Shailputri Jivan Katha | જગદંબા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં 'શૈલીપુત્રી' નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં તેઓ પુત્રી રૂપે અવતરેલ, તેને કારણે તેમનું નામ ‘શૈલપુત્રી' પડ્યું હતું. માતા શૈલપુત્રી દ્વિભુજાવાળાં છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર શોભી રહ્યો છે. તેમનું વાહન વૃષભ છે.
वन्दे वाच्छितलाभाय चन्द्रार्धकृतशेखराम |
वृषारुढां शूलधरां शैलपुत्री यशस्विनीम||
શૈલપુત્રીની જીવનગાથા | Shailputri Jivan Katha
હિમાલયને ત્યાં અવતર્યાં, તે પહેલાં એટલે કે પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યાં હતાં. તે સમયે તેમનું નામ સતી હતું. તેમનો વિવાહ ભગવાન શિવજી સાથે થયો હતો. એકવાર બધા મુનિઓએ પ્રયાગમાં એક મોટો યજ્ઞ કર્યો હતો. બ્રહ્માજી તેમજ શિવજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં દક્ષનું આગમન થતાં શિવજી સિવાય સૌએ દક્ષને વંદન કર્યા- માન આપ્યું, તેથી પ્રજાપતિ દક્ષ શિવજી ઉપર નારાજ થઈ ક્રોધિત થયા અને શિવજીનો તિરસ્કાર કર્યો.
થોડા સમય પછી પ્રજાપતિ દક્ષે કનખલ ખાતે એક મોટા યજ્ઞની શરૂઆત કરી. તે યજ્ઞમાં સઘળા દેવો, મુનિઓ, મહાત્માઓ, વિદ્વાનો તથા બ્રહ્મા તથા વિષ્ણુને પણ તેડાવ્યા, પણ શિવજીને તેણે આમંત્રણ પણ આપ્યું નહિ, એટલે કે બધા દેવતાઓને પોતપોતાનો યજ્ઞભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યાં, પરંતુ તેણે શિવજીને યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા.
સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતાજી દક્ષ એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઊઠયું. તેમણે પોતાની આ ઇચ્છા શિવજીને જણાવી. સઘળી વાતનો વિચાર કર્યા પછી શિવજીએ સતીને કહ્યું કે, “તમારા પિતાજી દક્ષ કોઈ કારણવશ આપણાથી નારાજ છે. તેમણે પોતાના યજ્ઞમાં બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે. તેમના યજ્ઞભાગ પણ તેમને સમર્પિત કર્યા છે, પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી. કોઈ સૂચના પણ મોકલી નથી. આવી સ્થિતિમાં ત્યાં તમારું જવું કોઈપણ રીતે હિતકારક નથી.” શિવજીએ સતીને આમ જણાવ્યા છતાં તેઓ પિતાનો યજ્ઞ જોવા, ત્યાં જઈને માતા તથા બહેનોને મળવાની તેમની વ્યાકુળતા રોકી શક્યા નહિ. તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી.
પ્રજાપતિ દક્ષના યજ્ઞસ્થાને પહોંચીને સતીએ જોયું કે કોઈપણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું. કેવળ તેમની માતાએ તેમને સ્નેહથી બોલાવ્યા. બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા. કુટુંબીજનોના આ વ્યવહારથી તેમને ખૂબ દુઃખ થયું. તેમણે ચારે તરફ દ્રષ્ટિ નાખી જોયું તો ભગવાન શિવજી પ્રત્યે તિરસ્કાર છવાયેલો જોવા મળ્યો. દક્ષે સતીને અપમાનજનક વચનો પણ કહ્યાં. આ બધું જોઈને સતીનું હૃદય ક્રોધ, ક્ષોભ અને ગ્લાનિથી તપી ઊઠયું. તેમણે વિચાર્યું કે 'મેં શિવજીની વાત નહિ માનીને મોટી ભૂલ કરી છે.' સતી ભગવાન શિવજીના થતાં અપમાનને સહી ન શક્યાં. તેમણે દક્ષ થકી ઉત્પન્ન થયેલ દેહને બાળી નાખવાનો નિર્ણય કર્યો. પછી તેમણે યોગમાર્ગમાં પ્રવેશ કરી યોગાગ્નિથી પોતાના દેહને બાળીને ભસ્મ કરી નાખ્યો.
ભગવાન શિવજીને આ દુઃખદ ઘટનાની જાણ થઈ. તેમણે ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી દક્ષના તે યજ્ઞનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો.
સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના દેહને બાળીને પર્વતરાજ હિમાલયની પુત્રી રૂપે નવો જન્મ લીધો. અહીં તેઓ ‘શૈલપુત્રી’નામે જાણીતાં થયાં. 'શૈલપુત્રી'નો વિવાહ પણ ભગવાન શિવજી સાથે જ થયો. પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ ભગવાન શિવજીનાં અર્ધાંગના બન્યાં હતાં.
નવરાત્રીના પ્રથમ દિવસે યોગીઓ પોતાના મનને ‘મૂળાધાર'ના ચક્રમાં સ્થિત કરે છે. અહીંથી જ તેમની યોગસાધનોનો પ્રારંભ થાય છે. નવરાત્રી-પૂજનમાં પ્રથમ દિવસે જ દેવી શૈલપુત્રીનું પૂજન તથા ઉપાસના કરવામાં આવે છે.