્રયોજવામાં આવતા શાહી અને પેશવાઇ શબ્દોના સ્થાને ક્રમશ `રાજસી' અને `છાવણી પ્રવેશ' જેવા શબ્દોને પ્રયોજવાની વાત કરે છે. તેમણે જણાવ્યું કે રાજસી સંસ્કૃતનો શબ્દ છે, જે સમૃદ્ધ સનાતની પરંપરાઓનું પ્રતીક છે. આ મામલે અખાડા પરિષદની સાથે અન્ય અખાડાઓના સંતોએ પણ સાથ આપ્યો છે. જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી યતીદ્રાનંદ ગિરિ જણાવે છે કે, સનાતન ધર્મમાં ઉર્દૂ, અરબી અને ફારસી ભાષાના શબ્દનો પ્રયોગ થવો જોઇએ નહીં. આહ્વાન અખાડાના મહામંડલેશ્વર અતુલેશાનંદજી મહારાજ કહે છે કે શાહી શબ્દ એક ઇસ્લામિક શબ્દ છે. સનાતન ધર્મમાં આવા એક પણ શબ્દનો પ્રયોગ થવો જોઇએ નહીં.
 
આ મામલે, આગામી દિવસોમાં અખાડામાં પરિષદની બેઠક પ્રયાગરાજમાં થઇ શકે છે જેમાં તમામ ૧૩ અખાડાઓના પ્રતિનિધિઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવશે. શબ્દોની પસંદગી પર અંતિમ મહોર લગાડ્યા બાદ, એક પ્રસ્તાવ જ્યાં કુંભ જેવા ધાર્મિક આયોજન થાય છે તે પ્રદેશના મુખ્યમંત્રી તેમજ ત્યાંના તમામ સ્થળોના વહીવટી અધિકારીઓને મોકલવામાં આવશે. અત્યારે તમામ અખાડાઓના સંતોને બોલચાલની ભાષા, બેનર કે પોસ્ટરમાં ઉર્દૂ, અરબી કે ફારસીના પ્રચલિત શબ્દોનો પ્રયોગ નહીં કરીને તેમના સ્થાને હિંદી, સંસ્કૃત શબ્દોનો પ્રયોગ કરવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
 
શ્રી નિરંજની અખાડાએ તો પોતાના મહામંડલેશ્વરો, મહંતો સહિત સમસ્ત સંતોને સ્પષ્ટપણે કહ્યું છે કે, તે બોલચાલમાં હિંદી, સંસ્કૃત કે અંગ્રેજી ભાષાના શબ્દોનો પ્રયોગ કરે. અખાડાઓની સાથે સંત સમાજ પણ જોડાયો છે. શ્રીરામ જન્મભૂમિતીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વરિષ્ઠ સભ્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી કહે છે કે, મુગલ શાસકોનો એક જ ઉદ્દેશ હતો કે ભારતમાં ઇસ્લામ ધર્મનો વ્યાપ વધારવો. આ માટે તેમણે હિંદુઓના ધર્મ, સંસ્કૃતિ તેમજ પરંપરાને નષ્ટ કરવાના તમામ પ્રયત્નો કર્યા હતા. તે દરેક વસ્તુનું ઇસ્લામીકરણ કરવા માગતા હતા. આપણી ધાર્મિક પરંપરાઓમાં ઉર્દૂ, ફારસી તેમજ અરબી શબ્દનો પ્રયોગ આ જ કારણથી પ્રચલનમાં આવ્યો. અંગ્રેજોના સમયમાં પણ આ શબ્દો પ્રચલિત થયા, પરંતુ હવે આ પ્રકારના શબ્દો બદલાવવા જોઇએ. આમ કરવાથી હિંદુ સમાજનું ગૌરવ વધશે. અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે, મુગલોના આક્રમણ સમયથી જ અખાડાઓની રચનાનો પ્રારંભ થયો હતો. મુગલ અરબી, ફારસી સમજતા હતા આથી તે કાળખંડમાં હિંદુઓના ધાર્મિક ઉત્સવો પર અરબી, ફારસી ભાષાએ છાપ છોડી, જે મુસ્લિમ શાસનકાળ બાદ અંગ્રેજોના સમયમાં પણ યથાવત્ રહી. ઇસ્લામિક કાળમાં ઉર્દૂ રાજભાષા હતી. અંગ્રેજોના સમયગાળા સુધી ફારસીનો પ્રયોગ થતો હતો. પરંતુ હવે આ પ્રયોજનો બદલાવાં જોઇએ. આચાર્ય જિતેન્દ્રાનંદ સરસ્વતી શાહી સ્નાન માટે રાજસી, અથવા દેવત્વ સ્નાન તો જૂના અખાડાના મહામંડલેશ્વર શૈલેશાનંદજી અમૃતસ્નાન, દિવ્ય સ્નાન જેવા નામોનું સૂચન આપી રહ્યા છે. સંતોનું કહેવું છે કે, શાહી સ્નાન તેમજ પેશવાઇ શબ્દને લઇ ભાષાવિદો પાસેથી પણ પરામર્શ લેવામાં આવશે અને અખાડા પરિષદની બેઠકમાં તેને પ્રસ્તુત કરવામાં આવશે ત્યારબાદ તમામ ૧૩ અખાડાઓના પ્રતિનિધિ મળીને અંતિમ નિર્ણય લેશે.
 

Mahakal Shahi Sawari words 
 
ઉજ્જૈન રાજા મહાકાલ
 
એવી માન્યતા છે કે, ઉજ્જૈનના રાજા મહાકાલ છે. આથી દર વર્ષે તેમની યાત્રા નિકાળવામાં આવે છે, આ યાત્રા સમગ્ર નગરનું ભ્રમણ કરે છે. માન્યતા છે કે, રાજા પોતાની પ્રજાને પોતાની આંખોથી જુએ છે. આ પરંપરા સેંકડો વર્ષો જૂની છે. આ જ કારણ છે કે ઉજ્જૈનમાં કોઇને રાજા તરીકે સ્થાપિત કરવામાં આવ્યા નથી. વિક્રમાદિત્ય પણ પોતાને રાજા માનતા નહીં. મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ઉજ્જૈનના રહેવાસી છે. તે ઉજ્જૈનમાં પોતાને રાજા માનતા નથી.
 
પ્રયાગરાજની મોટી સિદ્ધિ
 
૨૦૧૭થી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સરકાર સત્તામાં છે. સ્વતંત્રતા પછી ઇતિહાસમાં આ પ્રથમ અવસર હશે કે જ્યારે પ્રદેશમાં સનાતન ધર્મ અને સંસ્કૃતિ માટે અનુકૂળ વાતાવરણ છે. આ જ કારણથી પ્રયાગરાજને અત્યાર સુધી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઇ છે. સૌથી પહેલા ગંગાના પાવન તટ પર યોજાતા કુંભ મેળાને વ્યવસ્થિત રૂપ આપવા માટે ડિસેમ્બર, ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ મેળા પ્રાધીકરણની સ્થાપના થઇ. કુંભ અને અર્ધકુંભને નવું નામ આપવાની સાથે કહેવામાં આવ્યું કે હિંદુ દર્શનમાં કંઇપણ અધૂરું નથી અને વિશ્વના સૌથી મોટા હિંદુ સમાગમના સંદર્ભે અર્ધ શબ્દ યોગ્ય નથી. આથી જ અર્ધકુંભને કુંભ અને કુંભને મહાકુંભના નામથી ઓળખવામાં આવે છે.
 
ઓક્ટોબર ૨૦૧૮માં, તીર્થરાજ પ્રયાગનું ગૌરવ સ્થાપિત કરતા ઇલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું. ૨૦૧૯માં આયોજિત થયેલ કુંભ માટે પ્રથમ વાર ભવ્ય અને દિવ્ય શબ્દ જોડવામાં આવ્યો. જે હવે સામાન્ય રીતે પ્રચલિત થતો જોવા મળે છે. યુનેસ્કો દ્વારા કુંભને સાંસ્કૃતિક વારસા રૂપે માન્યતા પ્રાપ્ત થઇ છે. હિંદુજન માનસ પર આ બધાંનો એટલો પ્રભાવ પડ્યો કે, ૨૦૧૯માં કુંભ મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યાનો આંક ૨૪ કરોડને આંબી ગયો. માનવામાં આવી રહ્યું છે કે સાધુ - સંત અને અખાડા સમાજ પ્રયાગરાજ મહાકુંભ ૨૦૨૫ના પૂર્વે ઉર્દૂ, અરબી, ફારસી શબ્દોને હટાવવા માટે પ્રસ્તાવ પસાર કરશે તો યોગી સરકાર તેનો અમલ કરવામાં જરા પણ વિલંબ નહીં કરે. મહાકુંભ માટે ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ મકર સંક્રાંતિ, જ્યારે ૨૯ જાન્યુઆરી, મૌની અમાવસ્યા તેમજ ૩ ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના અવસરે રાજસી સ્નાનની તિથિ નિર્ધારિત થયેલી છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...