સેક્સ વર્કર્સના પ્રશ્નો સમજવાના ઉદ્દેશથી મૈસૂરમાં યોજાયું સંમેલન | અશોદય સમિતિના સંમેલનમાં 800 મહિલા જોડાઈ

23 Oct 2024 12:47:38

Ashodaya Samithi Mysore, Karnataka sex workers
 
 
અશોદય સમિતિએ મેસુરુ (કર્ણાટક)માં દલિત સેક્સ વર્કર બહેનો માટે સંમેલન યોજ્યું હતું, જેમાં 800 સેક્સ વર્કરે ભાગ લીધો હતો. અશોદયના આ કાર્યક્રમમાં ડિરેક્ટર લક્ષ્મી, સલાહકાર ડો. સુંદર સુંદરરામન અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ ભાગ લીધો હતો. સેક્સ વર્કર્સની સમસ્યાઓને સમજવા માટે કામ કરવાના હેતુથી આ કોન્ફરન્સ યોજાઈ હતી. 2004માં સ્થપાયેલી સંસ્થા સેક્સ વર્કર્સ માટે કામ કરે છે. અશોદય સમિતિનો મુખ્ય ઉદ્દેશ સેક્સ વર્કર્સમાં એચઆઈવી અટકાવવાનો અને સરકારી હોસ્પિટલોમાં સારવાર આપવાનો છે.
 
અશોદયા સમિતિ અને તેની ભૂમિકા:
 
અશોદયા સમિતિની સ્થાપના 2004માં થઈ હતી, એ એક સેક્સ વર્કર્સ દ્વારા સંચાલિત સંગઠન છે. આ સંગઠન મેસુર, મંડ્યા, કોડાગુ અને ચિકમગલુર જિલ્લામાં લગભગ 1,20,000 સેક્સ વર્કર્સ સાથે કામ કરે છે. આ મહિલાઓ નાનાં ગામડાઓમાંથી આવે છે અને મોટા શહેરોમાં કામ કરે છે.
 
અશોદયા સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય સેક્સ વર્કર્સમાં એચઆઈવી અટકાવવાનો અને તેમની સારવાર કરાવવાનો છે. છેલ્લા બે દાયકામાં, આ સંગઠને HIV દરને 25% થી ઘટાડીને 1% કરતા પણ ઓછો કરી દીધો છે. અશોદયા સભ્યતાની લગભગ 50% મહિલાઓ દલિત સેક્સ વર્કર્સ છે, જે અત્યંત ગરીબ છે. તેઓને સેક્સ વર્કર્સ તરીકે જ નહીં, પણ દલિત મહિલાઓ તરીકે અનેક સમસ્યા અને ભેદભાવનો સામનો કરવો પડે છે, અને જો તેઓ HIV પોઝિટિવ હોય તો આ સમસ્યા અનેક ગણી થઈ જાય છે.
 

Ashodaya Samithi Mysore, Karnataka sex workers 
સેક્સ વર્કર્સેની મુખ્ય સમસ્યાઓ
 
સમ્મેલનમાં દલિત સેક્સ વર્કર્સે પોતાની સમસ્યાઓની રજૂઆત કરી હતી. જેમ કે તેમની પાસે જરૂરી દસ્તાવેજો જ નથી. અનેક મહિલાઓ પાસે આધાર કાર્ડ તો છે પણ રાશન કાર્ડ, હેલ્થ કાર્ડ, આયુષ્માન ભારત તથા ગૃહલક્ષ્મી યોજના જેવા દસ્તાવેજો નથી, જેના કારણે સરકારની યોજનાઓનો લાભ તેમને મળી શકતો નથી. એચઆઈવી સાથે જીવન જીવવું અઘરું પડે છે. સરકારી દવા તો તેમને મળી રહે છે પણ જીવનનિર્વાહ ચલાવવો અઘરો પડી રહ્યો છે. આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. બાળકોને ભણાવવાનો ખર્ચ, શિક્ષણ ખર્ચ ક્યાંથી મેળવવો એ પ્રશ્ન છે. જેમની ઉમર વધારે છે તેમનામાં વ્યવસાયિક કૌશલનો વિકાસ કરવો જરૂરી છે કે જેના સહારે આગળનું જીવન જીવી શકે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પણ પોલીસ અને અધિકારીઓની હેરાનગતિ રહે છે. જેના કારણે ભયનો માહોલ રહે છે. અશોદય સમિતિ તેમના માટે મજબૂત આધાર સ્તંભ છે અને તેમનું પ્રતિનિધિત્વ પણ કરે છે.
 

Ashodaya Samithi Mysore, Karnataka sex workers 
કિશોરભાઈ મકવાણાની પહેલ
 
કિશોરભાઈ મકવાણાએ દલિત સેક્સ વર્કર્સની સમસ્યાઓને સમજવા માટે તેમના વિસ્તારમાં જઈને તેમની વાસ્તવિક સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. અહીં પહોંચીને તેમણે જોયુ કે દલિત સેક્સ વર્કર્સની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. મોટાભાગની મહિલાઓ પાસે આયુષ્માન ભારત, રાશન કાર્ડ અથવા અન્ય આવશ્યક દસ્તાવેજો પણ નથી, જેના કારણે તેઓ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોશોરભાઈએ અહીંના જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી અને તેમણે જિલ્લા અધિકારીઓને તાત્કાલિક સેક્સ વર્કર્સની સમસ્યાઓનો ઉકેલવા જણાવ્યું હતું. તેમણે અશોદયા અને જિલ્લા કલેક્ટર ઓફિસ વચ્ચે એક ઈન્ટરફેસ બનાવવા માટે યોજના બનાવી, જેના માધ્યમથી આ મહિલાઓને તેમના અધિકારોનો લાભ મળી શકે.
 

Ashodaya Samithi Mysore, Karnataka sex workers 
800 દલિત સેક્સ વર્કર્સે ભાગ લીધો હતો
 
19 ઓક્ટોબર 2024 ના રોજ મેસુર શહેરમાં આ સંમેલન યોજાયું હતું, જેમાં 800 દલિત સેક્સ વર્કર્સે ભાગ લીધો હતો. આ સમારંભમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા, અશોદયા ની કાર્યક્રમ નિર્દેશક શ્રીમતી લક્ષ્મી અને સલાહકાર ડો. સુંદર સુન્દરરામન ઉપસ્થિત રહ્યા. સંમેલન દરમિયાન કિશોરભાઈએ મહિલાઓને સંબોધન કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા મહિલાઓ અને દલિતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, આ મહિલાઓને પણ તેનો લાભ મળશે. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આપેલા ન્યાય અને અધિકારોનો પણ ઉલ્લેખ કર્યો, અને જણાવ્યું કે આ અધિકારો આ મહિલાઓને પણ મળવા જોઈએ.
 
આગળની યોજનાઓ
 
કિશોરભાઈએ મહિલાઓને ખાતરી આપી કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દલિત સેક્સ વર્કર્સના સામાજિક અને આર્થિક ઉદ્ધાર માટે ગંભીરતા પૂર્વક પ્રયાસો કરશે. તેમણે કહ્યું કે એક સિંગલ વિન્ડો સુવિધા ડેસ્ક સ્થાપિત કરવામાં આવશે, જ્યાં સરકારી અધિકારીઓ અઠવાડિયામાં ત્રણ દિવસ આવશે અને જરૂરી દસ્તાવેજો અને સેવાઓ પ્રાપ્ત કરવામાં મહિલાઓની મદદ કરશે. આ ઉપરાંત, કુશળ તાલીમ અને ઉદ્યમશીલતા વિકાસ માટે પણ જરૂરી પગલાં લેવામાં આવશે, જેથી મહિલાઓ તેમના જીવન માટે વૈકલ્પિક સાધનો વિકસાવી શકે.
 
નિષ્કર્ષ
 
આ પ્રવાસ ફક્ત દલિત સેક્સ વર્કર્સની સમસ્યાઓને સમજવાનો જ નહોતો, પણ તેમના માટે એક મજબૂત અને સુરક્ષિત ભવિષ્યની દિશામાં પ્રયત્નો કરવાનો હતો. કિશોરભાઈ મકવાણાની આ પહેલથી આશા છે જન્મી છે કે આ મહિલાઓને તેમના અધિકારોનો પુરો લાભ મળશે અને તેમનો સામાજિક અને આર્થિક ઉદ્ધાર પણ થશે.
Powered By Sangraha 9.0